‘મારી પાસે પુરાવા છે, તપાસ માટે મોબાઇલ ફોન આપવા તૈયાર છું’
NTA રદ કરવાની માગણી સાથે આક્રમક આંદોલન: સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના સભ્યોએ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સામે ચેન્નઈમાં દેખાવ કર્યા હતા. NEET-UGના પેપર-લીક બાદ NTA રદ કરવા અને NEETની એક્ઝામ બૅન કરવાનાં પોસ્ટર હાથમાં લઈને સ્ટુડન્ટ્સે જોરદાર નારેબાજી કરી હતી.
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ–અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને સૌથી પહેલાં ઉજાગર કરનાર શિક્ષકની ફરિયાદની વિગતો હવે સામે આવી છે.
ફરિયાદની નકલ મુજબ આ શિક્ષકે આ મામલાની ગંભીરતા જોતાં કોઈ પણ કક્ષાએ તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.
શિક્ષકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘આ પરીક્ષાની મહત્તા અને વિદ્યાર્થીઓના જીવન પર એની અસરને ધ્યાનમાં રાખીને હું ફૉરેન્સિક તપાસ માટે મારો મોબાઇલ ફોન સોંપવા પણ તૈયાર છું. મારી પાસે આ પેપર-લીક વિશેના સંપૂર્ણ પુરાવા છે. આ બાબતની કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થવી જરૂરી છે. જે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે એ જોતાં લાગે છે કે આમાં પેપરનું ગેરકાયદે ઍક્સેસ, પ્રસાર અને ટ્રાન્સમિશન સામેલ છે એથી હું આ પેપર-લીકની તાત્કાલિક તપાસ શરૂ કરવા નમ્ર વિનંતી કરું છું.’
ADVERTISEMENT
સૂત્રોએ જણાવ્યા અનુસાર શરૂઆતની તપાસ બાદ આ શિક્ષકને કોઈ પણ પ્રકારની ગેરરીતિમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને ક્લીન ચિટ આપી દેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેમને ગેસ પેપર (Guess Paper) પરીક્ષા પૂર્ણ થયા પછી જ મળ્યું હતું જેથી તેમની ભૂમિકા માત્ર એક જાગ્રત નાગરિક અને શિક્ષક તરીકેની હોવાનું સાબિત થયું છે.
આ ફરિયાદ બાદ NEET-UGમાં થયેલા મોટા કૌભાંડની કડી મળવાની શરૂઆત થઈ હતી જેણે હવે દેશવ્યાપી આંદોલન અને કાનૂની લડાઈનું સ્વરૂપ ધારણ કર્યું છે.
NEET-UGનાં પેપર વેચીને લાખો રૂપિયા બૅન્કનાં ૨૧ ખાતાંઓમાં જમા કર્યા પુણેની મનીષા વાઘમારેએ
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક કેસમાં ધરપકડ કરાયેલી પુણેની મનીષા વાઘમારેએ પેપર વેચીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યું છે. ૨૧ જુદાં-જુદાં બૅન્ક-ખાતાંઓમાંથી મનીષા વાઘમારેનાં બૅન્ક-અકાઉન્ટમાં લાખો રૂપિયા જમા થયા હોવાનું તપાસમાં જણાયું છે. આ ખાતાં કોનાં છે એની હવે તપાસ કરવામાં આવશે. પોલીસે મનીષા વાઘમારેના લૅપટૉપ અને મોબાઇલ જપ્ત કર્યાં એમાં અનેક શંકાસ્પદ કૉલ્સ અને મેસેજિસ જોવા મળ્યા હતા.
ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી મનીષા વાઘમારેના ઘરમાં તપાસ ચાલી રહી હતી અને એ દરમ્યાન બૅન્ક-ખાતાંઓમાંથી જમા થયેલા પૈસા વિશે માહિતી મળી હતી. પરીક્ષા લેવાય એના થોડા જ દિવસ પહેલાં આ રૂપિયા જમા થયા હોવાથી પેપરને બદલે ઍડ્વાન્સમાં પૈસા જમા કરાવ્યા હતા કે પેપર મળ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા એ આ મામલે મનીષા વાઘમારેની પૂછપરછ ચાલી રહી છે.
NEET-UG પેપર-લીક કેસમાં મુખ્ય એજન્ટ ધનંજય લોખંડેનો બેસ્ટ ફ્રેન્ડ પોલીસના સકંજામાં
મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રેજ્યુએટ (NEET-UG) કેસમાં માસ્ટર માઇન્ડ શુભમ ખૈરનાર, મુખ્ય એજન્ટ ધનંજય લોખંડે, મનીષા વાઘમારે બાદ વધુ એક શંકાસ્પદ પર કાર્યવાહી કરવામાં આવી છે. પુણે પોલીસે આ મામલે ધનંજય લોખંડેના ગાઢ મિત્ર ઓમકાર શિંગોટેને તાબામાં લીધો છે. ઓમકાર શિંગોટે અને ધનંજય લોખંડેના સંબંધ ખૂબ નજીકના હોવાને કારણે ઓમકાર શિંગોટેની આ પ્રકરણમાં સંડોવણી હોઈ શકે અથવા આ કેસમાં તેણે કોઈ ભૂમિકા ભજવી હોવી જોઈએ એવું પોલીસનું માનવું છે. ઓમકાર શિંગોટે પોતે પુણેના વાઘોલી વિસ્તારની કૉલેજનો વિદ્યાર્થી છે અને મેડિકલનો અભ્યાસ કરે છે. શિંગોટેની અટકાયત બાદ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરનારા કે એનાથી જોડાયેલા લોકોની સંડોવણી પેપર-લીક કેસમાં વધુ હોવાનું જોવા મળ્યું છે.
રાજસ્થાનથી પકડાયેલા બિવાલભાઈઓના પરિવારના પાંચ સભ્યો NEET-UGમાં પાસ થયા
રાજસ્થાનથી ધરપકડ કરાયેલા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીકના માસ્ટરમાઇન્ડ ગણાતા બે ભાઈઓ માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલ વિરુદ્ધ સકંજો વધુ કસાયો છે અને હવે તેમના કુટુંબીજનો સુધી પણ તપાસ પહોંચશે એવી શક્યતા છે. ૨૦૨૫માં બિવાલ કુટુંબના પાંચ જણ NEET-UGની પરીક્ષામાં પાસ થઈને મેડિકલ સ્ટુડન્ટ્સ બન્યા હોવાથી તપાસ-એજન્સીઓના કાન વધુ સરવા થયા છે અને શું તેઓ પણ લીક થયેલા પેપરના માધ્યમથી ખોટી રીતે પરીક્ષામાં પાસ થયા હતા કે નહીં એ દિશામાં તપાસ આગળ વધી શકે છે. સ્પેશ્યલ ઑપરેશન્સ ગ્રુપ દ્વારા બન્ને ભાઈઓની સંપત્તિ, રાજકીય ઘરોબો, તેમની વગ વગેરેની તપાસ થઈ રહી છે. જોકે તેમના કુટુંબીજનોનું કહેવું છે કે બન્ને નિર્દોષ છે અને રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. કુટુંબમાંથી NEET-UGની પરીક્ષા પાસ કરનારાઓમાં દિનેશ બિવાલના મોટા ભાઈની બે દીકરીઓ, દિનેશ બિવાલનો પુત્ર અને કુટુંબની અન્ય એક દીકરીનો સમાવેશ છે. જોકે પાંચમો સભ્ય કોણ છે એ વિશે માહિતી આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
NEET-UGની એક્ઝામ રદ થયા બાદ ગોવાના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવતાં પહેલાં કહ્યું... હું હવે કમ્પિટિટિવએક્ઝામ નથી આપવા માગતો
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને અન્ય તપાસ-એજન્સીઓ દ્વારા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક કાંડની તપાસ ચાલી રહી છે ત્યારે ગોવામાં આ સંબંધિત દુખદ ઘટના બની હતી. પેપર લીક થયાના સમાચાર અને એક્ઝામ કૅન્સલ થઈ હોવાનું જાણ્યા બાદ ગોવાના નેસાઈના બારમા ધોરણમાં ભણતા ૧૭ વર્ષના સ્ટુડન્ટે આત્મહત્યા કરી લીધી હતી.
ફરીથી કમ્પિટિટિવ એક્ઝામ આપવી પડશે એવા વિચારથી હતાશ થયેલા અને માનસિક દબાણ અનુભવી રહેલા વિદ્યાર્થીએ ઘરે કોઈ નહોતું ત્યારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. રેલવે-ગાર્ડની નોકરીએથી તેના પપ્પા ઘરે આવ્યા ત્યારે તેમણે દીકરાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો અને પોલીસની જાણ કરી હતી. ઘટનાની તપાસ કરી રહેલી પોલીસને તેની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી જેમાં લખ્યું હતું, ‘હું હવે વધુ કોઈ કમ્પિટિટિવ એક્ઝામ આપવા માગતો ન હોવાથી આ પગલું ભરી રહ્યો છું.’
તપાસ કરનારાઓનું માનવું છે કે પેપર-લીક બાદ એક્ઝામ કૅન્સલ થતાં અત્યંત મુશ્કેલ ટેસ્ટિંગ પ્રોસેસ ફરી હાથ ધરવામાં આવશે એવું વિચારીને વિદ્યાર્થી હતાશ થઈ ગયો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.
