Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટૅરિફના ટેન્શનમાં શૅરબજાર ભારે વેચવાલી સાથે ૧૦૧૮ પૉઇન્ટ ડૂલ

ટૅરિફના ટેન્શનમાં શૅરબજાર ભારે વેચવાલી સાથે ૧૦૧૮ પૉઇન્ટ ડૂલ

Published : 12 February, 2025 07:27 AM | Modified : 13 February, 2025 07:08 AM | IST | Mumbai
Anil Patel

બન્ને બજારનાં તમામ સેક્ટોરલ ડાઉન, માર્કેટ બ્રેડ્થમાં મસમોટી ખરાબી, બજારના માર્કેટકૅપના ૯.૨૯ લાખ કરોડ રૂપિયા સાફ : ટ્રમ્પે રુશવતખોરીને લગતા કાયદાનો અમલ અટકાવ્યો

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


બન્ને બજારનાં તમામ સેક્ટોરલ ડાઉન, માર્કેટ બ્રેડ્થમાં મસમોટી ખરાબી, બજારના માર્કેટકૅપના ૯.૨૯ લાખ કરોડ રૂપિયા સાફ : ટ્રમ્પે રુશવતખોરીને લગતા કાયદાનો અમલ અટકાવ્યો, અદાણી એન્ટરપ્રાઇઝ ખરાબ બજારે નિફ્ટીમાં ટૉપ ગેઇનર બની : પરિણામના વસવસામાં આઇશર મોટર્સ ૩૬૩ રૂપિયા ગગડી :  એલઆઇસી અને એમઆરએફમાં વર્ષના નીચા ભાવ : પીએસયુ ઇન્ડેક્સમાં ૬૩માંથી માત્ર એક તો હેલ્થકૅરમાં ૯૯ શૅરમાંથી ફક્ત બે શૅર પ્લસ, બૅન્કિંગમાં ઝીરો


ટ્રમ્પનું ટ્રૅરિફ-વૉર, FIIની અવિરત વેચવાલી અને નીતનવા નીચા બૉટમ બનાવતા રૂપિયાને લઈ બજારનો બગાડ વધવા માંડ્યો છે. સેન્સેક્સ મંગળવારે ૧૦૧૮ પૉઇન્ટ તૂટીને ૭૬,૨૯૩ તથા નિફ્ટી ૩૧૦ પૉઇન્ટ ખરડાઈ ૨૩,૦૭૨ બંધ થયો છે. માર્કેટ નહીંવત્ પ્લસમાં, ૭૭,૩૮૫ ખૂલી ઉપરમાં ૭૭,૩૮૭ થયા બાદ આખો દિવસ માઇનસ ઝોનમાં હતું. શૅર આંક નીચામાં ૭૬,૦૩૦ થયો હતો. ગઈ કાલની સાર્વત્રિક અને વ્યાપક ખરાબીમાં સેન્સેક્સના ૩૦માંથી ૨૯ અને નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૅર ગગડ્યા છે. બન્ને બજારના તમામ સેક્ટોરલ લાલ થયા છે. સેન્સેક્સ નિફ્ટીના ૧.૩ ટકાના ઘટાડા સામે સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૩.૪ ટકા કે ૧૬૬૬ પૉઇન્ટ, મિડકૅપ ઇન્ડેક્સ ૨.૯ ટકા કે ૧૨૧૬ પૉઇન્ટ, બ્રૉડર માર્કેટ બે ટકા, રિયલ્ટી ત્રણ ટકા, નિફ્ટી મીડિયા, હેલ્થકૅર પોણાત્રણ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ઑટો-પવાર-ઑઇલ અને ગૅસ-યુટિલિટીઝ-એનર્જી-મેટલ-FMCG-કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ બેથી અઢી ટકા સાફ થયા હતા. આઇ-ફાઇનૅન્સ તથા ટેલિકૉમ માર્કેટ પણ આઉટ પર્ફોર્મર બન્યા છે. બારેબાર શૅરની બૂરાઈમાં બૅન્ક નિફ્ટી ૫૭૮ પૉઇન્ટ કે ૧.૨ ટકા નરમ હતો. બૅન્કિંગના તમામ ૪૧ શૅર માઇનસ થયા છે. તદ્દન ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૩૨૬ શૅરની સામે ૨૫૩૨ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૯.૨૯ લાખ કરોડ રૂપિયા ધોવાણમાં હવે ૪૦૮.૫૩ લાખ કરોડે આવી ગયું છે. સ્મૉલકૅપ સેગમેન્ટના ૯૫ ટકા શૅર ડાઉન હતા. અત્રે ૯૩૭માંથી માત્ર ૪૪ જાતો પ્લસ થઈ છે તો બ્રૉડર માર્કેટના ૫૦૦ શૅરમાંથી કેવળ ૨૫ શૅર વધ્યા હતા.



