ગ્રીન કૉરિડોરથી હૃદય, ફેફસાં, પૅન્ક્રિયાસ સહિતનાં મહત્ત્વનાં અંગોને મુંબઈ અને ગુડગાંવની હૉસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યાં
માત્ર ૧૭ મિનિટમાં હાર્ટ હીરાનંદાની હૉસ્પિટલમાં પહોંચ્યું
થાણેમાં ૩૮ વર્ષની એક મહિલાને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવી હતી. જોકે તેના ઑર્ગન-ડોનેશનને કારણે મુંબઈ અને ગુડગાંવના ૬ દરદીઓ માટે નવજીવનની આશા જાગી છે.
હૉસ્પિટલના ડૉક્ટરોએ ૨૫ ડિસેમ્બરની આખી રાત કામ કરીને મહિલાનાં હૃદય, ફેફસાં, પૅન્ક્રિયાસ અને અન્ય અંગો ડોનેશન માટે કાઢ્યાં હતાં. આ અંગોને ગ્રીન કૉરિડોર બનાવીને મુંબઈની ૪ હૉસ્પિટલો અને ગુડગાંવની એક હૉસ્પિટલમાં જરૂરી દરદીઓ માટે પહોંચાડવામાં આવ્યાં હતાં. તાત્કાલિક આ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે દરદીઓ પર સર્જરી હાથ ધરવામાં આવી હતી.
થાણે જિલ્લામાં એક જ ડોનર પાસેથી ૬ ઑર્ગન્સનું ડોનેશન થયું હોય એવી કદાચ આ પહેલી જ ઘટના છે એવું હૉસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
હૉસ્પિટલ ડોનરની દીકરીને બે લાખ રૂપિયાની મદદ કરશે
૧૯ ડિસેમ્બરે આ મહિલાને મેડિકલ ઇમર્જન્સીને કારણે થાણેની શ્રી મહાવીર જૈન હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવી હતી. જોકે એના પરિવારજનોએ આ આઘાતના સમયમાં પણ એના વાઇટલ ઑર્ગન્સનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. હૉસ્પિટલ ચલાવતા મહાવીર જૈન ટ્રસ્ટે ૯ વર્ષની દીકરીને એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું હતું અને હૉસ્પિટલે પણ અલગથી એક લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો.
માત્ર ૧૭ મિનિટમાં હાર્ટ હીરાનંદાની હૉસ્પિટલમાં પહોંચ્યું
થાણેથી બ્રેઇન-ડેડ મહિલાનું હાર્ટ માત્ર ૧૭ મિનિટમાં જ ગ્રીન કૉરિડોર દ્વારા પવઈની ડૉ. એલ. એચ. હીરાનંદાની હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.


