જોકે બૉમ્બે હાઈ કોર્ટે કૉર્પોરેશનને આડે હાથ લઈને કહ્યું કે નોટિસ તો મોકલી, પણ તેમની સામે પગલાં શું લેશો એ કહો
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની હદમાં ૪૦૦૦ કરતાં વધુ ગેરકાયદે બિલ્ડિંગો માટે ૪૦૦ જેટલા જવાબદાર ઑફિસરોને મ્યુનિસિપલ કમિશનરે શોકૉઝ નોટિસ મોકલી છે એવી માહિતી NMMC દ્વારા કોર્ટમાં આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ કોર્ટે એનો ઊધડો લેતાં કહ્યું હતું કે ‘તમે આ ઑફિસરોને નોટિસ મોકલી એ ઠીક છે, પણ તેમની સામે પગલાં શું લેવાના છો એ કહો. તમારી ભૂમિકા સ્પષ્ટ કરો.’
ગેરકાયદે બાંધકામો માટે જવાબદાર એવા પોતાના જ કર્મચારીઓ સામે કાર્યવાહી કરનારા નવી મુંબઈના એવા પહેલા જ મ્યુનિસિપલ કમિશનર છે એવી રજૂઆત કૉર્પોરેશન વતી વકીલ અનિત અંતુરકરે કોર્ટમાં કરી હતી. એના પર બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખાતાની બેન્ચે તેમને ખખડાવતાં કહ્યું હતું કે ‘નવી મુંબઈ એ કંઈ ઝૂંપડપટ્ટી નથી. એ એક સુનિયોજિત શહેર છે. એથી જો સુધરાઈ અને એના અધિકારીઓએ જો એ ગેરકાયદે બાંધકામ થવાં જ ન દીધાં હોત તો આ પરિસ્થિતિ ઊભી જ ન થાત.’
ADVERTISEMENT
એ પછી સુધરાઈ તરફથી કહેવામાં આવ્યું કે કેટલાક અધિકારીઓની અન્યત્ર બદલી થઈ ગઈ છે અને કેટલાક રિટાયર થઈ ગયા છે એટલે તેમની સામે કાર્યવાહી કરવામાં તકલીફ થઈ રહી છે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે આ માટે રાજ્ય સરકારે સુધરાઈને મદદ કરવી અને એની માહિતી આગલી સુનાવણીમાં આપવી.