એશિયા ખાતે જપાન રજામાં હતું. ઇન્ડોનેશિયા પોણાબે ટકા, હૉન્ગકૉન્ગ એક ટકો, ચાઇના અને સિંગાપોર નજીવા ઘટ્યાં છે. સામે થાઇલૅન્ડ એક ટકો, સાઉથ કોરિયા પોણો ટકો તથા તાઇવાન અડધો ટકો સુધર્યું છે. યુરોપ રનિંગમાં લગભગ ફ્લૅટ હતું. બિટકૉઇન અડધા ટકાના સુધારામાં ૯૮,૦૨૫ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૧૫૧૦ પૉઇન્ટ વધી ૧,૧૩,૦૨૧ દેખાયું છે. બ્રેન્ટક્રૂડ સવા ટકો વધીને ૭૭ ડૉલર નજીક સરક્યું છે. વૈશ્વિક સોનું ૨૯૦૦ ડૉલર ઉપર મક્કમ હતું. યુરોપિયન યુનિયન તરફથી સ્ટીલ તથા ઍલ્યુમિનિયમ ઉપર પચીસ ટકાની આયાત જકાત નાખવાના પગલાનો વિરોધ કરતાં વળતો જવાબ આપવાની ધમકી અપાઈ છે.


નરેન્દ્ર મોદી ટ્રમ્પની મહેમાનગતિ માણવા અમેરિકા જવાની તૈયારમાં છે ત્યારે વિદેશી કંપનીઓ તરફથી અમેરિકાની ધરતી પર આચરવામાં આવતા કરપ્શન કે લાંચ-રુશવતખોરીને લગતા કાયદાનો અમલ ટ્રમ્પે સ્થગિત કરી દીધો છે. આ વિશે નવી માર્ગરેખા જારી કરાશે ત્યાર પછી આ કાયદાનો અમલ શરૂ થશે એવી જાહેરાત કરી છે. આના પગલે અદાણી કૅમ્પમાં જશનનો માહોલ જામ્યો છે. ગઈ કાલે બજારની ઑલરાઉન્ડ ખુવારી વચ્ચે અદાણીની ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૪ ટકા વધી નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બની છે. અદાણી પાવર ૧.૪ ટકા પ્લસ હતો. સામે એસીસી, સાંધી ઇન્ડસ્ટ્રીઝ, અંબુજા સિમેન્ટ્સ, NDTV, અદાણી ગ્રીન અને અદાણી એનર્જી એકથી દોઢ ટકા નરમ હતા. અદાણી ટોટલ બે ટકાથી વધુ તો અદાણી વિલ્મર સવાપાંચ ટકાથી વધુ ખરડાયા હતા. અદાણી પોર્ટ્સ સાધારણ ઢીલી હતી.

ઝીરો આવક અને કરોડોની ખોટ સામે ૫૫૦૦ કરોડના માર્કેટકૅપવાળી એલ. એસ. ઇન્ડસ્ટ્રીઝ સેબીના સપાટે


બીએસઈ ખાતે લિસ્ટેડ એલ. એસ. ઇન્ડસ્ટ્રીઝ સેબીના સપાટે ચડી છે. શૅરના ભાવ સાથે ચેડાં કરવા બદલ સેબીએ કંપની, તેની પ્રમોટર પ્રોફાઉન્ડ ફાઇનૅન્સ. પ્રાઇવેટ લિમિટેડ તથા અન્ય ચાર એન્ટીટી ઉપર બૅન મૂકી દીધો છે. સેબી દ્વારા તપાસમાં શંકાસ્પદ ટ્રેડિંગ પૅટર્ન તથા ગેરમાર્ગે દોરનારા ડિસ્કલોઝર મારફત શૅરના ભાવ મેનીપ્યુલેટ કરાયા હોવાના પુરાવા મળ્યા છે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૬૪ ઉપર બંધ થયો છે.

આશરે ૮૪.૯૦ કરોડની ઇક્વિટી ધરાવતી હિમાચલ પ્રદેશની એલ. એસ. ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪.૨ ટકાનું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં કંપનીની આવક ક્યારેય ૪૫ લાખથી વધી નથી, સામે ખોટ ૧૪ કરોડે પહોંચી છે. શૅરની ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. બુકવૅલ્યુ માત્ર ૪૫ પૈસા છે. મતલબ કે એકત્રિત ખોટના કારણે કંપનીની નેટવર્થ ૫૫ ટકા સાફ થઈ ગઈ છે. આમ છતાં આજે એનું માર્કેટકૅપ ૫૪૮૦ કરોડનું છે.

આ શૅરનો ભાવ ૨૩ જુલાઈએ ૨૨.૫૦ના વર્ષના તળિયે હતો એ બે જ મહિનામાં ઊછળી ૨૭ સપ્ટેમ્બરે ૨૬૭ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. બે માસમાં ૧૦૯૦ ટકાની તેજી પછી ભાવ ગગડી નવેમ્બરમાં ૪૨ થયો હતો અને ત્યાંથી વધી ડિસેમ્બરમાં ૧૩૭ દેખાયો હતો. ભાવમાં આવી અસાધારણ વધઘટ પાછળ કેટલાક ટ્રેડર્સ જેમ કે મલ્ટિપ્લાયર શૅર ઍન્ડ સ્ટૉક ઍડ્વાઇઝર્સ, સેતુ સિક્યૉરિટીઝ, પરેશ ધીરજલાલ શાહ તેમ જ રુચિરા ગોએલનું ગ્રુપ કામ કરી ગયું હોવાનું સેબીએ શોધી કાઢ્યું છે. આ લોકો પહેલાં મોટી ક્વૉન્ટિટીમાં બાયના ઑર્ડર પ્લેસ કરતા રહી ભાવોને ચગાવતા હતા, પછીથી માલ ડમ્પ કરી શૅર ગબડાવી દેતા હતા. સેબીના સપાટા પછી આ શૅરની વૅલ્યુ રીતસર ઝીરો થઈ જવાની છે.

સ્વિગી અને ઓલા ઇલેક્ટ્રિકમાં નવાં વર્સ્ટ લેવલ બન્યાં

સેન્સેક્સ ખાતે એક માત્ર ભારતી ઍરટેલ નહીંવત્ પ્લસ હતો. નિફ્ટીમાં અદાણી એન્ટર ૧.૪ ટકા, ગ્રાસિમ પોણો ટકો, ટ્રેન્ટ અડધો ટકો વધ્યા હતા. આઇશર મોટર્સે ૧૮ ટકાના વધારા સાથે ૧૧૭૦ કરોડ નેટ નફો જાહેર કરતાં બ્રોકરેજ હાઉસ ખુશ થયા નથી. ગોલ્ડમૅન સાક્સે ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૫૯૦૦ કરી છે. શૅર પોણાસાત ટકા કે ૩૬૩ની ખરાબીમાં ૪૯૭૨ બંધ આપી નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો છે. અપોલો હૉસ્પિટલ સાડાછ ટકા કે ૪૪૪ રૂપિયા, શ્રીરામ ફાઇનૅન્સ ચાર ટકા, કોલ ઇન્ડિયા, ભારત ઇલેક્ટ્રિક તથા તાતા સ્ટીલ ત્રણ ટકા જેવા, તાતા મોટર્સ, હીરો મોટોકૉર્પ, HDFC લાઇફ, બજાજ ફીનસર્વ, લાર્સન, પાવર ગ્રીડ અઢીથી પોણાત્રણ ટકા બગડ્યા હતા. ઝોમાટો સવાપાંચ ટકા તૂટી ૨૧૫ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતો. રિલાયન્સ દોઢ ટકો ખરડાઈ ૧૨૩૪ના બંધમાં બજારને ૧૧૦ પૉઇન્ટ તો HDFC બૅન્ક એક ટકા નજીકની નરમાઈમાં ૧૦૧ પૉઇન્ટ નડી છે. મહિન્દ્ર, TCS, સનફાર્મા, અલ્ટ્રાટેક, આઇટીસી, હિન્દુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્ર બૅન્ક, SBI લાઇફ, ભારત પેટ્રો, ટેક મહિન્દ્ર, વિપ્રો જેવી જાતો પોણાબેથી સવાબે ટકા નજીક ડૂલ થઈ છે.

સ્વિગી ૩૩૦નું નવું ઑલટાઇમ બૉટમ બનાવી ૭.૯ ટકા લથડી ૩૩૪ નજીક રહી છે. વૉલ્યુમ દોઢું હતું. ઓલા ઇલેક્ટ્રિક પણ ૬૪નો સૌથી નીચો ભાવ નોંધાવી સાડાત્રણ ટકાની નરમાઈમાં ૬૫ ઉપર બંધ હતી. જિયો ફાઇનૅન્સ ત્રણેક ટકા ઘટી ૨૩૬ નીચે રહી છે. એલઆઇસી ૭૯૦ની વર્ષની બૉટમ બાદ એક ટકો ઘટી ૮૦૦ નજીક બંધ હતી. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ ત્રણ ટકા કે ૪૩૩૧ની ખરાબીમાં ૧,૩૫,૬૭૫, જ્યારે MRF ૧,૦૮,૫૦૦ના વર્ષના તળિયે જઈ સવાબે ટકા કે ૨૪૪૯ના કડાકામાં ૧,૦૮,૬૩૪ હતી.

બૅન્કિંગના તમામ ૪૧ શૅર નરમ, આઇટીમાં ૫૬માંથી બે શૅર પ્લસ

આઇટી ઇન્ડેક્સ ૧.૪ ટકા ઘટ્યો છે, પરંતુ એના ૫૬માંથી ૫૪ શૅર માઇનસ હતા. હેપ્પીબેસ્ટ માઇન્ડ ૪ ગણા વૉલ્યુમે પોણાઆઠ ટકા ઊછળી ૭૧૭ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર હતી. ઝગલ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં બંધ થઈ છે. બૅન્કિંગ ક્ષેત્રના તમામ ૪૧ શૅર લાલ થયા છે. ધનલક્ષ્મી બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, જના સ્મૉલ બૅન્ક, ઇક્વિતાસ બૅન્ક, ઉજજીવન સ્મૉલ બૅન્ક પાંચથી સાડાછ ટકા કપાઈ હતી. ફાઇનૅન્સ બેન્ચમાર્કમાં ૧૫૧માંથી માત્ર ૧૦ શૅર વધ્યા છે. ક્રિસિલ છ ગણા વૉલ્યુમે ૩૧૨ રૂપિયા કે છ ટકા ઊચકાઈ ૫૪૧૦ હતી. સામે કેફીન ટેક ૧૧૭ રૂપિયા કે ૧૦ ટકાથી વધુના ધબડકામાં ૧૦૩૭ હતો. ટેલિકૉમમાં સુયોગ ટેલિમેટિક્સ વીસેક ટકા કપાઈ ૧૧૨૭ થઈ છે. ઑપ્ટિમસ ૯ ટકા અને MTNL સાડાસાત ટકા બગડી હતી.

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૯૭ શૅરની નરમાઈમાં ૧૧૭૨ પૉઇન્ટ પટકાયો છે. NGL ફાઇન ૨૪૧ રૂપિયા કે ૧૬ ટકા, વિન્ડલાસ બાયો ૧૩ ટકા, પિરામલ ફાર્મા સાડાસાત ટકા, ન્યુલૅન્ડ લૅબ ૧૧૦૦ રૂપિયા કે સાડાસાત ટકા સાફ થયા હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ટીમકેન ઇન્ડિયાનો સાડાચાર ટકાની મજબૂતી બાદ કરતાં બાકીના ૨૯ શૅરની બૂરાઈમાં ૧૫૬૪ પૉઇન્ટ કે અઢી ટકા તૂટ્યો છે. ઑઇલ ઇન્ડિયાના ૧.૭ ટકાના સુધારાને બાદ કરતાં એનર્જી ઇન્ડેક્સ ૨૮ શૅરના ઘટાડે બે ટકા માઇનસ હતો. પીએસયુ બેન્ચમાર્ક અઢી ટકા ડૂલ થયો છે. અત્રે ૬૩માંથી ૬૨ શૅર ઘટ્યા હતા. ખાતર ઉદ્યોગના પચીસમાંથી ફક્ત ઇન્દ્ર ઇન્ડસ્ટ્રીઝ બે ટકા વધી હતી. સિમેન્ટ ઉદ્યોગના ૪૨માંથી ત્રણ શૅર પ્લસ હતા. શુગર સેક્ટરના ૩૭માંથી ૩૬ શૅર કડવા બન્યા છે. પાર્વતી શુગર દોઢ ટકો સુધરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2025 07:08 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK