સિલ્વર પર HUID કમ્પલ્સરી કરવાની સરકારે તૈયારી શરૂ કરી દીધી છે
હૉલમાર્ક
લોકોને છેતરપિંડીથી બચાવવા જે રીતે સોના પર હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે એ જ રીતે ચાંદી પર પણ હૉલમાર્કિંગ કમ્પલ્સરી કરવાની તજવીજ કેન્દ્ર સરકારે શરૂ કરી દીધી છે, પણ અત્યારે તેમની ચિંતા હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબરને લઈને છે. એનું કારણ એ છે કે સોનાની જેમ ચાંદી પર એમ્બૉસ કરેલો HUID નંબર લાંબો સમય સુધી ટકી શકે એમ નથી, વાતાવરણના સંપર્કમાં આવવાથી સમય જતાં એના પર કાટ લાગી શકે છે. આ જ કારણસર સરકાર પણ એનો રસ્તો કઈ રીતે કાઢવો એના પર કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ચાંદી પર એમ્બૉસ કરેલા HUIDને વાતાવરણની અસર ન થાય એની રીત અત્યારે શોધવામાં આવી રહી હોવાનું કહેવાય છે.
HUID એ છ આંકડાનો આલ્ફાન્યુમરિક કોડ છે જે દરેક જ્વેલરી પર હૉલમાર્કિંગ વખતે લખવામાં આવે છે. ભારતમાં એપ્રિલ ૨૦૨૩થી સોનાના વેચાણ પર હૉલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું છે.