Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૫૮ વર્ષનાં આ ગુજરાતી મહિલા છે સ્વિમિંગનાં સમ્રાજ્ઞી

૫૮ વર્ષનાં આ ગુજરાતી મહિલા છે સ્વિમિંગનાં સમ્રાજ્ઞી

Published : 12 May, 2026 07:02 AM | IST | Mumbai
Darshini Vashi

શ્રીલંકાથી ૭ કલાકમાં ૨૭ કિલોમીટર તરીને ભારત આવ્યાં : મલાડનાં સીમા વોરાએ શનિવારે ઓપન વૉટર સ્વિમિંગ કરીને શ્રીલંકાના તલાઇમનારથી લઈને ભારતના ધનુષકોડી સુધીનું અંતર કાપ્યું

સીમા વોરા

સીમા વોરા


મધર્સ ડેના આગલા દિવસે યોજાયેલી એક ક્રૉસ બૉર્ડર ઇવેન્ટમાં મુંબઈનાં એક ગુજરાતી મહિલાએ તમામ મધર્સને જ નહીં, દરેક સ્ત્રીને પ્રાઉડ ફીલ કરાવે એવી કમાલ કરી દેખાડી છે. મલાડમાં રહેતાં ૫૮ વર્ષનાં સીમા વોરાએ શ્રીલંકાના ઉત્તર છેડાએ આવેલા તલાઇમનારના કિનારાથી લઈને ભારતના દક્ષિણી છેડે આવેલા ધનુષકોડી સુધીનું ૨૭ કિલોમીટરનું અંતર ઓપન વૉટર સ્વિમિંગ કરીને કાપ્યું છે.

વ્યવસાયે ઇન્ટીરિયર ડિઝાઇનર સીમા વોરા છેલ્લાં ૨૦ વર્ષથી સ્વિમિંગ કરી રહ્યાં છે અને છેલ્લાં દસેક વર્ષથી ઓપન વૉટર સ્વિમિંગ કૉમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યાં છે. આ વિશે વધુ માહિતી આપતાં તેઓ કહે છે, ‘હું સ્વિમ લાઇફ, મુંબઈ સી સ્વિમર્સ જેવાં ઘણાં ગ્રુપ્સ સાથે સંકળાયેલી છું. તેઓ જ આવી બધી કૉમ્પિટિશન અને ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરતાં હોય છે. એમાં સ્વિમ લાઇફ દ્વારા ૯ મેએ શ્રીલંકાના તલાઇમનારથી ભારતના ધનુષકોડી સુધી ઓપન વૉટર સ્વિમિંગ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણા દેશમાંથી પાંચ જણે ભાગ લીધો હતો. એમાં એક હું પણ હતી. રવિવારે વહેલી સવારે લગભગ ૪.૩૦ વાગ્યાની આસપાસ એકદમ ગાઢ અંધારામાં અમે બધાએ એકસાથે તલાઇમનારથી સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું હતું. ૨૭ કિલોમીટરનો આ સ્વિમિંગરૂટ મેં ૭ કલાક સુધી સ્વિમ કરીને પાર કર્યો હતો. હું લગભગ સવારે ૧૧.૪૦ વાગ્યાની આસપાસ ધનુષકોડી સ્વિમિંગ કરીને પહોંચી ગઈ હતી. આ રૂટ ખૂબ જ અશાંત મોજાં, ભારે પવન અને કરન્ટ ધરાવે છે. એમ છતાં મને આ ૭ કલાક દરમ્યાન કોઈ સમસ્યા આવી નહોતી. આ કૉમ્પિટિશનના આગલા દિવસે બે જણે આ રૂટ પરથી સ્વિમિંગ કર્યું હતું. તેમને કરન્ટ અને ભરતીનો સામનો કરવો પડ્યો હતો.’



