Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સીઝફાયરના ક્ષોભ વચ્ચે બજાર સવાચાર વર્ષની મોટી તેજીમાં

સીઝફાયરના ક્ષોભ વચ્ચે બજાર સવાચાર વર્ષની મોટી તેજીમાં

Published : 13 May, 2025 08:03 AM | IST | Mumbai
Anil Patel

અમેરિકા અને ચાઇના વચ્ચેનો ટકરાવ ઓશવરવા માંડ્યો છે. પ્રેમાલાપ શરૂ થયો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૩૦૪૨ પૉઇન્ટના ઉછાળા બાદ ૨૯૭૫ પૉઇન્ટની છલાંગ લગાવી ૮૨,૪૩૦ બંધ, ૨૦૨૧ની પહેલી ફેબ્રુઆરી પછીનો મોટો જમ્પ : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ, માર્કેટકૅપમાં ૧૬.૦૬ લાખ કરોડનો ઉમેરો : ઑટો, આઇટી, ટેલિકૉમ, પાવર, યુટિલિટીઝ, એનર્જી, ઑઇલ-ગૅસ, મેટલ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નિફ્ટી મીડિયા જેવા ઇન્ડેક્સના બધા જ શૅર વધીને બંધ: માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ, બજારમાં એક શૅર ઘટ્યો સામે સાત વધ્યાનો ઘાટ : પાકિસ્તાની શૅરબજારે સાડાનવ ટકા કે ૧૦,૧૧૯ પૉઇન્ટના ઉછાળે સીઝફાયરનો જશન મનાવ્યો


વીરરસના જયઘોષ સાથે શરૂ થયેલું વૉર નામનું નાનકડું છમકલું સરવાળે શરમજનક પ્રહસન સ્વરૂપે પૂરું થયું છે. હવે ચાપલૂસ મીડિયા નવા નાકે સીઝફાયરના ગુણગાન શરૂ કરશે. આ સમગ્ર ઘટનાક્રમમાં એક વાત ચોક્કસ પુરવાર થઈ ગઈ છે કે ભારતીય મીડિયા અને તેના માલિકો માટે ડિક્શનરીમાં જેટલા પણ ફોર લેટર વર્ડ્સ છે એ વાપરો તો પણ ઓછા પડશે. ઇતિહાસ અવશ્ય આની નોંધ લેશે. મીડિયાએ ઇસ્લામાબાદ, કરાચી, રાવલપિંડી સહિત અડધાથી વધુ પાકિસ્તાનનો ખાતમો બોલાવી દીધો હતો. ભારતનો કબજો બતાવી દીધો હતો ત્યાં હાલ વિજ્યોત્સવના નામનો જશન ચાલી રહ્યો છે, આ બધું જોઈને હૈયું ચિરાઈ રહ્યું છે. POK કબજે કરવાનાં સપનાં દેખાડી લોકોને સીઝફાયરની ક્યારેય ન ખપે એવી ભેટ આપનારાની ઇતિહાસ બેશક નોંધ લેશે. પહલગામના આતંકવાદીઓ આજેય સહીસલામત છે, જીવતા છે, તેમને સજા અપાય એનો અમને ઇંતેજાર છે. સાથોસાથ હિમાંશી નરવાલ અને વિક્રમ મિસરીને ટ્રોલ કરનારી ન્યુ ઇન્ડિયાની નાલાયક જમાત પણ હેમખેમ છે એનો ભયંકર અફસોસ છે. દરમ્યાન કેટલાંક મીડિયામાં નરેન્દ્ર મોદીના હવાલાથી કહેવાયું છે કે POK પાછું લીધા વિના બીજી કોઈ વાત નહીં (એક અગ્રણી ગુજરાતી અખબારે તો આની લીડ સ્ટોરી બનાવી છે.) જો આ વાત ખરેખર સાચી હોય, POK પાછું લેવાનો સરકારનો અડગ નિર્ધાર હોય તો પછી ચાઇના સાથે વૉર અવશ્ય થશે કેમ કે POK હવે પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર નથી રહ્યું એ COK અર્થાત ચાઇના ઑક્યુપાઇડ કાશ્મીર બની ગયું છે. ચીનના બહુ મોટા હિત POK સાથે સંકળાયેલાં છે. 



ઍની વે, ક્ષોભજનક સીઝફાયરને વધાવતાં શૅરબજાર સોમવારે જબરું હરખાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૩૫૦ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૮૦,૮૦૪ ખૂલી છેવટે ૨૯૭૫ પૉઇન્ટની તેજીમાં ૮૨,૪૩૦ બંધ થયો છે. નિફ્ટી ૯૧૭ પૉઇન્ટના જમ્પમાં ૨૪,૯૨૫ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં તો માર્કેટ ૮૨,૪૯૬ અર્થાત ૩૦૪૨ પૉઇન્ટ ઊછળ્યું હતું, નિફ્ટી ૨૪,૯૪૫ દેખાયો હતો. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ જોરમાં હતાં. રોકડું અને બૉડર માર્કેટ પોણાચારથી સવાચાર ટકા વધ્યું છે. સેન્સેક્સ નિફ્ટીની પોણાચાર ટકા જેવી મજબૂતી સામે રિયલ્ટી બેન્ચમાર્ક ૫.૯ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧૪૯૯ પૉઇન્ટ કે ૫.૨ ટકા, પાવર તથા યુટિલિટીઝ પાંચેક ટકા, કૅપિટલ ગુડ્સ પોણાચાર ટકા કે ૨૪૨૨ પૉઇન્ટ, બૅન્કેક્સ ૩.૩ ટકા, ફાઇનૅન્સ ચારેક ટકા, ઑટો ઇન્ડેક્સ ૩.૪ ટકા કે ૧૭૧૩ પૉઇન્ટ, એનર્જી ઇન્ડેક્સ ૩.૨ ટકા, ટેલિકૉમ ત્રણ ટકા વધ્યા હતા. આઇટી ઇન્ડેક્સે ૨૩૭૩ પૉઇન્ટ કે પોણાસાત ટકાની છલાંગ લગાવી છે. એની પાછળ ટેક્નૉલૉઝિસ ઇન્ડેક્સ સવાપાંચ ટકા ઊચકાયો હતો. 
બૅન્ક નિફ્ટી ૧૭૮૮ પૉઇન્ટ કે ૩.૩ ટકા અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૩.૩ ટકા વધ્યો છે. જેકે બૅન્ક ૭.૯ ટકા, IDBI બૅન્ક ૭.૨ ટકા, આઇઓબી ૭.૨ ટકા, સેન્ટ્રલ બૅન્ક છ ટકા, સૂર્યોદય બૅન્ક સાત ટકા, ઇસફ બૅન્ક સવાછ ટકા, ઇક્વિટાસ બૅન્ક સવાપાંચ ટકા, ઉજ્જીવન બૅન્ક સાડાપાંચ ટકા, પંજાબ-સિંઘ બૅન્ક પાંચ ટકા ઊછળી છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક સાડાત્રણ ટકા ગગડી ૭૮૮ રહી છે. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૬૧૪ શૅર સામે ૩૨૯ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧૬.૦૬ લાખ કરોડના ઉમેરામાં ૪૩૨.૫૬ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. 


પાંચ બૅન્ક શૅરની મજબૂતી બજારને ૧૦૭૧ પૉઇન્ટ ફળી 

HDFC બૅન્ક ૩.૬ ટકાના ઉછાળે ૧૯૫૭ બંધ આપી બજારને સર્વાધિક ૪૪૬ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક ૧૪૫૨ના શિખરે જઈ ૪.૪ ટકાના જમ્પમાં ૧૪૫૦ બંધ રહેતાં બજારને ૩૭૪ પૉઇન્ટ મળ્યા છે. ઍક્સિસ બૅન્ક ૪.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૯ ટકા અને કોટક બૅન્ક બે ટકા વધતાં એમાં બીજા ૨૫૧ પૉઇન્ટ ઉમેરાયા હતા. રિલાયન્સ સરેરાશ કરતાં ૪૦ ટકાના વૉલ્યુમે સવાચાર ટકા ઊછળી ૧૪૩૬ના બંધમાં બજારને ૩૪૩ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનૅન્શ્યલ છ ટકા ઊચકાઈ ૨૬૩ હતી. 


અન્યમાં તાતા સ્ટીલ સવાછ ટકા, ઝોમાટો પોણાછ ટકા, બજાજ ફાઇનૅન્સ ૪.૪ ટકા, NTPC ૪.૩ ટકા, બજાજ ફીનસર્વ ચાર ટકા, લાર્સન ૪.૧ ટકા, મારુતિ ત્રણ ટકા, મહિન્દ્ર ચાર ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૭.૪ ટકા, ટ્રેન્ટ સાડાછ ટકા, JSW સ્ટીલ પાંચ ટકા, બજાજ ઑટો ૪.૭ ટકા, ગ્રાસિમ ચાર ટકા, હિન્દાલ્કો ચાર ટકા, ONGC ૩.૯ ટકા, આઇશર ૩.૭ ટકા, હીરો મોટોકૉર્પ ૩.૪ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ સાડાત્રણ ટકા, અપોલો હૉસ્પિટલ ત્રણ ટકા મજબૂત હતી. 

અદાણી ગ્રુપ ખાતે અદાણી એન્ટર પોણાઆઠ ટકા કે ૧૭૩ રૂપિયા, અદાણી પોર્ટ્સ ૪.૩ ટકા, અદાણી પાવર સાડાછ ટકા, અદાણી એનર્જી ૮.૨ ટકા, અદાણી ગ્રીન સાત ટકા, અદાણી ટોટલ પોણાપાંચ ટકા, અદાણી-વિલ્મર ચાર ટકા, NDTV સવાત્રણ ટકા, એસીસી અઢી ટકા, અંબુજા સિમેન્ટ્સ ૨.૬ ટકા, સાંધી ઇન્ડસ્ટ્રીઝ ૪.૨ ટકા વધ્યા હતા. અદાણીનું જેમાં ટેકઓવર જાહેર થયેલું છે એ ઓરિયેન્ટ સિમેન્ટ્સ નજીવી ઘટી ૩૫૪ રહી છે. આઇટીડી સિમેન્ટેશન ચાર ટકા અને પીએસપી પ્રોજેક્ટ્સ નહીંવત પ્લસ હતી. 

BSE લિમિટેડ ૭૦૪૭ની ઑલટાઇમ હાઈ દેખાડી છ ટકા કે ૩૯૩ની તેજીમાં ૬૯૬૫ની નવી ટોચે બંધ હતી. MCX પણ પોણાસાત ટકા કે ૩૮૩ના ઉછાળામાં ૬૦૫૫ થઈ છે. બિરલા કૉર્પ ૨૦ ટકાનો જમ્પ મારી ૧૨૭૦ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ઝળકી છે. બજાજ ઇલેક્ટ્રિક ૧૫ ટકા નજીક, થોમસ કૂક સાડાબાર ટકા અને સેરી સૅનિટરી પોણાબાર ટકા કે ૬૯૧ રૂપિયા મજબૂત હતી. કેપીઆર મિલ્સ સાડાદસ ટકા બગડી ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર હતી. જિંદલ વર્લ્ડવાઇડ આઠ ટકા અને પારસ ડિફેન્સ સાડાપાંચ ટકા બગડી છે. આઇડિયા ફોર્જ ૬ ટકા, માઝગાવ ડૉક ત્રણ ટકા, કોચિન શિપયાર્ડ અઢી ટકા, ગાર્ડન રિચ ૧.૪ ટકા, ડેટા પેટર્ન્સ પોણાચાર ટકા, ઝેન ટેક્નૉલૉઝિસ પાંચ ટકા, ભારત અર્થમૂવર પોણાપાંચ ટકા વધી છે.

આઇટી, ટેલિકૉમ અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સના તમામ શૅર પ્લસ

સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૮ શૅર વધ્યા હતા. ઇન્ફોસિસ પોણાબે ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૬૩૨ થઈ ૭.૯ ટકા કે ૧૧૯ રૂપિયાની તેજીમાં ૧૬૨૭ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બની બજારને ૩૬૭ પૉઇન્ટ ફળ્યો છે. HCL ટેક્નૉ ૬.૪ ટકા, ટીસીએસ ૫.૨ ટકા, ટેક મહિન્દ્ર સવાપાંચ ટકા વધતાં એમાં બીજા ૨૯૧ પૉઇન્ટનો ઉમેરો થયો છે. વિપ્રો ૬.૪ ટકા અને લાટિમ ૬.૫ ટકા મજબૂત હતી. આઇટી બેન્ચમાર્કના ૫૯માંથી ૫૯ શૅર વધ્યા છે. સાઇડ શૅરમાં ડેટા મેટિક્સ ૧૪ ટકા, ડાયનાકોન્સ સિસ્ટમ્સ ૧૧.૭ ટકા, નેટવેબ ટેક્નૉ નવ ટકા, બિરલા સૉફ્ટ સવાનવ ટકા, બ્લૅક બૉક્સ સાડાનવ ટકા, સિગ્નેટી ટેક્નૉ સાડાસાત ટકા, ક્વીક હિલ ૮.૯ ટકા, ઝગલ ૮.૪ ટકા, કોફોર્જ ૮.૪ ટકા, પર્સિસ્ટન્ટ આઠ ટકા, મૅપ માય ઇન્ડિયા સાડાસાત ટકા, ન્યુક્લિયસ ૮.૨ ટકા, ઑરેકલ પોણાનવ ટકા, સોનાટા સૉફ્ટવેર ૮.૫ ટકા વધ્યા છે. આઇટીના ૫૯માંથી ૩૦ શૅર સાડાછથી માંડી ચૌદ ટકા સુધી ઊંચકાયા હતા. 

ટેલિકૉમ ઇન્ડેક્સ તમામ ૧૫ શૅરના સથવારે ત્રણ ટકા વધ્યો છે. HFCL ૧૦.૬ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ આઠ ટકા, વિન્દ્ય ટેલિ ૭.૭ ટકા, આઇટીઆઇ છ ટકા, તાતા ટેલિ સવાછ ટકા, ઑપ્ટિમસ ૬.૪ ટકા, MTNL ૫.૭ ટકા મજબૂત હતા. ભારતી હેક્સાકૉમ બે ટકા વધી ૧૭૫૩ના શિખરે બંધ હતી. ભારતી ઍરટેલ સવા ટકો સુધરી છે. આઇટી અને ટેલિકૉમના પગલે ટેક્નૉલૉજી બેન્ચમાર્ક પણ તમામ ૨૭ શૅરના સથવારે સવાપાંચ ટકા વધ્યો છે. જસ્ટ ડાયલ ૫.૧ ટકા, પૉલિસી બાઝાર ૪.૯ ટકા, નેટવર્ક-૧૮ સવાછ ટકા, પીવીઆર આઇનોક્સ પાંચ ટકા, સનટીવી ત્રણ ટકા, ઝી એન્ટર એક ટકા પ્લસ હતી.

પાકિસ્તાની શૅરબજારમાં જબ્બર જશન જોવા મળ્યો

અમેરિકા અને ચાઇના વચ્ચેનો ટકરાવ ઓશવરવા માંડ્યો છે. પ્રેમાલાપ શરૂ થયો છે. જિનીવા ખાતેની બેઠકમાં બન્ને દેશો ટૅરિફમાં ૯૦ દિવસ માટે મોટા પાયે ઘટાડો કરવા સહમત થયા છે. કેટલાક લોકો આને ગઈ કાલે સેન્સેક્સમાં તેજી માટેનું મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. જોકે અમને એમાં વજૂદ લાગતું નથી, કેમ કે ગઈ કાલે વૈશ્વિક બજારોમાં મોટા પાયે વ્યાપક તેજી દેખાઈ નથી. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ પોણાત્રણ ટકા, સાઉથ કોરિયા અને તાઇવાન એક ટકા આસપાસ, ચાઇના પોણો ટકો અને જપાન સાધારણ વધ્યું હતું. લંડન ફુત્સી અડધો ટકો તો યુરોપનાં અન્ય બજાર રનિંગમાં એકાદ ટકો ઉપર હતાં. અમેરિકા ખાતે સ્ટા-પુઅર્સ ૫૦૦ ફ્યુચર્સ ત્રણ ટકા અને ડાઉ ફ્યુચર બે ટકા રનિંગમાં મજબૂત હતો. બ્રેન્ટ ક્રૂડ અઢી ટકા વધી ૬૬ ડૉલર ભણી ગતિમાન થયું છે. નાયમેક્સ ક્રૂડ પોણાત્રણ ટકાના ઉછાળે ૬૩ ડૉલર નજીક સરક્યું છે. સોનું વાયદામાં સવાત્રણ ટકાના ઘટાડે રનિંગમાં ૩૨૩૫ ડૉલર તો હાજર સોનું પોણાત્રણ ટકા ગગડી ૩૨૩૦ ડૉલર દેખાયું છે.

સીઝફાયરનો ખરો જશન પાકિસ્તાની શૅરબજારમાં જોવાયો છે. નવ ટકાની છલાંગ સાથે ત્યાં સર્કિટ હીટ થતાં બજારનું કામકાજ એક કલાક માટે બંધ કરી દેવાયું હતું. કરાચી શૅરબજારનો આંક ૧,૦૭,૧૭૪ના આગલા બંધ સામે ગઈ કાલે ૯૮૯૫ પૉઇન્ટના ઉછાળે ૧,૧૭,૦૬૯ ખૂલી સાડાનવ ટકાની તેજીમાં ૧,૧૭,૨૯૩ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં ૧,૧૭,૩૨૮ની ટૉપ બની હતી. બોલે તો આગલા બંધથી ૧૦,૧૫૪ પૉઇન્ટનો જમ્પ લાગે છે કે ૪ એપ્રિલે અહીં જે ૧,૨૦,૭૯૬ની ઑલટાઇમ હાઈ બની હતી એ બહુ જલદી ભેદાશે.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2025 08:03 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK