જીનસ પાવર નફામાં ૧૮૪ ટકાના વધારા પછીય પોણો ટકો ઘટીને બંધ : NSDL ૧૪૨૫ની ઑલટાઇમ હાઈ બનાવીને પ્રૉફિટ ટેકિંગમાં, પરિણામની પૂર્વસંધ્યાએ ૬૩ મૂન્સ વૉલ્યુમ સાથે સુધારામાં
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સિમેન્સ નબળા રિઝલ્ટનો આંચકો પચાવીને નીચલા મથાળેથી ૨૧૨ રૂપિયા ઊંચકાઈને સુધારામાં બંધ : લેમન ટ્રી ૯૩ ટકાની નફાવૃદ્ધિ છતાં શૅર ડાઉન, એફકૉન્સ ઇન્ફ્રા સારા રિઝલ્ટમાં સાડાચાર ટકા મજબૂત : જીનસ પાવર નફામાં ૧૮૪ ટકાના વધારા પછીય પોણો ટકો ઘટીને બંધ : NSDL ૧૪૨૫ની ઑલટાઇમ હાઈ બનાવીને પ્રૉફિટ ટેકિંગમાં, પરિણામની પૂર્વસંધ્યાએ ૬૩ મૂન્સ વૉલ્યુમ સાથે સુધારામાં : મુંબઈની મહેન્દ્ર રિયલ્ટર્સ સહિત આજે કુલ ત્રણ ભરણાં ખૂલશે : બિટકૉઇન નવા શિખરની તૈયારીમાં, પાકિસ્તાની બજાર ૧.૪૭ લાખને પાર
એશિયન બજારોમાં નવા સપ્તાહની શરૂઆત મિશ્ર વલણથી થઈ છે. જપાન અને થાઇલૅન્ડ રજામાં હતા. સિંગાપોર, હૉન્ગકૉન્ગ તથા સાઉથ કોરિયા નહીંવતથી સાધારણ ઢીલા હતા. ઇન્ડોનેશિયા ૦.૯ ટકા, તાઇવાન અડધો ટકો અને ચાઇના સાધારણ પ્લસ હતું. યુરોપ ફ્લૅટ ઓપનિંગ બાદ બહુધા સાધારણ કમજોર રનિંગમાં જોવા મળ્યું છે. બિટકૉઇન રનિંગમાં ત્રણ ટકાના ઉછાળે ૧૨૧૫૭૬ ડૉલર દેખાયો છે. આને લીધે મહિના પૂર્વે ૧૪ જુલાઈએ બનેલી ૧૨૩૦૯૧ ડૉલરની ઑલટાઇમ હાઈ ગમે ત્યારે તૂટી જશે એમ લાગે છે. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ પોણાત્રણ ટકા વધીને હાલમાં ૪.૦૬ લાખ કરોડ ડૉલરે પહોંચી ગયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧૪૫૩૮૩ના આગલા બંધ સામે ૧૪૭૦૦૫ની ટોચે જઈ રનિંગમાં ૧૫૫૩ પૉઇન્ટ વધી ૧૪૬૯૩૬ જેવું ચાલતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૬૭ ડૉલર નજીક ટકેલું હતું. ટૅરિફના ટેન્શન વચ્ચે FIIની અવિરત વેચવાલીને લઈ ડૉલર સામે રૂપિયો ભારે પ્રેશરમાં છે. એ ગગડીને નવા વર્સ્ટ લેવલના બતાવે એ માટેની મથામણમાં રિઝર્વ બૅન્કે રૂપિયાને ટેકો આપવામાં કમસે કમ પાંચ અબજ ડૉલર તાજેતરમાં વાપરી નાંખ્યા હોવાના અહેવાલ છે.
ADVERTISEMENT
વીકલી ધોરણે સતત ૬ સપ્તાહથી રેડ ઝોનમાં આવતા બજારે નવા સપ્તાહનો આરંભ પૉઝિટિવ ટોનથી કર્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૭ પૉઇન્ટ જેવા મામૂલી સુધારામાં ૭૯૮૮૫ ખૂલી ૭૪૬ પૉઇન્ટ વધીને ૮૦૬૦૪ બંધ થયો છે. શૅર આંક નીચામાં ૭૯૭૭૨ અને ઉપરમાં ૮૦૬૩૬ થયો હતો. નિફ્ટી ૨૨૨ પૉઇન્ટ ઊંચકાઈ ૨૪૫૮૫ હતો. સેન્સેક્સ નિફ્ટીના ૦.૯ ટકાના સુધારા સામે ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૯ ટકા, ઑટો બેન્ચમાર્ક એક ટકો, હેલ્થકૅર ૧.૧ ટકા, નિફ્ટી ફાર્મા એક ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ સવા ટકો મજબૂત હતો. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ હતાં. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક અડધો ટકો ઘટ્યો છે. આઇટી ઇન્ડેક્સ ૦.૪ ટકા તથા બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા અપ હતો. સાધારણ પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૬૦૬ શૅરની સામે ૧૪૧૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૫૧ લાખ કરોડ વધીને ૪૪૪.૧૪ લાખ કરોડ જોવા મળ્યું છે.
HBL એન્જિનિયરિંગનો નફો ૭૯ ટકા વધતાં શૅર ૪૯ ગણા કામકાજે ઉપરમાં ૬૯૨ થઈ ૧૪.૩ ટકાની તેજીમાં ૬૮૩ બંધ આપીને એ-ગ્રુપમાં ઝળક્યો હતો. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝે ૪૫૦ કરોડની સામે ૫૬૭ કરોડની આવક પર ૫૪ કરોડની સામે ૫૮ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે એમાં શૅર ૫૯ ગણા વૉલ્યુમે ૨૫૭૨ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૯.૭ ટકા કે ૨૨૧ રૂપિયા ઊછળી ૨૫૦૮ થયો છે. કંપની ડિસેમ્બર ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૭૯૦ના ભાવે ૧૨૦૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પરિણામ પાછળ શુક્રવારના વીસેક ટકાના ધોવાણને આગળ વધારતાં નીચામાં ૪૭૩ થઈ સવાચૌદ ટકા તૂટી ૫૦૫ રહી છે. ગરવારે હાઈ-ટેકનો નેટ નફો પાંચ કરોડ રૂપિયા ઘટીને ૮૩ કરોડ આવતાં શૅર નીચામાં ૨૭૯૫ બતાવી ૧૦.૨ ટકા કે ૯૨૩ રૂપિયા ખરડાઈ ૨૮૪૬ બંધ થયો છે. પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝનાં રિઝલ્ટ નબળાં આવતાં શૅર ૧૭૯ની ઇન્ટ્રા-ડે ટૉપથી ગગડીને ૧૫૮ થઈ આઠ ટકા બગડીને ૧૬૨ હતો. પીટીસી ઇન્ડસ્ટ્રીઝે ૫૦ કરોડની સામે ૧૦૭ કરોડની આવક મેળવી છે, પણ નફો ૪૮૯ લાખથી સાધારણ વૃદ્ધિદરમાં ૫૧૫ લાખ થતાં શૅર નીચામાં ૧૩૮૫૦ થઈ ૫.૬ ટકા કે ૮૪૪ રૂપિયાની ખરાબીમાં ૧૪૨૮૫ રહ્યો છે.
BLT લૉજિસ્ટિક્સમાં ૨૭ ટકા લિસ્ટિંગ ગેઇન, એસેક્સ મરીનમાં ૨૪ ટકા મૂડી સાફ થઈ ગઈ
ગઈ કાલે એકસાથે ૬ ભરણાંનું લિસ્ટિંગ થયું છે. તમામ ભરણાં SME સેગમેન્ટનાં છે. ઇન્દોરની ભડોરા ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૧૦૩ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ૧૦૧ ખૂલી ૧૦૬ બંધ થતાં ત્રણ ટકા લિસ્ટિંગ ગેઇન મળે છે. પાર્થ ઇલેક્ટ્રિકલ્સ શૅરદીઠ ૧૭૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૬ના પ્રીમિયમ સામે ૧૭૪ ખૂલી ૧૮૩ બંધ થતાં સાડાસાત ટકાનો ગેઇન મળ્યો છે. નવી મુંબઈની જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ શૅરદીઠ ૬૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે ૬૬ ખૂલીને ૬૫ બંધ રહેતાં ૧.૭ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. મધ્ય પ્રદેશના દેવાસની આરાધ્ય ડિસ્પોઝેબલ ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૧૧૬ની ઇસ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ૧૧૧ ખૂલી ૧૧૬ બંધ થઈ છે. એમાં નામકે વાસ્તે લિસ્ટિંગ ગેઇન છે. નવી દિલ્હીની BLT લૉજિસ્ટિક્સ શૅરદીઠ ૭૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે છેલ્લે બોલાતા ૨૫ના પ્રીમિયમ સામે તથા ગ્રેમાર્કેટ ખાતે છેલ્લે બોલાતા ૨૫ના પ્રીમિયમ સામે ૯૧ ખૂલી ૯૫ બંધ આવતાં એમાં ૨૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કલકત્તાની એસેક્સ મરીન શૅરદીઠ ૫૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે ૪૩ ખૂલીને ૪૧ બંધ રહેતાં ૨૪ ટકા મૂડી સાફ થઈ ગઈ છે. આજે મંગળવારે ઇન્દોરની હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિસ્ટેડ થશે. પાંચના શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલમાં ૨૪નું પ્રીમિયમ છે.
મેઇન બોર્ડમાં JSW સિમેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૭ના ભાવનો ૩૬૦૦ કરોડનો IPO ગઈ કાલે કુલ ૮.૩ ગણા તથા ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સનો બેના શૅરદીઠ ૨૭૫ની અપરબૅન્ડ સાથે ૪૦૦ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ ૮.૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલ JSW સ્ટીલમાં પાંચ રૂપિયા તથા ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સમાં ૮ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં સાવલિયા ફૂડ્સનો શૅરદીઠ ૧૨૦ના ભાવ સાથે ૩૩૦૮ લાખનો ઇશ્યુ કુલ ૧૩.૩ ગણા અને અમદાવાદી કૉનપ્લેક્સ સિનેમાઝનો ૧૦ના શૅરદીઠ ૧૭૭ના ભાવનો ૯૦૨૭ લાખનો ઇશ્યુ કુલ ૩૬ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. અત્યારે કૉનપ્લેક્સમાં ૧૫ રૂપિયા તો સાવલિયા ફૂડ્સમાં ૪ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. દરમ્યાન બીજા દિવસના અંતે ANB મેટલ કાસ્ટનો SME ઇશ્યુ કુલ ૬૭ ટકા, મેડીસ્ટેપ હેલ્થકૅરનો SME IPO કુલ ૭૭ ગણો અને સ્ટાર ઇમેજિંગ ઍન્ડ પૅથ લૅબનો SME ઇશ્યુ કુલ ૨૮ ટકા ભરાઈ ચૂક્યો છે જેમાંથી મેડીસ્ટેપમાં ૧૦નું પ્રીમિયમ ચાલે છે. પુણેની ઇકોડેકસ પબ્લિશિંગનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડવાળો ૪૨૦૩ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૪૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ વધીને ૧૪ થયું છે.
આજે મંગળવારે મલાડ-વેસ્ટની મહેન્દ્ર રિયલ્ટર્સ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧૦ના શૅરદીઠ ૮૫ની અપર બૅન્ડમાં ૪૯૪૫ લાખનો NSE SME IPO કરશે જેમાંથી ૯૨૮ લાખ રૂપિયા ઑફર ફૉર સેલ પેટે ગુજ્જુ પ્રમોટર્સ મહેન્દ્રકુમાર શાહ ઍન્ડ ફૅમિલીના ઘરમાં જશે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૨૨ ટકાના વધારામાં ૧૨૯ કરોડ નજીકની આવક તથા ૨૮ ટકાના વધારામાં ૧૪૮૭ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું ૨૮ કરોડ નજીક છે. છેલ્લા કેટલાક સમયમાં રિસીવેબલ્સમાં ત્રણ ગણો વધારો થયો છે એટલે આવકના આંકડામાં હિસાબી જાદુગરી કામકાજનો ધંધો કરે છે. ગ્રેમાર્કેટ ખાતે ૬થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૬ રૂપિયા છે. બે વર્ષ પહેલાં ૨૦૨૨-’૨૩માં કંપનીની આવક ૬૬ કરોડ અને નફો માત્ર ચાર કરોડ હતો. મેઇન બોર્ડમાં સતત ખોટ કરતી બ્લુસ્ટોન જ્વેલરીનો એકના શૅરદીઠ ૫૧૭ની અપરબૅન્ડ સાથે કુલ ૧૫૪૧ કરોડ નજીકનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૩૮ ટકાના પ્રતિસાદ સહિત કુલ ૩૯ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૯ રૂપિયા બોલાય છે.
આજે મંગળવારે મેઇન બોર્ડમાં કલકત્તાની રીગલ રિસોર્સિસ પાંચના શૅરદીઠ ૧૦૨ની અપર બૅન્ડમાં ૩૦૬ કરોડનો ઇશ્યુ કરવાની છે. મેઇઝ સ્ટાર્ચ તથા અન્ય મેઇઝ સ્પેશ્યલિટી પ્રોડક્ટ બનાવતી આ કંપનીએ ગયા વર્ષે ૫૩ ટકાના વધારામાં ૯૧૭ કરોડ પ્લસની આવક પર ૧૧૫ ટકા વૃદ્ધિદરથી ૪૭૬૭ લાખ ચોખ્ખો નફો બતાવી દીધો છે. દેવું ૫૦૭ કરોડનું છે. ઇશ્યુમાં OFS પેટેના ૯૬ કરોડ રૂપિયા પ્રમોટર્સ ઘરભેગા કરવાના છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૨૨ ચાલે છે.
યાત્રા ઑનલાઇન બમણા નફામાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં
ઇન્ડિયા ગ્લાયકોલ્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ૪.૫ ટકા વધીને ૧૮૧૮ બંધ રહ્યો છે. યાત્રા ઑનલાઇન દ્વારા ૧૦૮ ટકાના વધારામાં ૨૧૦ કરોડની આવક પર ૨૯૬ ટકાના વધારામાં ૧૬ કરોડ નેટ નફો હાંસલ થયો છે. શૅર ગઈ કાલે ૨૦ ટકા ઊછળીને ૧૧૫ બંધ થયો છે. સિમેન્સની આવક સાડાપંદર ટકા વધવા છતાં નેટ પ્રૉફિટ ૨૭ ટકા ઘટીને ૪૨૩ કરોડ નજીક આવ્યો છે. શૅર પોણાત્રણ ટકા વધી ૩૧૧૬ ઉપર બંધ રહ્યો છે. લેમન ટ્રી હોટેલ્સે ૧૭.૮ ટકાના વધારામાં ૩૧૬ કરોડ જેવી આવક પર ૯૩ ટકાના વધારામાં ૩૮૩૩ લાખ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૪૯ થઈ ૦.૯ ટકા ઘટી ૧૪૨ હતો. TVS સપ્લાય ચેઇને આવકમાં બે ટકાના વધારા સામે અગાઉના સાડાછ કરોડની તુલનામાં આ વખતે તગડો ૭૦ કરોડ પ્લસનો નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર પોણાસાત ટકાના જમ્પમાં ૧૩૩ નજીક થયો છે.
એસ. એચ. કેળકર ૮૬ કરોડની નેટ લૉસમાંથી ૨૫ કરોડ કરતાં વધુના નેટ નફામાં આવી છે. શૅર ગઈ કાલે નજીવા સુધારામાં ૨૩૯ રહ્યો છે. શિપિંગ કૉર્પોરેશનની આવક ૧૩ ટકા ઘટી છે, પરંતુ નેટ પ્રૉફિટ ૨૨ ટકા વધીને ૩૫૪ કરોડને વટાવી ગયો છે. શૅર સામાન્ય સુધારામાં ૨૦૨ બંધ થયો છે. ગુજરાત આલ્કલીઝની આવક ૧૩ ટકા વધી છે. નેટ લૉસ ૪૪૫૦ લાખથી ઘટીને ૧૩૮૦ લાખ રહી છે. શૅર સવાત્રણ ટકા ગગડી ૫૫૮ હતો. પૂર્વાન્કારા લિમિટેડની આવક ૨૦ ટકા ઘટી છે અને કંપની ૧૫ કરોડ જેવા નેટ નફામાંથી ૬૮ કરોડની ચોખ્ખી ખોટમાં સરી પડી છે. શૅર સાડાત્રણ ટકા ઘટી ૨૫૭ થયો છે. શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રાની આવક પોણાસાત ટકા વધી છે, સામે નેટ પ્રૉફિટ ૫૦ ટકા ઊંચકાઈ ૧૩૭ કરોડ વટાવી ગયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૩૧ બનાવી ૪.૬ ટકા ઊંચકાઈ ૪૨૫ હતો. તાતાની વૉલ્ટાસની આવક ૨૦ ટકા ઘટી છે, પણ નેટ નફો ૫૮ ટકા ગગડી ૧૪૦ કરોડ રહ્યો છે. શૅર નીચામાં ૧૨૦૨ થઈ ૪.૪ ટકા ગગડી ૧૨૪૬ હતો. જીનસ પાવરની આવક ૧૨૭ ટકા વધી છે અને ચોખ્ખો નફો ૧૮૪ ટકા ઊછળી ૧૩૭ કરોડ કરતાં વધુ થયો છે. શૅર પોણા ટકાના ઘટાડે ૩૬૯ હતો. ૬૩ મૂન્સનાં રિઝલ્ટ આજે છે, શૅર ગઈ કાલે સારા કામકાજે ઉપરમાં ૯૪૭ થઈ ૨.૭ ટકા વધી ૯૩૮ હતો.
અદાણી એન્ટરપ્રાઇઝ વૉલ્યુમ સાથે ૧૦૫ રૂપિયા વધીને નિફ્ટીમાં ટૉપ ગેઇનર
અદાણી એન્ટરપ્રાઇઝ ઉપરમાં ૨૩૦૨ બતાવી ૪.૮ ટકા કે ૧૦૫ રૂપિયાની મજબૂતીમાં ૨૨૮૩ બંધ આપી નિફ્ટી ખાતે ઝળક્યો છે. અદાણી પોર્ટ્સ સવા ટકો વધી હતી. તાતા મોટર્સના એકંદર ઢીલાં પરિણામ અને ટૅરિફના કમઠાણમાં આગામી ચડાણ કપરાં હોવાની પરિસ્થિતિને અનુલક્ષી જેફરીઝે ૫૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી સેલનો ટૅગ લગાવ્યો છે, પરંતુ ભાવ ગઈ કાલે ઉપરમાં ૬૫૫ થઈ ૩.૨ ટકા વધી ૬૫૪ બંધ આવ્યો છે. સ્ટેટ બૅન્કમાં વર્ષમાં ૯૪૧ની ટાર્ગેટ પ્રાઇસથી બહુમતી બ્રોકરેજ હાઉસે બુલિશ વ્યુ આપ્યો છે. શૅર ચાર ગણા કામકાજે ઉપરમાં ૮૨૫ બનાવી અઢી ટકા વધીને ૮૨૪ રહ્યો છે. તાતાની ટ્રેન્ટ ૨.૫ ટકા વધી ૫૪૪૪ હતી. એટર્નલ ૨.૮ ટકા, અલ્ટ્રાટેક બે ટકા, લાર્સન ૧.૭ ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકો, ગ્રાસિમ અઢી ટકા, સિપ્લા ૧.૩ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવા ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ પોણો ટકા પ્લસ હતી. જિયો ફાઇનૅન્સ બે ટકા વધી છે. રિલાયન્સ ૧.૪ ટકા વધીને ૧૩૮૭ હતી.
ICICI બૅન્ક તરફથી મિનિમમ અકાઉન્ટ બૅલૅન્સમાં ૪૦૦ ટકા વધારો કરી દેવાયો છે. આને કારણે શહેરી વિસ્તારમાં હવે નવા ખાતેદારોએ કમસે કમ ૫૦,૦૦૦ રૂપિયા ઍવરેજ બૅલૅન્સ રાખવું ફરજિયાત બને છે. અન્યથા ભારે પેનલ્ટી લાગશે. સોશ્યલ મીડિયામાં ICICI બૅન્ક સામે ભારે આક્રોશ છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૪૨૦ થઈ ૧૪૩૬ના લેવલે ફ્લૅટ બંધ થયો છે. HDFC બૅન્ક ૧.૨ ટકા વધી હતી. હીરો મોટોકૉર્પ પોણો ટકો ઘટી છે. ભારત ઇલેક્ટ્રિક નહીંવત્ નરમ રહી છે. સન ફાર્મા દોઢ ટકાથી વધુ તથા કોટક બૅન્ક સવા ટકાથી વધુ પ્લસ હતી. વિપ્રો તથા HCL ટેક્નો પોણાથી એકાદ ટકો વધ્યા હતા. ઇન્ફી, TCS અને ટેક મહિન્દ્ર નજીવી સુધરી છે. HDFC બજારને ૧૪૭ પૉઇન્ટ તથા રિલાયન્સ ૧૦૮ પૉઇન્ટ લાભદાયી નીવડી છે.
NSDL ૧૪૨૫ની નવી વિક્રમી સપાટી નોંધાવી પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં બે ટકા ઘટી ૧૨૭૩ રહી છે. MCX ત્રણ ટકા કે ૨૨૬ રૂપિયાની મજબૂતીમાં ૭૯૪૦ થઈ છે. શ્રી લોટસ ડેવલપર્સ ૨૧૮ના બેસ્ટ લેવલે ગઈ ૩.૮ ટકા ઘટી ૨૦૨ હતી. લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ આઠ ટકા ગગડી ૧૫૦ થઈ છે. તાતાની તેજસનેટ ૫૪૫ની નવી નીચી સપાટી બનાવી સવા ટકાના સુધારે ૫૬૪ રહી છે. ઇન્ડિયન બૅન્ક સાડાત્રણ ગણા કામકાજે ૬૭૭ના શિખરે જઈ ૩.૫ ટકા વધીને ૬૭૪ બંધ આવી છે. પેટીએમ ૧૧૨૮ની મલ્ટિયર ટૉપ બાદ ૫.૭ ટકાના ઉછાળે ૧૧૨૨ હતી. ઝુઆરી ઍગ્રો ૩૮૯ની નવી ટૉપ હાંસલ કરી બે ટકા વધી ૩૭૦ થઈ છે. શાંતિ ગોલ્ડ ૨૫૫ની નવી ઊંચી સપાટીએ જઈ અઢી ટકા વધીને ૨૪૬ હતી.

