Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > લેડીઝ, તમને ગિફ્ટ સ્વીકારતાં આવડે છે?

લેડીઝ, તમને ગિફ્ટ સ્વીકારતાં આવડે છે?

Published : 10 July, 2026 11:44 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

અવારનવાર કારણ-અકારણ અપાતી ભેટ સંબંધોને સુંવાળા રાખવાનું કામ કરતા હોવાથી આજે  સમજીએ ગિફ્ટ સ્વીકારવાની અને આપવાની સાચી રીત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્ત્રીઓને એ બહુ ગમતું હોય છે કે તેમનો પતિ તેમને ગિફ્ટ આપે, પણ મોટા ભાગના પુરુષો લગ્નની શરૂઆતમાં ગિફ્ટ લઈને આવે ત્યારે પત્નીઓ તેમને સલાહ આપવા લાગે છે કે આ મોંઘું આવ્યું, તમે ઠગાઈ જાઓ છો, આવું નહીં તેવું લેવું જોઈએ. તેમના આવા વર્તનને લીધે પતિ ધીમે-ધીમે ગિફ્ટ લાવવાનું જ બંધ કરી દે છે. જે સ્ત્રીઓ આવી સલાહો આપતી નથી પરંતુ પતિને વખાણે છે તેમના માટે જીવનભર તેમનો પતિ ગિફ્ટ લાવે છે. અવારનવાર કારણ-અકારણ અપાતી ભેટ સંબંધોને સુંવાળા રાખવાનું કામ કરતા હોવાથી આજે  સમજીએ ગિફ્ટ સ્વીકારવાની અને આપવાની સાચી રીત.

કિસ્સો



કનકનાં લગ્ન થયાં ત્યારે મૅરેજ-ગિફ્ટના ભાગરૂપે તેના પતિ કૌશિકે તેને એક લક્ઝરી ગાડી ભેટ આપી, પરંતુ કનકને મોટી તોતિંગ કાર ગમતી જ નથી. તેને તો નાની બૅટરી કાર જોઈતી હતી જે સરળતાથી રોડ પર ચાલી શકે. તેને દેખાડો નહોતો ગમતો અને પતિને લાગ્યું કે લગ્નની ગિફ્ટ તો લગ્ન જેવી ગ્રૅન્ડ જ હોવી જોઈએ એટલે તેણે આવી વસ્તુ આપવાનું પસંદ કર્યું. કનકે કહ્યું, ‘જો તું મને કાર આપવાનો હતો તો એક વાર મને પૂછ તો ખરો કે મને શું ગમે છે? આ લક્ઝરી ગાડી ગૅરેજમાં પડી રહેશે. કોઈ કામની નથી.’ તેનું આ વર્તન કૌશિકને હર્ટ કરી ગયું. લગ્ન પછીના ૩ મહિનાની અંદર જ કનકનો બર્થ-ડે આવવાનો હતો. તે કનક માટે કોઈ એક વિદેશી બ્રૅન્ડનું અતિ મોંઘું પર્સ લઈ આવ્યો. કનકે કહ્યું, ‘અરે, આમાં આટલા બધા પૈસા થોડા ખર્ચ કરાય? આ જ વસ્તુ ફર્સ્ટ કૉપીમાં લઈ લેવાયને!’ શરૂઆતનાં બે-ત્રણ વર્ષ આમ જ ચાલ્યું. કૌશિક લાવે કંઈક અને કનકને જોઈતું હોય કંઈક. વચ્ચે તો કૌશિક ફક્ત આપવા ખાતર ગિફ્ટ આપતો હતો. તેનાં ઇમોશન્સ મરી પરવારેલાં. તે બોલતો પણ ખરો કે આ સાડી લાવ્યો છું; પણ બદલવાની હોય તો જોઈ લેજે, બિલ સાચવ્યું છે. ત્રીજું વર્ષ પત્યા પછી કૌશિક થાકી ગયો. ગિફ્ટને બદલે બર્થ-ડે અને ઍનિવર્સરી પર તે કનકને કાર્ડ પકડાવી દેતો. સંબંધની શરૂઆતમાં જ્યારે કોઈ ગિફ્ટ આપે તો એનો એક જુદો ચાર્મ હોય છે, પણ આ ક્રેડિટ કાર્ડમાં કોઈ ચાર્મ નથી. કનકને જે ખરીદવું હોય એ ખરીદી શકતી હતી. જોકે એ તો ફ્રીડમ થઈ. તેને પ્રેમ અનુભવવો હતો એ ગિફ્ટ દ્વારા તો નહોતો અનુભવાઈ રહ્યો. ઊલટું કનકને સતત લાગતું કે આટલાં વર્ષોમાં પણ કૌશિક તેને ઓળખી શક્યો નથી, તેની પસંદને સમજી શક્યો નથી. કૌશિકને લાગતું કે તે કંઈ પણ લાવે, કનક કોઈ દિવસ ખુશ થતી જ નથી. ઊલટું તેની દરેક ચૉઇસમાં તે મીનમેખ જ કાઢ્યા કરે છે. આ મીનમેખને કૌશિક સુધાર તરીકે જોતો નહીં. તેને લાગતું કે કનક સતત અસંતુષ્ટ જ રહે છે. બસ, તેને આદત પડી ગઈ છે તેની વસ્તુઓમાં ભૂલો શોધવાની. પ્રૉબ્લેમ ત્યાં છે કે ગિફ્ટ લેનાર પણ પોતાનાં ઇમોશન્સ સાથે જોડાઈને ગિફ્ટ લે છે અને ગિફ્ટ સ્વીકારનારનાં ઇમોશન્સ પણ એની જોડે જોડાઈ જાય છે. એ વાત સાચી કે ગિફ્ટ લેનારને પોતાની પસંદની ગિફ્ટ ન મળે તો તે દુખી થઈ જાય, પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે જ્યારે ગિફ્ટ લેનાર ખુશ ન થાય ત્યારે ગિફ્ટ દેનાર એના કરતાં પણ વધુ દુખી થઈ જાય છે. હવે કનક અને કૌશિકના જીવનમાંથી ગિફ્ટનો ચાર્મ જતો રહ્યો છે. આવું ઘણાં ઘરોમાં જોવા મળે છે. ત્યારે આ ગિફ્ટિંગ પાછળનાં ઉદ્દેશ અને ઇમોશન્સને સમજી લઈએ.


સંબંધમાં ગિફ્ટની અહમિયત

ગિફ્ટની લેવડદેવડ સંબંધમાં એક નવો ઉમંગ ભરે છે. ગિફ્ટ કોઈ વસ્તુ હોતી નથી. એની સાથે ઇમોશન્સ જોડાયેલાં હોય છે, એની પાછળ વ્યક્તિનો પ્રેમ અને કાળજી છુપાયેલાં હોય છે. એટલે જ સંબંધની શરૂઆતમાં કપલ્સ વચ્ચે ગિફ્ટની લેવડદેવડ વધુ થતી હોય છે, એકબીજાને સમજવાનો પ્રયાસ થતો હોય છે. પોતાના પ્રેમની પ્રતીતિ કરાવવા માટે પણ ગિફ્ટ આપવામાં આવે છે. એટલે ગિફ્ટ આપવી કે મેળવવી આહલાદક અનુભવ બની જતો હોય છે. આ શરૂઆતનું ગિફ્ટ-કલ્ચર જીવનભર યાદ રહી જતું હોય છે. લગ્નના પચીસમા વર્ષે પણ જે કપલ પોતાની લવસ્ટોરી કહેતું હોય છે એમાં પત્ની ખૂબ પ્રેમથી યાદ કરીને કહેતી હોય છે કે તેઓ મારા માટે એક મોટું મારી સાઇઝનું ટેડી-બેઅર લાવેલા કે તેમણે આપેલી ઘડિયાળ મેં હજી પણ સાચવી છે અને હું પહેરું છું. આમ પતિએ આપેલી ગિફ્ટ એ કોઈ વસ્તુ નથી, એ તેમની લવસ્ટોરીનો ભાગ બની જતી હોય છે. જોકે જીવન ફિલ્મો જેટલું સુંદર હોત તો શું જોઈતું હતું. જરૂરી નથી કે આ શરૂઆતમાં અપાતી ગિફ્ટસ પર્ફેક્ટ હોય. એમાં ગરબડ હોવાના પૂરા ચાન્સ છે. ગિફ્ટ્સમાં જ્યારે ગરબડ હોય ત્યારે કોઈ જતાવે કે ન જતાવે, બન્નેનાં મન ખાટાં થઈ જતાં હોય છે. કઈ સ્ત્રીને નથી ગમતું કે તેને તેના પતિ તરફથી ગિફ્ટ્સ મળતી રહે. છોકરીઓ માટે આ આઇડિયા ઘણો રોમૅન્ટિક છે. જોકે મોટા ભાગની સ્ત્રીઓના જીવનમાં આ ગાળો શરૂઆતમાં જ હોય છે અને પછી ગાયબ થઈ જાય છે. પછી પતિઓ કહી દે છે કે મને નહીં ખબર પડે, તું લેતી આવ. અમુક ભાગ્યે જ જોવા મળતા કેસમાં આપણે જોઈએ કે લગ્નનાં વર્ષો પછી પણ પતિ હોંશે-હોંશે પત્નીને ગિફ્ટ આપતો રહે છે. જ્યારે પણ પતિ કોઈ જગ્યાએ જાય ત્યારે તેની પત્ની માટે ચોક્કસ ખરીદી કરતો જ હોય એવો પતિ બધી સ્ત્રીઓને ખૂબ ગમે. વળી આવાં કપલોને જોઈને લાગતું હોય છે કે આવું આપણે કેમ નથી જીવી શકતા?


તમને ગિફ્ટ પસંદ કરતાં આવડે છે?

પુરુષોને સામાન્ય રીતે પણ ટોકાટાકી પસંદ નથી. તેમને ગિફ્ટ આપવાનું ગમતું જ હોય છે, પણ જ્યારે તમે તેને કહો કે આ નહોતું કરવાનું અને આમ નહોતું કરવાનું, એના બદલે આમ કરવું જોઈએ તો તે છોડી દે છે. તેને પત્ની પાસેથી શીખવું નથી. આ વાત સમજાવતાં રિલેશનશિપ એક્સપર્ટ સોની શાહ કહે છે, ‘ગિફ્ટ જ્યારે સ્વીકારો ત્યારે એને પ્રેમથી સ્વીકારતાં શીખો. સમજી શકાય છે કે તમારી પસંદની ગિફ્ટ ન હોય તો રીઍક્શન આવી જાય છે, પણ અહીં એ વાતનું ધ્યાન નથી રાખવાનું કે મહત્ત્વનું શું છે. અહીં એ જોવાનું છે કે એ ગિફ્ટ પાછળ આપનારનો હેતુ શું છે. પતિ જ્યારે ગિફ્ટ આપે ત્યારે ખૂબ પ્રેમથી અને ખુશીથી એ ગિફ્ટનો સ્વીકાર કરો અને સાથે વાપરો પણ ખરા અને પછી ધીમેકથી જ્યારે પતિ સારા મૂડમાં હોય ત્યારે તેને જણાવો કે તમારી પસંદ શું છે, છેલ્લે ખરીદેલી ગિફ્ટમાં શું તકલીફ હતી, શું ધ્યાનમાં રાખવાનું છે વગેરે. ત્યારે તેને ખરાબ નહીં લાગે. આ રીતે ધીમે-ધીમે પતિને તમારી પસંદ ખબર પડશે અને તેના ગિફ્ટિંગમાં સુધાર આપોઆપ આવતો જશે. જ્યારે કોઈ ગિફ્ટ આપે છે ત્યારે તેને સામે ફક્ત એક જ વસ્તુ જોઈતી હોય છે અપ્રિશિએશન. તમે એ વસ્તુને જોઈને બગડો એના કરતાં એની પાછળની લાગણી કે વિચારને વખાણો. જેમ કે એ મોંઘી વસ્તુ એટલે લાવે છે કેમ કે તેને એમ છે કે મારી પત્નીને હું બેસ્ટ વસ્તુ આપું. તે લક્ઝરી લાવે તો એમ સમજો કે તેને એમ છે કે હું તેને દુનિયાનાં બધાં સુખ આપું. જો તે એવો કોઈ કલર લાવે જે તમે આજ સુધી પહેર્યો જ ન હોય તો એમ સમજો કે તેને એ કલરમાં તમને જોવાની ઇચ્છા છે. ગિફ્ટથી તેને એ જજમેન્ટ ન આપો કે તેને કશું લેતાં આવડતું નથી. આ જજમેન્ટ તેને હર્ટ કરે છે અને તે ધીમે-ધીમે ગિફ્ટ લાવવાનું બંધ કરી છે. સાઇકોલૉજી એ છે કે મન એક પ્રોવાઇડરની ભૂમિકામાં છે. તે તમને બધું આપવા માગે છે. તમે જ્યારે એને રિજેક્ટ કરો છો તો તેને એ મેસેજ પહોંચે છે કે તું તારી પત્નીને સારી વસ્તુ આપી શક્યો નહીં. આમ અહીં મોટી તકલીફ ઊભી થાય છે.’

ગિફ્ટ આપતાં આવડવું પણ જરૂરી છે

કોઈ પણ માણસ ગિફ્ટ આપતી વખતે વિચારે છે તો સારું જ. સામેવાળાને તે એટલું ઓળખતો નથી એટલે ગરબડ થાય છે. પુરુષો મોટા ભાગે સ્ત્રીઓને મોંઘી, લક્ઝરી ગિફ્ટ આપવાનું વિચારે છે; પણ સ્ત્રીઓને નાનાં-નાનાં જેશ્ચર વધુ ગમતાં હોય છે એમ સમજાવતાં સોની શાહ કહે છે, ‘તે ૨૦ રૂપિયાના એક ગુલાબમાં ખુશ થઈ જનારી વ્યક્તિ છે, પરંતુ તેનો પતિ હંમેશાં વિચારશે કે તેના માટે આ ૨૦ રૂપિયાની શું કિંમત? એટલે તે મોંઘી વસ્તુ લાવશે! આ વસ્તુ ઊંધી પણ હોઈ શકે. જેમનો પતિ ૨૦ રૂપિયાનું ગુલાબ લાવતો હોય તે સ્ત્રીઓને લક્ઝરી વસ્તુની ચાહ હોય. મુદ્દો ફક્ત એ છે કે જોઈએ છે કંઈક અને મળે છે કંઈક. થવું એ જોઈએ કે વ્યક્તિએ ગિફ્ટ સામેવાળાની પસંદગીની આપવાની હોય છે, નહીં કે ખુદની પસંદગીની. જોકે મોટા ભાગના લોકો પાર્ટનરને જ નહીં, કોઈ પણને એ જ ગિફ્ટ આપતા હોય છે જે તેમને પસંદ હોય છે. તેને શું ગમે છે એનો વિચાર જ કરતા નથી. જો તમે ખરેખર ઇચ્છતા હો કે તમારો પ્રેમ અને કાળજી તેના સુધી પહોંચે તો જેને તમે ગિફ્ટ આપી રહ્યા છો તેની ચૉઇસની કદર કરો. તમારી ચૉઇસ તેના પર થોપવી યોગ્ય નથી. જેમ ગિફ્ટ લેતી વખતે ધ્યાનમાં રાખવાનું હોય છે એમ ગિફ્ટ આપતી વખતે પણ આટલું વિચારવું જરૂરી છે. જો ગિફ્ટ દેનાર સામેવાળાની ચૉઇસનું ધ્યાન રાખે અને ગિફ્ટ લેનાર તે વ્યક્તિનાં ઇમોશન્સનું ધ્યાન રાખે તો આ સિલસિલો લાંબો ચાલે છે.’

પત્ની જ્યારે ગિફ્ટ આપે...

પુરુષોને પણ ગિફ્ટ એટલી જ ગમતી હોય છે. મોટા ભાગે પત્ની જે પણ ગિફ્ટ લાવે એ જોઈને પતિ ખુશ થઈ જતો હોય છે. તેને પત્ની જેવો અસંતોષ ભાગ્યે જ હોય છે. એનું કારણ પણ આ જ છે. પત્ની પતિમાં ઘણી ઇન્વેસ્ટેડ હોય છે. તેને શું ગમે અને શું ન ગમે એની સંપૂર્ણ કાળજી તે લેતી હોય છે. એટલે તે જે ગિફ્ટ લાવે છે એ પતિની ચૉઇસની જ હોય છે. બીજું એ કે સામા પક્ષે પતિ પત્નીના વિચારની ઘણી કદર કરે છે, તેની એફર્ટ્સને ગણકારે છે. પત્ની પિન્ક શર્ટ પણ લઈ આવે અને કહે કે આ ખૂબ સરસ લાગે છે તો પતિ માની લે છે અને હોંશે-હોંશે પહેરે છે. એટલે પત્ની જ્યારે પતિને ગિફ્ટ આપે છે ત્યારે મોટા ભાગે આવી તકલીફો થતી નથી. 

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 11:44 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK