Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રીટેલ રોકાણકારો બજારમાં સીધા રોકાણને બદલે મ્યુચ્યુઅલ ફન્ડના માર્ગે

રીટેલ રોકાણકારો બજારમાં સીધા રોકાણને બદલે મ્યુચ્યુઅલ ફન્ડના માર્ગે

Published : 11 May, 2026 10:44 AM | IST | Mumbai
Jayesh Chitalia

રીટેલ રોકાણકારોની માર્કેટમાંથી સીધી ખરીદીમાં ઘટાડો થયો છે અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ મારફત ખરીદીમાં વધારો થયો છે

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


રીટેલ રોકાણકારોની માર્કેટમાંથી સીધી ખરીદીમાં ઘટાડો થયો છે અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ મારફત ખરીદીમાં વધારો થયો છે. કારણ, યુદ્ધનો તનાવ અને સેન્ટિમેન્ટ. બીજી બાજુ IPO વિલંબમાં મુકાઈ રહ્યા છે અને ક્યાંક વળી IPOની સાઇઝ ઘટાડવાના અહેવાલ વહેતા થયા છે. જોકે હાલ યુદ્ધના મામલે મંત્રણા સમાધાન તરફ આગળ વધી રહી હોવાના અહેવાલ સંકેતરૂપે બહાર આવવા લાગ્યા છે. જો આમ ખરેખર થયું તો સેકન્ડરી અને પ્રાઇમરી બન્ને માર્કેટ વેગ પકડી શકે છે

શૅરબજારમાં યુદ્ધ અને ગ્લોબલ સંજોગોની એક અલગ પ્રકારની અસર આંખે ઊડીને વળગે એવી થવા માંડી છે. જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં રીટેલ-નાના રોકાણકારો શૅરબજારમાં સીધા રોકાણથી દૂર થવા લાગ્યા છે. સતત ત્રણ ક્વૉર્ટરથી આ ટ્રેન્ડ બન્યો છે. જોકે આમ છતાં રાજી થવા જેવી વાત એ છે કે આ રીટેલ રોકાણકારોનો પ્રવાહ મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફ વધી રહ્યો છે. અર્થાત્, નાના રોકાણકારો પોતાના રોકાણ માટે પ્રોફેશનલ ફન્ડ મૅનેજર્સને વધુ યોગ્ય માને છે, આને મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની સફળતા પણ કહી શકાય. બીજી બાજુ આ માર્ચ ક્વૉર્ટરમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ભારતીય કંપનીઓની ઇક્વિટીમાં ઘટીને ૧૬ ટકા આસપાસ થયો છે, જે ૧૪ વર્ષમાં સૌથી નીચો છે. જોકે અહીં પણ નોંધનીય વાત એ છે કે સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો વધીને વિક્રમી થયો છે. અર્થાત્ વિદેશી રોકાણકારોનું રોકાણ વૉલ્યુમ ઘટ્યું છે, તો સ્થાનિક સંસ્થાઓનું વધ્યું છે. રીટેલ રોકાણકારો પરોક્ષ માર્ગે વધ્યા છે. બાય ધ વે, એક રીતે આ બાબત વિચારવા જેવી અને સ્વીકારવા જેવી પણ ખરી. રીટેલ રોકાણકારોનો કંપનીઓના શૅર્સમાં હિસ્સો ઘટ્યો હોવાનું પણ નોંધાયું છે, જે એ વાતની સાક્ષી પૂરે છે કે રીટેલ રોકાણકારો શૅરોમાં સીધું રોકાણ ઘટાડી રહ્યા છે.



પ્રાઇમઇન્ફોબેઝના અહેવાલ અનુસાર NSE લિસ્ટેડ કંપનીઓમાં રીટેલ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (HNI) રોકાણકારોનું હોલ્ડિંગ ઘટ્યું છે જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડ્સનું હોલ્ડિંગ વધ્યું છે. વધુ એક રસપ્રદ બાબત એ છે કે રોકાણકારો ઇક્વિટીની વૉલેટિલિટીથી કંટાળીને ગોલ્ડ, સિલ્વર અને રિયલ અસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (RIT) જેવી ઍસેટ્સ તરફ વળી રહ્યા છે. આમ યુદ્ધના માહોલે જે માનસિકતા વિકસાવી છે એમાં આ પરિવર્તન થઈ રહ્યું છે.


FIIનો સેક્ટરલ ટ્રેન્ડ

ફૉરેન ઇન્વેસ્ટર્સનો ખરીદ-વેચાણનો સેક્ટરલ ટ્રેન્ડ જોઈએ તો છેલ્લા અમુક મહિનાથી તેઓ નેટ સેલર્સ રહ્યા છે એમાં વધુ વેચાણ ફાઇનૅન્શિયલ સેક્ટરના સ્ટૉક્સમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઑઇલ-ગૅસ, કન્ઝ્યુમેબલ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, હેલ્થકૅર કન્ઝ્યુમર સર્વિસ, ટેલિકૉમ, ઑટો અને કમ્પોનન્ટ્સ સેક્ટરનો સમાવેશ છે. જ્યારે તેમની ખરીદીની યાદીમાં પાવર, કૅપિટલ ગુડ્સ, કન્સ્ટ્રક્શન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફૉરેસ્ટ મટીરિયલ્સ વગેરે સેક્ટર રહ્યાં છે. જોકે વેચાણની બાબતે એક નોંધવા જેવી વાત એ છે કે આ વેચાણના આંકડા કે વૉલ્યુમ ઘટી રહ્યાં છે.   


IPOના કદમાં ઘટાડાની હલચલ

IPO માર્કેટ યુદ્ધના તનાવમાં ઠંડી પડી ગઈ છે જેમાં કંપનીઓ તેમના IPO લંબાવવાની પેરવીમાં હોવાનું જણાય છે. જોકે અમુક કંપનીઓ ઇશ્યુ લાવવા માગે છે ખરી, પણ એના ઇશ્યુનું કદ ઓછું કરવાના પ્લાનમાં છે. નિયમન સંસ્થા SEBIએ કંપનીઓને IPO પેપર્સ ફરી ફાઇલ કરવાને બદલે તેમના ઇશ્યુની સાઇઝમાં વધારો કે ઘટાડો કરવાની સુવિધા આપી હોવાથી આશરે દસેક કંપનીઓ તેમના ઇશ્યુનાં કદ ઘટાડીને માર્કેટમાં પ્રવેશવાનું પ્લાનિંગ કરી રહી છે. જો શૅરબજાર સ્ટેબલ રહ્યું તો કેટલીક કંપનીઓ તેમના ઇશ્યુ નવી નાની સાઇઝ સાથે લાવવા માગે છે. આવી કંપનીઓ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ, જ્વેલરી, ફૂડ, પૅકેજિંગ, હેલ્થકૅર અને સ્ટીલ ક્ષેત્રની છે. આ ઇશ્યુઓ આવતા બે-ચાર મહિનામાં આવી શકે છે. SEBIએ ૧૪૬ જેટલી કંપનીઓને ક્લિયરન્સ આપ્યાં છે જે બધી મળીને આશરે બે લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે.

પશ્ચિમ બંગાળની BJPની જીતની અસર

પશ્ચિમ બંગાળમાં BJPની ભવ્ય અને ઐતિહાસક જીતનાં પરિણામ અર્થતંત્ર પર પણ જોવા મળશે અને અર્થતંત્ર પરની અસર શૅરબજાર-મૂડીબજાર પર પડ્યા વિના નહીં રહે. પશ્ચિમ બંગાળમાં ઔદ્યોગિક વિકાસ માટે વ્યાપક અવકાશ છે જે લાંબા સમયથી અત્યારસુધીના શાસકોની સંકુચિત અને સ્વાર્થી નીતિઓને કારણે ઢંકાઈ ગયો હતો. યાદ છેને પશ્ચિમ બંગાળમાં તાતાની પ્લાન્ટ સ્થાપવાની પ્રપોઝલ, જે પછીથી એક જ ફોન પર ગુજરાતના સાણંદમાં ચાલી ગઈ હતી. BJPનું શાસન પશ્ચિમ બંગાળને પુનઃ આર્થિક પ્રવૃતિઓથી ધમધમતું કરશે અને વિકાસમાં સહભાગી બનાવશે એવી ઉમ્મીદ રાખવામાં અતિશયોક્તિ નથી. આ સંકેત અને વિશ્વાસને BJPની જીત બાદ પશ્ચિમ બંગાળની કંપનીઓના સ્ટૉક્સ ઊછળ્યા હતા જેમાં IFB ઍગ્રો, ધનસેરી ટી, વેસ્ટર્ન કૅરિયર્સ, વૉર્ડવિઝાર્ડ ફૂડસ, સોમા ટેક્સટાઇલ્સ, કનોરિયા કેમિકલ્સ, ઍન્ડ્રુ યુલે, સેન્કો ગોલ્ડ, બાલગોપાલ કમર્શિયલ અને ઇન્ટરનૅશનલ કન્વેયર્સનો સમાવેશ હતો. અલબત્ત, આ રૅલી સેન્ટિમેન્ટના સુધારા આધારિત હતી.

ફરી ધડાકામાં ક્રૂડના ભાવ અને રૂપિયાની વૅલ્યુ

આપણે ગયા સપ્તાહમાં જોયું કે માર્કેટ એક દિવસ વધે તો એક દિવસ ઘટે છે. એની પાસે સ્ટેબિલિટી ન હોવાથી એની કોઈ ચોક્કસ દિશા બનતી નથી. વીતેલા સપ્તાહમાં સોમવાર રિકવરી બાદ થોડું કરેક્શન, મંગળવારે ફરી કરેક્શન, બુધવારે વૉલેટિલિટી વચ્ચે અંતમાં મોટી રિકવરી નોંધાઈ હતી. કારણ કે યુદ્ધબંધના મજબૂત સંકેત બહાર આવ્યા હતા. સેન્સેક્સ હજાર પૉઇન્ટ ઊંચો બંધ રહ્યો હતો. ગુરુવારે માર્કેટ ફરી વાર ચંચળ રહીને આખરમાં સાધારણ માઇનસ બંધ રહ્યું હતું. અલબત્ત, આ દિવસે સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં નોંધપાત્ર ઉછાળો હતો. માર્કેટ વધે કે પ્રૉફિટ-બુકિંગ આવી જાય છે, કેમ કે દરેક સુધારો બજારને ટૂંકો લાગે છે. સમાચારોમાં અનિશ્ચિતતા વધુ દેખાય છે, જેથી એના પ્રતિભાવ પણ નબળા આવે છે. શુક્રવારના અહેવાલ મુજબ અમેરિકા-ઈરાન વચ્ચે ફાયરિંગ ચાલુ થયાં હતાં. આમ એક તરફ સમાધાનની વાતો અને બીજી તરફ પરસ્પર હુમલા ચાલુ રહેતાં ક્રૂડમાં પુનઃ વધારો અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. FIIની વેચવાલી જોરમાં રહી હતી. આમ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા ચાલુ રહી હોવાથી માર્કેટ ટ્રેન્ડ અધ્ધર જ ગણાય.

 

વિશેષ ટિપ
રોકાણકારો નીચલા સ્તરે ચાલી રહેલા બજારમાં હજી ઘટશે એવી ધારણા સાથે ખરીદી ટાળવાની ભૂલ કરે છે એ જ ભૂલ ઊંચા સ્તરે હજી વધશે એવી ધારણા સાથે નહીં વેચીને કરતા હોય છે. શૅરબજારના સમયની સાઇકોલૉજી સમજે તે સ્માર્ટ ઇન્વેસ્ટર.

 

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 10:44 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK