Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં સીમિત વધ-ઘટ વચ્ચે સરકારી બૅન્કોના સથવારે પીએસયુ બૅન્ક નિફ્ટી મજબૂત

બજારમાં સીમિત વધ-ઘટ વચ્ચે સરકારી બૅન્કોના સથવારે પીએસયુ બૅન્ક નિફ્ટી મજબૂત

Published : 17 July, 2025 08:30 AM | Modified : 19 July, 2025 07:38 AM | IST | Mumbai
Anil Patel

વન ટાઇમ એક્સેપ્શનલ ગેઇનના સહારે નેટવર્ક૧૮ ખોટમાંથી તગડા નફામાં આવી : પરિણામ અને બોનસની પૂર્વસંધ્યાએ પતંજલિ ફૂડ્સ મજબૂત

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વન ટાઇમ એક્સેપ્શનલ ગેઇનના સહારે નેટવર્ક૧૮ ખોટમાંથી તગડા નફામાં આવી : પરિણામ અને બોનસની પૂર્વસંધ્યાએ પતંજલિ ફૂડ્સ મજબૂત : નફો બે ટકા ઘટતાં HDB ફાઇનૅન્સ વર્સ્ટ લેવલે જઈ ૩ ટકા ગગડી, પરિણામ પાછળ ITC હોટેલ્સ નવા શિખરે : બંધ બજારે ટેક મહિન્દ્રનાં બજારની એકંદર ધારણા કરતાં નબળાં પરિણામ શૅરને આજે કઠશે : જૉકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૮૭૮ રૂપિયાનું ગાબડું, ઇન્ટરિમ અને બોનસ માટે બોર્ડ મીટિંગની જાહેરાત HDFC બૅન્કને કશા કામ ન આવી : એસ્ટન ફાર્માનું લિસ્ટિંગ નબળું નીવડ્યું


સેન્સેક્સ આગલા બંધથી ૩૬ પૉઇન્ટની પરચૂરણ પીછેહઠમાં ૮૨,૫૩૪ ખૂલી ૬૩ પૉઇન્ટના મામૂલી સુધારામાં બુધવારે ૮૨,૬૩૪ બંધ થયો છે. નિફ્ટી ૧૬ પૉઇન્ટ વધી ૨૫,૨૧૨ રહ્યો છે. બજારમાં વધ-ઘટની રેન્જ અતિ સાંકડી, માંડ સાડાત્રણસો પૉઇન્ટનીય નહોતી. પ્રથમ સત્ર ધીમા ઘટાડાનું હતું જેમાં શૅરઆંક નીચામાં ૮૨,૩૪૩ થયો હતો. ૧૨ વાગ્યા પછી હળવો સુધારો જામ્યો હતો. સેન્સેક્સ ઉપરમાં ૮૨,૭૮૫ નજીક ગયો હતો. મોટા ભાગનાં સેક્ટોરલ નહીંવત્થી સામાન્ય સુધારામાં હતાં. આઇટી ઇન્ડેક્સ ૦.૭ ટકા, રિયલ્ટી અડધો ટકો, નિફ્ટી મીડિયા પોણાબે ટકા, ટેક્નૉલૉજીઝ બેન્સમાર્ક અડધો ટકો વધ્યો છે. બૅન્ક નિફ્ટી ૧૬૨ પૉઇન્ટ જેવો કે ૦.૩ ટકાની અંદર નહીંવત્ પ્લસ હતો, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની મજબૂતીમાં સર્વાધિક ૧.૮ ટકા ઊચકાયો છે. નિફ્ટી મેટલ અડધા ટકાથી વધુ કટ થયો છે. સારી એવી પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૬૬૩ શૅરની સામે ૧૨૭૧ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૮૫,૦૦૦ કરોડ વધીને ૪૬૧.૧૮ લાખ કરોડ રૂપિયા થયું છે.



HDB ફાઇનૅન્સનો નફો બે ટકા ઘટવાની અસરમાં શૅર ૮૧૦ના વર્સ્ટ લેવલે જઈ ત્રણ ટકાથી વધુ બગડીને ૮૧૫ નીચે બંધ આવ્યો છે. આઇટીસી હોટેલ્સનો નફો ૫૪ ટકા વધીને ૧૩૩ કરોડ આવતાં શૅર ૭ ગણા વૉલ્યુમે ૨૪૪ના બેસ્ટ લેવલે જઈ સાડાચાર ટકા વધીને ૨૩૮ વટાવી ગયો છે. પતંજલિ ફૂડ્સમાં ગુરુવારે પરિણામ માટે બોર્ડ મીટિંગ છે. એમાં બોનસ વિશે પણ વિચારણા સામેલ કરાઈ છે. આના પગલે શૅર છ ગણા કામકાજે ઉપરમાં ૧૮૭૫ બતાવી પોણાસાત ટકાની તેજીમાં ૧૮૬૨ બંધ થયો છે. MTNL સરકારી બૅન્કોના ૮૫૦૦ કરોડના દેવાની પરત ચુકવણીમાં ડિફૉલ્ટ થઈ છે. આમ છતાં, શૅર સવાયા કામકાજે ૧.૯ ટકા વધીને ૫૧ નજીક બંધ આવ્યો છે. સ્પંદન સ્ફૂર્તિ તરફથી રાઇટ ઇશ્યુ મારફત ૪૦૦ કરોડ ઊભા કરવાનું નક્કી થતાં શૅર ત્રણ ગણા વૉલ્યુમે ૪ ટકાથી વધુ ગગડી ૩૦૫ બંધ હતો. ઍન્જલવન પરિણામ પૂર્વે દોઢ ટકો વધીને ૨૭૧૫ રહી છે. ટેક મહિન્દ્રનાં પરિણામ બજાર બંધ થયાં પછી આવ્યાં હતાં. કંપનીએ ૩૪ ટકાના વધારામાં ૧૧૪૦ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. બજારની એકંદર ધારણા ૧૧૯૮ કરોડ હતી. આવક પણ ૧૩,૪૨૨ કરોડની અપેક્ષા સામે ૧૩,૩૫૧ કરોડ આવી છે. બજારને આ પરિણામ ગુરુવારે ખાસ ગમવાનાં નથી.


એશિયન બજાર બહુધા સાંકડી વધ-ઘટે મિશ્ર વલણમાં હતાં. તાઇવાન ૦.૯ ટકા પ્લસ તો સાઉથ કોરિયા એટલું જ માઇનસ હતું. ઇન્ડોનેશિયા પોણો ટકો વધ્યું છે. યુરોપ રનિંગમાં નહીંવત્થી સાધારણ સુધારો દર્શાવતું હતું. બિટકૉઇન એક ટકાના સુધારામાં ૧,૧૮,૮૯૨ ડૉલર ચાલતો હતો.

અશોક લેલૅન્ડ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં પોણા ટકા નજીકની નરમાઈમાં ૧૨૪ બંધ થઈ છે. સંવર્ધના મધરસન, મધરસન સુમી વાયરિંગ, આઇએફજીએલ રિફ્રેક્ટરીઝ તથા બ્રાઇટ આઉટડોર ૧૮મીના રોજ બોનસ બાદ થવાની છે. ઇન્ડો થાઇ સિક્યૉરિટીઝ પણ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં શુક્રવારે એક્સ-સ્પ્લિટ થશે.


વિદેશી દારૂનો ધંધો કરતી મોનિકા આલ્કોબેવનો ઇશ્યુ પ્રથમ દિવસે પાર

SME સેગમેન્ટમાં CFF ફ્લુઇડ કન્ટ્રોલ ૧૦ના શૅરદીઠ ૫૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને શૅરદીઠ પચીસના પ્રીમિયમ સામે ૬૨૧ ખૂલી ઉપરમાં ૬૭૫ થઈ ચાર ટકા વધી ૬૫૧ બંધ થયો છે. કંપનીનો આ ફૉલઑન ઇશ્યુ કુલ ૧૫ લાખ શૅરનો હતો. ૮૭.૭૫ કરોડનો ઇશ્યુ કુલ સાડાઆઠ ગણો છલકાયો હતો. CFF ફ્લુઇડ મૂળ મે ૨૦૨૩ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૧૬૫ના ભાવે ૮૫૮૦ લાખનો BSE SME IPO લાવી હતી. ભાવ ૨૯ જુલાઈ ૨૦૨૪માં ૮૫૮ના બેસ્ટ લેવલે ગયો હતો. એસ્ટન ફાર્મા ૧૦ના શૅરદીઠ ૧૨૩ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં ૨૬ના પ્રીમિયમ વચ્ચે નબળા લિસ્ટિંગમાં ૧૧૯ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨૫ નજીક જઈ ત્યાં જ બંધ થતાં દોઢ ટકો રીટને મળ્યું છે. ગુરુવારે મેઇન બોર્ડની સ્માર્ટ વર્ક્સ કોવર્કિંગનું લિસ્ટિંગ છે. ૪૦૭ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ ૨૦નું પ્રીમિયમ ચાલે છે. મેઇન બોર્ડમાં ઍન્થમ બાયો સાયન્સિસનો બેના શૅરદીઠ ૫૭૦ના ભાવનો ૩૩૯૫ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ગઈ કાલે કુલ ૬૭.૫ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ વધતું રહી અત્યારે ૧૬૩ બોલાય છે. વાંકાનેર રાજકોટ ખાતેની સ્પનવેબ નૉન-વોવનનો શૅરદીઠ ૯૬ના ભાવનો ૬૦૯૮ લાખનો NSE SME IPO કુલ ૨૫૧ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૩૪નું છે. મોંઘા બ્રાન્ડેડ વિદેશી દારૂની આયાત કરી તેના વેચાણનો ધંધો કરતી અંધેરી-વેસ્ટની મોનિકા આલ્કોબેવનો ૧૦ના શૅરદીઠ ૨૮૬ની અપર બૅન્ડ સાથે કુલ ૧૬૫ કરોડ પ્લસનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે જ ૧.૩ ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી. બિઝનેસમાં મોનિકા કરતાં છ ગણી મોટી એવી નૉર્ધર્ન સ્પિરિટ્સનો શૅર ગઈ કાલે અડધો ટકો વધી ૨૧૪ બંધ થયો છે. આગલા દિવસે સારો લિસ્ટિંગ ગેઇન આપનારી ગ્લેન ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૪૫ નીચેના તળિયે જઈ ત્યાં જ રહી છે. ટ્રાવેલ ફૂડ સર્વિસિસ ૧૦૩૮ના વર્સ્ટ લેવલે જઈ ઉપરમાં ૧૧૦૬ વટાવી સવાત્રણ ટકા વધી ૧૦૮૭ હતી. કેમકાર્ટ ઇન્ડિયા ૨૪૫નો સૌથી નીચો ભાવ દેખાડી અડધો ટકો સુધરીને ૨૫૨ રહી છે. મેટા ઇન્ફોટેક પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૨૪ નીચેના તળિયે જઈ ત્યાં જ બંધ આવી છે.

ડેક્કન સિમેન્ટ્સ નવા શિખરે, નક્કી કશુંક રંધાઈ રહ્યું છે

HDFC બૅન્ક તરફથી પરિણામ માટે ૧૯મીની બોર્ડ મીટિંગમાં સ્પેશ્યલ ઇન્ટરિમ ડિવિડન્ડ તથા બોનસનો એજન્ડા સામેલ કરાયો છે. શૅર ઉપરમાં ૨૦૨૨ નજીક જઈ નામપૂરતા સુધારે ૧૯૯૬ બંધ થયો એની નવાઈ છે. પરિણામ સારાં નહીં હોય એવી આશંકા જાગે છે. ઇન્ફોસિસ દોઢ ટકો વધી ૧૬૦૮ના બંધમાં બજારને સર્વાધિક ૭૨ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનૅન્સ પરિણામની પૂર્વસંધ્યાએ અડધો ટકો ઘટી ૩૧૯ રહી છે. રિલાયન્સનાં રિઝલ્ટ શુક્રવારે છે. શૅર ગઈ કાલે ૧૪૮૬ની નજીક ફ્લૅટ બંધ હતો. ટેક મહિન્દ્ર પરિણામ પૂર્વે પાંખા વૉલ્યુમે બે ટકાની આગેકૂચમાં ૧૬૦૯ હતી. વિપ્રો પરિણામની પૂર્વસંધ્યાએ બે ટકા વધી ૨૬૩ નજીક સરક્યો છે. HDFC લાઇફ પ્રોત્સાહક પરિણામ વચ્ચે નજીવી ઘટી ૭૫૬ થઈ છે.

મહિન્દ્ર બે ટકાથી વધુની મજબૂતીમાં ૩૧૯૫ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. નિફ્ટી ખાતે ૨.૪ ટકાના ઘટાડે શ્રીરામ ફાઇનૅન્સ તથા સેન્સેક્સમાં ૧.૬ ટકાની નબળાઈમાં એટર્નલ ટૉપ લૂઝર બની હતી. ભંડોળ ઊભું કરવાની યોજના પાછળ સ્ટેટ બૅન્ક પોણાબે ટકા વધી ૮૩૧ વટાવી ગઈ છે. આગલા દિવસે ૨૦૨ની તેજીમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બનેલી હીરો મોટોકૉર્પ ગઈ કાલે પોણો ટકો ઘટી ૪૪૨૪ હતી. બજાજ ઑટો, અશોક લેલૅન્ડ, હ્યુન્દાઇ, તાતા મોટર્સ સાધારણથી પોણો ટકો નરમ હતી. ઇન્ડેક્સ બેઝ્ડ અન્ય જાતોમાં નેસ્લે પોણાબે ટકા, અદાણી પોર્ટ્સ અને એશિયન પેઇન્ટ્સ પોણા ટકા આસપાસ, આઇશર તથા આઇટીસી અડધો ટકો પ્લસ હતા. સામે સનફાર્મા દોઢ ટકો, તાતા સ્ટીલ એક ટકો, બજાજ ફાઇનૅન્સ પોણો ટકો, સિપ્લા એક ટકો, ભારત ઇલેક્ટ્રિક પોણા ટકા નજીક, હિન્દાલ્કો, TCS અને ગ્રાસીમ અડધો ટકો ડાઉન હતી.

‘એ’ ગ્રુપ ખાતે નેટવર્ક૧૮ બાદ તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ ૧૫ ગણા વૉલ્યુમે ૧૧.૬ ટકાના જમ્પમાં ૩૯૩ બંધ આપીને ચમકી હતી. ડોલી અન્ના તરફથી હોલ્ડિંગ લેવાયું હોવાના અહેવાલે કૉફી ડે એન્ટરપ્રાઇસિઝ ૮ ગણા કામકાજે ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૪૦ નજીક બંધ આવી છે. કિર્લોસ્કટ ન્યુમેટિક ઉપરમાં ૧૫૪૮ બતાવી સાડાસાત ટકાની મજબૂતીમાં ૧૦૫ રૂપિયા વધી ૧૫૧૦ થઈ છે. જૉકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝનાં પરિણામ ૭ ઑગસ્ટે છે. શૅર ગઈ કાલે પોણાચાર ટકા કે ૧૮૭૮ના ગાબડામાં ૪૭,૧૭૫ બંધ રહ્યો છે. રોકડામાં ડેક્કન સિમેન્ટ્સ ૪૦ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૯ રૂપિયા ઊછળી ૧૦૭૭ના બેસ્ટ લેવલે બંધ થઈ છે. શૅરની ફેસવૅલ્યુ પાંચની છે. સામે બુકવૅલ્યુ ૫૦૯ ઉપર છે. છેલ્લે બોનસ જુલાઈ ૧૯૯૪માં આવ્યું હતું. કંપનીનો નેટ પ્રૉફિટ ૨૦૨૦-૨૧માં ૧૧૫ કરોડ હતો એ સતત ગગડતો રહી ગત વર્ષે સાડાસાત કરોડે આવી ગયો છે. અગાઉનાં ૪ વર્ષમાં ૭૮૦ કરોડે સ્થિર રહેલી આવક ગત વર્ષે ઘટી ૫૨૭ કરોડ થઈ છે. દેવું સતત વધતું ગયું છે. ડેટ ઇક્વિટી રેશિયો ૨૦૨૦-૨૧ના ૦.૧૫થી વધી હાલ લગભગ એકનો થઈ ગયો છે. આવી કંપનીનો શૅર મહિનામાં ૪૭ ટકા વધી જાય એનો અર્થ એ થયો કે કશુંક રંધાઈ રહ્યું છે.

પેટીએમ મહિના બાદ ચાર આંકડે, પરિણામ બાવીસમીએ આવશે

પેટીએમનાં પરિણામ બાવીસમીએ છે. શૅર ગઈ કાલે બે ગણા કામકાજે ઉપરમાં ૧૦૧૪ થઈ દોઢ ટકો વધી ૧૦૦૩ બંધ થયો છે. આ કાઉન્ટરમાં છ મહિના બાદ પ્રથમ વાર ચાર આંકડાનો ભાવ દેખાયો છે. ૨૦૨૪ની ૧૭ ડિસેમ્બરે ૧૦૬૩ની વર્ષની ટૉપ બની હતી. ન્યુલૅન્ડ લૅબ બે દિવસમાં ૨૯૯૩ રૂપિયાની તેજી બાદ ગઈ કાલે નીચામાં ૧૪,૨૨૪ બતાવી ૫.૩ ટકા કે ૮૪૯ રૂપિયાની પીછેહઠમાં ૧૪,૪૫૦ બંધ હતો. આગલા દિવસે ૧૮ ટકા જેવો કે શૅરદીઠ ૧૭૪ રૂપિયા ઊછળેલી વારિ રિન્યુએબલ્સ ગઈ કાલે ૧૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૨૬૮ બતાવી ૫.૭ ટકા વધીને ૧૨૧૫ રહી છે. કંપનીનાં પરિણામ આજે આવશે. ઓલા ઇલેક્ટ્રિક વધુ ૪.૫ ટકા ખરડાઈ ૪૨ હતી.

કર્ણાટક રાજ્ય સરકાર મૂવી ટિકિટમાં મહત્તમ ૨૦૦ રૂપિયાની પ્રાઇસ કૅપ કે ભાવબાંધણી માટે સક્રિય બનતાં પીવીઆર આઇનોક્સ નીચામાં ૯૭૨ થઈ અઢી ગણા વૉલ્યુમે એકાદ ટકો ઘટી ૯૮૧ હતી. અજ્ય દેવગન જેમાં દોઢેક ટકો હોલ્ડિંગ ધરાવે છે એ પેનોરામા સ્ટુડિયોઝ સાડાત્રણ ગણા કામકાજે નીચામાં ૧૭૪ થઈ ૬.૭ ટકા ગગડી ૧૮૩ રહી છે. રિલાયન્સ ગ્રુપની નેટવર્ક૧૮ તરફથી અગાઉની ૭૫ કરોડની નેટ લૉસ સામે આ વખતે ૫૧૬ કરોડનો ત્રિમાસિક નફો દર્શાવાયો છે જે મુખ્યત્વે ૫૮૭ કરોડની અસાધારણ આવક કે એક્સેપ્શનલ ગેઇનને આભારી છે. બાકી રીઝલ્ટમાં કશો દમ નથી. આમ છતાં શૅર ચિક્કાર વૉલ્યુમે ઉપરમાં ૬૫ વટાવી ૧૩.૨ ટકા ઊછળી ૬૩ બંધ થયો છે. રિલાયન્સની અન્ય કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ નજીવા સુધારે ૨૧ નજીક હતી. એનાં પરિણામ ગુરુવારે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિણામ પૂર્વે એક ટકો સુધરી ૯૪૮ રહી છે. જસ્ટ ડાયલે આવકમાં છ ટકાના વધારા સામે ૧૩ ટકાના વૃદ્ધિદરથી ૧૬૦ કરોડ નેટ નફો કર્યો છે. શૅર જોકે સાતેક ગણા કામકાજે નીચામાં ૮૯૧ થઈ પાંચ ટકા બગડી ૮૯૫ બંધ થયો છે.

જિયોજિત ફાઇનૅન્સનો નફો ૩૭ ટકા ગગડતાં શૅર ૭ ગણા કામકાજે ૭.૫ ટકા લથડી ૭૬ બંધ હતો. ICICI લોમ્બાર્ડ સારાં પરિણામ આપતાં મોતીલાલ ઓસવાલે ૨૪૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવ્યો છે. શૅર ઉપરમાં ૨૦૫૨ થયા બાદ સવા ટકો ઘટી ૧૯૭૬ બંધ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2025 07:38 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK