બ્રોકરેજ હાઉસના ડીરેટિંગને પચાવી તાતા ટેક્નૉલૉજીઝ સુધારામાં બંધ, રાલિઝ ઇન્ડિયા નવી ટૉપ બનાવી નહીંવત્ નરમ
પ્રતીકાત્મક તસવીર
ખાતર શૅર ડિમાન્ડમાં, ઉદ્યોગના ૨૪માંથી માત્ર ૪ શૅર નરમ : બ્રોકરેજ હાઉસના ડીરેટિંગને પચાવી તાતા ટેક્નૉલૉજીઝ સુધારામાં બંધ, રાલિઝ ઇન્ડિયા નવી ટૉપ બનાવી નહીંવત્ નરમઃ માથે પરિણામ વચ્ચે વારિ રીન્યુએબલ્સ ચિક્કાર વૉલ્યુમે ૧૮ ટકા જેવી તેજીમાં : ન્યુલૅન્ડ લૅબ આગલા દિવસની ૨૨૯૫ની તેજી આગળ ધપાવતાં ૬૯૮ રૂપિયા વધીને બંધ, ઓલા ઇલેક્ટ્રિકમાં સવાછ ટકાની ખરાબી : CFF ફ્લુઇડ અને એસ્ટન ફાર્માનું લિસ્ટિંગ આજે થશે
ચાર દિવસમાં ૧૫૦૦ પૉઇન્ટ જેવી નરમાઈ બાદ શૅરબજારનો મંગળવાર રાહતદાયી નીવડ્યો છે. સેન્સેક્સ ૩૧૭ પૉઇન્ટ સુધરી ૮૨,૫૭૧ તથા નિફ્ટી ૧૧૩ પૉઇન્ટ વધી ૨૫,૧૯૬ બંધ થયાં છે. બજારનો આરંભ નેગેટિવ બાયસમાં થયો હતો. સેન્સેક્સ આગલા બંધથી વીસેક પૉઇન્ટની કમજોરીમાં ૮૨,૨૩૩ ખૂલી નીચામાં ૮૨,૨૨૨ની અંદર ગયો હતો. સાડાદસ વાગ્યાની આસપાસ ચોઘડિયું બદલાયું હોય એમ સેન્સેક્સ સડસડાટ વધી ઉપરમાં ૮૨,૭૪૩ વટાવી ગયો હતો. ત્યાર પછી સાંકડી વધઘટે બજાર એકંદર મક્કમ રહ્યું હતું. સેન્સેક્સ નિફ્ટીના ૦.૪ ટકા જેવા સુધારા સામે બ્રૉડર માર્કેટ ૦.૬ ટકા, મિડકૅપ પોણા ટકાથી વધુ તથા સ્મૉલકૅપ બેન્ચમાર્ક એક ટકા નજીક પ્લસ થયો છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ્સ સુધર્યાં છે. એક માત્ર યુટિલિટીઝ ઇન્ડેક્સ નહીંવત્ નરમ હતો. ઑટો ઇન્ડેક્સ દોઢ ટકા, નિફ્ટી ફાર્મા સવા ટકા નજીક, રિયલ્ટી પોણો ટકો, કૅપિટલ ગુડ્સ પોણા ટકા નજીક, FMCG પોણા ટકાથી વધુ, પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકાની નજીક મજબૂત હતા. આઇટી અને ડિફેન્સમાં નરમાઈ અટકી છે. બન્ને બેન્ચમાર્ક અડધા ટકા આસપાસ વધ્યા છે. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૯૬૬ શૅરની સામે ૯૬૩ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ૨.૬૯ લાખ કરોડ વધી ૪૬૦.૩૩ લાખ કરોડ રૂપિયા વટાવી ગયું છે. એકંદર સારા બજારમાં વર્લ્ડવિઝાર્ડ ઇનોવેશન્સ, વંદન ફૂડ્સ, ટ્રાવેલ ફૂડ સર્વિસિસ, કૅપિટલ ટ્રસ્ટ, કેમકાર્ટ ઇન્ડિયા, આઇકૉન ફેસિલિએટર્સ, મેડીકામેન બાયોટેક, રેમન્ડ રિયલ્ટી, આર.કે. સ્વામી, સિલિકૉન રેન્ટલ, તેજસ નેટ જેવા શૅર નવા ઐતિહાસિક તળિયે ગયા હતા.
ADVERTISEMENT
HDB ફાઇનૅન્સ સર્વિસિસનાં પરિણામ બજાર બંધ થયાં પછી આવ્યાં હતાં. કંપનીની આવક ૧૫ ટકા વધવા છતાં નફો બે ટકા ઘટ્યો છે. શૅર પરિણામ પૂર્વે અડધા ટકા નજીક ઘટી ૮૪૧ બંધ હતો. આજે વધુ ઘટી શકે છે. અનુહ ફાર્મા શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં અઢી ટકા વધી ૧૦૬ ઉપર બંધ થઈ છે. ફર્ટિલાઇઝર શૅર ગઈ કાલે ડિમાન્ડમાં હતા. ઉદ્યોગના ૨૪માંથી ૪ શૅર નરમ હતા. કોઠારી ઇન્ડસ્ટ્રિયલ કૉર્પોરેશન સર્વાધિક બે ટકા તથા કોરોમંડલ ઇન્ટર દોઢ ટકો ડાઉન હતી. સામે ડઝન શૅર બે ટકાથી માંડી દસેક ટકા જેવા વધ્યા હતા. એરિસ ઍગ્રો ૧૦ ટકા, ફેક્ટ આઠ ટકા, બસંત ઍગ્રો ટેક પાંચ ટકા, આરસીએફ સવાત્રણ ટકા, નૅશનલ ફર્ટિ ૩.૨ ટકા મજબૂત થઈ છે. જીએસએફસી તથા મૅન્ગલોર કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ પોણાબે ટકા અપ હતી.
ચાઇનાની અડધા ટકા નજીકની નબળાઈ બાદ કરતાં તમામ એશિયન બજારનો મંગળવાર સારો ગયો છે. હૉન્ગકૉન્ગ અને થાઇલૅન્ડ દોઢ ટકા, તાઇવાન એક ટકો, જપાન તથા ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ પ્લસ હતા. યુરોપ સાંકડી વધઘટે પૉઝિટિવ બાયસ રનિંગમાં દર્શાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૩૭,૭૪૮ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૩૫૪ પૉઇન્ટના ઘટાડે ૧,૩૬,૧૪૯ બંધ થયું છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન નીચામાં ૧,૧૬,૫૩૫ ડૉલરે જઈ રનિંગમાં પોણાબે ટકાના ઘટાડે ૧,૧૭,૮૨૭ ચાલતો હતો.
નફામાંથી ખોટમાં સરી પડેલી તેજસ નેટ વર્સ્ટ લેવલે ગઈ
AWL ઍગ્રી બિઝનેસ અર્થાત્ અદાણી વિલ્મરની ત્રિમાસિક આવક ૨૦ ટકા વધી છે, પણ નફો ૨૪ ટકા ઘટી ૨૩૬ કરોડ આવ્યો છે. શૅર પોણાબે ટકા ઘટી ૨૬૩ બંધ થયો છે. તાતાની તેજસ નેટ ૭૭ કરોડના નફામાંથી ૧૯૪ કરોડની નેટ લૉસમાં સરી પડતાં શૅર ૧૨ ગણા કામકાજે ૬૨૯ની વર્ષની બૉટમ બનાવી સાડાછ ટકા લથડી ૬૫૩ બંધ રહ્યો છે. તાતાની અન્ય કંપની તાતા ટેક્નૉલૉજીઝે પાંચ ટકાના વધારામાં ૧૭૦ કરોડ નફો કર્યો છે. માર્જિન ૧૫.૯ ટકાથી ઘટી ૧૩.૬ ટકા નોંધાયું છે. બ્રોકરેજ હાઉસ ICICI સેક તરફથી ૫૧૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ થઈ છે. શૅર નીચામાં ૭૧૫ થયા બાદ બાઉન્સબૅકમાં ૭૪૨ બતાવી બે ટકા વધી ૭૩૨ બંધ આવ્યો છે. તાતા ગ્રુપની રાલિઝ ઇન્ડિયાનો નફો ૯૮ ટકા વધી ૯૫ કરોડ રૂપિયા નોંધાયો છે. શૅર પ્રારંભિક સુધારામાં ૩૮૫ની ટોચે ગયા બાદ નહીંવત્ ઘટી ૩૫૩ બંધ હતો.
પાવરમેક પ્રોજેક્ટ્સને ૪૯૮ કરોડનો ઑર્ડર મળતાં ભાવ ૩ ગણા કામકાજે ઉપરમાં ૩૩૯૯ થઈ ૧.૪ ટકા વધી ૩૨૬૩ બંધ રહ્યો છે. રેલટેલ કૉર્પો.ને ઈસ્ટ સેન્ટ્રલ રેલવે તરફથી ૨૬૪ કરોડનો ઑર્ડર મળતાં શૅર સાડાત્રણ ગણા વૉલ્યુમે ૪૨૫ વટાવી પોણાબે ટકા વધી ૪૧૭ થયો છે. ક્લીચ ડ્રગ્સ એક્સ-રાઇટ થતાં ૪૯૦ના શિખરે જઈ સવાબે ટકા વધી ૪૮૭ વટાવી ગઈ છે. આનંદ રાઠી વૅલ્થ બમણા વૉલ્યુમે નીચામાં ૨૪૩૫ થઈ સાડાત્રણ ટકા ગગડી ૨૪૫૪ રહી છે. સામે સ્પંદન સ્ફૂર્તિ ૪ ગણા કામકાજે સવાઆઠ ટકા ઊછળીને ૩૧૯ થઈ છે. બીએસઈ લિમિટેડ સાડાત્રણ ટકાની મજબૂતીમાં ૨૫૪૬ દેખાઈ છે. કેમ્સ ત્રણ ટકા કે ૧૨૧ની તેજીમાં ૪૨૫૦ હતી.
વારિ રિન્યુએબલ્સનાં પરિણામ ૧૭મીએ છે. શૅર ગઈ કાલે ૫૩ ગણા કામકાજે ૧૭.૯ ટકા કે ૧૭૪ રૂપિયાના જમ્પમાં ૧૧૫૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. ૭ એપ્રિલના રોજ અહીં ૭૩૨નું બૉટમ બન્યું હતું. સ્વન એનર્જી ૧૧.૪ ટકાના ઉછાળે ૫૦૨ બંધ આવી છે, તો સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ પોણાદસ ટકાની તેજીમાં ૧૧૪ થઈ છે. ડિફેન્સ કંપની મિશ્ર ધાતુ નિગમ ૨૯ ગણા કામકાજે ૪૫૭ વટાવી સાડાસાત ટકા ઊચકાઈ ૪૩૨ નજીક પહોંચી છે. બૉમ્બે ડાઇંગ સવાસાત ટકાના જોરમાં ૧૬૯ દેખાઈ છે. જેપી પાવર વેન્ચર્સ તાજેતરની તેજીમાં ૧૨ વર્ષની ટોચે ગયા બાદ હેવી પ્રૉફિટ બુકિંગ આવતાં દસેક ટકા તૂટી ૨૪.૫૨ બંધ રહી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. આઇનોક્સ વિન્ડ સાડાછ ટકા અને કાર ટ્રેડ ૪ ટકા ખરડાઈ હતી.
ગ્લેન ઇન્ડસ્ટ્રીઝમાં ધારણા કરતાં મજબૂત લિસ્ટિંગ
ગ્લેન ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૯૭ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં બોલાતાં પંચાવનના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૫૭ ખૂલી ઉપલી સર્કિટે ૧૬૫ અને નીચલી સર્કિટે ૧૪૯ થઈ ૧૫૨ બંધ થતાં ૫૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME કંપની CFF ફ્લુઇડ કન્ટ્રોલનો શૅરદીઠ ૫૮૫ના ભાવનો ઇશ્યુ તેમ જ એસ્ટન ફાર્માનો શૅરદીઠ ૧૨૩ના ભાવનો ઇશ્યુ આજે, બુધવારે લિસ્ટેડ થશે. હાલ એસ્ટનમાં પચીસ રૂપિયા તથા CFF ફ્લુઇડમાં ૩૦ રૂપિયાનું પ્રીમિયમ ચાલે છે. મેઇન બોર્ડમાં ઍન્થમ બાયો સાયન્સિસનો બેના શૅરદીઠ ૫૭૦ની અપર બૅન્ડવાળો ૩૩૯૫ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ આઇપીઓ બીજા દિવસના અંતે કુલ ૩.૫ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ઊછળીને ૧૩૩ બોલાય છે. SME કંપની સ્પનવેબ નૉન-વોવનનો શૅરદીઠ ૯૬ના ભાવનો ૬૦૯૮ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે ૪૪.૩ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ વધી ૪૨ થયું છે.
મોનીકા આલ્કોબીવ ૧૦ના શૅરદીઠ ૨૮૬ના ભાવે ૧૫,૩૬૮ લાખના BSE SME IPO સાથે આજે મૂડીબજારમાં આવવાની છે. ગ્રે માર્કેટમાં હજી કોઈ સોદા શરૂ થયા નથી. તાજેતરમાં લિસ્ટેડ થયેલા મહત્ત્વના આઇપીઓમાં ટ્રાવેલ ફૂડ ગઈ કાલે ૧૦૪૮ના નવા તળિયે જઈ ૧.૭ ટકા ઘટી ૧૦૫૭ રહી છે. ક્રિઝાક દોઢ ટકા વધી ૩૩૭ હતી. સંભવ સ્ટીલે ૪.૮ ટકાની મજબૂતીમાં ૧૨૩ થઈ છે. મેટા ઇન્ફોટેક પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૩૫ રહી છે. કેમકાર્ટ ઇન્ડિયા ૨૪૬ના તળિયે જઈ ચાર ટકા ગગડી ૨૪૯ હતી. ઇન્ડોગલ્ફ ક્રૉપ સાયન્સ સવાત્રણ ટકા વધી ૧૧૦ હતી. ક્રાયોજેનિક OGS પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૮ના બેસ્ટ લેવલે બંધ આવી છે.
નબળાં પરિણામના પગલે HCL ટેક્નૉલૉજીઝ ટૉપ લૂઝર
સેન્સેક્સના ૩૦માંથી વધેલા બાવીસ શૅર અને નિફ્ટીના ૫૦માંથી પ્લસ થયેલા ૩૫ શૅરમાંથી હીરો મોટોકૉર્પ પોણાપાંચ ટકા કે ૨૦૨૨ રૂપિયાની તેજીમાં ૪૪૫૪ બંધ આપી નિફ્ટી ખાતે તો સનફાર્મા પોણાત્રણ ટકા વધી ૧૭૨૭ના બંધમાં સેન્સેક્સમાં મોખરે હતી. હીરો મોટોકૉર્પ સાથે ટીવીએસ મોટર્સ ૩ ટકા, બજાજ ઑટો પોણાત્રણ ટકા, તાતા મોટર્સ દોઢ ટકા, મહિન્દ્ર સવા ટકો, આઇશર એક ટકો વધી હતી. એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ અશોક લેલૅન્ડ પોણો ટકો ઘટી ૨૫૧ હતી. ઑટો ઇન્ડેક્સ દોઢ ટકા કે ૭૭૯ પૉઇન્ટ વધ્યો છે. ઇન્ડેક્સ બેઝ્ડ અન્ય જાતોમાં શ્રીરામ ફાઇનૅન્સ સવાબે ટકા, અઈપોલો હૉસ્પિટલ બે ટકા નજીક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક દોઢ ટકો, ટ્રેન્ટ પોણાબે ટકા નજીક, બજાજ ફીનસર્વ દોઢ ટકો, બજાજ ફાઇનૅન્સ એક ટકો, સ્ટેટ બૅન્ક, ઇન્ફોસિસ અને ટીસીએસ ૦.૯ ટકા, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્ર પોણો ટકો, વિપ્રો સવા ટકો, નેસ્લે એકાદ ટકો, તાતા કન્ઝ્યુમર પોણા ટકાથી વધુ સુધરી છે.
HCL ટેક્નૉલૉજીઝની આવક સવાઆઠ ટકા વધવા છતાં નેટ નફો ૧૧ ટકા જેવો ઘટીને આવતાં શૅર સવાત્રણ ટકાથી વધુ ખરડાઈ ૧૫૬૬ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. અન્યમાં એટર્નલ દોઢ ટકો, SBI લાઇફ ૧.૪ ટકા, HDFC લાઇફ એક ટકા, તાતા સ્ટીલ અને કોટક બૅન્ક પોણા ટકા આસપાસ નરમ હતા. HDFC બૅન્ક અડધા ટકાથી વધુ સુધરતાં ટકો વધતાં ૪૯ પૉઇન્ટનો લાભ થયો છે. હેવી જિયો ફાઇનૅન્સ ૦.૭ ટકા સુધરી ૩૨૧ રહી છે.
નબળાં પરિણામ વચ્ચે આગલા દિવસે ૧૮ ટકા ઊછળેલી ઓલા ઇલેક્ટ્રિક ગઈ કાલે સવાછ ટકા ગગડી ૪૪ બંધ આવી છે. સોમવારે ૨૨૯૫ રૂપિયાની તેજી દાખવનાર ન્યુલૅન્ડ લૅબ ગઈ કાલે પોણાપાંચ ટકા કે ૬૯૮ રૂપિયાની આગેકૂચમાં ૧૫,૨૯૯ થઈ છે. કોલેબ પ્લૅટફૉર્મ સતત ૨૦મા દિવસે ઉપલી સર્કિટમાં બે ટકા વધી ૪૪ નજીક ગઈ છે.

