પરિણામ પૂર્વે રિલાયન્સમાં પીછેહઠ, નેટ લૉસમાં ઘટાડા પાછળ ઇન્ડિગોની ડબલ સેન્ચુરીઃ જિયો પ્લૅટફૉર્મમાં અડધા ટકાનો સુધારો, પારસ હેલ્થકૅર નવું શિખર બનાવી પાંચ ટકા ખરડાઈ ઃ ગ્રીવ્ઝ કૉટનના નફામાં ૮૧ ટકાના ધોવાણ છતાં શૅર સવાછ ટકા વધીને બંધ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલનો દિવસ બજાર માટે શૅર નહીં, સેન્સેક્સને જોવાનો, જોઈને હરખાવાનો હતો. આગલા દિવસના ૯૦૫ પૉઇન્ટના જમ્પ બાદ શુક્રવારે બજાર ૪૯ પૉઇન્ટ જેવા સુધારે ૭૪,૧૯૯ ખૂલી છેવટે ૩૦૯ પૉઇન્ટ નજીક આગળ વધી ૭૪,૪૫૯ બંધ થયું છે. નિફ્ટી ૧૧૬ પૉઇન્ટની આગેકૂચમાં ૨૩,૦૫૩ દેખાયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ નીચામાં ૭૪,૦૮૨ તથા ઉપરમાં ૭૪,૭૪૨ થયો હતો. બજારની ૩૦૯ પૉઇન્ટની આગેકૂચ વચ્ચે ગઈ કાલે માર્કેટકૅપ ૩.૦૬ લાખ કરોડ ઘટી ૪૭૪.૩૭ લાખ કરોડ નોંધાયું છે. ખરડાયેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૧૩ શૅર સામે ૨૫૧૧ જાતો ઘટી છે. હેલ્થકૅર ઇન્ડેક્સ એકાદ ટકો, IT દોઢ ટકા, હૉસ્પિટલ્સ એક ટકો, નિફ્ટી ફાર્મા દોઢ ટકા, નિફ્ટી IT ૨.૩ ટકા પ્લસ થયા છે, બાકીના તમામ સેક્ટોરલ ઘટીને બંધ હતા.
ધારણા કરતાં સારાં પરિણામ રજૂ કરવા છતાં આગલા દિવસે દોઢ-પોણાબે ટકાaના ઘટાડે સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ લૂઝર બનેલી ટ્રેન્ટ લિમિટેડ ગઈ કાલે સવાપાંચ-સાડાપાંચ ટકા વધી ૩૦૧૫ આસપાસના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. બંધ બજારે નેટ લૉસમાં ઘટાડો બતાવનાર ઇન્ડિગો સેન્સેક્સમાં ૪ ટકા અને નિફ્ટીમાં ૪.૩ ટકા ઊચકાઈ સેકન્ડ બેસ્ટ ગેઇનર રહી છે. ઇન્ફોસિસ ૩.૪ ટકા વધી ૧૧૮૨ના બંધમાં બજારને ૧૧૫ પૉઇન્ટ ફળી છે. HDFC બૅન્ક તથા ICICI બૅન્ક અડધા ટકાથી વધુ પ્લસ થતાં બજારને કુલ ૧૪૪ પૉઇન્ટ મળી ગયા હતા. અન્યમાં અપોલો હૉસ્પિટલ્સ ૨૪૮ રૂપિયા કે ૩ ટકા, NTPC સવાબે ટકા, પાવર ગ્રિડ દોઢ ટકા (નિફ્ટીમાં બે ટકા નજીક), એટર્નલ દોઢ ટકો, ટેક મહિન્દ્ર તથા HCL ટેક્નૉલૉઝિસ સવા ટકા આસપાસ વધી છે. સ્ટેટ બૅન્ક બે ટકા જેવા ઘટાડે ૯૬૧ બંધ આપીને સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની છે. પરિણામ મંગળવારે છે. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ ૨.૧ ટકા બગડી વર્સ્ટ પર્ફોર્મર બની છે. અન્યમાં અત્રે નેસ્લે ૧.૮ ટકા, મહિન્દ્ર પોણાબે ટકા, જિયો ફાઇનૅન્શિયલ સવા ટકો, અદાણી પોર્ટ્સ ૧.૨ ટકા ઘટી હતી. સેન્સેક્સ ખાતે મહિન્દ્ર ૧.૯ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકા, તાતા સ્ટીલ ૧.૧ ટકા તથા ઍક્સિસ બૅન્ક ૦.૯ ટકા નરમ હતી.
