ડિફેન્સ શૅરમાં પ્રારંભિક મજબૂતી ટકી ન શકી: e2Eના ઇશ્યુમાં પ્રથમ દિવસે તગડો રિસ્પૉન્સ મળતાં પ્રીમિયમ ઊછળીને ૧૪૫ થઈ ગયું
પ્રતીકાત્મક તસવીર
રેલવે શૅરમાં ફૅન્સીના તાલમાં જેને રેલવે સાથે નામ સિવાય ખાસ નિસબત નથી એ કે ઍન્ડ આર રેલ એન્જિનિયરિંગ પણ ૨૦ ટકા ઊછળી : તાજેતરમાં નવાં બૉટમ બનાવ્યા પછી સાસ્કેન તથા સેન્સિસ ટેક્નો સતત મજબૂતીમાં : ડલ માર્કેટમાં MCX નવા બેસ્ટ લેવલ સાથે ૧૧,૦૦૦ની પાર : હિન્દુસ્તાન ઝિન્ક, વેદાન્તા, નાલ્કોમાં નવી ઊંચી સપાટી સાથે આગેકૂચ: મુંબઈની નૉલેજ મરીનમાં નુવામા બુલિશ : ડિફેન્સ શૅરમાં પ્રારંભિક મજબૂતી ટકી ન શકી: e2Eના ઇશ્યુમાં પ્રથમ દિવસે તગડો રિસ્પૉન્સ મળતાં પ્રીમિયમ ઊછળીને ૧૪૫ થઈ ગયું
મોટા ભાગનાં અગ્રણી વૈશ્વિક શૅરબજાર નાતાલની રજામાં છે. એશિયા ખાતે ગઈ કાલે જપાન, સાઉથ કોરિયા તથા તાઇવાન અડધા ટકા આસપાસ તો ચાઇના નહીંવત્ સુધર્યું હતું. બાકી બધે રજા હતી. યુરોપ પણ હૉલિડે પર ગયું છે. બ્રૅન્ટક્રૂડ ૬૨ ડૉલર ઉપર ટકેલું છે. પોણાથી એક ટકાની આગેકૂચમાં હાજર અને વાયદામાં સોનું ૪૫૦૦ ડૉલરની પાર નવા બેસ્ટ લેવલે તો ચાંદી પોણાપાંચના ઉછાળે ૭૫ ડૉલરની પાર નવી ટોચે પહોંચી ગઈ છે. પ્લેટિનમ પાંચ ટકાની તેજીમાં ૨૩૭૦ ડૉલરની નવી વિક્રમી સપાટીએ જોવાયું છે. બિટકૉઇન પોણાબે ટકા જેવો સુધરી રનિંગમાં ૮૮,૮૦૨ ડૉલર ચાલતો હતો પાકિસ્તાની શૅરબજાર ૧૪૫૭ પૉઇન્ટ વધીને ૧,૭૨,૨૮૭ રનિંગમાં જોવાયું છે. મતલબ કે ત્યાં નવી ટૉપ એકદમ નજીક છે.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૮૪ પૉઇન્ટ નરમ, ૮૫,૨૨૫ ખૂલી છેક સુધી માઇનસમાં રહીને અંતે ૩૬૭ પૉઇન્ટના ઘટાડે ૮૫,૦૪૧ તથા નિફ્ટી લગભગ ૧૦૦ પૉઇન્ટની નબળાઈમાં ૨૬,૦૪૨ બંધ થયો છે. સેન્સેક્સ ઉપરમાં ૮૫,૩૭૮ અને નીચામાં ૮૪,૯૩૮ દેખાયો હતો. બગડેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૨૮૫ શૅરની સામે ૧૮૭૧ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૦૪ લાખ કરોડના ઘટાડામાં ૪૭૩.૯૬ લાખ કરોડ નોંધાયું છે. મેટલના અડધા ટકા જેવા સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. IT ઇન્ડેક્સ સર્વાધિક ૦.૯ ટકા કે ૩૩૬ પૉઇન્ટ કટ થયો છે. એના ૭૭માંથી ૬૦ શૅર માઇનસ હતા, પણ સેન્સિસ ટેક પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૧૧૯ બંધ આપી સામા પ્રવાહે બંધ હતો. તાજેતરમાં ૧૮મીએ અહીં ૭૯૬નું બૉટમ બન્યું હતું. સાસ્કેન સુધારાની આગેકૂચમાં પોણાપાંચ ટકા વધીને ૧૫૭૧ રહી છે. ૧૯મીએ એમાંય ૧૧૫૫નું તળિયું દેખાયું હતું. બ્લૅક બૉક્સ ૪ ટકા મજબૂત બની છે. ટેલિકૉમ બેન્ચમાર્ક ૧૮માંથી ૧૩ શૅરના ઘટાડામાં ૦.૬ ટકા કપાયો છે. HFCL સવાચાર ટકા તૂટી હતી. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અડધો ટકો ડાઉન થયો છે. એના ૩૪માંથી ૨૪ શૅર માઇનસ હતા. બૅન્ક નિફ્ટી તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા નજીક સાધારણ ઢીલા હતા. પરંતુ બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૧૪ શૅર સુધર્યા છે. કરૂર વૈશ્ય બૅન્ક ૨૭૧ પ્લસના શિખરે જઈને પાંચ ટકા ઊછળીને ૨૬૩ થઈ છે. સૂર્યોદય બૅન્ક દોઢ ટકો તો IDFC ફર્સ્ટ બૅન્ક એકાદ ટકો અપ હતી. બીજી તરફ ફિનો પેમેન્ટ બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, આરબીએલ બૅન્ક, બંધન બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, DCB બૅન્ક તામિલનાડુ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, બૅન્ક ઑફ બરોડા જેવી જાતો એકથી બે ટકા ઘટી છે.
રેલ વિકાસ નિગમ ૧૭ ગણા કામકાજે ઉપરમાં ૩૯૨ વટાવી સવાબાર ટકાની તેજીમાં ૩૮૮ બંધ આપીને એ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની છે. MMTC ૭૨ ગણા વૉલ્યુમે ૧૧.૭ ટકાના ઉછાળે સવા ચોસઠ તથા આઇઆરએફસી દસેક ટકાના જમ્પમાં ૧૩૩ ઉપર બંધ આવી છે. મિનરલ કંપની GMGC આઠ ટકા ઊંચકાઈ ૫૮૯ થઈ છે. વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ સવાપાંચ ટકા તૂટી ૩૮૬ના બંધમાં એ ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. JSW હોલ્ડિંગ્સ સવાચાર ટકા કે ૮૭૩ રૂપિયા તથા ગુજરાત પિપાવાવ પોર્ટ્સ સાડાચાર ટકા ડૂલ થઈ છે. રેલવે શૅરોની તેજીના તાલમાં કે ઍન્ડ આર રેલ એન્જિનિયરિંગ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૧ નજીક બંધ આવી છે. આ શૅર વર્ષ પહેલાં ૩૭૭ હતો. ત્યાંથી ખરડાતો રહી તાજેતરમાં ૧૯મીએ ૨૯.૫૦ના વર્સ્ટ લેવલે આવી ગયો હતો. અગાઉ આ કંપની ઍક્સિસ રેલ ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. એનો મૂળ બિઝનેસ કાર્પેટ્સ તથા રેડીમેડ ગાર્મેન્ટ્સનો છે. ૨૦૨૩ની બીજી ઑક્ટોબરે શૅર ૮૬૩ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો.
ફ્લેવર્ડ કૉન્ડોમ બનાવતી આનોન્દિતાએ પોણાચાર મહિનામાં ૫૨૮ ટકાનું રિટર્ન આપ્યું
રામરત્ન વાયર્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૩૨૯ થઈને એક ટકો વધીને ૩૨૩ બંધ થયો છે. નવામા વેલ્થ મૅનેજમેન્ટ ૧૦ના શૅરના બે રૂપિયાના વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ઉપર ૧૫૩૦ બતાવી પોણાબે ટકા ઘટી ૧૪૯૪ રહી છે. સિકંદરાબાદની અગાઉ ઇન્ટેલિવેટ કૅપિટલ ઍડ્વાઇઝર્સ તરીકે ઓળખાતી કૅસ્પિયન કૉર્પોરેટ સર્વિસિસ સોમવારે એકના શૅરનું ૧૦ રૂપિયામાં કન્સોલિડેશન અમલી બનાવવાની છે. શૅર ગઈ કાલે સાડાચાર ટકા વધીને ૮.૨૨ બંધ હતો. મુંબઈના બોરીવલીની હિલ્ટન મેટલ ૨૯ શૅરદીઠ ૧૪ના પ્રમાણમાં શૅરદીઠ ૨૮ પ્લસના ભાવે રાઇટમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે ૪૨.૩૨ થઈને સાતેક ટકા ઊછળી ૪૧.૫૦ થઈ છે.
નવી દિલ્લી ખાતેની બૅન્ગોલી ઘોષ પરિવારની ૬૧.૮ ટકા માલિકીની આનોન્દિતા મેડીકૅર ઉપલી સર્કિટની હારમાળામાં ગઈ કાલે ૯૧૦ ઉપર બેસ્ટ લેવલે જઈને પાંચ ટકા વધીને ત્યાં જ બંધ થઈ છે. ફ્લેવર્ડ કૉન્ડોમ બનાવતી આ કંપની ૧૦ના શૅરદીઠ ૧૪૫ના ભાવથી કુલ ૬૯૫૦ લાખનો NSE SME ઇશ્યુ ૨૨ ઑગસ્ટના રોજ લાવી હતી. ઇશ્યુ ૩૦૦ ગણો છલકાયો હતો. ૧ સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગમાં ભાવ ૨૭૫ ખૂલી ૨૮૯ બંધ થયો હતો. ઇક્વિટી ૧૮૦૯ લાખ છે. ગયા વર્ષે ૭૭ કરોડની આવક ઉપર ૩૨૭ ટકાના વધારામાં ૧૬૪૨ લાખ નફો બતાવી ઇશ્યુ લાવનારી આ કંપનીનો શૅર લિસ્ટિંગ પછીના પોણાચાર મહિનામાં એની ઇશ્યુ પ્રાઇસથી ૫૨૮ ટકા વધી જતાં માર્કેટકૅપ ૧૬૪૬ કરોડ થઈ ગયું છે. કંપની મેલ અને ફીમેલ બન્ને માટે ફ્લેવર્ડ કૉન્ડોમ બનાવે છે. કૉન્ડોમ બનાવતી અન્ય કંપની ક્યુપિડ લિમિટેડ ગઈ કાલે ૪૮૦ના નવા શિખરે જઈને સવા ટકો વધીને ૪૭૯ રહી છે. વર્ષે ૧૮૦ કરોડ આવક ઉપર ૪૦ કરોડ નફો કરતી આ કંપનીનું માર્કેટકૅપ હાલ ૧૨,૮૬૭ કરોડનું છે. ઇક્વિટી ૨૬૮૫ લાખ છે. ફેસવૅલ્યુ એક રૂપિયો છે. ઑગસ્ટ આખરમાં એકના શૅરદીઠ ૯૭ના ભાવથી ૭૭૨ કરોડનો ઇશ્યુ કરનારી થાણેની વિક્રાન એન્જિનિયરિંગને NTPC રિન્યુ. તરફથી ૪૫૯ કરોડનો ઑર્ડર મળ્યો છે. શૅર ઉપરમાં ૧૦૩ થઈ સાડાચાર ટકા વધીને ૧૦૧ રહ્યા છે. આ કાઉન્ટર બુધવારે ૭ ગણા વૉલ્યુમે સવાઅગિયાર ટકા વધ્યું હતું.
ટાઇટન લૅબગ્રોન ડાયમન્ડ જ્વેલરી ક્ષેત્રે ઝંપલાવશે, શૅર નવી ટોચે
ટાઇટન દ્વારા બિયોન બ્રૅન્ડ હેઠળ લૅબગ્રોન ડાયમન્ડ જ્વેલરી લોન્સ કરવાની જાહેરાત થઈ છે. એના પગલે શૅર ૪૦૦૮ના શિખરે જઈને ૨.૧ ટકા વધી ૩૯૯૨ બંધમાં ગઈ કાલે બન્ને બજારના મેઇન ઇન્ડેક્સમાં ઝળક્યો છે. અન્ય જાતોમાં નેસ્લે એક ટકો, સિપ્લા ૦.૭ ટકા, હિન્દાલ્કો એક ટકો, NTPC અડધો ટકો પ્લસ હતી. તાજેતરની રૅલી બાદ વિરામ લેતાં શ્રીરામ ફાઇનૅન્સ ૧.૪ ટકા ઘટીને ૯૬૦ બંધમાં નિફ્ટી ખાતે મોખરે હતી. સેન્સેક્સ ખાતે બજાજ ફાઇનૅન્સ દોઢ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા, ટેક મહિન્દ્ર ૧.૧ ટકા, એટર્નલ ૧.૧ ટકા, બજાજ ફિનસર્વ ૦.૮ ટકા, સનફાર્મા ૧.૧ ટકા, પાવરગ્રિડ એક ટકા નરમ હતી. અન્યમાં બજાજ ઑટો એક ટકા તથા HDFC લાઇફ ૦.૯ ટકા ઘટી છે.
રિલાયન્સ નામ પૂરતી વધીને ૧૫૫૯ બંધ થઈ છે, જિયો ફાઇનૅન્સ અડધો ટકો નરમ હતી. HDFC બૅન્ક અડધો ટકો ઘટીને ૯૯૨ તથા ICICI બૅન્ક ૦.૭ ટકા ઘટીને ૧૩૫૦ બંધ થતાં બજારને કુલ મળીને ૧૧૪ પૉઇન્ટ માર પડ્યો છે. ભારતી ઍરટેલ ૦.૯ ટકાની નરમાઈમાં ૨૧૦૬ હતી. TCS સવા ટકો માઇનસ થઈ છે. ઇન્ફી ૦.૪ ટકા તથા વિપ્રો ૦.૭ ટકો ઘટી ૨૬૬ હતો. HCL ટેક્નોનાં પરિણામ પણ TCSની સાથે, ૧૨ જાન્યુઆરીના રોજ આવવાના છે. શૅર અડધો ટકો ઘટી ૧૬૬૧ રહ્યા છે.
નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ પ્રારંભિક મજબૂતીમાં ૭૯૧૮ ઉપરમાં થયા પછી પ્રૉફટ બુકિંગ કામે લાગતાં નીચામાં ૭૭૬૧ બનાવી ૧૫ પૉઇન્ટ ઘટીને ૭૭૭૪ રહ્યા છે. એના ૧૮માંથી ૯ શૅર પ્લસ હતા. પારસ ડિફેન્સ ૪.૩ ટકાની મજબૂતીમાં ૬૯૯ બંધ આપી અત્રે મોખરે હતો. અન્ય ડિફેન્સ શૅરમાં મિશ્ર ધાતુ નિગમ સવા બે ટકા, ગાર્ડન રિચ પોણાબે ટકા, એસ્ટ્રામાઇક્રો એક ટકો વધ્યા હતા. ડિફેન્સ ઉદ્યોગના ૨૩માંથી ૧૧ શૅર ફ્લુઇડ કન્ટ્રોલ એક ટકા, તનેજા ઍરોસ્પેસ અડધો ટકો સુધરી હતી. સામે એમટાર ટેક્નો, સિકા ઇન્ટરપ્લાન્ટ, ઍક્સિસ કેડ્સ, અવાન્ટેલ, DCX સિસ્ટમ્સ, યુનિમેક ઍરોસ્પેસ, ઝેન ટેક્નૉલૉજીઝ જેવા કાઉન્ટર એક ટકાથી માંડીને સવાબે ટકા સુધી માઇનસ થયાં હતાં.
e2E ટ્રાન્સપોર્ટેશનનો ઇશ્યુ પ્રથમ દિવસે જ ૭.૩ ગણો છલકાયો
ગઈ કાલે SME સેગમેન્ટમાં એક ઇશ્યુ ખૂલ્યો છે. પાંચ ભરણાં બંધ થયાં છે. બૅન્ગલોર અર્બન ખાતેની e2E ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રકચરનો ૧૦ના શૅરદીઠ ૧૭૪ની અપર બૅન્ડમાં કુલ ૮૪૨૨ લાખનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૯.૬ ગણા સહિત કુલ ૭.૩ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ ૧૪૫ બોલાય છે. જે પાંચ SME ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે એમાં ગુજરાતના મહેસાણા ખાતેના મંડાલીની અપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ની અપર બૅન્ડમાં ૪૮ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૪૪.૮ ગણા સહિત કુલ ૫૦.૬ ગણો, લાતુરની બાઈ કાકાજી પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૮૬ના ભાવનો કુલ ૧૦૫ કરોડ પ્લસનો BSE SME IPO રીટેલમાં ૩.૬ ગણા સહિત કુલ ૫.૭ ગણો, પુણેની એડમે સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૨૩૯ની અપર બૅન્ડ સાથે ૪૨૬૦ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૩.૭ ગણા સહિત કુલ ૪.૧ ગણો, અમદાવાદી નાન્ટા ટેક્નો ૧૦ના શૅરદીઠ ૨૨૦ના ભાવનો ૩૧૮૧ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૨.૯ ગણા સહિત કુલ ૬.૪ ગણો અને મુંબઈના ગિરગામ ખાતેની ધારારેલ પ્રોજેક્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૬ના ભાવનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૯૭.૬ ગણા સહિત કુલ ૧૧૨ ગણો ભરાઈને ગઈ કાલે પૂરો થયો છે. હાલ ધારા રેલમાં ૨૨, નાન્ટામાં ઝીરો, બાઇ કાકાજીમાં ત્રણ, એપોલો ટેક્નોમાં ૧૨ અને એડમેક સિસ્ટમ્સમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.
દરમ્યાન MCX દોઢા કામકાજે ઢીલા બજારમાં ૧૧,૧૦૮ની ઑલટાઇમ હાઈ બનાવી ૨૩૧ રૂપિયા કે બે ટકા વધીને ૧૧,૦૫૯ બંધ થઈ છે. આ શૅર બે જાન્યુઆરીના રોજ એક્સ સ્પ્લિટ થવાનો છે. BSE લિમિટેડ પોણો ટકો તથા CDSL એક ટકો નરમ હતી. NSDL ૧૦૭૩ના આગલા લેવલે યથાવત્ હતી. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પોણાત્રણ ટકા બગડીને ૧૩૫ થઈ છે.
હિન્દુસ્તાન કૉપર બૅક-ટુ-બૅક તગડા જમ્પમાં ૧૮૨ મહિનાના શિખરે
ઑટો ઇન્ડસ્ટ્રી માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ ઓલા ઇલેક્ટ્રિકને સરકાર તરફથી ૩૬૭ કરોડનું પેમેન્ટ મંજૂર કરાયું છે. ઓલા ઇલેક્ટ્રિકનો શૅર ગઈ કાલે ઉપરમાં ૩૭.૨૮ થઈ સવાબે ટકા વધીને ૩૬ ઉપર બંધ રહ્યો છે. મુંબઈની બેસ્ટ કૉલોની ખાતેની ડ્રેજિંગ કંપની નૉલેજ મરીન એન્જિનિયરિંગ વર્ક્સમાં નુવામા તરફથી ૨૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવ્યો છે. શૅર ઉપરમાં ૧૮૯૯ થઈ ૩ ટકા વધીને ૧૮૭૪ બંધ થયો છે. દિલીપ બિલ્ડકૉનને અદાણી રોડ ટ્રાન્સપોર્ટ તરફથી ૩૪૦૦ કરોડનો રોડ પ્રોજેક્ટ મળતાં ૪ ગણા કામકાજે ભાવ ઉપરમાં ૪૯૧ નજીક જઈને ૨.૨ ટકા વધીને ૪૭૭ થયો છે.
વિશ્વ બજારમાં ચાંદી ૭૫ ડૉલરની નવી ટૉપ સાથે બુલ રન પકડી રાખતાં ઘરઆંગણે હિન્દુસ્તાન ઝિન્ક ૬૪૬ની ૧૭ મહિનાના શિખરે જઈને બે ટકાની આગેકૂચમાં ૬૩૭ થઈ છે. શૅર મહિનામાં ૩૬ ટકા વધી ગયો છે. વેદાન્તા ૬૦૭ ઉપર નવી સર્વોચ્ચ સપાટી બતાવી અડધો ટકો વધી ૬૦૧ તો હિન્દાલ્કો એક ટકો વધીને ૮૭૩ રહી છે. અન્ય મેટલ શૅરમાં હિન્દુસ્તાન કૉપર ૪૮૦ ઉપર ઑક્ટોબર ૨૦૧૦ પછીની વિક્રમી સપાટી હાંસલ કરીને ૯ ટકાની મજબૂતીમાં ૪૭૫ થઈ છે. ભાવ મહિનામાં ૪૫ ટકા વધ્યો છે. નાલ્કો ૩૦૯ ઉપરની લાઇફટાઇમ હાઈ દેખાડી ચારેક ટકા વધી ૩૦૭ રહી છે. આ શૅર ૭ એપ્રિલના રોજ ૧૪૦ના તળિયે હતો. જિંદલ સ્ટીલ સવા ટકો તથા તાતા સ્ટીલ અડધો ટકો નરમ હતી. મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૯ શૅરના સથવારે અડધો ટકો વધ્યો છે.
રેલવે શૅરોમાં શુક્રવારનો ચમકારો વધુ ઘેરો બનતાં સંખ્યાબંધ શૅર નોંધપાત્ર રીતે વૉલ્યુમ સાથે ઊંચકાયા છે. ઓરિએન્ટ રેલ સાડાછ ટકા, ટિટાગર રેલ સિસ્ટમ્સ પાંચ ટકા, જ્યુપિટર વેગન્સ બે ટકા, રેલવિકાસ નિગમ સવાબાર ટકા, આઇઆરએફસી ૯.૯ ટકા, રાઇટસ લિમિટેડ ૪ ટકા, ઇરકોન ઇન્ટરનૅશનલ ૪.૯ ટકા, રેલટેલ કૉર્પોરેશન ૬ ટકા, ઇન્ડિયન રેલવે કેટરિંગ ૩.૭ ટકા, ટેક્સ માકો રેલ ચાર ટકા, હિન્દ રેક્ટિફાયર્સ સવાત્રણ ટકા, ભારત અર્થ મૂવર્સ એકાદ ટકો, કન્ટેનર કૉર્પોરેશન ૨.૨ ટકા વધીને બંધ હતી.


