શૅરબજાર જગજાહેર કારણોસર કરેક્શનના તબક્કામાં છે, છતાં હાલ ચર્ચાના કેન્દ્રમાં NSEનો IPO (વાસ્તવમાં ઑફર ફૉર સેલ) છે. એની અસર સમગ્ર માર્કેટ પર આગમન પૂર્વે જ થઈ છે અને હજી થશે. રોકાણકારોએ ચોક્કસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ની ઑફર ૧૭ સપ્ટેમ્બરે ખૂલવાની અને ૨૧ સપ્ટેમ્બરે બંધ થવાની જાહેરાત થઈ ગઈ છે, અેના શૅરની પ્રાઇસ બેન્ડ ૧૭૦૦-૧૭૮૫ રૂપિયા નક્કી થઈ ગઈ છે. નાના-મોટા રોકાણકારોમાં ઉત્તેજના વધી રહી છે. એક તો નંબર-વન સ્ટૉક એક્સચેન્જનો ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO); બીજું, જાયન્ટ કદનો; ત્રીજું, એક્સચેન્જ નવી ઇક્વિટી ઇશ્યુ કરી રહ્યું નથી; ચોથું, લાંબા ગાળાની વૃદ્ધિનો આશાવાદ; પાંચમું, એક્સચેન્જ ઑફર ફૉર સેલ કરી રહ્યું છે જેથી ઇશ્યુનું ફન્ડ એક્સચેન્જમાં જમા નહીં થાય બલકે શરૂઆતના પાયાના સંસ્થાકીય રોકાણકારોને જશે જેમાં અગ્રણી સંસ્થાઓ સામેલ છે. આ સંસ્થાઓ પણ હાલ ચર્ચામાં છે, કારણ કે અમુક પૈસામાં જ ખરીદેલા આ એક્સચેન્જના લાખો શૅરોના હાલ તેમને કરોડો રૂપિયા મળવાના છે. ૩૦ વર્ષ પછી મોટી લૉટરી લાગી કહી શકાય. આ સંસ્થાઓમાં જનરલ ઇન્શ્યુરન્સ કૉર્પોરેશન, ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સ, નૅશનલ ઇન્શ્યુરન્સ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ અને ઓરિયેન્ટલ ઇન્શ્યુરન્સનો સમાવેશ થાય છે. માત્ર પૈસામાં ગણાય એવી રકમમાં ખરીદેલા આ શૅર્સ હવે શૅરદીઠ મહત્તમ ૧૭૮૫ રૂપિયાના ભાવે વેચાશે, અેમની સંસ્થાઓનો નફો આશરે ૭૦૦૦ કરોડ રૂપિયાનો અંદાજાય છે. અેના અનલિસ્ટેડ શૅરના ભાવ ૧૮૦૦ રૂપિયા આસપાસ બોલાય છે, અગાઉ આ ભાવો ૨૨૦૦-૨૩૦૦ સુધી પણ બોલાતા હતા, અમુક ખાનગી હાઈ નેટવર્થ બાયર્સ દ્વારા અેમાં સોદા થતા રહ્યા હતા.
અલૉટમેન્ટ ન મળે તો...
ADVERTISEMENT
કહેવાય છે કે ઇન્વેસ્ટર્સ અલૉટમેન્ટમાં શૅર ન મળે તો લિસ્ટિંગ બાદ પણ ખરીદવા ઉત્સુક છે અને લાંબા ગાળા માટે રાખી મૂકવા રાજી છે, કેમ કે માર્કેટના નિષ્ણાતો આ શૅરને લાંબી રેસનો ઘોડો માને છે. નાના રોકાણકારો નાની ક્વૉન્ટિટીમાં શૅર જમા કરી શકે. મજાની વાત એ છે કે આ ઇશ્યુ બાદ માર્કેટમાં ઘણાને અસર થવાની છે જેમ કે BSE પર આ શૅર લિસ્ટેડ થવાનો હોવાથી BSEને અેના ટર્નઓવરનો લાભ મળશે. સંસ્થાઓ ઉપરાંત વિદેશી ફન્ડ્સ દ્વારા પણ આ શૅર જમા કરાયા હતા, તેમને પણ લિસ્ટિંગ બાદ નાણાં છુટાં કરવાનો અને નવી ખરીદીનો પણ લાભ મળશે. ખાસ કરીને લિસ્ટિંગ બાદ પ્રવાહિતાને પરિણામે સોદા વધતા રહેશે. બે એક્સચેન્જ વચ્ચેની સ્પર્ધા વધશે જેની અસરે નવા ડેવલપમેન્ટ આકાર પામ્યા કરશે. લિસ્ટિંગ બાદ પારદર્શકતા વધશે એ પણ નોંધવું રહ્યું. આ લિસ્ટિંગને પગલે જે વૅલ્યુએશન NSE પ્રાપ્ત કરશે એના આધારે અે માર્કેટકૅપની દૃષ્ટિએ વિશ્વનું પાંચમું વિશાળ એક્સચેન્જ બની જવાની ધારણા છે. આ સાથે ગિફ્ટ સિટીમાં પણ NSEનાં સાહસોની ગતિવિધિ વધી શકે. ઇન શૉર્ટ, ફાઇનૅન્સિયલ માર્કેટમાં કે એક્સચેન્જ ઇન્ડસ્ટ્રીમાં નવાં પરિમાણો આકાર પામશે.
ગ્રે માર્કેટનાં પ્રીમિયમ
NSEના શૅર માટે ગ્રે માર્કેટ (બિન-સત્તાવાર બજાર)માં પ્રીમિયમ પણ ઊંચા ગયા છે જે અગાઉ શૅરદીઠ ૧૫૦થી ૧૮૦ રૂપિયા હતા અે વધીને ૨૫૦-૨૮૦ રૂપિયા થયા. અનલિસ્ટડે માર્કેટમાં અેના ભાવ ૧૯૦૦ રૂપિયા ઉપર બોલાતા હતા જેમાં દિવસો નજીક આવતાં સતત બદલાવ આવતા રહેશે. એક્સચેન્જના IPOનું કદ ૨૩,૦૦૦ કરોડ રૂપિયા ઉપર થઈ જવાનો અંદાજ પણ છે.
ડીમૅટ અકાઉન્ટ્સની બોલબાલા
NSEના IPOની અસરરૂપે ડીમૅટ અકાઉન્ટ્સની માર્કેટ પણ વધી છે. માત્ર NSE જ નહીં, પરંતુ અન્ય આવેલા અને આવી રહેલા ઇશ્યુઝની અસરે તાજેતરના મહિનાઓમાં ૩૨ લાખ નવા ડીમૅટ અકાઉન્ટ્સ બન્ને ડિપૉઝિટરી (NSDL અને CDSL)માં ખુલ્યાં છે. હાલ કુલ ડીમૅટ અકાઉન્ટ્સની સંખ્યા ૨૩ કરોડ ઉપર પહોંચી હોવાનું નોંધાયું છે. જિયો પ્લૅટફૉર્મનો આવનારો IPO પણ ડીમૅટ અકાઉન્ટ્સ વધારવામાં કારણ બનશે. અત્યારે તો સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સમાં વધેલું આકર્ષણ પણ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ માટે નિમિત્ત બની રહ્યું છે. NSE માટે બહુ મોટા વર્ગે નાણાંની થેલી તૈયાર રાખી છે. લોકો ધિરાણ લઈને પણ અરજી કરવાના. જોકે ઘણા લોકોનું રોકાણ માત્ર લિસ્ટિંગ લાભ લેવા માટે હશે. આ ઘટના બાદ રિલાયન્સ ગ્રુપનો જિયો પ્લૅટફૉર્મનો મેગા ઇશ્યુ પણ કતારમાં છે જેની પણ બજારને પ્રતિક્ષા છે.
જોખમી પરિબળો સમજી રાખવાં જરૂરી
જોકે હાલ ખાટલે મોટી ખોડ એ છે કે ક્રૂડ નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. અમેરિકા-ઈરાન તનાવને લીધે ગલ્ફ તરફથી ક્રૂડ સપ્લાયમાં અવરોધ ઊભા થવાની શક્યતા છે. નબળો રૂપિયો, મોંઘવારી, અમેરિકન બૉન્ડ્સ યિલ્ડ (વળતર), ફૉરેન ઇન્વેસ્ટર્સની ફરી વેચવાલી અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણસર આપણી માર્કેટમાં કરેક્શનનો દોર ફરી વધ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી નોંધપાત્ર નીચે ઊતર્યા બાદ પણ હજી કરેક્શનનો ભય માથે છે, કેમ કે સંજોગો નકારાત્મક બન્યા છે. જોકે ગુરુવારે કરેક્શન અટકીને સાધારણ રિકવરી થઈ હતી. અલબત્ત, વર્તમાન સંજોગોની અસર તાજેતરના IPO પર પડી શકે છે. સ્થાનિક સંસ્થાઓ ખરીદી કરતી રહી છે એ મોટું આશ્વાસન છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સનો ટેકો પણ છે, પરંતુ માહોલ સેન્ટિમેન્ટને બગાડનારો ગણાય. દેશ પર ડૉલરનું અને આયાતનું દબાણ સતત વધતું રહ્યું છે. આ સિચુએશન હજી કેટલો સમય ચાલશે એ કહેવું-સમજવું કઠિન જણાય છે. આ તમામ પરિબળો પર નજર રાખવી જરૂરી બને છે.
માર્કેટના અનુભવીઓ કહે છે કે સેન્સેક્સ હાલ ડિસેમ્બર ૨૦૨૫ની ૮૬,૧૫૯ પૉઇન્ટની ઑલ ટાઇમ હાઈ સપાટીથી ૧૩ ટકા નીચે આવી ગયો છે જેને ખરીદીની તક બનાવી શકાય, લૉન્ગ ટર્મ માટે ધીમે-ધીમે નીચી સપાટીએ ખરીદી કરતા રહેવામાં શાણપણ ગણાય. SIP વધારી શકાય અને લમસમ પણ રોકાણ કરી શકાય. અલબત્ત, બજાર હજી ઘટી શકે એવી માનસિક તૈયારી રાખવી જરૂરી.
-જયેશ ચિતલિયા
