ગઈ કાલે જર્જરિત બિલ્ડિંગની ગૅલરી તૂટી પડતાં બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું
લક્ષ્મી અપાર્ટમેન્ટ બિલ્ડિંગનો તૂટી પડેલો ભાગ.
થાણેની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ પાસે સોમવારે ઝાડ પડવાને કારણે ૬૪ વર્ષના એક વૃદ્ધ ઘાયલ થયા હતા. એ ઘટના પછી તેમને ખાનગી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સારવાર અપાઈ રહી હતી. ગઈ કાલે બપોરે બે વાગ્યે તેમનું અવસાન થયું હતું. થાણે જિલ્લામાં વરસાદને કારણે થયેલું આ ચોથું મૃત્યુ હતું.
થાણેમાં જર્જરિત બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળની ગૅલરી એકસાથે તૂટી પડવાની ઘટના ગઈ કાલે બની હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (RDMC)ના વડા યાસિન તડવીએ કહ્યું હતું કે ‘અમને સવારે ૧૧.૪૮ વાગ્યે કૉલ આવ્યો હતો. મોહમ્મદ અલી રોડ પર આવેલું લક્ષ્મી અપાર્ટમેન્ટ બિલ્ડિંગ અંદાજે ૪૫ વર્ષ જૂનું હતું અને જર્જરિત થઈ ગયું હતું. એ વસવાટ કરવા માટે અત્યંત જોખમી હોવાથી C-1 કૅટેગરીમાં મુકાયું હતું અને એના રહેવાસીઓને એ ખાલી કરવા માટે પણ જણાવાયું હતું. ગઈ કાલે એના બીજા અને ત્રીજા માળની ગૅલરીનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે એ દુર્ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું. હવે પછી કોઈ દુર્ઘટના ન થાય એની સાવચેતીરૂપે આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.’
