પરિણામ પહેલાં TCS અડધો ટકો નરમ, બંધ બજારે ધારણા કરતાં એકંદર સારાં પરિણામો : TCSની આવક ૧૪ ટકા વધીને ૭૨,૨૭૫ કરોડ થઈ, નફો ૪.૬ ટકા વધી ૧૩,૩૪૯ કરોડ આવ્યો : કલ્યાણ જ્વેલર્સ ૧૮.૮ ટકાની તેજીમાં A ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર, TBZ ૧૯ માસની ટોચે ૧૫ ટકા ઝળકી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- ડૉ. રેડ્ડીઝ લૅબ નિફ્ટીની સાથે-સાથે A ગ્રુપમાં પણ વર્સ્ટ પર્ફોર્મર બની
- સનફાર્મા અને ગ્રાસિમ નવા શિખર સાથે મજબૂત, ટાઇટન નવી ટૉપ બનાવી નરમ પડી
- માર્કેટબ્રેડ્થ મજબૂત
જેની બહુ પહેલેથી આશંકા હતી એમ ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ પોકળ નીવડ્યો છે. ટ્રમ્પે સીઝફાયર ફોક કરીને ઇરાન પર વ્યાપક હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને હોર્મુઝ ખાડી ખાતે જહાજોની અવરજવર લગભગ અટકાવી દીધી છે. વૉરનો આ નવો અધ્યાય કેટલો ચાલશે અને કેવો નીવડશે એ હાલ કહી શકાય એમ નથી. દરમ્યાન ૭૯ ડૉલર વટાવી ગયેલું બ્રેન્ટ ક્રૂડ ઘટી હાલ ૭૭.૬૦ ડૉલરે છે. સોનું પોણો ટકો સુધરીને હાજરમાં ૪૧૧૦ તો વાયદામાં ૪૧૧૬ ડૉલર દેખાયું છે. ચાંદી પોણાબે ટકા વધીને ૫૯.૬૦ ડૉલર નજીક પહોંચી છે. બિટકૉઇન એકાદ ટકો સુધરી ૮૨,૮૬૬ ડૉલર હતો. યુદ્ધના નાદ સાથે ગગડેલાં શૅરબજારો યુદ્ધનો આરંભ થતાં આવું તો ચાલ્યા કરશેના મૂડમાં નિ:સ્પૃહી બની ગઈ કાલે એકંદર સુધારાતરફી જોવાયાં છે. એશિયા ખાતે ગઈ કાલે સિંગાપોર ૫૪૩૭ના નવા શિખરે જઈ સવા ટકો વધી ૫૪૩૪ બંધ હતું. થાઇલૅન્ડ અને જપાન બે ટકા, ચાઇના દોઢ ટકો, સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ પ્લસ હતાં.
હૉન્ગકૉન્ગ એક ટકો અને તાઇવાન પોણો ટકો ઘટ્યું છે. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી પોણો ટકો ડાઉન હતો. અન્યત્ર સામાન્ય સુધારો દેખાયો છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૫૭ના આગલા બંધ સામે સુધરી રનિંગમાં ૯૫.૩૭ ચાલતો હતો.
ADVERTISEMENT
સેન્સેક્સ ૧૬૭૭ પૉઇન્ટના આગલા દિવસના ધબડકા બાદ ગઈ કાલે ૭૩ પૉઇન્ટ પ્લસ ૭૬૫૭૬ ખૂલી છેવટે ૨૩૮ પૉઇન્ટ સુધરી ૭૬૭૪૨ તથા નિફ્ટી ૮૧ પૉઇન્ટ વધી ૨૩૯૬૩ બંધ થયો છે. બજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ હતું. શૅરઆંક નીચામાં ૭૬૫૭૬ અને ઉપર ૭૭૩૨૭ નજીક ગયો હતો. ખાસ્સી મજબૂત માર્કેટબ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૫૨૨ શૅર સામે ૭૮૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૭૧ લાખ કરોડ વધી ૪૭૫.૯૪ લાખ કરોડ થયું છે.
રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૭ ટકા, હેલ્થકૅર સવા ટકો, ટેલિકૉમ ૧.૭ ટકા, PSU બૅન્ક નિફ્ટી દોઢ ટકા, બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા, કૅપિટલ ગુડ્સ એકાદ ટકા પ્લસ થયો છે. IT બેન્ચમાર્ક ૬૭ પૉઇન્ટ જેવો નહીંવત્ ઘટ્યો છે. અત્રે ફ્રન્ટલાઇનમાં લાર્સન માઇન્ડ ટ્રી બે ટકા અને HCL ટેક્નૉલૉજી અડધો ટકો પ્લસ હતા. સામે ઇન્ફોસિસ ૧.૨ ટકા બગડી છે. ટેક મહિન્દ્ર અને વિપ્રો નહીંવત્ પ્લસ હતી. TCS રિઝલ્ટ પૂર્વે અડધા ટકા જેવી નરમ હતી. સાઇડ શૅરમાં મૅપ માય ઇન્ડિયા ૧૪.૭ ટકા કે ૧૩૭ રૂપિયા ઊછળી છે. TVS ઇલેક્ટ્રૉનિક સાડાઆઠ ટકા, હૅપીએસ્ટ માઇન્ડ સવાછ ટકા, રાશિ પેરિફેરલ્સ સવાપાંચ ટકા મજબૂત બની છે.
બજાર બંધ થયા પછી TCS તરફથી એકંદર ધારણા કરતાં સારાં પરિણામો જાહેર થયાં છે. કંપનીએ ૧૩.૯ ટકાના વધારામાં ૭૨૨૭૫ કરોડની આવક પર ૪.૬ ટકા વધારામાં ૧૩૪૪૯ કરોડ નેટનફો મેળવી શૅરદીઠ ૧૨ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. બજારની એકંદર ધારણા ૭૧૮૬૨ કરોડની આવકની તથા ૧૩૩૯૪ કરોડના નેટ નફાની હતી. માર્ચ ક્વૉર્ટરના મુકાબલે જૂન ક્વૉર્ટરમાં આવક સવાબે ટકા વધી છે, નફો પોણાત્રણ ટકા ઘટ્યો છે, માર્જિન સવા ટકો ઘટીને ૨૪ ટકા નોંધાયું છે.
IT ઇલેક્ટ્રિકલ્સનું આજે લિસ્ટિંગ થશે
ગઈ કાલે ૩ નવાં ભરણાં ખૂલ્યાં છે. એમાં મેઇન બોર્ડમાં કલકત્તાની લેસર પાવર ઍન્ડ ઇન્ફ્રા પાંચના શૅરદીઠ ૨૧૪ની ઇશ્યુ-પ્રાઇસ સાથે ૭૪૨ કરોડનું ભરણું લાવી છે એ પ્રથમ દિવસે રીટેલમાં બાવીસ ટકા સહિત કુલ ૧૬ ટકા ભરાયું છે. પ્રીમિયમ ૧૫ ચાલે છે. SMEમાં સુરેન્દ્રનગરની દેવસન કૅટલિસ્ટનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપરબૅન્ડ સાથે કુલ ૪૨ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં નવગણા સહિત કુલ સાતગણો ભરાયો છે તો લુધિયાણાની હૅપી સ્ટીલ્સનો ૧૦ના શૅરદીઠ ૬૬ના ભાવનો આશરે ૨૪ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૪૪ ટકા સહિત કુલ ૫૩ ટકા ભરાયો છે. હાલ દેવસનમાં ૪૫ તથા હૅપી સ્ટીલ્સમાં પાંચનું પ્રીમિયમ છે. મેઇન બોર્ડમાં મુંબઈના વિલે પાર્લેની કુસુમગર લિમિટેડનો એકના શૅરદીઠ ૪૧૯ની અપરબૅન્ડ સાથે ૬૫૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ આજે શુક્રવારે બંધ થવાનો છે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૧૩ ગણું છલકાઈ ચૂક્યું છે. પ્રીમિયમ ઘટીને હાલ ૧૫૫ ચાલે છે.
નવી દિલ્હીની SME કંપની IC ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવનો ૪૮ કરોડનો ઇશ્યુ આજે શુક્રવારે લિસ્ટેડ થવાની શક્યતા છે. પ્રીમિયમ ૪૨ ચાલે છે. આગલા દિવસે સાડાસાત ટકાનો લિસ્ટિંગ ગેઇન આપીને ૧૮૩ નજીક બંધ થયેલી અમદાવાદી કંપની નેક પૅકેજિંગ ગઈ કાલે ૨૦૪ના શિખરે જઈ સાડાછ ટકા વધી ૧૯૫ ગઈ કાલે બંધ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ભરૂચની થેની એન્જિનિયરિંગ એક વધુ ઉપલી સર્કિટમાં ૪૮૪ નજીક નવી ટૉપ બનાવી નીચલી સર્કિટમાં ૪૩૮ થઈ ૪૭૫ બંધ થઈ છે. સુરતની વિનીત મોબાઇલ મંદીની સર્કિટમાં ૧૩૩ નીચે નવા તળિયે જઈ ત્યાં જ બંધ હતી. બરોડાની સીમેક્સ રિસોર્સિસ પણ નીચલી સર્કિટે ૯૭ની અંદર નવી વર્સ્ટ બૉટમ બનાવી ત્યાં જ બંધ આવી છે.
પ્રીમિયમના ગ્રોથના પગલે વીમા કંપનીઓના શૅર ડિમાન્ડમાં
મુંબઈની ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ એક શૅરદીઠ ત્રણ શૅરના તથા નવી દિલ્હીની હિન્દુસ્તાન ઇન્શ્યુલેટર્સ એક શૅરદીઠ બે શૅરના બોનસમાં આજે શુક્રવારે બોનસ બાદ થશે. ગઈ કાલે ગોલ્ડિયમ ઉપરમાં ૪૩૩ થઈ પોણો ટકો ઘટી ૪૨૧ તથા હિન્દુસ્તાન ઇન્શ્યુલેટર્સ ૬ જૂને ૧૨૮૫ બંધ રહી છે. શૅર રીસ્ટ્રિક્ટે લિસ્ટમાં છે. બન્નેની ફેસવૅલ્યુ શૅરદીઠ બે રૂપિયાની છે. અમદાવાદી મેટલ કંપની મંગલમ વર્લ્ડ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ નીચામાં ૩૬૮ બતાવી પોણો ટકો ઘટીને ૩૭૦ રહી છે. કંપની ૧૦ના શૅરદીઠ ૧૦૧ના ભાવથી જૂન ૨૦૨૨ની આખરમાં ૬૬ કરોડનો NSE SME IPO લાવી હતી. ગયા મહિને બીજી જૂને શૅરમાં ૩૯૫ની વિક્રમી સપાટી બની હતી.
જૂન માસમાં ખાનગી વીમા કંપનીઓનો પ્રીમિયમ ગ્રોથ સ્ટ્રૉન્ગ રહ્યો છે. ઍક્સિસ મૅક્સ લાઇફ દ્વારા ગયા મહિને ૨૧ ટકાનો, SBI લાઇફ ઇન્શ્યુરન્સે ૧૮ ટકાનો, ICICI પ્રુડન્શિયલ લાઇફ દ્વારા ૧૫ ટકાનો તથા HDFC લાઇફે આઠ ટકાનો ગ્રોથ મેળવ્યો છે. આની અસરમાં ગઈ કાલે SBI લાઇફનો શૅર ઉપરમાં ૧૮૩૯ થઈ પોણાબે ટકા વધીને ૧૮૨૨ બંધ થયો છે. ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઉપરમાં ૪૯૨ નજીક જઈ અઢી ટકા વધી ત્યાં જ હતી. સામે HDFC લાઇફ ત્રણગણા કામકાજે ઇન્ટ્રા-ડેમાં ૫૬૧ બતાવી અડધો ટકો ઘટી ૫૫૩ રહી છે. સરકારી વીમા કંપની LIC ઉપમાં ૪૪૧ નજીક જઈ ૨.૭ ટકા વધીને ૪૩૯ થઈ છે. ૯૯૦ લાખ ડૉલર કે આશરે ૯૫૦ કરોડના આર્બિટ્રેજ અવૉર્ડના મામલે દિલ્હી હાઈ કોર્ટ તરફથી વેદાન્તા ઑઇલની તરફેણમાં ચુકાદો આવતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૩૯.૬૦ થઈ ૩.૮ ટકા ઊંચકાઈને ૩૮ બંધ રહ્યો છે. વેદાન્તા પાવર એક ટકો પ્લસ તો વેદાન્તા સ્ટીલ પાંચ ટકા નરમ હતી.
સનફાર્મા ટૉપ ગેઇનર, ડૉ. રેડ્ડીઝ લૅબ નિફ્ટીમાં ટૉપ લૂઝર
અગ્રણી ફાર્મા કંપની સનફાર્મા ૧૯૫૨ની પોણાબે વર્ષની ટૉપ બનાવી ૨.૭ ટકા વધી ૧૯૩૮ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે વધવામાં મોખરે હતી. ગ્રુપ કંપની સ્પાર્ક ૨.૮ ટકા વધી ૨૭૮ હતી. ગ્રાસિમ ૩૨૨૨ની ઑલટાઇમ હાઈ બનાવી નિફ્ટીમાં ૧.૮ ટકા વધીને ૩૧૯૨ રહી છે. ટાઇટન દોઢા કામકાજે ૪૬૮૦ના બેસ્ટ લેવલે જઈ ૦.૭ ટકા ઘટી ૪૫૫૫ બંધ આવી છે. અન્યમાં બજાજ ફિનસર્વ ૨.૧ ટકા, ઇન્ડિગો બે ટકા, અલ્ટ્રાટેક ૧.૭ ટકા, એટર્નલ બે ટકા, ભારતી ઍરટેલ સવાબે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાબે ટકા, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દોઢ ટકો, મૅક્સ હેલ્થકૅર દોઢ ટકો પ્લસ હતી. આગલા દિવસે મોટી ખરાબીમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બનેલી જિયો ફાઇનૅન્શિયલ ગઈ કાલે દોઢ ટકા સુધરી ૨૩૩ રહી છે,. જ્યારે એની પેરન્ટ્સ કંપની રિલાયન્સ ઉપરમાં ૧૨૯૬ વટાવી સામાન્ય વધીને ૧૨૮૦ હતી. HDFC બૅન્ક ૦.૯ ટકાના સુધારામાં ૮૧૮ બંધ આપી બજારને ૯૩ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક ફ્લૅટ ૧૩૮૧ હતી. ઍક્સિસ બૅન્ક એક ટકો ઘટી છે. આ ત્રણેય બૅન્કોનાં પરિણામો એક જ દિવસે ૧૮ જુલાઈએ છે. તાજેતરની ખરાબી બાદ કોટક બૅન્ક ૧.૮ ટકા સુધરી છે.
નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ શૅરદીઠ આઠ રૂપિયાના ડિવિડન્ડમાં આજે એક્સ-ડિવિડન્ડ થવાની છે. ભાવ ગઈ કાલે નીચામાં ૧૨૬૧ થઈ ૫.૯ ટકા ગગડી છે. ભાવ ગઈ કાલે નીચામાં ૧૨૬૧ થઈ ૫.૯ ટકા ગગડી ૧૨૬૯ નિફ્ટી ખાતે બંધ હતો. ONGC ૧.૪ ટકાના ઘટાડે ૨૪૩ થઈ છે. સેન્સેક્સ ખાતે મારુતિ સુઝુકી ૧.૭ ટકા વધુ ઘટી ૧૩૭૧૪ થઈ છે. NTPC દોઢ ટકો નરમ હતી. ઇન્ફોસિસ ૧.૮ ટકા ઘટી ૧૦૫૦ થઈ છે. TCS પરિણામ પૂર્વે સવાયા કામકાજે નીચામાં ૨૦૧૬ અને ઉપરમાં ૨૦૬૪ બતાવી અડધો ટકો ઘટી ૨૦૪૮ બંધ આવી છે. HCL ટેક્નોલૉજીઝ અડધો ટકો સુધરી ૧૧૫૨ રહી છે.
સરકારની રાહતમાં ઇલેક્ટ્રૉનિક્સ કંપનીઓના શૅરમાં ફૅન્સી
સરકાર તરફથી ઇલેક્ટ્રૉનિક્સના ઉત્પાદન માટે વપરાતી વિવિધ મશીનરી તેમ જ કૉમ્પોનન્ટ્સ માટે રાહતના દરની કસ્ટમ્સડ્યુટીની મુદત લંબાવીને માર્ચ ૨૦૨૯ સુધીની કરવામાં આવતાં ગઈ કાલે ઇલેક્ટ્રૉનિક્સ મૅન્યુફૅક્ચરિંગ સાથે સંબંધિત શૅરોમાં પસંદગીયુક્ત આકર્ષણ હતું. અંબર એન્ટરપ્રાઇસિસ ઉપરમાં ૭૭૦૦ થઈ ૨.૨ ટકા વધી ૭૫૯૩, ડિક્સન ટેક્નૉલૉજીઝ ૧૩૬૦૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪.૪ ટકા કે ૫૬૨ રૂપિયા ઊંચકાઈ ૧૩૪૯૦, સિર્મા SGS ટેક્નૉલૉજીઝ ૧૪૫૦ થઈ પોણાછ ટકાની મજબૂતીમાં ૧૪૪૩, કાયનેસ ટેક્નૉલૉજી ઉપર ૩૪૫૯ થઈ સાત ટકા કે ૨૨૭ રૂપિયા વધી ૩૪૩૩, PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ ૫૮૭ વટાવી ૩.૭ ટકા વધી ૫૮૩, ઈ-પૅક પ્રીફેબ ટેક્નૉલૉજીઝ ૭.૪ ટકાના ઉછાળે ૨૩૦ બંધ રહી છે. વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ બમણા વૉલ્યુમે સવાસાત ટકાની તેજીમાં ૨૪૮ તો લક્ષ્મી એન્જિનિયરિંગ સાડાપાંચ ટકા કે ૧૩૦ રૂપિયા વધી ૨૪૩૦ થઈ છે.
સિટી ગ્રુપ તરફથી ૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયાના પગલે આવેલા કરન્ટને જાળવી રાખતાં કલ્યાણ જ્વેલર્સ ગઈ કાલે પણ ભારે કામકાજ સાથે ઉપરમાં ૪૪૯ બતાવી ૧૮.૮ ટકાના જમ્પમાં ૪૪૪ થઈ છે. અન્ય જ્વેલરી શૅરમાં TBZ ૨૪૨ની દોઢ વર્ષની ટોચે જઈ ૧૫ ટકા ઊછળી ૨૩૨ હતી. અન્યમાં રાધિકા જ્વેલ્સ ૧૨.૮ ટકા, DP આભૂષણ આઠ ટકા, સ્કાય ગોલ્ડ સવાછ ટકા, RBZ જ્વેલર્સ ૮.૮ ટકા, સેન્કો ગોલ્ડ ૫.૫ ટકા, વૈભવ ગ્લોબલ સવા પાંચ ટકા, રેનેસાં ગ્લોબલ ૪.૫ ટકા, એડવિટ જ્વેલ્સ પાંચ ટકા, SJ કૉર્પ પાંચ ટકા, ઝોડિઍક મકનજી આઠ ટકા ઝળકી હતી. થંગમયિલ જ્વેલરી ૭૧૫૭ની નવી લાઇફટાઇમ હાઈ નોંધાવી ૩ ટકા કે ૨૧૪ રૂપિયા ઘટીને ૬૬૦૩ બંધ રહી છે.
