આ બોગસ કૉલ બદલ દહિસરનો દારૂડિયો વૉચમૅન પકડાયો
પ્રતીકાત્મક તસવીર
દાદરમાં બે જણે રિવૉલ્વરથી ઓપન ફાયરિંગ કર્યું છે એવી માહિતી એક યુવકે શુક્રવારે રાતે બે વાગ્યે મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આપી હતી. કઈ જગ્યા ફાયરિંગ થયું છે એની સ્પષ્ટ માહિતી આપવામાં ન આવતાં ચૂંટણીના માહોલ વચ્ચે દાદર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ત્રણ કલાકમાં દાદરના વિવિધ વિસ્તારો ખોળી નાખ્યા હતા. જોકે ફાયરિંગ વિશે સવારે ૬ વાગ્યા સુધી કોઈ માહિતી ન મળતાં કન્ટ્રોલમાં ફોન કરનાર વ્યક્તિને ફોન કરવામાં આવતાં તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવ્યો હતો. પોલીસને ધંધે લગાડવા માટે જ ફોન કરવામાં આવ્યો હોવાની ખાતરી થતાં અજાણ્યા યુવક સામે દાદર પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ ટેક્નિકલ ડેટાની મદદથી પોલીસે ગઈ કાલે સવારે ફોન કરનાર ૨૪ વર્ષના વૈષ્ણવ યાદવની દહિસરથી ધરપકડ કરી હતી.
દહિસરમાં વૉચમૅન તરીકે કામ કરતા વૈષ્ણવે દારૂના નશામાં આવું કૃત્ય કર્યું હોવાનું પોલીસની પૂછપરછમાં કહ્યું હતું.