ADVERTISEMENT
રિલાયન્સના પરિણામ મોડી સાંજે આવવાની ગણતરી હતી. શૅર રિઝલ્ટ પૂર્વે અડધા ટકા નજીકના ઘટાડે ૧૧૬૩ બંધ થતાં પહેલાં નીચામાં ૧૧૫૨ની ઐતિહાસિક બૉટમની સાવ લગોલગ ગયો હતો. આગલા દિવસે કશા જ કારણ વગર જોરમાં આવેલી અનિલ અંબાણીની રિલાયન્સ પાવર ગઈ કાલે ૫.૬ ટકા તૂટી ૧૮ની અંદર તો રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે ટકાની નીચલી સર્કિટે ૪૬ ઉપર બંધ રહી છે. જૈન ઇરિગેશનના પરિણામ ૪ નવેમ્બરે છે. શૅર ૪૪ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૮.૫૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. લૌરસ લૅબ તરફથી આવકમાં ૩૩ ટકા વધારા સામે ૧૨૬ ટકા વૃદ્ધિદરથી ૪૪૨ કરોડ નેટ નફો હાંસલ થતાં શૅર સાડાપાંચ ગણા કામકાજે ૨૩૯૨ની (NSEમાં ૨૪૦૫ની) ઑલટાઇમ હાઈ બનાવી સાડાછ ટકા (સવાસાત ટકા) વધી ત્યાં જ બંધ આવ્યો છે.
બરોડાની મૅક્સવેલના SME IPOમાં ફૅન્સી, પ્રીમિયમ વધીને ૭૦ થયું
ગઈ કાલે ૪ SME ભરણાં ખુલ્યાં છે એમાં પ્રથમ દિવસે બરોડાની મૅક્સવેલ એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૫૮ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૬.૪ ગણા સહિત કુલ ચારેક ગણો, અમદાવાદના ચાંદખેડાની વેકટ્રાસ એન્પ્રોકોનનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૫૩ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૯૦ ટકા સહિત કુલ ૧.૧ ગણો, ગુજરાતના મહેસાણા જિલ્લાના જગુદણ ખાતેની જ્હૉનસન કૅબ ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવનો ૫૬ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧.૧ ગણા સહિત કુલ ૯૫ ટકા તથા નવી દિલ્હીની MGS ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૩૫ કરોડનો NSE SME IPO રીટેલમાં ૨૨ ટકા સહિત કુલ ૮૫ ટકા ભરાયો છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે મૅક્સવેલમાં પ્રીમિયમ વધી ૭૦ અને જ્હૉનસન કૅબમાં પ્રીમિયમ ઘટી ૧૦ બોલાય છે. વેક્ટ્રાસમાં સોદા શરૂ થયા નથી, જ્યારે HGSમાં પ્રીમિયમ ૧૯થી શરૂ થઈને અત્યારે ત્યાં જ છે.
મેઇન બોર્ડમાં મુંબઈના અંધેરી-વેસ્ટ ખાતેની બૉમ્બે કૉટેડ ઍન્ડ સ્પેશ્યલ સ્ટીલ્સનો ૧૦ના શૅરદીઠ ૮૨ના ભાવનો ૧૮૩ કરોડનો મિની ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ચારેક ગણો ભરાઈ ચુક્યો છે. પ્રીમિયમ ઘટી ૭ જેવું છે. SME કંપની એન્ટાલા ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૨૩ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૮૨ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી. મુંબઈના બાંદરા-વેસ્ટની એમકે સન્સ ફાઇન જ્વેલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૬૨ના ભાવનો ૨૭૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩ ગણા સહિત કુલ પાંચ ગણો ભરાઈને પૂરો થયો છે. પ્રીમિયમ ઉપરમાં ૧૫ થયા પછી ઘટતું રહી હાલમાં બે થયું છે. SME સેગમેન્ટમાં ગઈ કાલે આખરી દિવસે સુરતની આજવા પ્રોજેક્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૩ના ભાવનો ૩૮ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં બે ગણા સહિત કુલ સવા ગણો તથા રાજકોટની કારવેર રોબોવેલ્ડનો ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવનો ૨૮ કરોડનો BSE SME IPO રીટેલમાં ૧૭.૫ ગણા સહિત કુલ ૨૫ ગણો ભરાઈ પૂરો થયો છે. કારવેરમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૩થી શરૂ થયું છે. આજવા પ્રોજેક્ટ્સમાં ઉપરમાં ૩૮ થયા બાદ પ્રીમિયમ સીધું ગગડી બે રૂપિયા થઈ ગયું છે.
નફામાં ઘટાડાના પગલે વિનતી ઑર્ગેનિક્સ સવાછ વર્ષના તળિયે
અઢી મહિના પહેલાં, મિડ-ઑગસ્ટમાં બેના શૅરદીઠ ૧૪૦ના ભાવથી ૧૫૫૩ કરોડનો ઇશ્યુ લાવનારી તામિલનાડુની મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૪૧ ટકા વધારામાં ૧૦૮૯ કરોડની આવક ઉપર અગાઉના ૨૮ કરોડ સામે ૭૮ કરોડનો નેટ નફો દર્શાવાયો છે. શૅર ૩ ગણા કામકાજે ઉપરમાં ૩૨૦ નજીક જઈ છેવટે નજીવી વધી ૩૦૫ બંધ થયો છે. ગ્લોબસ સ્પિરિટની આવક સવાપંદર ટકા વધીને ૭૬૩ કરોડ થઈ છે, પરંતુ નેટ પ્રૉફિટ ૩૬ ટકા ઘટી ૧૪ કરોડ આવ્યો છે, એમાં શૅર ૬૬૩ની ૨૯ માસની બૉટમ બનાવી ૮ ટકાની ખરાબીમાં ૬૭૭ થયો છે. સ્કીપર લિમિટેડે ૧૦ ટકા વધારામાં ૧૩૮૪ કરોડ આવક ઉપર ૫૭ ટકા વૃદ્ધિદરથી ૫૮ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ૫૧૪ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૪૭૩ થઈ ૩.૮ ટકાની નબળાઈમાં ૪૯૨ બંધ આવ્યો છે.
વિનતી ઑર્ગેનિક્સે ૨૩.૬ ટકા વધારામાં ૬૮૦ કરોડની આવક ઉપર ૩૧.૮ ટકાની ખરાબીમાં ૭૮ કરોડ નફો કરતાં ભાવ પાંચ ગણા કામકાજેની ૯૫૯ની સવાછ વર્ષની નીચી સપાટી નોંધાવીને ૪.૪ ટકા બગડી ૯૯૩ બંધ થયો છે. સ્પોર્ટકિંગ ઇન્ડિયાની ત્રિમાસિક આવક ૨૪.૬ ટકા વધીને ૭૮૧ કરોડ થઈ છે સામે નેટ નફો ૨૮ કરોડથી ઊછળી ૯૬ કરોડ વટાવી ગયો છે. શૅર ૨૩ ગણા કામકાજે ઉપરમાં ૨૩૧ થયા બાદ હેવી પ્રૉફિટ બુકિંગમાં ૧૮૫ બતાવી પોણાતેર ટકા તૂટી ૧૮૭ બંધ રહ્યો છે. વેલસ્પન લિવિંગની આવક સવાસોળ ટકા વધી ૨૮૩૮ કરોડ થઈ છે, નફો ૧૩ કરોડની સામે મલ્ટિ ફોલ્ડ વધી ૧૬૯ કરોડ જોવાયો છે. શૅર ઉપર ૨૨૭ થઈ પાંચ ટકાની મજબૂતીમાં ૨૨૩ બંધ હતો. TTK હેલ્થકૅરની આવક સવાચૌદ ટકા વધી ૨૩૩ કરોડ થઈ છે. ૨૪૮ કરોડના વન-ટાઇમ ગેઇનના લીધે નેટ નફો ૨૦ કરોડથી વધી ૨૨૩ કરોડ નોંધાયો છે. શૅર ઉપર ૧૧૨૪ થઈ નીચામાં ૮૮૫ બતાવી ૧૪ ટકા ખરડાઈ ૯૦૦ થયો છે. નોસિલ લિમિટેડે ૩૩ ટકા વધારામાં ૪૨૭ કરોડ આવક ઉપર ૯૯ ટકા વૃદ્ધિદરથી ૨૪ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ઉપર ૧૫૧ થયા બાદ સાડાછ ટકા ગગડી ૧૩૬ બંધ રહ્યો છે.
સોમવારે વેદાન્ત પૉલિફેબ્સ ૫૭ કરોડનો SME IPO કરશે
સોમવારે SME સેગમેન્ટમાં વેસ્ટ બૅન્ગોલના બારાસત ખાતેની વેદાન્ત પૉલિફેબ્સ ૧૦ના શૅરદીઠ ૯૪ની અપરબેન્ડમાં ૫૭ કરોડનો NSE SME IPO કરવાની છે. એમાંથી ઑફર ફૉર સેલ પેટે ૫૬૭ લાખ પ્રમોટર્સ લઈ જશે. માર્કેટમેકર માટે ૩ કરોડના શૅર અનામત છે. ઇશ્યુમાં QIB પોર્શન માંડ ૧.૨ ટકા છે. રીટેલ પોર્શન ૫૯.૩ ટકા રખાયો છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની ફ્લૅક્સિબલ પૅકેજિંગ મટીરિયલ્સ બનાવે છે. કંપનીએ ગત વર્ષે ૪૧ ટકાના વધારામાં ૧૧૫ કરોડ આવક ઉપર ૧૧ કરોડ નેટ નફો કર્યો છે જે આગલા વર્ષના મુકાબલે ૧૦૦ ટકા ઘટાડો બતાવે છે એમ કંપનીનું કહેવું છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૩૦૪૯ લાખની આવક ઉપર ૩૪૮ લાખ નફો કર્યો છે. દેવું સતત વધતું રહીને ૪૫ કરોડ નજીક પહોંચ્યું છે. ઇશ્યુમાંથી ૧૭૫૯ લાખ વર્કિંગ કૅપિટલમાં, ૮ કરોડ દેવું ચૂકવવામાં તથા સાડાછ કરોડ પ્લાન્ટ અને મશીનરીમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
મૈસૂરની કૉર ફૉર એન્જિનિયર્સ ૧૦ના શૅરદીઠ ૯૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ડિસ્કાઉન્ટમાં ૭૪ ખૂલી પાંચ ટકા ઉપલી સર્કિટે ૭૮ વટાવી ત્યાં જ બંધ થતા એમાં ૧૬ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. ૫૫ કરોડ રૂપિયાનું આ ભરણું રીટેલમાં પોણાત્રણ ગણા સહિત કુલ સાડાપાંચ ગણું ભરાયું હતું. એડલવાઇસ ગ્રુપની ઇઆ (EAAA) ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સનું લિસ્ટિંગ સોમવારે છે. પ્રીમિયમ ૩૭થી વધીને હાલ ૫૩ બોલાય છે.
તાજેતરમાં લિસ્ટેડ થયેલી જિયો પ્લૅટફૉર્મ ગઈ કાલે રિઝલ્ટ પૂર્વે ઉપરમાં ૧૪૩૮ અને નીચામાં ૧૩૮૬ બતાવીને અડધો ટકો વધી ૧૪૩૧ બંધ થઈ છે. પારસ હેલ્થકૅર ૭૯૫ના નવા શિખરે જઈ પાંચ ટકા તૂટી ૭૩૬ હતી. નવા લિસ્ટેડ અન્ય શૅરમાં સહજાનંદ મેડિકલ ૩.૬ ટકા ઘટી ૪૬૦, ટોન્બો ઇમેજિંગ ૭.૭ ટકા ઊંચકાઈ ૧૩૦૭, ઝેટવર્ક મૅન્યુફૅક્ચરિંગ અડધા ટકાની નરમાઈમાં ૧૬૩ અને બોનફિગ્લિયોલી ટ્રાન્સમિશન્સ પોણાબે ટકા ઘટીને ૬૨૬ બંધ રહી છે.
પરિણામની તેજીમાં બૉરોસિલ લિમિટેડ ૨૦ ટકા ઊછળીને બંધ
રિલાયન્સની નેટવર્ક-૧૮ની ત્રિમાસિક આવક સાડાનવ ટકા વધી ૫૪૫ કરોડ થઈ છે, નફો ૨૮ ટકા વધીને ૫૩ કરોડ નોંધાયો છે. શૅર ચાર ગણા કામકાજે ૧.૯ ટકાના ઘટાડે ૨૩.૬૮ થયો છે. વરુણ બૅવરેજીસે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૩ ટકા વધારામાં ૬૮૧૬ કરોડ જેવી આવક મેળવી છે પણ નેટ પ્રૉફિટ સાડાતેર ટકાના વૃદ્ધિદરમાં ૮૩૦ કરોડ આવ્યો છે. શૅર પોણાબે ગણા કામકાજે નીચામાં ૩૯૦ થઈને સાડાચાર ટકા બગડી ૩૯૫ બંધ રહ્યો છે. વેદાન્ત ઑઇલ ઍન્ડ ગૅસની ત્રિમાસિક આવક જૂન ક્વૉર્ટરના ૨૫૦૭ કરોડથી ઘટીને ૨૪૮૬ કરોડ થઈ છે. કંપનીએ જૂન ક્વૉર્ટરમાં ૧૫૨ કરોડની નેટ લૉસ કરી હતી એની સામે આ વેળા એણે ૭૪૬ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. ભાવ સાડાછ ગણા વૉલ્યુમે ઉપર ૩૩ નજીક જઈ ૮.૫ ટકાની તેજીમાં ૩૦.૨૫ થયો છે.
ગ્રિવ્ઝ કૉટનની આવક ૪૪.૨ ટકા વધીને ૧૧૭૬ કરોડ થઈ છે, પરંતુ નેટ પ્રૉફિટ ૮૧ ટકાના ગાબડામાં માત્ર પાંચ કરોડ જોવાયો છે. આમ છતાં શૅર ૧૧ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૦૭ વટાવી સવાછ ટકાના જમ્પમાં ૧૯૯ બંધ આવ્યો છે. ઇક્વિતાસ સ્મૉલ બૅન્ક તગડા રિઝલ્ટ વચ્ચે એના CEO પી.એન. વાસુદેવનના અણધાર્યા રાજીનામાના પગલે આગલા દિવસે સાડાબાર ટકા લથડી ૫૭ બંધ થયા પછી વળતા દિવસે પણ ૩૮ ગણા જંગી વૉલ્યુમે ૪૭ની ૧૪ માસની બૉટમ બનાવી સવાછ ટકા બગડી ૫૩ બંધ થઈ છે. સુઝલોન એનર્જીની ત્રિમાસિક આવક ૨૫ ટકા વધીને ૪૮૬૯ કરોડ નોંધાઈ છે. નફો ૬૯ ટકા ઘટીને ૩૯૪ કરોડ થયો છે. જોકે ગત વર્ષે સમાનગાળામાં જે ૧૨૭૯ કરોડનો નેટ નફો દર્શાવ્યો હતો એમાં ડીફર્ડ ટૅક્સ ઍસેટ્સ પેટે ૮૯૧ કરોડની વન-ટાઇમ એન્ટ્રીનો સિંહફાળો હતો. એની અસર મજરે લેવાય તો આ વેળા ખરેખર તો નફો સવા ટકા વધ્યો છે. શૅર ગઈ કાલે સવાચાર ગણા કામકાજે ૩૩.૨૧ની ૩ વર્ષની નીચી સપાટી નોંધાવી ૮ ટકા ખરડાઈને ૩૪ નજીક બંધ રહ્યો છે.
મફતલાલ ગ્રુપની નવીન ફ્લુરિનની આવક ૫૭ ટકા વધી ૧૧૯૧ કરોડ તથા નેટ નફો ૮૧.૮ ટકા વધી ૨૬૯ કરોડ થયો છે. શૅરદીઠ ૮નું ઇન્ટરિમ જાહેર કરાયું છે. ભાવ ઉપરમાં ૮૭૪૨ બતાવી ૪.૬ ટકા કે ૩૮૨ રૂપિયા ઊંચકાઈ ૮૬૭૬ થયો છે. બૉરોસિલ લિમિટેડે સાડાસાત ટકા વધારામાં ૩૭૦ કરોડ આવક ઉપર ૪૦ ટકા વધારામાં ૩૨ કરોડ નજીકનો નફો કરતાં શૅર ૨૯ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૯૬ વટાવી છેવટે ત્યાં જ બંધ રહ્યો છે.
