મુલુંડનાં કુકિંગ એક્સપર્ટ હંસા કારિયા શીખવે છે અવનવી કપકેક્સની રેસિપી
હંસા કારિયા
થર્ટીફર્સ્ટની પાર્ટી કરવાનું વિચારતા હો અને એમાં કેક ન હોય એવું તો બને જ નહીં. સિમ્બૉલિકલી મોટી કેક કાપવાનો શિરસ્તો ભલે રહ્યો, પણ લોકોને સર્વ કરવામાં ઈઝી ઑપ્શન જોઈતો હોય તો કપકેક્સ ઇઝ બેસ્ટ. મુલુંડનાં કુકિંગ એક્સપર્ટ હંસા કારિયા શીખવે છે અવનવી કપકેક્સની રેસિપી. આ વીક-એન્ડમાં જ ટ્રાયલ કરી લો.
ચૉકલેટ સ્પન્જ કપકેક
ADVERTISEMENT
સામગ્રી : ૧ કપ મેંદો, અડધો કપ શુગર, પા કપ કોકો પાઉડર, છ ટેબલસ્પૂન દહીં, છ ટેબલસ્પૂન દૂધ, છ ટેબલસ્પૂન ઑઇલ, એક ટીસ્પૂન બેકિંગ પાઉડર, અડધી ટીસ્પૂન સોડા બાય કાર્બ
બનાવવાની રીત : સૌથી પહેલાં શુગરને દળી લેવી. એ પછી શુગર પાઉડર, મેંદો, કોકો પાઉડર અને તમામ ડ્રાય સામગ્રીને બેથી ત્રણ વાર ચાળી લેવી. એ પછી ધીમે-ધીમે દહીં અને દૂધ મેળવીને જરાય ગાંઠા ન પડે એવું સ્મૂધ બૅટર બનાવવું. એમાં બેકિંગ પાઉડર અને સોડા બાય કાર્બ પણ ચાળીને અંદર નાખવાં. કપકેક માટેના કપ્સ લેવા અને એ અડધું ફિલ થાય એટલું બૅટર દરેક કપમાં નાખવું. અવનને ૧૮૦ ડિગ્રી પર પ્રી-હીટ કરી રાખવું અને ૧૦થી ૧૨ મિનિટ માટે કપકેક્સ બેક કરી લેવી.
ઑરેન્જ ટૂટીફ્રૂટી મફિન્સ
સામગ્રી : ૧૦૦ ગ્રામ શુગરનો પાઉડર, ૧૬૦ મિલિલીટર દહીં, ૧૪૦ ગ્રામ મેંદો, ૧ ટીસ્પૂન બેકિંગ પાઉડર, અડધી ટીસ્પૂન સોડા બાય કાર્બ, ચાર ટેબલ સ્પૂન પીગાળેલું બટર અથવા માર્જરિન, ૧ ટીસ્પૂન, ઑરેન્જ ઇમલ્શન, ૨-૩ ટેબલ સ્પૂન ટુટીફ્રૂટી, આઇસિંગ માટે એક કપ માર્જરિન અને અડધો કપ દળેલી સાકર / આઇસિંગ શુગર.
બનાવવાની રીત : કપકેક માટે મેંદો, દળેલી સાકર અને તમામ ડ્રાય ચીજો બેથી ત્રણ વાર ચાળી લેવી. એમાં લિક્વિડ ચીજો ધીમે-ધીમે ઉમેરીને મેળવતા જવું અને સેમી લિક્વિડ બૅટર બનાવવું. ધીમે-ધીમે મેળવવાથી ગઠ્ઠા નહીં પડે. એમાં બેકિંગ પાઉડર અને સોડા બાય કાર્બ પણ ચાળીને અંદર નાખવા. ઑરેન્જ ફ્લેવરનું ઇમલ્શન નાખવું. કપકેક માટેના કપ્સ લેવા અને એ અડધા ભરાય થાય એટલું બૅટર દરેક કપમાં નાખવું. અવનને ૧૮૦ ડિગ્રી પર પ્રી-હીટ કરી રાખવું અને ૧૦થી ૧૨ મિનિટ માટે કપકેક્સ બેક કરી લેવી.
આઇસિંગ માટે માર્જરિન અને શુગર મિક્સ કરીને એને કોનમાં ભરીને કપકેક પર ડિઝાઇન બનાવવી અને એના પર ટૂટીફ્રૂટી ભભરાવવી.
ચૉકલેટ લાવા કેક
સામગ્રી : ૧ કપ મેંદો, અડધો કપ શુગર, પા કપ કોકો પાઉડર, છ ટેબલસ્પૂન દહીં, છ ટેબલસ્પૂન દૂધ, છ ટેબલસ્પૂન ઑઇલ, એક ટીસ્પૂન બેકિંગ પાઉડર, અડધી ટીસ્પૂન સોડા-બાય કાર્બ, કુકિંગ ચૉકલેટ.
બનાવવાની રીત : સૌથી પહેલાં શુગરને દળી લેવી. એ પછી શુગર પાઉડર, મેંદો, કોકો પાઉડર અને તમામ ડ્રાય સામગ્રીને બેથી ત્રણ વાર ચાળી લેવી. એ પછી ધીમે-ધીમે દહીં અને દૂધ મેળવીને જરાય ગાંઠા ન પડે એવું સ્મૂધ બૅટર બનાવવું. એમાં બેકિંગ પાઉડર અને સોડા બાય કાર્બ પણ ચાળીને અંદર નાખવાં. કપકેક માટેના કપ્સ લેવા અને એ અડધા ભરાય એટલું બૅટર દરેક કપમાં નાખવું. વચ્ચે કુકિંગ ચૉકલેટ મૂકવી અને એની ઉપર ફરીથી થોડુંક બૅટર મૂકવું. આ કપકેકને માત્ર એક કે બે મિનિટ માટે જ માઇક્રોવેવમાં ગરમ કરવું. એનાથી અંદરની ચૉકલેટ પીગળી જશે અને જ્યારે તમે એમાં ચમચી નાખો ત્યારે અંદરની ચૉકલેટ લાવાની જેમ બહાર આવશે.
વૅનિલા સ્પન્જ કપકેક
સામગ્રી : ૧૦૦ ગ્રામ શુગરનો પાઉડર, ૧૬૦ મિલિલીટર દહીં, ૧૪૦ ગ્રામ મેંદો, ૧ ટીસ્પૂન બેકિંગ પાઉડર, અડધી ટીસ્પૂન સોડા બાય કાર્બ, ચાર ટેબલસ્પૂન પીગાળેલું બટર અથવા માર્જરિન, ૧ ટીસ્પૂન વૅનિલા એસેન્સ, આઇસિંગ માટે એક કપ માર્જરિન અને અડધો કપ દળેલી સાકર/ આઇસિંગ શુગર. કલરફુલ ડિઝાઇન બનાવવી હોય તો એ મુજબના એડિબલ કલર્સ.
બનાવવાની રીત : કપકેક માટે મેંદો, દળેલી સાકર અને તમામ ડ્રાય ચીજો બેથી ત્રણ વાર ચાળી લેવી. એમાં પીગાળેલું બટર અને દહીં જેવી લિક્વિડ ચીજો ધીમે-ધીમે ઉમેરીને મેળવતા જવું અને સેમી લિક્વિડ બૅટર બનાવવું. ધીમે-ધીમે મેળવવાથી ગઠ્ઠા નહીં પડે. એમાં બેકિંગ પાઉડર અને સોડા બાય કાર્બ પણ ચાળીને અંદર નાખવાં. છેલ્લે વૅનિલા એસેન્સ નાખવું. કપકેક માટેના કપ્સ લેવા અને એ અડધા ફિલ થાય એટલું બૅટર દરેક કપમાં નાખવું. અવનને ૧૮૦ ડિગ્રી પર પ્રી-હીટ કરી રાખવું અને ૧૦થી ૧૨ મિનિટ માટે કપકેક્સ બેક કરી લેવા.
આઇસિંગને અલગ-અલગ કલર પણ આપી શકાય. કલર માટે માત્ર બેથી ત્રણ જ ટીપાં નાખવાં. પાઇપિંગ બૅગમાં આઇસિંગ ક્રીમ ભરીને કપકેકની ઉપર મનગમતી ડિઝાઇન કરી શકાય.
થીમ બેઝ્ડ ડેકોરેશનવાળી કેક
સામગ્રી : ૧૦૦ ગ્રામ શુગરનો પાઉડર, ૧૬૦ મિલિલીટર દહીં, ૧૪૦ ગ્રામ મેંદો, ૧ ટીસ્પૂન બેકિંગ પાઉડર, અડધી ટીસ્પૂન સોડા બાય કાર્બ, ચાર ટેબલસ્પૂન પીગાળેલું બટર અથવા માર્જરિન, ૧ ટીસ્પૂન વૅનિલા એસેન્સ, આઇસિંગ માટે એક કપ માર્જરિન અને અડધો કપ દળેલી સાકર/ આઇસિંગ શુગર. જરૂરિયાત મુજબ ફૉન્ડન્ટ અને એડિબલ કલર્સ.
બનાવવાની રીત : કપકેક માટે મેંદો, દળેલી સાકર અને તમામ ડ્રાય ચીજો બેથી ત્રણ વાર ચાળી લેવી. એમાં લિક્વિડ ચીજો ધીમે-ધીમે ઉમેરીને મેળવતા જવું અને સેમી લિક્વિડ બૅટર બનાવવું. ધીમે-ધીમે મેળવવાથી ગઠ્ઠા નહીં પડે. એમાં બેકિંગ પાઉડર અને સોડા બાય કાર્બ પણ ચાળીને અંદર નાખવા. વૅનિલા એસેન્સ નાખવું. કપકેક માટેના કપ્સ લેવા અને એ અડધા ભરાય એટલું બૅટર દરેક કપમાં નાખવું. અવનને ૧૮૦ ડિગ્રી પર પ્રી-હીટ કરી રાખવું અને ૧૦થી ૧૨ મિનિટ માટે કપકેક્સ બેક કરી લેવી.
તમારે જે થીમ કે ફિગરવાળી કેક બનાવવી હોય એ મુજબ ફૉન્ડન્ટ વાપરી શકાય. માર્કેટમાં રેડીમેડ ફૉન્ડન્ટ્સ મળે જ છે અને વિવિધ શેપનાં કટર પણ આવે છે. જો એ વસાવી લેશો તો મનગમતા શેપનું ડેકોરેશન કપકેક્સ પર કરી શકાશે. તમારી ક્રીએટિવિટી અને હાથની કરામતને આધારે તમે ફૉન્ડન્ટમાંથી ચાહો એ શેપ ક્રીએટ કરી શકશો.