ક્રૉસ બૉર્ડર ઓપન વૉટર સ્વિમિંગ કૉમ્પિટિશન વિશે જણાવતાં સીમા વોરા કહે છે, ‘શ્રીલંકા અને ભારતની વચ્ચેનો આ જે સ્વિમિંગરૂટ છે એ ઘણો અશાંત કહી શકાય એવો સમુદ્રનો પટ્ટો છે. અહીં મરીન લાઇફ પણ ખૂબ જ સક્રિય છે. એને લીધે અહીં ફિશિંગ બોટનો ટ્રાફિક ખૂબ જ હોય છે. માત્ર મે મહિનાના ૧૫ દિવસ માટે આ ટ્રાફિક બંધ હોય છે અને એ દરમ્યાન આવી સ્વિમિંગ ઇવેન્ટ અહીં થાય છે. આ કૉમ્પિટિશન દરમ્યાન અમને ફુલ સેફ્ટી મળી હતી. અમારી સાથે-સાથે ત્રણ બોટ ચાલતી હતી. આ બોટમાં સ્વિમર્સ, સેફ્ટી-ટૂલ્સ, મેડિકલ ઇમર્જન્સીનાં સાધનો, ફૂડ, વૉટર, ડિરેક્શન ગાઇડ કરનારા હોય છે. રૂલ્સ મુજબ અમે જ્યારે સ્વિમિંગ કરી રહ્યા હોઈએ ત્યારે અમારે કોઈ પણ બોટનો સહારો લેવાનો હોતો નથી. અમારે ખાવું હોય કે પાણી પીવું હોય તો પાણીમાં જ ઊભા-ઊભા કે ફ્લોટ થતાં-થતાં લેવાનું હોય. થાક લાગે તો તમારે ૧૫-૨૦ સેકન્ડ પાણીમાં જ ઊભા રહીને થાક ઉતારી લેવાનો હોય છે અને ફરી સ્વિમિંગ શરૂ કરી દેવાનું હોય છે. દર વર્ષે હું કંઈક ને કંઈક અલગ કરતી રહું છું. ૨૦૨૩માં મેં D2D નાઇટ સ્વિમ કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો. એમાં મેં ૧૨ કલાકનું રિલે સ્વિમિંગ કર્યું હતું. ૨૦૨૪માં મેં ગેટવે ઑફ ઇન્ડિયાથી લઈને એલિફન્ટા સુધી ૧૪ કિલોમીટરનું ઓપન સી સ્વિમિંગ કર્યું હતું. ત્યાર બાદ મેં ગેટવેથી લઈને અટલ સેતુ સુધીનું ૧૮ કિલોમીટરનું સ્વિમિંગ કર્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં મેં નૉર્થ ગોવાથી લઈને સાઉથ ગોવા સુધીનું ૨૦ કિલોમીટર સ્વિમિંગ કર્યું હતું. આ સિવાય પણ હું અનેક સ્વિમિંગ ઇવેન્ટ અને કૉમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકી છું.’


૩૫ વર્ષની ઉંમર બાદ સ્વિમિંગ શીખનારાં સીમા વોરા કહે છે, ‘મારા હસબન્ડ જિતુ વોરા સ્પોર્ટ્સલવર છે. તેઓ સારું સ્વિમિંગ કરી જાણે છે. તેમની પાસેથી મળેલા પ્રોત્સાહન બાદ હું ૩૫ વર્ષે સ્વિમિંગ કરવા માટે પ્રોત્સાહિત થઈ હતી. મને ખુલ્લા દરિયામાં સ્વિમિંગ કરવાનો શોખ હતો, પરંતુ ડર પણ લાગતો હતો. મારો ડર દૂર કરવા મારા હસબન્ડે ૨૦૧૫માં નેવી દ્વારા યોજાતી ઓપન વૉટર સ્વિમિંગ કૉમ્પિટિશનમાં મારું નામ નોંધાવ્યું હતું. એ કૉમ્પિટિશનમાં મેં ભાગ લીધો અને મારો ડર દૂર થઈ ગયો. ધીરે-ધીરે હું આવી અલગ-અલગ કૉમ્પિટિશન અને ઇવેન્ટમાં ભાગ લેતી થઈ હતી. રિલે ફૉર્મેટ અથવા તો સોલો ફૉર્મેટમાં હું ભાગ લઉં છું.’

રોજ હું સ્વિમિંગની પ્રૅક્ટિસ કરું છું અને ઓપન વૉટર સ્વિમિંગની પ્રૅક્ટિસ પણ મારી ચાલુ જ છે એમ જણાવીને સીમા વોરા વધુમાં કહે છે, ‘આટલા કલાક સુધી સતત સ્વિમિંગ કરવું સહેલું હોતું નથી. એ માટે તમારે ડેઇલી પ્રૅક્ટિસની જરૂર પડે છે. એટલે હું રોજ-સવાર-સાંજ બે-બે કલાક સ્વિમિંગની પ્રૅક્ટિસ કરું છું. આ સિવાય મારા સ્વિમિંગના કોચ સતીષસર સાથે હું ઓપન વૉટર સ્વિમિંગની પ્રૅક્ટિસ કરવા પણ જાઉં છું. મુંબઈના લગભગ તમામ બીચ પર મેં ઓપન વૉટર સ્વિમિંગ કર્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 07:02 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK