Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > IT અને બૅન્કિંગ હેવીવેઇટ્સના ભારમાં બજાર ૭૫૭ પૉઇન્ટ ડાઉન

IT અને બૅન્કિંગ હેવીવેઇટ્સના ભારમાં બજાર ૭૫૭ પૉઇન્ટ ડાઉન

Published : 23 April, 2026 08:36 AM | IST | Mumbai
Anil Patel

નબળું પરિણામ તથા કમજોર ગાઇડન્સિસના પગલે HCL ટેક્નૉલૉજીઝ ૬ વર્ષના મોટા કડાકામાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર : પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફોસિસ ૩.૪ ટકા સાફ : રેવન્યુ ગ્રોથના વસવસામાં તાતા ઍલેક્સી સવાછ ટકા ડૂલ : હિન્દુસ્તાન યુનિલીવર બૅક-ટુ-બૅક સેન્સેક્સમાં ટૉપ ગે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. હિન્દુસ્તાન યુનિલીવર બૅક-ટુ-બૅક સેન્સેક્સમાં ટૉપ ગેઇનર
  2. એશિયામાં મિશ્ર વલણ વચ્ચે જપાન, સાઉથ કોરિયા અને તાઇવાનીઝ માર્કેટ નવા શિખરે
  3. ટ્રેન્ટ પરિણામ પૂર્વે એક ટકો વધીને બંધ, બે શૅરદીઠ એકનું બોનસ ૩૦ વર્ષે જાહેર કર્યું

નેવલ-બ્લૉકેડ કે દરિયાઈ નાકાબંધી ચાલુ રાખતાં અમેરિકાએ ઈરાન સાથેનો સીઝફાયરને અચોક્કસ મુદત સુધી લંબાવવાની જાહેરાત કરી છે. અમેરિકાનો આ નિર્ણય એકપક્ષી છે. ઈરાન તથા ઇઝરાયલ તરફથી એને અનુરૂપ કોઈ જાહેરાત હજી આવી નથી. સીઝફાયરની જાહેરાત સાથે-સાથે ટ્રમ્પ તરફથી ઈરાન પર મોટા પાયે બૉમ્બવર્ષા કરવાની ધમકી પણ ચાલુ રહી છે. મતલબ કે ટ્રમ્પને ખરેખર ‘શાંતિ’ જોઈએ છે કે ‘યુદ્ધ’ એની ખબર પડતી નથી. ઈરાને તૈયારી ન બતાવતાં ઇસ્લામાબાદ ખાતે શાંતિ-મંત્રણાની યોજના હાલમાં નિષ્ફળ ગઈ  છે, પરંતુ નવી તારીખે ફરી પાછા ભેગા થવા ઈરાનને મનાવવાના પ્રયાસ ચાલુ છે. એના ભાગરૂપ આ વખતે બેઠકમાં ટ્રમ્પે ખુદ ઇસ્લામાબાદ હાજર થવાની તૈયારી દર્શાવી છે. યુદ્ધ હાલ તો અટક્યું છે પરંતુ ક્યારે ભડકો થશે એ કહી ન શકાય. ઈરાન કહે છે કે આ સીઝફાયર એ અમેરિકાની ચાલબાજી છે. મોટા પાયે આક્રમણ કરવા માટે જરૂરી સમય એ આ પ્રકારે શોધી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ૯૯.૨૨ ડૉલરના આગલા બંધ સામે હાલ ૯૮ ડૉલર આસપાસ છે. હાજર સોનું પોણો ટકો વધી ૪૭૬૦ ડૉલર, કૉમેક્સ ગોલ્ડ સવા ટકો વધી ૪૭૮૦ ડૉલર તથા કૉમેક્સ સિલ્વર અઢી ટકા વધીને ૭૯ ડૉલરે હતી. બિટકૉઇન ધીમા સુધારાની આગેકૂચમાં સવાબે ટકા વધી ૭૮,૦૯૦ ડૉલર વટાવી ગયો છે. ડૉલર સામે રૂપિયાએ ઘટાડો જારી રાખતાં ૯૩.૫૦ના આગલા બંધ સામે ૯૩.૮૭ વટાવી રનિંગમાં ૯૩.૮૪ હતો. એશિયન શૅરબજાર ગઈ કાલે મિશ્ર વલણમાં હતું. સાઉથ કોરિયા ૬૪૨૩ના નવા શિખરે જઈ અડધો ટકો વધી ૬૪૧૮ તો તાઇવાન ૩૮,૦૯૭ની નવી વિક્રમી સપાટી સર કરી પોણો ટકો વધી ૩૭૮૭૮ થયું છે. ચાઇના અડધો ટકો પ્લસ હતું. જૅપનીઝ નિક્કી પણ ૫૯,૭૦૮ ઉપર ઑલટાઇમ હાઈ બનાવી સાધારણ સુધારે ૫૯,૫૨૬ રહ્યો છે. સામે હૉન્ગકૉન્ગ એક ટકા નજીક તો સિંગાપોર અને ઇન્ડોનેશિયા સામાન્ય નરમાઈમાં હતા. પાકિસ્તાની શૅરબજાર ઇન્ટ્રા-ડેમાં ૧૭,૩૪૫૨ વટાવી રનિંગમાં ૧૨૯૦ પૉઇન્ટ ઘટીને ૧૩,૧૮૫૮ હતું. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસમાં ફ્લૅટ જણાયું છે.

સીઝફાયરની મુદત લંબાવાઈ છે, પરંતુ હોર્મુઝ ખાડી બંધ થઈ ગઈ છે એ આપણા માટે માઠા સમાચાર છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૫૪ પૉઇન્ટ નરમ, ૭૯,૦૧૯ ખૂલી છેવટે ૭૫૭ પૉઇન્ટની નરમાઈમાં ૭૮,૫૧૬ તથા નિફ્ટી ૧૯૮ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૩૭૮ ગઈ કાલે બંધ થયો છે. સેન્સેક્સ ઉપરમાં ૭૯,૦૩૧ અને નીચામાં ૭૮,૪૪૨ દેખાયો હતો. માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ હતો. NSEમાં વધેલા ૧૯૨૩ શૅર સામે ૧૩૫૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૭૦,૦૦૦ કરોડના વધારામાં ૪૬૯.૩૭ લાખ કરોડ રહ્યું છે. સેન્સેક્સ નિફ્ટીના પોણા-એક ટકા ઘટાડા સામે ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૩.૭ ટકા કે ૧૧૨૨ પૉઇન્ટ ડૂલ થયો છે. HCL ટેક્નો, ઇન્ફી, ટેક મહિન્દ્ર અને TCS બન્ને બજારમાં ક્રમવાર નોંધપાત્ર ઘટાડામાં હતા. સામે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૧ ટકા, મેટલ બેન્ચમાર્ક ૦.૪ ટકા, રિયલ્ટી ૦.૬ ટકા, FMCG એક ટકા, નિફ્ટી મીડિયા પોણો ટકો, PSU બૅન્ક નિફ્ટી નહીંવત્, નિફ્ટી ડિફેન્સ ૧.૪ ટકા પ્લસ થયા છે. પાવર ઇન્ડેક્સ બે ટકા તથા યુટિલિટી ઇન્ડેક્સ અઢી ટકાની આગેકૂચમાં ૧૫-૧૬ મહિનાનો નવી ટૉપે ગયા છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૮ શૅરના સુધારા વચ્ચે ૨૪૭ પૉઇન્ટ ઘટ્યો હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ અડધા ટકા જેવો વધ્યો છે. ઑટો ઇન્ડેક્સ અડધો ટકો નરમ હતો. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૯૦માંથી ૯૧ શૅરના ઘટાડામાં ૦.૬ ટકા ઘટ્યો છે. ઇરેડા વૉલ્યુમ સાથે ૯ ટકાની તેજીમાં અહીં ૧૪૦ બંધ રહી છે.



પુણેની ખાદી સૉફ્ટ ટેક્નૉલૉજીઝ સહિત આજે બે SME ઇશ્યુ ખૂલશે


આજે ગુરુવારે બે SME IPO ખૂલવાના છે. પુણેની ખાદી સૉફ્ટ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૧૭૨ની અપરબૅન્ડ સાથે કુલ ૭૪ કરોડ રૂપિયાનો NSE SME ઇશ્યુ કરશે. એમાંથી ૪ કરોડનો પોર્શન માર્કેટમેકર માટે છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા તથા રીટેલ માટે ૩૫ ટકા છે. ઇશ્યુમાંથી ૧૦ કરોડ દેવાની પરતચૂકવણીમાં તથા લગભગ ૩૮ કરોડ નવા યુનિટની સ્થાપના પાછળ ખર્ચાશે. કંપની ઇન્ડસ્ટ્રિયલ ઑટોમેશન સેક્ટરમાં સૉલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે કાર્યરત છે. ૨૪-૨૫માં ૨૮ ટકા વધારામાં ૧૩૩ કરોડની આવર પર ૩૭ ટકા વૃદ્ધિદરથી ૧૬૧૧ લાખ નેટ નફો કર્યા પછી ગયા વર્ષના પ્રથમ સાત મહિનામાં ૫૫૭૧ લાખની આવક પર ૩૭૪ લાખ નફો કર્યો છે. દેવું ૧૯૬૮ લાખ છે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.

બીજી કંપની લીપફ્રૉગ એન્જિનિયરિંગ સર્વિસિસ બૅન્ગલોરની છે. એ એક રૂપિયાના શૅરદીઠ ૨૩ની અપરબૅન્ડમાં કુલ ૮૯ કરોડનો BSE SME ઇશ્યુ આજે લાવશે. માર્કેટમેકર માટે ૪ કરોડના શૅર એમાંથી ફાળવાશે. ઑફર ફૉર સેલ ૯ કરોડની છે. ઇશ્યુમાં રીટેલ પોર્શન ૪૭.૬ ટકા તથા HNI પોર્શન ૪૨.૭ ટકા છે. ભરણામાંથી ૩૬ કરોડ વર્કિંગ કૅપિટલ તરીકે તો ૨૭ કરોડ નવા ઍસેમ્બલિંગ યુનિટની સ્થાપનામાં વપરાશે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ સર્વિસિસ ક્ષેત્રે પ્રવૃત્ત છે. ૨૦૨૪-’૨૫માં ૧૫.૭ ટકા ઘટાડામાં ૧૩૭ કરોડની આવક પર એક ટકા ઘટાડામાં ૧૬૨૨ લાખ નેટ નફો કર્યા પછી કંપનીએ ગયા વર્ષે પ્રથમ ૯ મહિનામાં ૧૦૫ કરોડની આવક પર ૧૪૧૮ લાખ ચોખ્ખો નફો કર્યો છે. દેવું ૯ મહિનામાં ૬૦ ટકા વધી ૩૨૨૨ લાખ થયું છે. એ વર્ષ ૨૦૨૩-’૨૪ના અંતે માત્ર ૧૩૭૮ લાખ હતું. પ્રમોટર્સની શૅરદીઠ પડતર માત્ર એક પૈસો છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૪૧૮ લાખ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ નથી.


પરિણામ અને ગાઇડન્સિસની નબળાઈમાં HCL ટેક્નૉલૉજીઝ લથડ્યો

IT ઇન્ડેક્સ ૮૦માંથી ૪૩ શૅરના ઘટાડામાં ગઈ કાલે ૩.૭ ટકા ગગડ્યો છે. ફ્રન્ટલાઇનમાં HCL ટેક્નૉલૉજીઝ દ્વારા સવાબાર ટકા વધારામાં ૩૩,૯૮૧ કરોડની કન્સોલિડેટેડ ત્રિમાસિક આવક પર સવાચાર ટકાના વધારામાં ૪૪૮૮ કરોડ નેટ નફો દર્શાવી શૅરદીઠ ૨૪ રૂપિયા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ ૨૦૨૬-’૨૭ના ચાલુ વર્ષ માટે નબલું ગાઇડન્સિસ આપતાં ૧થી ૪ ટકાનો રેવન્યુ ગ્રોથ નક્કી કર્યો છે. પરિણામ એકંદર અપેક્ષા કરતાં કમજોર છે. શૅર ગઈ કાલે નીચે ૧૨૮૧ થઈ ૧૦.૯ ટકા તૂટી ૧૨૮૫ રહ્યો છે. ટેક મહિન્દ્ર પરિણામ પછી અઢી ટકા ઘટીને ૧૪૬૩ થઈ છે. ઇન્ફીનાં રિઝલ્ટ ૨૩મીએ છે. શૅર નીચામાં ૧૨૫૫ બતાવી ૩.૪ ટકા ગગડી ૧૨૬૮ હતો. TCS ૨.૮ ટકા ગગડી ૨૫૩૭ તથા વિપ્રો અડધો ટકો ઘટીને ૨૦૪ હતો. લાર્સન માઇન્ડ ટ્રીનાં પરિણામ આજે છે. ભાવ ગઈ કાલે નીચામાં ૪૫૫૩ થઈ ૩.૩ ટકા ગગડી ૪૬૦૧ હતો.

તાતા ગ્રુપની ૪૩.૯ ટકા માલિકીની તાતા ઍલેક્સી તરફથી માર્ચ ક્વૉર્ટરમાં સાડાનવ ટકા વધારામાં ૯૯૪ કરોડની આવક પર ૨૭.૮ ટકા વધારામાં ૨૨૦ કરોડનો નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ ૭૫ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર નીચામાં ૪૩૬૧ થઈ સવાછ ટકા તૂટી ૪૩૬૩ થયો છે. સિએન્ટ DLMની ત્રિમાસિક આવક પોણાચૌદ ટકા ઘટી ૩૬૯ કરોડ તથા નેટ નફો ૨૭.૭ ટકા ગગડીને ૨૨૪૦ લાખ થયો છે. શૅર ઉપરમાં ૩૮૪ બતાવી ૪.૮ ટકા વધી ૩૭૫ હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સે માર્ચ ક્વૉર્ટરમાં ૨૫ ટકા વધારામાં ૪૦૫૬ કરોડની આવક પર ૩૩.૭ ટકા વૃદ્ધિદરથી ૫૨૯ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૧૮નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે નીચે ૫૦૩૮ થઈ ૪.૯ ટકા ગગડી ૫૦૭૪ થયો છે. અમદાવાદી સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ ITમાં ખરડાયેલા માનસ વચ્ચે બમણા કામકાજે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૩૬ વટાવી ત્યાંજ  રહી છે. GNG ઇલેક્ટ્રૉનિક્સ ૧૦ ટકા, હેક્સાવેર સાત ટકા, કોફોર્જ સાડાચાર ટકા તૂટી છે. ઇન્ફોબીન ત્રણ ટકા સુધરી ૧૮૨ થઈ છે. ૬૩ મૂન્સ ઉપર ૭૩૮ વટાવી ૨.૩ ટકા ઘટી ૭૧૧ બંધ હતી.

નેસ્લે રિઝલ્ટની તેજી જાળવી રાખતાં બીજા દિવસે નવી ટોચે

ઇજનેરી જાયન્ટ લાર્સનનાં પરિણામ પાંચમી મેએ નક્કી થયાં છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૦૧૧ થઈ સવા ટકો ઘટી ૪૦૨૨ હતો. દમદાર પરિણામના પગલે આગલા દિવસે ઑલટાઇમ હાઈ થઈ સવાસાત ટકાની તેજીમાં બંધ રહી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બનેલી નેસ્લે ઇન્ડિયા ગઈ કાલે ૧૪૨૪નું નવું શિખર બતાવી સવા ટકો વધીને ૧૩૯૬ થઈ છે. જ્યારે એની હૂંફમાં ત્રણ ટકા વધેલી હિન્દુસ્તાન યુનિલીવર વધુ ૨.૮ ટકાની આગેકૂચમાં ૨૩૬૯ રહી હતી. એનાં રિઝલ્ટ ૩૦મીએ છે. NTPC અઢી ટકા, એટર્નલ ૧.૪ ટકા, તાતા મોટર પૅસેન્જર ૧.૬ ટકા, તાતા કન્ઝ્યુમર સવાત્રણ ટકા, જિયો ફાઇનૅન્સ ૧.૬ ટકા વધી હતી. રિલાયન્સનાં પરિણામ ૨૪મીએ છે. શૅર પાંખા કામકાજે ૦.૭ ટકા સુધરી ૧૩૬૩ હતો.

HDFC બૅન્ક દોઢ ટકો અને ICICI બૅન્ક દોઢ ટકો ઘટી છે, જ્યારે ઍક્સિસ બૅન્ક નજીવી પ્લસ હતી. કોટક બૅન્ક એક ટકો અને સ્ટેટ બૅન્ક પોણો ટકો ઘટી છે. ઑટો અગ્રણીમાં મહિન્દ્ર ત્રણ ટકા બગડી ૩૧૫૦, બજાજ ઑટો બે ટકા ઘટી ૯૬૦૪, મારુતિ સુઝુકી અડધો ટકો ઘટીને ૧૩,૩૭૫ બંધ થઈ છે. HDFC લાઇફ ૧.૭ ટકા તો SBI લાઇફ દોઢ ટકો ઘટી છે. મૅક્સ હેલ્થકૅરમાં ૧.૬ ટકાની નરમાઈ હતી. ITC સવા ટકો, ઇન્ડિગો ૧.૨ ટકા, ભારતી ઍરટેલ ૧.૩ ટકા માઇનસ થઈ છે. હિન્દાલ્કો ૧.૮ ટકા વધીને ૧૦૪૦ થઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૪ ટકા પ્લસ હતી.

એ-ગ્રુપ ખાતે અમરરાજા એનર્જી ૪૧ ગણા વૉલ્યુમે ઉપરમાં ૯૨૮ થઈ સવાસોળ ટકાની તેજીમાં ૯૦૦ બંધ થઈ છે. ઇથોસ લિમિટેડ ઉપરમાં ૨૮૧૯ બતાવી ૯.૮ ટકા કે ૨૪૨ રૂપિયા ઊછળી ૨૭૧૩ બંધ રહી છે. વેબસોલ એનર્જી ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૯૭ નજીક જઈ ત્યાં જ રહી હતી. HCL ટેક્નો ૧૦.૯ ટકાના ગાબડામાં સેન્સેક્સ નિફ્ટી ઉપરાંત એ-ગ્રુપ ખાતે પણ વર્સ્ટ પર્ફોર્મર બની છે. હેક્સાવેર ટેક્નો સાત ટકા, ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ ૭.૧ ટકા, તાતા ઍલેક્સી સવાછ ટકા, પર્સિસ્ટન્ટ ૪.૯ ટકા, નીટ લર્નિંગ પાંચ ટકા ગગડી છે. 

સનટેક રિયલ્ટી સારા પરિણામ પાછળ વૉલ્યુમ સાથે ઊંચકાઈ

અગાઉ IIFL વેલ્થ મૅનેજમેન્ટ તરીકે ઓળખાતી ૩૬૦ વનવામ લિમિટેડે ૨૮ ટકાના વધારામાં ૮૩૫ કરોડની આવક પર પોમા ૧૭ ટકા વધારામાં ૨૯૨ કરોડ ત્રિમાસિક નફો કરી શૅરદીઠ ૬નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૧૨૬ થઈ સવાચાર ટકા તૂટી ૧૦૫૬ હતો. ફેસવૅલ્યુ એકની છે. બુકવૅલ્યુ ૨૩૮ રૂપિયા છે. કંપનીની કુલ ૪૦૬૧ લાખની ઇક્વિટીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ફક્ત સવાછ ટકા છે જેમાં યતિન શાહ પાસે ૨.૧૫ ટકા માલ છે. કુલ ૧૧ પ્રમોટર્સ છે. મ્યુચ્યુઅલ ફન્ડો પાસે ૯ ટકા, FII પાસે ૨૯.૬ ટકા, ૨૦ HNI પાસે ૧૧.૫ ટકા માલ છે. ૬૮૭૯૬ જેટલા નાના રોકાણકારો પાસે ફક્ત ૪.૪ ટકા હોલ્ડિંગ છે.

મુંબઈની સનટેક રિયલ્ટી દ્વારા ૬૪.૫ ટકાના વધારામાં ૩૩૯ કરોડની આવક પર ૨૪.૭ ટકા વધારામાં ૬૩ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૮૨ થઈ ૫.૪ ટકા વધી ૩૬૦ હતો. ફેસવૅલ્યુ એકની છે. રાજરતન ગ્લોબલ વાયરે ૨૫ ટકા વધારામાં ૩૧૪ કરોડની આવક પર માત્ર દોઢ ટકા વૃદ્ધિદરથી ૧૫૪૦ લાખ નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૪૦૨ થઈને ૫.૪ ટકા બગડી ૪૧૬ થયો છે.

ટેક મહિન્દ્ર દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ધારણાથી સારાં પરિણામ આપ્યાં છે. આવક સાડાબાર ટકા વધી ૧૫,૦૭૬ કરોડ તથા નેટ નફો ૧૯ ટકા વધી ૧૩૫૬ કરોડ થયો છે. શૅરદીઠ ૩૬નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ૧૪૦૪ની ઇન્ટ્રા-ડે બૉટમથી રિઝલ્ટ બાદ ૧૫૦૨ થઈ છેવટે અઢી ટકા ઘટી ૧૪૬૩ બંધ થયો છે. નેટ નફો ૧૫૦૪ કરોડની અપેક્ષા કરતાં નીચો આવ્યો છે. આવક ૧૪,૮૦૪ કરોડની ધારણાથી વધુ થઈ છે.

તાતાની ટ્રેન્ટ તરફથી બજાજ બંધ થયા બાદ ૩૦ ટકાના વધારામાં ૪૫૫ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવી શૅરદીઠ ૬નું ડિવિડન્ડ તથા બે શૅરદીઠ એક બોનસ જાહેર થયું છે. એ ઉપરાંત રાઇટ ઇશ્યુ મારફત ૨૫૦૦ કરોડ ઊભા કરવાનું નક્કી થયું છે. ટ્રેન્ટનો શૅર ગઈ કાલે ઉપર ૪૪૯૪ થઈ એક ટકો વધી ૪૪૩૫ બંધ હતો. વૉલ્યુમ બે ગણું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 08:36 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK