Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ખાદ્ય તેલોમાંથી બાયોડીઝલ સ્વરૂપે ફ્યુઅલ બનાવવાની દોડ : મોંઘાં તેલ ખાવા તૈયાર રહેજો

ખાદ્ય તેલોમાંથી બાયોડીઝલ સ્વરૂપે ફ્યુઅલ બનાવવાની દોડ : મોંઘાં તેલ ખાવા તૈયાર રહેજો

20 March, 2023 06:02 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ઇન્ડોનેશિયાએ પામતેલ નિકાસ કરવાને બદલે બાયોડીઝલ બનાવીને ફ્યુઅલમાં ૩૫ ટકા ભેળવવાનું ચાલુ કર્યું: બ્રાઝિલે એપ્રિલથી સોયાતેલમાંથી બનતા બાયોડીઝલને ફ્યુઅલમાં ૧૨ ટકા ભેળવવાનું ફરજિયાત કર્યું

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


આર્થિક સમૃદ્ધિની હોડમાં હવે આધુનિકતાએ પરાકાષ્ઠારૂપી પ્રગતિ કરી છે ત્યારે દરેક દેશ પ્રગતિ માટે વૈશ્વિક હિતોનું હનન કરીને આધુનિકતાની દોડમાં આગળ વધી રહ્યો છે. 

ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વના અનેક દેશોનાં ઍગ્રિકલ્ચર પ્રોડક્શનની સ્થિતિ વધુ ને વધુ ડામાડોળ બની રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે એનર્જી ક્રાઇસિસ અનેક દેશોમાં વધી છે. 



ગ્લોબલ વૉર્મિંગ અને એનર્જી ક્રાઇસિસને કારણે મોંઘવારી એની મહત્તમ ઊંચાઈએ પહોંચી છે, એને નાથવા દરેક દેશની સેન્ટ્રલ બૅન્કો વ્યાજદર વધારીને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહી છે એવા વખતે અમેરિકાની સિલિકૉન વૅલી, સિગ્નેચર બૅન્ક તેમ જ યુરોપની ક્રેડિટ સ્યુઝ બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની કાચી પડવાની સ્થિતિ સુધી પહોંચી હોવાના સમાચારોથી હાલ વિશ્વ લેવલે આર્થિક કટોકટી વધી છે. 


વિશ્વ હજી કોરોનાના કાળચક્રમાંથી બહાર નીકળી શક્યું નથી ત્યાં આર્થિક કટોકટીની સ્થિતિનો સામનો કરવાનો સમય આવી ચૂક્યો છે.

એનર્જી ક્રાઇસિસનો સામનો કરવા બાયોડીઝલનું ઉત્પાદન 


એનર્જી ક્રાઇસિસને નિવારવા જે દેશો તેલીબિયાં અને ખાદ્ય તેલોનું જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન કરે છે એ દેશોએ હવે ખાદ્ય તેલોમાંથી બાયોડીઝલ સ્વરૂપે ફ્યુઅલ બનાવવાની હોડ લગાવી છે અને એને કારણે આગામી બે-ત્રણ વર્ષમાં વિશ્વમાં તેલીબિયાં-ખાદ્ય તેલોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચવાના સંકેતો મળી રહ્યા છે. ભારતમાં હજી એક વર્ષ અગાઉ પ્રતિ કિલો ૬૦થી ૮૦ રૂપિયામાં મળતાં ખાદ્ય તેલો ૧૮૦થી ૨૦૦ રૂપિયા સુધી મોંઘાં થયાં હતાં, પણ ત્યાર બાદ હાલ ખાદ્ય તેલોના ભાવ ઊંચા મથાળેથી થોડા ઘટ્યા છે, પણ ફરી ખાદ્ય તેલો મોંઘાં થવાના સંકેતો મળી રહ્યા છે. 

પામતેલમાંથી બાયોડીઝલ બનાવવાની હોડ 

વિશ્વમાં ૩૮ ટકા લોકો પામતેલ ખાય છે અને પામતેલનું સૌથી મોટું ઉત્પાદન ઇન્ડોનેશિયા અને ત્યાર બાદ મલેશિયા કરી રહ્યા છે. આ બન્ને દેશો વિશ્વના લગભગ તમામ દેશોને પામતેલની નિકાસ કરી રહ્યા છે. પ્રતિ હેક્ટર ૬૦૦૦થી ૭૦૦૦ કિલો પામતેલનું ઉત્પાદન થતું હોવાથી અન્ય ખાદ્ય તેલોની સરખામણીમાં પામતેલ સૌથી સસ્તું છે, કારણ કે અન્ય ખાદ્ય તેલોનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ૫૦૦થી ૨૦૦૦ કિલો છે. વિશ્વના તમામ દેશોમાં અને ભારતમાં અન્ય ખાદ્ય તેલો કરતાં પામતેલ હંમેશાં સસ્તું પડે છે આથી જ ભારતમાં પામતેલનું ઉત્પાદન બહુ જ નજીવું થતું હોવા છતાં ભારતમાં ખાદ્ય તેલોના કુલ વપરાશમાં ૪૮ ટકા પામતેલ વપરાય છે, જે આપણે દર વર્ષે ઢગલાબંધ આયાત કરીએ છીએ અને દર વર્ષે અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ એના માટે વપરાય છે.

આ પણ વાંચો:  ફેબ્રુઆરીમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યા બાદ ફરી ઘટ્યું

ખેર, ઇન્ડોનેશિયા દર વર્ષે ૪૮૦ લાખ ટન પામતેલનું ઉત્પાદન કરે છે. ઉત્પાદનનું ૬૦થી ૭૦ ટકા પામતેલ ઇન્ડોનેશિયા નિકાસ કરે છે. આથી ઇન્ડોનેશિયાએ હવે પામતેલની નિકાસ કરવાને બદલે એમાંથી બાયોડીઝલ બનાવીને ફ્યુઅલમાં ફરજિયાત ભેળવણી કરવાનો નિયમ કર્યો છે. ૨૦૨૦માં ઇન્ડોનેશિયાએ પામતેલમાંથી બનતા બાયોડીઝલની રેગ્યુલર ફ્યુઅલમાં ૩૦ ટકા ભેળવણી ફરજિયાત બનાવી હતી એ હવે વધારીને ફેબ્રુઆરીથી ૩૫ ટકા કરી છે. ઇન્ડોનેશિયા આગામી બે વર્ષમાં ૫૦ ટકા ભેળવણી ફરજિયાત બનાવવા માગે છે, જેને કારણે ઇન્ડોનેશિયાનું પામતેલ ભારત કે અન્ય દેશોને ઓછું મળશે. મલેશિયા પણ ઇન્ડોનેશિયાની રાહે પામતેલમાંથી બનતા બાયોડીઝલની ભેળવણી ટૂંક સમયમાં ૨૦ ટકા ફરજિયાત કરશે. 

ઇન્ડોનેશિયા અને મલેશિયા પામતેલમાંથી બાયોડીઝલ બનાવીને એનો ફ્યુઅલ તરીકે વાહનો ચલાવવામાં ઉપયોગ કરશે એ જ રીતે અમેરિકા, બ્રાઝિલ અને આર્જેન્ટિનાએ પણ સોયાતેલમાંથી બાયોડીઝલ બનાવીને એનો ફ્યુઅલ તરીકે વાહનો ચલાવવામાં ઉપયોગ વધાર્યો છે અને હજી વધારશે. અમેરિકામાં સોયાતેલનું જે ઉત્પાદન થાય છે એમાંથી ૫૦ ટકા સોયાતેલમાંથી બાયોડીઝલ બને છે અને એનો ફ્યુઅલ તરીકે વાહન ચલાવવામાં ઉપયોગ થાય છે. અમેરિકા જે સોયાબીનનું ઉત્પાદન કરે છે એમાંથી ૪૦થી ૫૦ ટકા નિકાસ કરે છે. હવે સોયાબીન નિકાસ કરવાને બદલે એમાંથી બાયોડીઝલ બનાવીને ફ્યુઅલમાં ભેળવી વાહનો ચલાવવામાં ઉપયોગ કરાશે. 

સોયાતેલમાંથી બાયોડીઝલની બનાવટ 

વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ અને આર્જેન્ટિના સોયાબીનના સૌથી મોટા ઉત્પાદન કરનારા દેશો છે. આ ત્રણેય દેશો તેમની જરૂરિયાત કરતાં અનેકગણું વધારે સોયાબીનનું ઉત્પાદન કરીને એની નિકાસ કરે છે. આર્જેન્ટિના સોયાબીનનું પ્રોસેસ કરીને સોયાતેલ અને સોયા ખોળ બનાવીને નિકાસ કરે છે. સોયાતેલ અને સોયા ખોળની નિકાસમાં આર્જેન્ટિના વિશ્વમાં સૌથી પહેલો ક્રમ ધરાવે છે. બ્રાઝિલ અને આર્જેન્ટિના પણ સોયાતેલમાંથી બાયોડીઝલ બનાવવામાં અગ્રેસર છે. બ્રાઝિલે હજી બે દિવસ અગાઉ જ નિર્ણય લીધો હતો કે સોયાતેલમાંથી બનતા બાયોડીઝલની રેગ્યુલર ફ્યુઅલ સાથે ૧૨ ટકા ભેળવવાનું એપ્રિલથી ફરજિયાત બનશે, જે અત્યારે ૧૦ ટકા કરશે. ૨૦૨૪માં આ ભેળવણી ૧૩ ટકા ફરજિયાત રહેશે અને ૨૦૨૫માં ૧૪ ટકા અને ૨૦૨૬માં ૧૫ ટકા ભેળવવાનું ફરજિયાત બનશે. 

ભારતમાં ખાદ્ય તેલો વધુ ને વધુ મોંઘાં થશે 

વિશ્વમાં ખાદ્ય તેલોમાંથી બાયોડીઝલ બનાવીને એનો ફ્યુઅલ સાથે ઉપયોગ વધારવાની સૌથી વધુ અસર ભારતને થશે, કારણ કે વિશ્વમાં ખાદ્ય તેલોનું સૌથી મોટું આયાતકાર ભારત છે. હાલ ભારતની ૨૨૫ લાખ ટનની ખાદ્ય તેલોની વાર્ષિક જરૂરિયાતમાંથી આપણે ૧૪૫થી ૧૫૦ લાખ ટન એટલે કે ૭૦ ટકા ખાદ્ય તેલો આયાત કરી રહ્યાં છે. ભારત દર વર્ષે ૮૦થી ૮૫ લાખ ટન પામતેલ ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત કરે છે, જ્યારે ૩૫થી ૪૦ લાખ ટન સોયાતેલ આર્જેન્ટિના અને બ્રાઝિલથી આયાત કરે છે અને ૩૦થી ૩૫ લાખ ટન સનફલાવર ઑઇલ રશિયા અને યુક્રેનથી આયાત કરે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા પામતેલની નિકાસ કરવાને બદલે બાયોડીઝલ બનાવીને એનો ફ્યુઅલ તરીકે ઉપયોગ વધારશે આથી પામતેલ મોંઘું બનવાનું છે. ગયા વર્ષે ઇન્ડોનેશિયાએ માત્ર ત્રણ સપ્તાહ માટે પામતેલની નિકાસ બંધ કરી એ વખતે ભારતમાં ખાદ્ય તેલોના ભાવ રાતોરાત ત્રણ ગણા વધી ગયા હતા. આવી સ્થિતિ હવે વારંવાર આવશે. આર્જેન્ટિના અને બ્રાઝિલ સોયાતેલમાંથી બાયોડીઝલના વપરાશ વધારી રહ્યા છે આથી બન્ને દેશોમાંથી સોયાતેલ ભારતને ઓછું મળશે અથવા મોંઘું મળશે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૩ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે આથી રશિયા અને યુક્રેનથી સનફલાવર ઑઇલની સપ્લાય પણ વારંવાર ખોરવાતી રહે છે અને ભાવ વારંવાર ઊંચા રહે છે. આમ, બાયોડીઝલ બનાવવાની હોડ ભારતીય આમપ્રજાને સૌથી વધુ દઝાડશે.  

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2023 06:02 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK