કુર્લા અને ભાંડુપ વચ્ચે ટ્રેન સર્વિસ અને રૂટમાં ફેરફાર
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં વિદ્યાવિહાર સ્ટેશન પર ઇન્ટરમીડિયેટ ફુટ ઓવર બ્રિજ (FOB) માટે ગર્ડર્સ ગોઠવવાના હોવાથી ૧૫થી ૧૮ મે દરમ્યાન સતત ત્રણ દિવસના નાઇટ-ટ્રાફિક અને પાવર બ્લૉક લેવામાં આવશે. આ કામને લીધે કુર્લા અને ભાંડુપ વચ્ચે ટ્રેન-સર્વિસ અને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આ ખાસ બ્લૉક ગુરુવારે મોડી રાતે ૧.૧૫થી સવારે ૪.૧૫ વાગ્યા સુધી, શુક્રવારે રાતે ૧૨.૧૦થી સવારે ૪.૪૦ વાગ્યા સુધી અને શનિવારે મોડી રાતે ૧.૧૦ વાગ્યાથી સવારે ૩.૦૫ વાગ્યા સુધી અમલમાં રહેશે. બ્લૉક દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કર્જત તરફ રાતે ૧૧.૩૦થી ૧૨.૧૨ વાગ્યા સુધી ઊપડતી સ્લો ટ્રેનોને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે ફાસ્ટ ટ્રૅક પર વાળવામાં આવશે.
ADVERTISEMENT
કસારાથી CSMT માટે રાતે ૧૦ વાગ્યે છૂટતી લોકલ ટ્રેન મુલુંડ અને માટુંગા સ્ટેશનો વચ્ચે ફાસ્ટ ટ્રૅક પર વાળવામાં આવશે. CSMTથી ઊપડતી કેટલીક ટ્રેનોને કુર્લા સ્ટેશને ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે CSMT આવતી કેટલીક ટ્રેનોને કુર્લામાં ટર્મિનેટ કરી દેવામાં આવશે.
એ સમય દરમ્યાન કેટલીક લોકલ ટ્રેનો રદ કરશે. થાણેથી રાતે ૧૧.૪૦ વાગ્યે ઊપડતી થાણે-કુર્લા લોકલ તેમ જ સવારે ૪.૦૪ વાગ્યે ઊપડતી થાણે-CSMT લોકલ ટ્રેન રદ કરવામાં આવશે. વધુમાં CSMTથી રાતે ૧૧.૩૮ વાગ્યે અને ૧૨.૨૪ વાગ્યે ઊપડતી CSMT-થાણે લોકલ ટ્રેન રદ કરવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેમાં આજે દાદરમાં મિડનાઇટ બ્લૉક
વેસ્ટર્ન રેલવેમાં દાદર સ્ટેશને મેજર મેઇન્ટેનન્સ-વર્ક કરવાનું હોવાથી આજે મિડનાઇટ બ્લૉક જાહેર કરવામાં આવ્યો છે. શુક્રવારે મધરાતે ૧૨ વાગ્યાથી શનિવારે સવારે પાંચ વાગ્યા સુધી એ કામ ચાલવાનું છે એથી આ સમય દરમ્યાન મુંબઈ સેન્ટ્રલથી માહિમ વચ્ચે સ્લો ટ્રૅક પર ટ્રેનો નહીં દોડે. મુંબઈ સેન્ટ્રલથી માહિમ વચ્ચે ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર ડાઇવર્ટ કરવામાં આવી છે એથી એ ટ્રેનો મહાલક્ષ્મી, લોઅર પરેલ, પ્રભાદેવી અને માટુંગા રોડ સ્ટેશનોએ ઊભી નહીં રહે.
