Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડૉલર સામે રૂપિયો નવા નીચા તળિયે, શૅરબજારમાં ૭૯૦ પૉઇન્ટનો સુધારો

ડૉલર સામે રૂપિયો નવા નીચા તળિયે, શૅરબજારમાં ૭૯૦ પૉઇન્ટનો સુધારો

Published : 15 May, 2026 09:25 AM | IST | Mumbai
Anil Patel

TCS, ઇન્ફી, HCL ટેક્નૉલૉજીઝ, લાર્સન માઇન્ડ ટ્રીમાં નવા નીચા ભાવ : પરિણામની પૂર્વસંધ્યાએ તાતા સ્ટીલ નવા બેસ્ટ લેવલે, સેઇલ નવી ટોચે જઈને નરમ : ખાંડમાં નિકાસબંધીની સરકારી જાહેરાતના પગલે ઉદ્યોગના ૩૪માંથી ૨૯ શૅર માઇનસ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. હેલ્થકૅર ઇન્ડેક્સ લાઇફ ટાઇમ હાઈ, સિપ્લા તગડા જમ્પમાં નિફ્ટી ખાતે ઝળકી
  2. પરિણામ પાછળ બાલાજી એમાઇન્સ ૨૦ ટકા ઊછળી, આલ્કલી એમાઇન્સમાં ૧૧૪ની તેજી
  3. BSE લિમિટેડ તથા MCX નવી વિક્રમી સપાટીએ, સ્વિગીમાં વર્સ્ટ લેવલ દેખાયું

નવા ઑલટાઇમ બૉટમનો સિલસિલો જાળવી રાખતાં ડૉલર સામે રૂપિયો ૯૫.૭૩ના આગલા બંધ સામે ગુરુવારે વધુ ગગડીને ૯૫.૯૬ થઈને પાંચ પૈસાના ઘટાડામાં ૯૫.૭૬ આસપાસ જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૧૦૬ ડૉલર નજીક મજબૂત હતું. શૅરબજાર આ બન્નેને અવગણીને ટેક્નિકલ સુધારામાં જોવા મળ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૩૮ પૉઇન્ટ પ્લસ, ૭૪,૯૪૭ ખૂલી છેવટે ૭૯૦ પૉઇન્ટ સુધરીને ૭૫,૩૯૯ નજીક તથા નિફ્ટી ૨૭૭ પૉઇન્ટ વધી ૨૩,૬૮૯ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૭૪,૫૨૭ બતાવી તગડા બાઉન્સબૅકમાં ૭૫,૬૮૨ થયો હતો. માર્કેટ-બ્રેડ્થમાં થોડી સારા વાટ હતી. NSE ખાતે વધેલા ૧૭૨૫ શૅરની સામે ૧૫૪૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૩૦ લાખ કરોડ વધી ૪૬૨.૮૫ લાખ કરોડ છે. મેટલ ઇન્ડેક્સ બે ટકા અને હેલ્થકૅર ૨.૧ ટકા વધી નવા બેસ્ટ લેવલે પહોંચ્યા છે. નિફ્ટી ફાર્મા તથા નિફ્ટી મેટલ પણ એની સાથે હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ ૩૩૪૯ની વર્ષની ટોચે જઈ ૨.૯ ટકા વધીને ૩૩૪૧ હતો. બૅન્ક નિફ્ટી સવા ટકો, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧.૩ ટકા, યુટિલિટીઝ દોઢ ટકો, પાવર ઇન્ડેક્સ ૧.૪ ટકા અપ હતા. ITમાં નરમાઈ ચાલુ રહેતાં એનો આંક નવી મલ્ટીયર બૉટમ બનાવી ૫૦૦ પૉઇન્ટ ગગડ્યો છે.

ઘરઆંગણે વધતા ભાવને કાબૂમાં રાખવા સરકારે રો, વાઇટ તથા રિફાઇન્ડ તમામ પ્રકારની ખાંડની નિકાસ પર ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લાગુ કરી દીધો છે એના પગલે ગઈ કાલે શુગર સેક્ટરમાંથી ૨૯ શૅર ગઈ કાલે ઘટીને બંધ હતા. રાજશ્રી શુગર, દાલમિયા શુગર, રાણા શુગર, મવાણા શુગર, કેસર એન્ટરપ્રાઇઝિસ, મગધ શુગર, બજાજ હિન્દુસ્તાન, પિકાડેલી શુગર, ઉત્તમ શુગર, દ્વારકેશ શુગર, ધામપુર શુગર, પ્રુડેન્શિયલ શુગર, કે. એમ. શુગર જેવા શૅર સવાત્રણથી સાડા ૬ ટકા કડવા બન્યા છે.



HDFC બૅન્ક ગઈ કાલે સવાબે ગણા કામકાજમાં ૭૭૮ થઈ ૨.૭ ટકા વધી ૭૬૯ બંધમાં બજારને સૌથી વધુ ૨૫૭ પૉઇન્ટ ફળી છે. ભારતી ઍરટેલે સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બની ૨૨૯ પૉઇન્ટ પ્રદાન કર્યા છે. ૦.૮ ટકા વધેલી ICICI બૅન્ક ૬૩ પૉઇન્ટ લાભદાયી નીવડી હતી. કોટક બૅન્ક ૧.૪ ટકા અને સ્ટેટ બૅન્ક એકાદ ટકો સુધરી છે. એટર્નલ ૩.૩ ટકા અને સ્ટેટ બૅન્ક એકાદ ટકો સુધરી છે. એટર્નલ ૩.૩ ટકા વધી છે એની હરીફ સ્વિગી લિમિટેડ ૨૫૧ના ઑલટાઇમ તળિયે જઈ દોઢ ટકો સુધરી ૨૫૭ રહી છે. સનફાર્મા ૨.૧ ટકા, અદાણી પોર્ટ્‍સ ૨.૧ ટકા, મહિન્દ્ર બે ટકા પ્લસ હતી. મૅક્સ હેલ્થકૅર ૨.૩ ટકા, બજાજ ઑટો ૧.૮ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૯ ટકા નિફ્ટીમાં વધી છે. સારા બજારમાંય રિલાયન્સ અઢી રૂપિયાના મામૂલી સુધારે ૧૩૬૧ બંધ હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ સાડાઆઠ ટકા ઊછળીને નિફ્ટીમાં મોખરે હતી. ઇન્ફી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. કોલ ઇન્ડિયા ૧.૮ ટકા ડૂલ થઈ છે. BSE લિમિટેડ ૪૦૬૫ની નવી વિક્રમી સપાટી સર કરી ૩.૮ ટકાના જોરમાં ૪૦૩૭ બંધ થઈ છે. MCX પણ ૩૩૬૫ના શિખરે જઈને સવાચાર ટકાની મજબૂતીમાં ૩૩૪૦ થઈ છે. 


ZF કમર્શિયલનું શૅરદીઠ પાંચ શૅરનું બોનસ બેકાર ગયું

કાયનેસ ટેક્નૉલૉજીએ ૨૬ ટકા વધારામાં ૧૨૪૨ કરોડની આવક માર્ચ ક્વૉર્ટરમાં મેળવી છે જે એના ગાઇડન્સિસ કરતાં ૨૭ ટકા ઓછી છે. નફો ૨૧.૫ ટકા ઘટીને ૯૧ કરોડ આવ્યો છે. નફો ૨૧.૫ ટકા ઘટીને ૯૧ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૩૩૦૩ થઈ ૨૦ ટકા તૂટી ૩૩૩૯ બંધ થયો છે. LIC હાઉસિંગ ફાઇનૅન્સે સવા ટકાના ઘટાડામાં ૭૨૧૨ કરોડની આવક પર ૮.૭ ટકા વધારામાં ૧૪૯૩ કરોડ નફો કર્યો છે. શૅર ૪.૪ ટકા ઘટી ૫૬૦ હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર તરફથી ૧૦.૮ ટકાના વધારામાં ૨૨૮૩ કરોડની આવક પર ૭૧૬ કરોડની વન-ટાઇમ પ્રોવિઝનને લઈને ૧૬૯ કરોડના નફા સામે ૫૩૪ કરોડની નેટ લૉસ બતાવાઈ છે. શૅર ૧.૪ ટકા વધીને ૨૮૯ થયો છે.


ZF કમર્શિયલ દ્વારા સવાચૌદ ટકાના વધારામાં ૧૧૫૫ કરોડની આવક પર ૧૫.૫ ટકાના વધારામાં ૧૪૬ કરોડ નેટ નફો મેળવીને એક શૅરદીઠ પાંચ શૅરનું બોનસ જાહેર થયું છે. શૅર ૯ ગણા કામકાજે ઉપરમાં ૧૫,૧૯૫ થયા બાદ પોણાબે ટકા કે ૨૬૪ રૂપિયા ઘટી ૧૪,૧૪૮ બંધ રહ્યો છે. મેટ્રોપોલિસ હેલ્થકૅરની આવક ૨૩ ટકા વધીને ૪૨૫ કરોડ તથા નેટ નફો ૬૦૦ના શિખરે જઈ ૧.૨ ટકા ઘટીને ૫૪૨ હતો.

મન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શનની ત્રિમાસિક આવક ૫૦ ટકા ઘટીને ૧૪૫ કરોડ અને નેટ નફો ૪૪.૩ ટકા ગગડીને ૪૨૮૦ લાખ આવતાં શૅર નીચામાં ૧૧૮ થઈ પોણાસાત ટકા ગગડી ૧૧૯ હતો. કૅર રેટિંગ્સની આવક ૧૯ ટકા વધીને ૧૩૧ કરોડ તથા નફો ૨૪ ટકા વધી ૫૨૮૦ લાખ નોંધાયો છે. શૅર ઉપરમાં ૧૭૯૮ બતાવી ૮ ટકા કે ૧૨૮ રૂપિયા ઊછળી ૧૭૩૫ થયો છે.

ભારતી ઍરટેલ સવાયા વૉલ્યુમે સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર

ટેલિકૉમ જાયન્ટ ભારતી ઍરટેલની ત્રિમાસિક આવક ૧૬ ટકા વધીને ૫૫,૩૮૩ કરોડ થઈ છે, પણ નેટ પ્રૉફિટ ૩૪ ટકા ઘટી ૭૩૨૫ કરોડ આવ્યો છે. શૅરદીઠ ૨૪ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૮૮૪ થઈ સવાપાંચ ટકા ઊછળી ૧૮૮૩ થયો છે. તાતા મોટર્સ પૅસેન્જરની આવક સવાબાવીસ ટકા વધી ૨૪,૪૫૨ કરોડ તથા નેટ નફો ૬૯.૬ ટકા વધી ૨૪૦૬ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૩૪૧ થઈ અડધો ટકો સુધરી ૩૩૮ હતો. ONGCનાં રિઝલ્ટ ૨૬ મેના રોજ આવશે. શૅર ૩૦૪ નજીક જઈ સવા ટકો વધીને ૩૦૧ હતો.

સ્ટીલ્કો ગુજરાત એક શૅરદીઠ પાંચના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૨ના ભાવે રાઇટ ઇશ્યુમાં આજે એક્સ-રાઇટ થવાનો છે. ભાવ ૧૧ મેએ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૬૩ નજીકના શિખરે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ રિસ્ટ્રિક્ટેડ લિસ્ટમાં છે. ગયા વર્ષે ૧૦ ઑક્ટોબરે શૅરનો ભાવ માત્ર ૧૫ રૂપિયા હતો. અગાઉ ABC ગૅસ ઇન્ટરનૅશનલ તરીકે ઓળખાતી અંધેરી-ઈસ્ટની ઓનિક્સ સોલર એનર્જી ૧૭ શૅરદીઠ આઠ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૫૧ના ભાવથી રાઇટમાં આજે રાઇટ બાદ થશે. કંપનીનો શૅર રિસ્ટ્રિક્ટેડ લિસ્ટમાં છે. ભાવ ૧૧ મેએ બે ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૦૭ બંધ હતો. ૧૩ મે ૨૦૨૫માં શૅર ૧૫૩ની અંદર જોવા મળ્યો હતો.

બાલાજી એમાઇન્સની ત્રિમાસિક આવક ૧૨ ટકા વધીને ૩૯૪૮ કરોડ થઈ છે. નફો ૫૭.૭ ટકા ઊછળીને ૬૩૨ કરોડ આવ્યો છે. શૅર ૬ ગણા વૉલ્યુમે ૨૦ ટકા તેજીની સર્કિટમાં ૧૬૨૨ વટાવી ત્યાં જ બંધ હતો. પિયર ગ્રુપમાં આલ્કલી એમાઇન્સ પણ ૪૨ ગણા કામકાજમાં ૧૮૯૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૭ ટકા ઊછળી ૧૭૪૮ રહી છે. એમટાર ટેક્નૉલૉજીઝ ૭૭૨૮નું નવું શિખર હાંસલ કરી ૮૨૨ રૂપિયા કે ૧૨.૨ ટકાની આગેકૂચમાં ૭૫૭૧ થઈ છે.

ઝાયડસ લાઇફે અમેરિકન કંપની ખરીદી, શૅર વૉલ્યુમ સાથે વધ્યો

ભારતીય ફાર્મા કંપનીઓ આજકાલ અમેરિકન માર્કેટમાં શૉપિંગના મૂડમાં છે. સનફાર્મા તરફથી અમેરિકન ફાર્મા કંપની ઑર્ગોનનને પોણાબાર અબજ ડૉલરની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુથી હસ્તગત કરવાની ડીલ જાહેર થયે માંડ બે સપ્તાહ વીત્યાં છે. હવે અમદાવાદી ઝાયડસ લાઇફ સાયન્સિસ દ્વારા એક વધુ અમેરિકન ફાર્મા કંપની એસર્ટીઓને ૧૬૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાની જાહેરાત થઈ છે. એસર્ટીઓ સ્પેશ્યલિટી ફાર્માસ્યુટિક્લ કંપની છે. ગયા વર્ષે એની આવક ૬૮૨ લાખ ડૉલર હતી. આ કંપનીને શૅરદીઠ ૨૩.૫૦ ડૉલર લેખે કુલ ૧૬૬૪ લાખ ડૉલરમાં ઝાયડ્સે ખરીદી છે. ડીલ પાર પડ્યા પછી એને ઝાયડ્સ લાઇફમાં મર્જ કરવામાં આવશે. ગઈ કાલે ઝાયડ્સ લાઇફસાયન્સિસ દસેક ગણા કામકાજે ઉપર ૯૯૭ થઈ ૫.૬ ટકા ઊછળી ૯૯૧ રહી છે. કંપનીનાં રિઝલ્ટ ૧૯ મેએ આવશે. ગ્રુપ-કંપની ઝાયડ્સ વેલનેસ ૧.૭ ટકા ઘટીને ૫૦૬ હતી. એનાં પરિણામ ૧૮મીએ છે.

દરમ્યાન ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ ૪૭,૧૪૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૨.૧ ટકા વધી ૪૭૧૦૮ બંધ હતો. નફામાં ૫૫ ટકાના ઘટાડા પછી ૩ ટકા વધીને બંધ રહેલી સિપ્લા ૭ ગણા વૉલ્યુમે ૧૪૪૨ થઈ આઠ ટકાની તેજીમાં ૧૪૩૪ રહી છે. અગાઉ કિલપેસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખાતી થ્રીબી બ્લૅકબાયો ડીએક્સ ઉપરમાં ૧૩૭૫ વટાવી ૬.૪ ટકા ઊંચકાઈ ૧૩૭૦ થઈ છે. કૅપ્લિન પૉઇન્ટ લૅબોરેટરીઝે આવકમાં ૧૯ ટકાને વધારા સામે ૧૯.૪ ટકા વધારામાં ૧૭૩ કરોડ નફો કર્યો છે. શૅર ૨૦૫૭ વટાવી ૯.૮ ટકા ઊંચકાઈ ૨૦૨૩ થયો છે. પૉલી મેડિક્યૉર ૩.૮ ટકા ગગડીને ૧૫૪૫ તો નોવાર્ટિસ ૪ ટકા તૂટી હતી. અજંટા ફાર્મા ૩૨૮૩ના બેસ્ટ લેવલે જઈ ૩.૮ ટકા વધી ૩૨૪૨ થઈ છે. ડૉ. રેડ્ડીઝ લૅબ ત્રણ ટકા વધીને ૧૩૦૩ હતી.

મેટલ ઇન્ડેક્સમાં નવું બેસ્ટ લેવલ, IT મલ્ટીયર તળિયે

IT બેન્ચમાર્ક ખરાબી ચાલુ રાખતાં ૨૬,૪૩૩ની ૩૭ મહિનાની નવી નીચી સપાટી નોંધાવી ૧.૮ ટકા બગડી ૨૬,૬૮૦ બંધ થયો છે. ફ્રન્ટલાઇનમાં TCS ૨૨૧૦ની ૭૦ મહિનાની નવી બૉટમ બનાવી સવા ટકો ઘટીને ૨૨૪૬ થઈ છે. ઇન્ફોસિસ ૧૦૮૯ના ૬૭ મહિનાના તળિયે જઈ અઢી ટકાની ખરાબીમાં ૧૦૯૫ હતી. HCL ટેક્નૉલૉજીઝ ૧૧૦૩ના ૩૪ મહિનાના વર્સ્ટ લેવલે જઈને દોઢ ટકો ઘટીને ૧૧૨૪ રહી છે. ટેક મહિન્દ્ર બે ટકાની નરમાઈમાં ૧૩૪૫ હતી. વિપ્રો નીચામાં ૧૮૭ બતાવી સામાન્ય સુધારામાં ૧૮૮ હતી. લાર્સન માઇન્ડ ટ્રી કે લાટિમ ૧૩ મહિનાના તળિયે ૩૯૧૧ થઈ ઘટીને ૩૯૨૮ થઈ છે. ચારેક મહિના પૂર્વે શૅર ૬૪૩૦ના શિખરે ગયો હતો. સાઇડ શૅરમાં ઝગલ પ્રી-પેઇડની આવક ૫૦ ટકા વધીને ૬૧૮ કરોડ તથા નેટ નફો ૩૦ ટકા વધીને ૪૦ કરોડ પ્લસ આવ્યો છે છતાં શૅર ૬ ગણા વૉલ્યુમે નીચામાં ૨૨૮ થઈ ૨૦ ટકા તૂટી ૨૨૮ થયો છે. R સિસ્ટમ્સ ૬.૭ ટકા, લેટન્ટ વ્યુ અઢી ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સવાચાર ટકા, જ્યુજેન અઢી ટકા, નેટવર્ક પીપલ ૫.૧ ટકા, ઇન્ટલેક્ટ ૩.૬ ટકા ડાઉન હતા.

મેટલ ઇન્ડેક્સ ૪૪,૩૩૫ની નવી વિક્રમી સપાટી હાંસલ કરી બે ટકા વધીને ૪૪,૨૬૨ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ પોણાછ ગણા કામકાજે ૨૭૧૯ની દોઢ વર્ષની ટોચે જઈ ૮.૫ ટકાની મજબૂતીમાં ૨૭૧૩ બંધ થયો છે. હિન્દાલ્કો ૧૧૦૫ની સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૮ ટકા વધી ૧૧૦૩, સેઇલ ૨૧૦ની મલ્ટીયર ટૉપ દેખાડી સવા ટકો ઘટી ૧૯૯, વેદાન્તા ૩૪૧ની લાઇફટાઇમ હાઈ બનાવી ૪.૯ ટકા વધી ૩૩૯ બંધ હતી. હિન્દુસ્તાન કૉપર ૧.૯ ટકા, JSW સ્ટીલ પોણાબે ટકા, નાલ્કો બે ટકા, લૉયડ્સ મેટલ્સ અડધો ટકો પ્લસ હતી. તાતા સ્ટીલ ૨૨૩ના શિખરે જઈને પોણા ટકાની આગેકૂચમાં ૨૨૧ રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 09:25 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK