ઉજ્જીવન બૅન્ક એક ટકો, CSB બૅન્ક અડધો ટકો તથા કોટક બૅન્ક પરચૂરણ ઘટાડામાં હતી. બાકીના ૩૮ બૅન્ક શૅર વધ્યા છે
પ્રતીકાત્મક તસવીર
વિપ્રો પરિણામ પૂર્વે સુધારામાં, બંધ બજારે આવેલાં બહેતર પરિણામ શૅરને આજે ફળશે : રિઝલ્ટની પૂર્વસંધ્યાએ ઇન્ફી નરમ, ભારતી ઍરટેલ નવા બેસ્ટ લેવલે : સસ્તા ગૅસની સપ્લાય ઘટાડવાનો સરકારી નિર્ણય મહાનગર ગૅસને સૌથી વધુ નડ્યો : બૅન્કિંગના ૪૧માંથી ૩૮ તો બૅન્ક નિફ્ટીના તમામ શૅર વધીને બંધ : શ્રી સિમેન્ટ્સ તથા ચંબલ ફર્ટિલાઇઝર્સ નવાં શિખર બતાવી ઘટાડે બંધ : જેનસોલ સામે સેબીની લાલ આંખ, શૅર ઑલટાઇમ તળિયે : સેન્સેક્સ ૩૦૯ પૉઇન્ટ વધ્યો, પાંચ બૅન્કોનો ફાળો ૩૦૫ પૉઇન્ટનો
વિશ્વબજારોની એકંદર પીછેહઠ વચ્ચે ઘરઆંગણે બજાર સતત ત્રીજા દિવસે વધીને બંધ થયું છે. સેન્સેક્સ ૩૦૯ પૉઇન્ટની આગેકૂચમાં ૭૭,૦૪૪ તથા નિફ્ટી ૧૦૯ પૉઇન્ટ વધી ૨૩,૪૩૭ જોવાયો છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૬૨ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૭૬,૯૯૭ ખૂલી નીચામાં ૭૬,૫૪૪ થયો હતો. બે વાગ્યાની આસપાસ શાર્પ રૅલી કામે લાગતાં માર્કેટ ઉપરમાં ૭૭,૧૧૦ વટાવી ગયું હતું. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકાથી નાના સુધારા સામે સ્મૉલકૅપ એક ટકા નજીક, મિડકૅપ તથા બ્રૉડર માર્કેટ અડધા ટકાથી વધુ પ્લસ હતું. આઇટી અને કૅપિટલ ગુડ્સ નહીંવત્ તથા ઑટો ઇન્ડેક્સ સાધારણ નરમ હતો. અન્ય તમામ ઇન્ડાઇસિસ વધ્યાં છે. રિલાયન્સની પીછેહઠ વચ્ચે પણ ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક પોણાબે ટકા મજબૂત થયો છે. બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની આગેકૂચમાં ૭૨૮ પૉઇન્ટ કે દોઢ ટકા નજીક પ્લસ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરની મજબૂતીમાં સવાબે ટકા ઊંચકાયો છે. એનર્જી ઇન્ડેક્સ સવા ટકો, ફાઇનૅન્સ એક ટકો, ટેલિકૉમ એક ટકાથી વધુ, FMCG પોણો ટકો અપ હતો. માર્કેટ બ્રેડ્થ મજબૂત હતી. NSEમાં વધેલા ૨૦૬૮ શૅર સામે ૮૩૪ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૭૬ લાખ કરોડના ઉમેરા સાથે ૪૧૫ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આઇટી ઇન્ડેક્સ બાવીસ પૉઇન્ટ જેવો મામૂલી નરમ હતો, પણ એના ૫૯ શૅરમાંથી ૩૪ શૅર સુધર્યા હતા. વિપ્રોનાં પરિણામ બજાર બંધ થયાં પછી આવ્યાં હતાં જે ધારણા કરતાં ઘણાં સારાં છે. કંપનીએ ૩૩૬૪ કરોડની એકંદર અપેક્ષા સામે ૩૫૮૮ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે. હવે ઇન્ફી આજે શું કરે છે એ જોવું રહ્યું.
ADVERTISEMENT
ઉજ્જીવન બૅન્ક એક ટકો, CSB બૅન્ક અડધો ટકો તથા કોટક બૅન્ક પરચૂરણ ઘટાડામાં હતી. બાકીના ૩૮ બૅન્ક શૅર વધ્યા છે. ઇન્ડસઇન્ડ બૅન્ક મોખરે હતી. ઍક્સિસ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, ડીસીબી બૅન્ક, જેકે બૅન્ક, યુનિયન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક ચારથી સાડાપાંચ ટકા મજબૂત બની છે. ફીનો પેમેન્ટ બૅન્ક આગલા દિવસની ૨૦ ટકાની તેજી બાદ બુધવારે પોણો ટકો પ્લસ થઈ છે.
એશિયા ખાતે સિંગાપોર અને થાઇલૅન્ડ એક ટકો તથા ચાઇના સામાન્ય સુધારે બંધ હતું. સામે હૉન્ગકૉન્ગ અને તાઇવાન બે-બે ટકા, સાઉથ કોરિયા સવા ટકો, જપાન એક ટકો, ઇન્ડોનેશિયા પોણો ટકો ડાઉન હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો ઢીલું દેખાયું છે. બિટકૉઇન ૮૪,૦૦૦ ડૉલર આસપાસ ટકેલો હતો. ક્રૂડ એકાદ ટકો વધી ૬૫ ડૉલર વટાવી ગયું છે.
સરકાર તરફથી ઇન્દ્રપ્રસ્થ ગૅસ, મહાનગર ગૅસ, અદાણી ટોટલ ઇત્યાદીને ઍડ્મિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ (APM) હેઠળ અપાતા ગૅસના સસ્તા દરની સપ્લાય ઘટાડવાનો નિર્ણય ગૅસના સસ્તા દરની સપ્લાય ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. એના પગલે ગઈ કાલે મહાનગર ગૅસ પોણાપાંચ ટકા ગગડી ૧૨૫૩, અદાણી ટોટલ અડધો ટકો ઘટી ૬૦૮, ઇન્દ્રપ્રસ્થ ગૅસ સવા ટકો ઘટી ૧૭૬ અને ગુજરાત ગૅસ અડધો ટકો ઘટી ૪૨૯ બંધ હતા. સામે ગેઇલ સવાત્રણ ટકા વધી સવાબે ગણા વૉલ્યુમે ૧૮૫ નજીક સરક્યો છે. અમદાવાદી ઝાયડ્સ લાઇફ સાડાત્રણ ગણા કામકાજે ૭ ટકા લથડી ૮૨૨ તો ઇઝી ટ્રિપ પ્લાનર્સ સાડાઆઠ ટકા તૂટી સવાબાર નીચેના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ખરાબીમાં મોખરે હતા.
માથે પરિણામ વચ્ચે HDFC બૅન્ક નવા બેસ્ટ લેવલે પહોંચી
ડેરિવેટિવ્સ પોર્ટફોલિયોમાં ગોટાળાના પગલે ઇન્ડસઇન્ડ બૅન્કને ૧૯૭૯ કરોડનો ફટકો પડ્યો છે. બૅન્કે માર્ચ ક્વૉર્ટરમાં આટલી જોગવાઈ કરવી પડશે. મતલબ કે આ વેળા બૅન્ક ચોખ્ખી ખોટ કરશે. જોકે શૅર ગઈ કાલે દોઢા વૉલ્યુમે સાત ટકાની આગેકૂચમાં ૭૮૮ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં બૅક-ટુ-બૅક ટૉપ ગેઇનર બન્યો છે. ઍક્સિસ બૅન્કનાં રિઝલ્ટ ૨૪મીએ છે. ભાવ ૪.૩ ટકા વધી ૧૧૬૧ હતો. એની તેજી બજારને ૧૧૭ પૉઇન્ટ ફળી છે. HDFC બૅન્ક ૧૮૮૨ હતી. સ્ટેટ બૅન્ક એક ટકો તો ICICI બૅન્ક અડધો ટકો વધી છે. આ પાંચ બૅન્કો થકી બજારને કુલ ૩૦૫ પૉઇન્ટનો ફાયદો થયો છે. ભારતી ઍરટેલ સરેરાશ કરતાં અડધા કામકાજે ૧૮૨૭ નજીકના બેસ્ટ લેવલે જઈ સવા ટકો વધી ૧૮૨૦ થઈ છે. એનું માર્કેટકૅપ ૧૦.૩૮ લાખ કરોડને વટાવી ગયું છે. અન્યમાં ONGC પોણાચાર ટકા, ટ્રેન્ટ ૩.૩ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૮ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૮ ટકા, HDFC લાઇફ દોઢ ટકાથી વધુ, જિયો ફાઇનૅન્સ દોઢ ટકા, અપોલો હૉસ્પિટલ્સ દોઢ ટકા, કોલ ઇન્ડિયા એક ટકા અપ હતા. વિપ્રો પરિણામ પૂર્વે ૧.૪ ટકા વધી ૨૪૭ રહ્યો છે. ઇન્ફોસિસનાં પરિણામ આજે આવવાનાં છે. ભાવ એક ટકો ઘટી ૧૪૧૩ બંધ થયો છે. ટીસીએસ પોણો ટકો સુધરી ૩૨૭૪ હતો.
રિલાયન્સ નહીંવત ઘટી ૧૨૩૮ હતી. મારુતિ સુઝુકી દોઢ ટકા જેવી નબળાઈમાં ૧૧,૬૭૩ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. તાતા મોટર્સ એક ટકા નજીક, લાર્સન અને બજાજ ફાઇનૅન્સ પોણા ટકાથી વધુ, સનફાર્મા પોણો ટકો, હિન્દાલ્કો સવા ટકો, હીરો મોટોકૉર્પ તથા ગ્રાસિમ અડધો ટકો નરમ હતા. મહિન્દ્ર અને બજાજ ઑટો અડધા ટકા નજીક ઢીલા થયા છે. અદાણી એન્ટર નજીવી નરમાઈમાં ૨૪૧૫ રહ્યો છે. NDTV પોણાબે ટકા, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો, સાંધી ઇન્ડ. દોઢ ટકા નજીક તો અદાણીના અન્ય શૅર અડધાથી એકાદ ટકો સુધર્યા છે.
RRP સેમિકન્ડક્ટર સતત તેજીની સર્કિટમાં નવી ટોચે
જેનસોલ એન્જિનિયરિંગ, તેના CMD પુનિત જગ્ગી તથા CEO અનમોલ જગ્ગી સામે સેબીએ કડક પગલાં લીધાં છે. કંપનીના શૅર વિભાજન ઉપર હાલ પ્રતિબંધ મૂક્યો છે. CMO તથા CEOને કંપનીના કારભારમાંથી હટી જવા ફરમાન કર્યું છે. પ્રમોટર્સે કંપનીના ભંડોળનો અંગત લાભ માટે દુરુપયોગ કર્યો છે, પ્રમોટરોએ એમાંથી બંગલા ખરીદ્યા છે. સેબીના સપાટાને લઈ શૅર ગઈ કાલે એક વધુ નીચલી સર્કિટમાં પાંચ ટકા તૂટી ૧૨૪ની અંદર નવા ઑલટાઇમ તળિયે બંધ થયો છે. ૨૦૨૪ની ૧ ફેબ્રુઆરીએ ભાવ ૧૩૭૬ની સર્વોચ્ચ સપાટીએ હતો. મુંબઈ થાણેની આરઆરપી સેમિકન્ડક્ટર એકધારી ઉપલી સર્કિટમાં બે ટકા વધી ૭૩૮ના બેસ્ટ લેવલે પહોંચી છે. ભાવ ૨૦૨૪ની ૧ એપ્રિલે ૧૫ના તળિયે હતો. માંડ બે-ચાર શૅરના વૉલ્યુમે અહીં રોજેરોજ ઉપલી સર્કિટ લાગે છે. કંપનીમાં ફન્ડામેન્ટલ્સના નામે મીંડુ છે. ગયા વર્ષે ૩૮ લાખની આવક પર બે લાખની નેટ લોસ કરી છે. કંપની સતત ખોટમાં છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૮.૪૦ છે, પણ આજે માર્કેટકૅપ ૧૦૦૫ કરોડ થઈ ગયું છે. આ કંપનીનો પરપોટો ક્યારે ફૂટે છે એ જોવું રહ્યું.
ગઈ કાલે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ ૬૦૭૦ના શિખરે જઈ ૫.૫ ટકા વધી ૬૦૧૩ રહ્યો છે. બાવીસ જાન્યુઆરીના રોજ ભાવ ૩૪૧૧ના વર્ષના તળિયે હતો. સ્વરાજ એન્જિન ૪૪૭૮ની નવી ટૉપ બનાવી ચાર ટકા વધી ૪૧૯૧ હતો. નારાયણ હૃદયાલયા ૧૯૩૨ના બેસ્ટ લેવલે જઈ ત્રણ ટકા વધી ૧૭૯૩ થયો છે. SBI કાર્ડ્સ ૮૯૦ની ટૉપ હાંસલ કરી અડધો ટકો વધી ૮૮૮ હતો. શ્રી સિમેન્ટ્સ બમણા વૉલ્યુમે ૩૧,૩૨૪ની વિક્રમી સપાટી બનાવી એક ટકાની નરમાઈમાં ૩૦,૮૪૦ રહ્યો છે. HCG અર્થાત હેલ્થકૅર ગ્લોબલ ૫૯૪ની નવી ઊંચી સપાટી નોંધાવી સવાત્રણ ટકા વધી ૫૯૩ હતો. આઇશર મોટર્સ ૫૬૨૯નું શિખર મેળવી દોઢ ટકો વધી ૫૬૨૦ બંધ આવ્યો છે. ચંબલ ફર્ટિલાઇઝર ૬૬૯ નજીકની ટોચ બતાવી દોઢ ટકાની પીછેહઠમાં ૬૫૪ હતી.

