વડોદરામાં મનમોહન કચોરીવાલાને ત્યાં કચોરી આમ જ મળે છે અને એનો સ્વાદ એવો તો અદ્ભુત છે કે જલસો પડી જાય, ગયા રવિવારે મારા નાટકનો શો વડોદરામાં હતો અને એના આગલા દિવસે મારા દીકરાની સગાઈની પાર્ટી હતી.
બોલો આ તો કેવું, કચોરી અને એની સાથે ભેળ
ગયા રવિવારે મારા નાટકનો શો વડોદરામાં હતો અને એના આગલા દિવસે મારા દીકરાની સગાઈની પાર્ટી હતી, જેના માટે વડોદરામાં રહેતાં મારાં મામા અને મામી મુંબઈ આવ્યાં હતાં. મેં તેમને કહ્યું કે કાલે હું વડોદરા જાઉં છું. આ વાત આગળ વધારતાં પહેલાં તમને હું અમારી થોડી બીજી વાત કરી દઉં.
મુંબઈથી વડોદરા સુધીમાં અમારા નાટકનો જો એક શો હોય તો અમે એવું કરીએ કે મુંબઈથી પશ્ચિમ એક્સપ્રેસ પકડીએ જે સાંજે સાડાપાંચ-છ વચ્ચે અમને વડોદરા પહોંચાડી દે. વડોદરા જઈને ક્યાંક ચા-નાસ્તો કરી અમે સીધા થિયેટર પર જઈએ. નાટકનો શો પૂરો કરી અમે ફરી વડોદરાથી જયપુર સુપરફાસ્ટ લઈએ અને પાછા મુંબઈ આવી જઈએ. હોટેલનો ખર્ચ બચે અને સાથોસાથ ઘરે પાછા પણ આવી જવાય. આવું જ અમે સુરત-નવસારીમાં પણ કરીએ. હવે આવી જઈએ ફરી આપણી મૂળ વાત પર.
હું વડોદરા જાઉં છું એ સાંભળીને મામાએ મને સજેશન આપ્યું કે તું અલકાપુરીમાં મનમોહનની કચોરી-ભેળ ખાવા જજે, તને મજા આવશે. મેં તેમને કહ્યું કે અગાઉ મેં વડોદરાની પ્યારેલાલની કચોરીનો આસ્વાદ તો મારા વાચકો સુધી પહોંચાડ્યો છે તો મામા મને કહે કે તું મનમોહનમાં જજેને, તને જલસો પડશે. મામાને મારો સ્વાદ અને મારી કૉલમ વિશે ખબર એટલે મેં ધારી લીધું કે કંઈક તો ખાસ હોવાનું.
વડોદરા જઈને હું તો પહોંચ્યો અલકાપુરીમાં. આ અલકાપુરીમાં વેસ્ટસાઇડનો શોરૂમ છે એ ગલીના કૉર્નર પર જ મનમોહનવાળો ઊભો રહે છે. નાની અમસ્તી લારી અને એની ઉપર નામ ‘મનમોહન કચોરીવાલા’. હું પહોંચ્યો ત્યારે એ ભાઈ એકસાથે છ કચોરી બનાવતા હતા એટલે ઑર્ડર આપતાં પહેલાં મેં તેની મેકિંગ સ્ટાઇલ જોવાનું શરૂ કર્યું.
આપણા હાથથી સહેજ નાની સાઇઝની, હા-હા, બરાબર વાંચ્યું તમે, હાથની જ કહું છું, હથેળીની નહીં. હાથની સાઇઝની કચોરી, એકદમ ફૂલેલી અને કરકરી. એ કચોરીમાં મગની દાળના પૂરણનું આછું લેયર. ઘણા આને ખસ્તા કચોરી પણ કહે છે પણ મધ્ય પ્રદેશની ખસ્તા કચોરી થોડી જુદી હોય છે. ઍનીવેઝ, આ જે કચોરી હતી એ કચોરી પર કાણું પાડી એ ભાઈએ તીખી-મીઠી ચટણી નાખી અને પછી એ ભાઈએ ભેળ બનાવવાનું ચાલુ કર્યું અને મારી આંખો પહોળી થઈ.
આપણી મુંબઈમાં હોય એવી જ ભેળ. ભેળ બની ગઈ એટલે એ ભાઈએ કચોરીમાં ભેળ ભરી દીધી અને પછી એ ખાવા માટે આપી. નવું અને યુનિક કહેવાય એવું કૉમ્બિનેશન મેં પહેલી વાર જોયું અને મને મોઢામાં પાણી પણ આવવા માંડ્યું. મેં તો ઑર્ડર વધારીને બે કચોરીનો કરી નાખ્યો અને સાહેબ, વસૂલ.
કચોરીની ક્રન્ચીનેસ અને ભેળની સૉફ્ટનેસનું અદ્ભુત કૉમ્બિનેશન. મજાની વાત કહું. જ્યાં સુધી તમે આખી કચોરી પૂરી ન કરો ત્યાં સુધી એની ક્રન્ચીનેસ પણ ઓછી નથી થતી. કચોરીની વાત કરું તો એની ખૂબી એ હતી કે એ બહુ નમકીન નહોતી. એવું શું કામ એ કારણ સમજાવું. એમાં ચટણીઓ અને ભેળ નાખવાની હતી એટલે એ કચોરીને પૂરતી ખારાશ આપી દેવાનું કામ કરતાં હતાં. જો કચોરીમાં પણ પૂરતી માત્રામાં નમક હોય તો આ આખો સ્વાદ વધારે પડતી ખારાશ પકડી લે. ફ્યુઝન કરતા હો ત્યારે આ બધી વાતનું બહુ ધ્યાન રાખવું પડે. જેમ કે ગુલકંદ આઇસક્રીમ. એમાં ગુલકંદની ગળાશ તો ઉમેરાવાની જ છે ત્યારે નૉર્મલ દૂધમાં એટલી ખાંડ ન નાખવાની હોય જે નૉર્મલી નાખતા હોઈએ, નહીં તો ગુલકંદ આઇસક્રીમની ગળાશ અતિશય માત્રામાં વધી જાય.
ફરી પાછા આવીએ કચોરી-ભેળ પર.
એક કચોરી ખાઈને તો મારા જેવાનું પેટ ભરાઈ જાય પણ એકસાથે બે વરાઇટી ખાધાનો આનંદ મળે. મને મજા પડી એટલે જ હું આ આઇટમ તમારા સુધી લાવ્યો છું. જો ક્યારેય વડોદરા જવાનું બને તો મનમોહનની કચોરી-ભેળ ખાવાનું ચૂકતા નહીં.


