માર્કેટમાં ક્રૅશની ક્રાઇસિસ અગાઉ ઘણી વાર આવી છે, બૉટમની રાહ જોવામાં રહી ન જવાય એ જોવાની જવાબદારી રોકાણકારોની રહેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હવે બજાર ક્યાં સુધી ઘટ્યા કરશે? હવે બૉટમ કઈ ગણવી? ઘટ્યા ભાવે ખરીદવાના અભિગમને કઈ રીતે નક્કી કરી શકાય? કારણ કે ઘટ્યા ભાવે ખરીદ્યા બાદ પણ માર્કેટ તો વધુ ઘટતું જ રહે છે. આવા સવાલો અને મુદ્દાઓ રોકાણકારોમાં ફરી વાર ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે ભૂતકાળ અને ભાવિ સંભવિત સંજોગો વિશે પણ સમજવાની કોશિશ કરીએ...
છેલ્લાં બે વર્ષના ફ્લેશબૅકમાં જઈએ તો ૨૦૨૪ની ૨૬ સપ્ટેમ્બરે સેન્સેક્સ ૮૫,૮૩૬ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, એ ૨૦૨૬ની ૨૯ સપ્ટેમ્બરે ૭૨,૫૨૯ના લેવલે આવી ગયો હતો. આ આંકડા પર કોઈ પણ ટિપ્પણીની જરૂર છે? સમજો તો ઇશારા કાફી છે. હવે કરન્ટ સમયમાં આવી જઈએ તો ગયા સપ્તાહમાં ફરી વાર માર્કેટમાં કડાકા જ ચાલુ રહ્યા અને નિફ્ટી ૨૩,૦૦૦ની નીચે અને સેન્સેક્સ ૭૨,૦૦૦ની નીચે ઊતરી ગયા હતા. એકંદરે આખા સપ્તાહમાં કરેક્શનનું જ રાજ રહ્યું હતું, કારણો એનાં એ જ, પરંતુ વધુ નકારાત્મક બન્યાં. ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી આક્રમક બની હોવાનું નોંધાયું છે. તેમનો પ્રવાહ અમેરિકન બૉન્ડ્સ તરફ છે. બાકી ભારત માટે ક્રૂડ ઑઇલ, મોંઘવારી, વ્યાજદર સહિતનાં પરિબળો માથા પર જ તનાવ વધારતા રહ્યા છે. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીનો ટેકો ચાલુ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સનો પ્રવાહ પણ સપોર્ટમાં છે. તેમ છતાં, રીટેલ રોકાણકારોનું કન્ફ્યુઝ થવું સહજ છે. માર્કેટકૅપમાં અને લાખો રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ ગાબડાં પડ્યાં છે. હાલ તો ઐતિહાસિક નીચા ભાવોના આંકડા ફરતા થઈને કયાં જઈને કરેક્શન અટકશે એવા સવાલો ઉઠાવતા રહ્યા છે.
ADVERTISEMENT
અનેક બ્લુચિપ શૅર્સના ભાવોની રેકૉર્ડ નીચી સપાટી
તાજેતરમાં અનેક કંપનીઓના શૅરના ભાવ પાંચ વર્ષની નીચી સપાટીએ ચાલી રહ્યા છે, આવી કંપનીઓમાં લાર્જકેપ અને ‘એ’ ગ્રુપની-ઇન્ડેક્સમાં ભરપૂર વેઇટેજ ધરાવતી કંપનીઓનો સમાવેશ થાય છે. કહેવાય છે કે જેટલી મોટી કંપનીઓ, એટલું મોટું કરેક્શન. મોટા ભાગની કંપનીઓના માર્કેટકૅપના આંકડા ધરખમ બદલાઈને નીચે ચાલ્યા ગયા છે. આવી કંપનીઓનાં નામોની યાદી આ વાચતી વખતે જ રોકાણકારોની નજર સામે આવી જશે. શું આ શૅર્સ હજી પણ ખરીદવા માટેની તક નથી? સમજો તો આવા સમયને જ ખરીદીનો કે શૅર્સ જમા કરવાનો ખરો સમય ગણાય, પણ આવી વાત કે દલીલ આવા જ સમયમાં લોકોના ગળે ઉતારવી કઠિન બની જતી હોય છે. એમાં પણ સતત ઘટતું બજાર કયા લેવલે ખરીદી કરવી એ વિશે મૂંઝવણ વધારતું હોય છે, જ્યારે કે રોકાણકારોએ દરેક મોટા ઘટાડે આંશિક ખરીદી કરતા રહી શૅર્સ જમા કરવાના હોય. અલબત્ત, આમ માત્ર મધ્યમ કે લાંબા ગાળા માટે કરી શકનારે જ કરવું સલાહભર્યું છે.
કરેક્શન વચ્ચે IPO માર્કેટ જોરમાં
નવાઈની વાત એ છે કે શૅરબજારમાં કરેક્શન ચાલતું હોવા છતાં અને નિરાશાજનક સેન્ટિમેન્ટ છતાં IPO પાર્ટી જોશમાં છે. આ વર્ષે ૨૦૨૬માં IPOનું કલેક્શન એક લાખ કરોડ રૂપિયાના સ્તરને વટાવી ગયું છે. NSE બાદ જિયો પ્લૅટફૉર્મનો આશરે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનો IPO માર્કેટ પ્રવેશની તૈયારીમાં છે. આમ સતત ચોથા વર્ષે કૅપિટલ માર્કેટમાં એક લાખ કરોડ રૂપિયાનું મૂડીસર્જન થશે. આ વર્ષે અત્યાર સુધીમાં ૮૦થી વધુ IPO આવી ગયા છે, હજી વધુ કતારમાં છે. અગાઉ ૨૦૨૫, ૨૦૨૪ અને ૨૦૨૧ના વર્ષમાં પણ એક લાખ કરોડ રૂપિયાનું ફન્ડ રેઇઝિંગ થયું હતું. આપણે ગયા વખતે કરેલી વાત મુજબ રોકાણકારોને શૅરબજારની મંદી વચ્ચે રોકાણ માટે નવી ઇક્વિટીઝ ઑફરો મળતી જાય છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને સંસ્થાકીય રોકાણકારોને પણ પોતાના ભંડોળ માટે તક ઉપલબ્ધ થાય છે. માર્કેટના અનુભવીઓ અને જાણકારોના મતે બજારમાં પ્રવાહિતા છે જે રોકાણ માટે તકોની શોધમાં હોય છે. વર્તમાન સમયમાં IPOને એનો ભરપૂર લાભ મળી રહ્યો છે. જોકે આ નવા શૅર્સ ભવિષ્યમાં રોકાણકારોને કેટલો લાભ અપાવી શકશે એ હાલ કળવું કઠિન ગણાય. અલબત્ત, રોકાણકારોએ એથી જ યુફોરિયાને આધારે નહીં, બલકે ફન્ડામેન્ટલ્સના આધારે રોકાણ કરવું જોઈએ.
નેગેટિવ પરિબળો સામે પૉઝિટિવ પરિબળો
ભારત માટે એક સારી-પૉઝિટિવ બાબત એ છે કે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ ૨૦૨૭ માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP)ના વૃદ્ધિ દરનો અંદાજ ૬ ટકાથી વધારીને ૭ ટકાનો કર્યો છે. એણે G-20 ઇકૉનૉમીમાં ભારત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી જળવાઈ રહેવાની ધારણા પણ મૂકી છે. મૂડીઝના કહેવા મુજબ ઇન્ફ્લેશન, વેસ્ટ એસિયાના તંગ સંજોગો, અલ-નીન્યોનો ભય અને એનર્જીના ઊંચા ભાવો બાવજુદ ભારતની ઇકૉનૉમીને મજબૂત સ્થાનિક માગણીને પરિણામે ટેકો મળતો રહેશે. આમ લાંબા ગાળાના રોકાણકારો માટે આવાં વૈશ્વિક નિવેદનો, મત કે અભ્યાસ વગેરે વિશ્વાસ વધારનારા માની શકાય. છેલ્લાં બે વર્ષમાં આમ તો બજારે કોઈ વળતર આપ્યું ગણાતું નથી. ખાસ કરીને ઇન્ડેક્સ પર નજર કરાય તો નિરાશા જ વધુ દેખાય છે. તેમ છતાં, મૂડીસર્જનને મામલે ભારતનાં વિશ્વાસ અને શક્તિ ઊંચાં રહ્યાં છે, સ્થાનિક રોકાણપ્રવાહ પણ સાતત્યપૂર્ણ રહ્યો છે અને હજી પણ રહેવાની ધારણા છે. એક આશ્ચર્યની વાત એ પણ નોંધવી રહી કે આવા બજારમાં પણ ૫૦થી વધુ કંપનીઓએ સપ્ટેમ્બરમાં સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યા છે અર્થાત આ કંપનીઓ પણ મૂડીબજારમાં આવવાની છે.
