મુંબઈના દરિયાકાંઠે ૨૦ તરતાં હોર્ડિંગ્સ લગાવવાની કોઈ યોજના નથી
નીતેશ રાણે
મહારાષ્ટ્રના ફિશરીઝ અને પોર્ટ્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર નીતેશ રાણેએ શુક્રવારે મીડિયાના એ અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈના દરિયાકાંઠે ૨૦ તરતાં હોર્ડિંગ્સ લગાવવામાં આવશે. તેમણે આ માહિતીને સંપૂર્ણપણે ખોટી અને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે.
સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં નીતેશ રાણેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘કુલ માત્ર ૪ હોર્ડિંગ્સનું આયોજન હતું. એમાંથી બે બાંદરા-વરલી સી-લિન્ક પાસે પહેલેથી જ અસ્તિત્વમાં છે અને બે નવાં પ્રસ્તાવિત હતાં. મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ (MMB) દ્વારા બહાર પાડવામાં આવેલા એક ટેન્ડરને લઈને ઘણી ગેરસમજ અને ખોટાં અર્થઘટનો થયાં છે. પોર્ટ મિનિસ્ટર અને MMBના અધ્યક્ષ તરીકે હું આ તથ્યોને સત્તાવાર રીતે સ્પષ્ટ કરવા માગું છું. હું પોતે એક મુંબઈકર છું અને ક્યારેય એવી કોઈ પહેલને સમર્થન નહીં આપું જે મુંબઈના દરિયાઈ પર્યાવરણને નુકસાન પહોંચાડે અથવા એના સુંદર દરિયાકાંઠાના નજારામાં અવરોધ ઊભો કરે.’
તેમની આ સ્પષ્ટતા શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યાના એક દિવસ બાદ આવી છે. આદિત્ય ઠાકરેએ મુંબઈના દરિયામાં તરતાં હોર્ડિંગ્સ સામે હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી અને આ નિર્ણયને અત્યંત બેજવાબદાર ગણાવતાં ચેતવણી આપી હતી કે એનાથી શહેરની સુંદરતા નષ્ટ થઈ જશે.
સરકાર સ્પષ્ટતા માગનાર કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવા અને તમામ સંબંધિત માહિતી પારદર્શક રીતે શૅર કરવા પોતે તૈયાર છે એમ જણાવતાં નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘ચાલો આપણે આ મુદ્દાનું બિનજરૂરી રાજકીયકરણ ન કરીએ. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકાર પર્યાવરણીય જવાબદારી અને પ્રગતિશીલ વિકાસ બન્ને માટે પ્રતિબદ્ધ છે. આ બન્ને બાબતો સાથે મળીને ચાલવી જોઈએ.’
