પુણેના કોંઢવા વિસ્તારમાં મળી આવેલી આ રોકડનો ઉપયોગ ઇલેક્શનમાં થવાનો હોવાની આશંકા
પ્રતીકાત્મક તસવીર
પુણેના કોંઢવા વિસ્તારમાં ગેરકાયદે વેચાતા દારૂનો જથ્થો જપ્ત કરવા ગયેલી પોલીસે દારૂ સાથે એક કરોડ રૂપિયાથી વધુની કૅશ જપ્ત કરી હોવાની ઘટના સામે આવી છે.
કૅશ મળ્યા પછી પોલીસે તાત્કાલિક ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટને આ વિશે જાણ કરી હતી. પોલીસે શકમંદોને કસ્ટડીમાં લઈને આ રોકડ ખરેખર કોની છે, એ કયા કારણે રાખવામાં આવી હતી અને શું એનો મ્યુનિસિપલ ઇલેક્શન સાથે કોઈ સંબંધ છે વગેરે સવાલોની સઘન તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
કોંઢવામાં ગેરકાયદે દારૂના અડ્ડાઓને પકડવા માટે પોલીસ કાકડે વસાહતમાં ગલી નંબર બેમાં એક ઘરમાં પહોંચી હતી. ત્યાંથી પહેલાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એ પછી પોલીસે ઘરનાં કબાટ ખોલ્યાં તો બધા ચોંકી ગયા હતા કારણ કે આખા કબાટમાં રોકડા ભરેલા હતા. જ્યારે પોલીસે રકમ ગણી ત્યારે સ્પષ્ટ થયું કે ટોટલ કૅશ ૧ કરોડ ૮૫ હજાર ૯૫૦ રૂપિયાની થઈ હતી. આ કેસમાં કોંઢવા પોલીસે એક મહિલા સહિત ત્રણ જણની અટકાયત કરી છે.
પુણેમાં શિવસેના (UBT) ૯૧ અને MNS ૭૪ બેઠકો પર ચૂંટણી લડશે
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ યુતિની જાહેરાત કરી દીધા પછી બન્ને પાર્ટીમાં બેઠકોની વહેંચણીને લઈને મડાગાંઠ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે ગઈ કાલે બન્ને પાર્ટી વચ્ચે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે સીટ-શૅરિંગ ફૉર્મ્યુલા ફાઇનલ થઈ ગઈ હોવાની વાતો વહેતી થઈ હતી. ૧૭૩ બેઠકો ધરાવતી પુણે મહાનગરપાલિકામાં શિવસેના (UBT) ૯૧ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ૭૪ બેઠકો પર ચૂંટણી લડશે એવું જાણવા મળ્યું હતું. જોકે કૉન્ગ્રેસ, શરદ પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (UBT)ના ગઠબંધન મહાવિકાસ આઘાડી (MVA)માં હજી MNSને એન્ટ્રી મળી નથી.


