Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પ્રારંભિક મજબૂતીમાં ઘસારા વચ્ચે શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક

પ્રારંભિક મજબૂતીમાં ઘસારા વચ્ચે શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક

Published : 04 July, 2026 08:13 AM | IST | Mumbai
Anil Patel

HCL ટેક્નૉલૉજીઝ ૧૦,૮૫૦ કરોડની વિદેશી ડીલમાં બન્ને બજાર ખાતે બેસ્ટ ગેઇનર : લોઢા ડેવલર્સની ૭૪ ટકા માલિકીની નૅશનલ સ્ટાન્ડર્ડ વર્ષમાં ૬૫ ટકા ધોવાણ સાથે પાંચ વર્ષના તળિયે : ક્રેઝી સ્નૅક્સમાં ૧૦ ટકા લિસ્ટિંગ ગેઇન, વૉટરવેઝ લીઝર ઉપલી સર્કિટ સાથે નવી ટોચે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. નાયકા તથા હોનાસા કન્ઝ્યુમર નવાં શિખર બનાવીને ઘટાડે બંધ
  2. એક્સ-સ્પ્લિટ થતાં મધ્ય ભારત ઍગ્રો અને ક્રિષ્ના ફોસ્કેમ ઝળકી
  3. હેલ્થકૅર ઇન્ડેક્સ લાઇફટાઇમ હાઈ

જુલાઈ મહિનો સારો જવાની આશા જગાવીને શૅરબજાર સતત ત્રીજા દિવસે પૉઝિટિવ ઝોનમાં બંધ થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૫૦ પૉઇન્ટ પ્લસમાં ૭૮૧૫૨ ખૂલીને છેવટે ૨૬૨ પૉઇન્ટ વધી ૭૭૭૬૪ તથા નિફ્ટી ૯૫ પૉઇન્ટ વધી ૨૪૨૭૧ બંધ થયાં છે. ગઈ કાલે પણ માર્કેટ આરંભથી અંત સુધી ગ્રીન ઝોનમાં રહ્યું હતું. શૅરઆંક ઉપરમાં ૭૮૧૫૨ અને નીચામાં ૭૭૭૧૦ થયો હતો. પૉઝિટિવિટી જાળવી રાખતાં NSEમાં વધેલા ૧૮૨૩ શૅર સામે ૧૫૧૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪૩,૦૦૦ કરોડ વધીને ૪૮૦.૨૩ લાખ કરોડ થયું છે.

હેલ્થકૅર ઇન્ડેક્સ ૫૦૨૩૦ની લાઇફટાઇમ હાઈ બતાવી સવા ટકો વધીને ૫૦૦૮૮ બંધ રહ્યો છે. સુવેન લાઇફ સાયન્સિસ સવાછ ગણા વૉલ્યુમે ૩૩૬ની વિક્રમી સપાટી નોંધાવી ૯.૭ ટકાના ઉછાળે ૩૨૭ બંધ રહી ટૉપ ગેઇનર બની છે. આગલા દિવસે ૧૧૦૨ પૉઇન્ટનો તગડો જમ્પ મારનાર IT બેન્ચમાર્ક ગઈ કાલે ૪૦૯ પૉઇન્ટ કે દોઢ ટકા વધુ પ્લસ થયો છે. ડિજિટાઇડ સૉલ્યુશન્સ ૧૫.૩ ટકા, ઝેનસાર ટેક્નૉલૉજીઝ સાડાદસ ટકા, મોસ્ચીપ ૭.૩ ટકા ઊંચકાઈને મોખરે હતી. રાશિ પૅરિફેરલ્સ પાંચ ટકા ગગડી ૭૬૦ રહી છે. લોઢા ડેવલપર્સ સવાપાંચ ટકા, ઑબેરૉય રિયલ્ટી ૩.૫ ટકા, અનંતરાજ ૩.૩, DLF 3 ટકા વધતાં રિયલ્ટી બેન્ચમાર્ક સવાબે ટકા અપ હતો. મેટલ ઇન્ડેક્સ ૦.૯ ટકા સુધર્યો છે. નાલ્કો ૪.૭ ટકાના જોરમાં ૩૪૮ બંધ થયો છે. સામે પાવર ઇન્ડેક્સ અઢી ટકા, કૅપિટલ ગુડ્સ સવાબે ટકા, PSU બૅન્ક નિફ્ટી દોઢ ટકા, નિફ્ટી એનર્જી સવા ટકો ઘટ્યા છે.



ફેડરેટમાં વધારો થવાની ચર્ચા વચ્ચે પણ અમેરિકન ડાઉ ઇન્ડેક્સ ગુરુવારે રાત્રે ૫૨૯૦૪ની ઑલટાઇમ હાઈ દેખાડી ૧.૧ ટકા વધી ૫૨૯૦૦ના બેસ્ટ લેવલે બંધ થયો છે. નૅસ્ડૅક પણ ૨૪૦૪૪ના શિખરે જઈ એકાદ ટકો વધી ૨૩૯૫૭ની ટોચે ગયો છે. એને અનુસરવાના મૂડમાં શુક્રવારે તમામ અગ્રણી એશિયન બજાર મૂડમાં હતાં. સાઉથ કોરિયા સાડાપાંચ ટકા, ચાઇના સવાબે ટકા, જપાન સવા ટકો, થાઇલૅન્ડ તથા હૉન્ગકૉન્ગ એક ટકો, સિંગાપોર અડધો ટકો વધ્યું છે. યુરોપ રનિંગમાં સામાન્ય વધઘટે અથડાયેલું હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૨ ડૉલર તથા બિટકૉઇન ૬૧૬૫૯ ડૉલર સુસ્ત હતા. ડૉલર સામે ૯૫.૪૦ના આગલા બંધ સામે ગઈ કાલે રૂપિયો સુધારામાં ૯૫.૧૫ થઈને ૯૫.૨૦ આસપાસ દેખાયો છે.


A ગ્રુપ ખાતે સુમિટોમો કેમિકલ્સ ૮૧ ગણા જંગી કામકાજમાં સાડાતેર ટકા ઊછળી ૫૦૧ના બંધમાં ઝળકી હતી. ગણેશ ઇકોસ્પીઅર બાર ટકા, ઝેનસાર ૧૦.૪ ટકા, મોસ્ચીપ આઠ ટકા તથા ઈ-ક્લેરેક્સ ૭ ટકા મજબૂત હતી. લોઢા ડેવલપર્સની ૭૪ ટકા માલિકીની નૅશનલ સ્ટાન્ડર્ડ ૧૬૩ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૯૭૨ નીચે ૬૧ માસના તળિયે બંધ થઈ છે. ભાવ વર્ષ પહેલાં ૨૭૪૦ તથા નવેમ્બર ૨૦૨૧માં ૧૯,૦૦૦ના બેસ્ટ લેવલે હતો. 

આઉટલુકની વિમાસણમાં ‘ડી’ માર્ટ ૧૯૫ રૂપિયા ડાઉન


NSE લિસ્ટેડ મધ્ય ભારત ઍગ્રો પ્રોડક્ટ્સ તેમ જ ક્રિષ્ના ફોસ્કેમ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ગઈ કાલે એક્સ-સ્પ્લિટ થઈ છે. મધ્ય ભારત ૧૨૭નું નવું શિખર બનાવી ૩.૬ ટકા વધી ૧૨૫ તેમ જ ક્રિષ્ના ફોસ્કેમ નવી ટોચે ૧૫૨ થઈ સાડાછ ટકા ઊછળી ૧૫૨ નજીક બંધ રહી છે. BSE લિસ્ટેડ ગુજરાત ઇન્જેક્ટ કેરલા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ૮ જુલાઈએ એક્સ-સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે પાંચ ટકા વધીને ૧૩૧ હતો. ૨૪ સપ્ટેમ્બરે શૅર ૧૯ના તળિયે હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો ૧૦,૦૦૦ કરોડનો ક્વિપ ઇશ્યુ ૪૮ કલાકમાં પોણાચાર ગણાથી વધુ ભરાઈ જતાં કંપનીએ સાઇઝ વધારીને ૧૫,૦૦૦ કરોડ કરી હોવાના અહેવાલ છે. ક્વિપ રૂટ મારફત આ ભરણા માટે સેબી તરફથી શૅરદીઠ ૩૦૩૫ નજીકની ફ્લોર પ્રાઇસ માન્ય કરવામાં આવી હતી, પરંતુ કંપનીએ પાંચ ટકા નીચો ભાવ, શૅરદીઠ ૨૮૮૩ નક્કી કર્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૧૦૬ બતાવી એક ટકો વધી ૩૨૧૨ રહ્યો છે. અદાણી પોર્ટ્સ ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિકમાં ૧૮૯૨ થઈ અડધો ટકો ઘટી ૧૮૭૪ બંધ હતી. અદાણી ગ્રીન ૧૫૬૮ની ૨૦ માસની નવી ટોચે જઈ ૧૫૫૬ ઉપર ફ્લૅટ બંધ થઈ છે. અદાણી ગ્રુપની સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ૧૪૮૨ની વિક્રમી સપાટી બતાવી સવા ટકો વધી ૧૪૪૯ બંધ આવી છે.

‘ડી’ માર્ટ ફેમ ઍવન્યુ સુપરમાર્ટ્સ તરફથી જૂન ક્વૉર્ટરમાં સ્ટૅન્ડ અલોન ધોરણે ૧૫ ટકાનો રેવન્યુગ્રોથ બજારને ઓછો પડતાં ભાવ અઢીગણા કામકાજે નીચામાં ૩૯૮૩ થઈ ૪.૭ ટકા કે ૧૯૫ રૂપિયા તૂટી ૩૯૯૩ થયો છે. કંપનીનાં પરિણામો ૧૧ જુલાઈએ છે. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ સારા બિઝનેસ આઉટલુક પાછળ ત્રણગણા વૉલ્યુમે ઉપરમાં ૯૪ થઈ ૩ ટકા વધી ૯૧ રહી છે. ૩૦ માર્ચના રોજ શૅર ૭૩ની અંદર ઑલટાઇમ તળિયે ગયો હતો. 

અપોલો હૉસ્પિટલ્સ, ગ્રાસિમ, સનફાર્મામાં નવી ટૉપ

અગ્રણી IT કંપની HCL ટેકનૉલૉજીઝ તરફથી ફૉર્ચ્યુન ગ્લોબલ ૫૦માં સ્થાન ધરાવતી યુરોપિયન કંપની પાસેથી કુલ ૧૧૪ કરોડ ડૉલરનો AI-ડ્રિવન ડિજિટલ વર્કસ્પેસ કૉન્ટ્રૅક્ટ હાંસલ કરાયો છે જે પાંચ વર્ષનો છે. આ સમાચારના પગલે શૅર ત્રણગણા કામકાજે ઉપરમાં ૧૧૫૯ વટાવી પોણાછ ટકાના જમ્પમાં ૧૧૪૦ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. કંપનીનાં પરિણામો ૧૩ જુલાઈએ છે. અન્ય ફ્રન્ટલાઇન IT કંપનીમાં ટેક મહિન્દ્ર ૧.૮ ટકા, TCS સવા ટકા, ઇન્ફી અડધો ટકો, લાર્સન માઇન્ડ ટ્રી ૨.૨ ટકા અપ હતી. વિપ્રો સવા ટકો સુધી છે. ભારતી ઍરટેલ ૧.૮ ટકા વધી ૧૯૧૦ બંધમાં બજારને ૮૭ પૉઇન્ટ ફળી હતી. HDFC બૅન્ક તથા ICICI બૅન્કનો પોણો ટકા જેવો સુધારો કુલ મળીને ૧૨૪ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો હતો. બજાજ ફિનસર્વ વધુ ૨.૧ ટકાની આગેકૂચમાં ૧૮૯૬ થઈ છે. સનફાર્મા ૧.૮ ટકા, તાતા સ્ટીલ ૧.૪ ટકા, અલ્ટ્રાટેક ૧.૭ ટકા, ટ્રેન્ટ પોણો ટકો, મૅક્સ હેલ્થકૅર ૨.૩ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૧ ટકા, બજાજ ફાઇ. ૧.૪ ટકા પ્લસ હતી. અપોલો હૉસ્પિટલ્સ ૮૯૨૦ની સર્વોચ્ચ સપાટી મેળવી ૨.૩ ટકા વધી ૮૮૯૩ નિફ્ટી ખાતે બંધ હતી. સનફાર્મામાં પણ ૧૯૨૫ની ૨૧ માસની ટૉપ બની હતી. ગ્રાસિમ ૩૨૨૦ની ઑલટાઇમ હાઈ દેખાડી અડધો ટકો વધી ૩૧૮૫ રહી છે.

ઍક્સિસ બૅન્ક દોઢ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૧ ટકા, મહિન્દ્ર ૧.૧ ટકા, કોટક બૅન્ક ૦.૭ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર અડધો ટકો, બજાજ ઑટો પોણો ટકો, ઇન્ડિગો ૦.૭ ટકાની નરમાઈમાં બંધ થઈ છે. લાર્સન પોણો ટકા વધુ ઢીલો પડી ૪૦૨૭ રહ્યો છે. રિલાયન્સ ૧૩૦૪ના લેવલે ફ્લૅટ બંધ હતી.

પાવર ઇક્વિપમેન્ટ્સ કંપનીઓને સરકારે મોટો ફટકો માર્યો

પૉલિસી બાઝારવાળી પી. બી. ફિનટેક મેકટ્રિક ઇન્વેસ્ટમેન્ટ તરફથી સાડાછ ટકા હોલ્ડિંગ બ્લૉક ડીલ મારફત વેચાણ થયાના અહેવાલે શૅર તગડા વૉલ્યુમે નીચામાં ૧૫૪૪ થઈ છેવટે ૫.૩ ટકા તૂટી ૧૫૯૧ બંધ રહ્યો છે. નાયડા ૩૧૭ નજીક ૫૩ માસના બેસ્ટ લેવલને બનાવી સરેરાશ કરતાં ૧૦ ટકા કામકાજે ૧.૪ ટકા ઘટી ૩૧૦ થઈ છે. મામા અર્થ ફેમ હોનાસા કન્ઝ્યુમર પણ પાંખા વૉલ્યુમે ૪૭૫ની લગભગ બાવીસ માસની ટૉપ દેખાડી દોઢ ટકાની નરમાઈમાં ૪૬૦ હતી. યુનિયન બૅન્ક દ્વારા બિઝનેસ આઉટલુકમાં જૂન ક્વૉર્ટરમાં સાડાબાર ટકા વધારામાં પોણાદસ લાખ કરોડનું ગ્રોસ ધિરાણ થયું હોવાનું જણાવાયું છે જેની સામે એણે અગાઉ પ્રોવિઝનલ ફિગર ૧૦.૯૬ લાખ કરોડનો આપ્યો હતો. સરવાળે શૅર બમણા કામકાજે નીચામાં ૧૬૧ થઈને ૩.૭ ટકા ગગડી ૧૬૩ બંધ થયો છે.

TVS મોટર્સે જૂન માસમાં ૪૭ ટકા વધારામાં કુલ ૫.૬૫ લાખ નંગ વાહનોનું વેચાણ કરી હીરો મોટોકૉર્પ તથા હૉન્ડા મોટરસાઇકલને પાછળ પાડી દીધી છે. શૅર આગલા દિવસની પોણાચાર ટકાની તેજી બાદ ગઈ કાલે પણ ઉપરમાં ૩૬૬૯ થયો હતો. ભાવ જોકે છેલ્લે નજીવો ઘટીને ૩૬૨૫ બંધ આવ્યો છે. હીરો મોટોકૉર્પ સાધારણ ઘટાડે ૪૮૫૬ હતી. સરકાર તરફથી ગવર્નમેન્ટ ટેન્ડર્સમાં ૪ ચાઇનીઝ પાવર ઇક્વિપમેન્ટ્સ કંપનીઓને સહભાગી થવાની છૂટ આપવામાં આવતાં હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઉત્પાદક જી.ઈ. વર્નોવા ૯ ટકા કે ૪૩૦ રૂપિયા, હિટાચી એનર્જી સવાઆઠ ટકા કે ૨૭૫૫ રૂપિયા, ટીડી પાવર સિસ્ટમ્સ ૮.૭ ટકા, સીજી પાવર સાતેક ટકા, ભેલ ૪.૬ ટકા, થર્મેક્સ છ ટકા કે ૨૯૮ રૂપિયા, અપાર ઇન્ડસ્ટ્રીઝ ૬.૧ ટકા કે ૯૧૮ રૂપિયા, સીમેન્સ એનર્જી સાત ટકા કે ૨૪૬ રૂપિયા ડૂલ થઈ છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨.૩ ટકા કે ૧૮૧૮ પૉઇન્ટ ખરડાયો હતો. 

સોમવારે આસ્થા સ્પિન તથા ઍડઑન ઍગ્રોનું લિસ્ટિંગ

મેઇન બોર્ડમાં અમદાવાદી નેક પૅકેજિંગનો ૧૦ના શૅરદીઠ ૧૭૦ના ભાવનો ૬૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૪૩૯ કરોડનો ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૨૧ ગણા સહિત કુલ ૮૭ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. પ્રીમિયમ વધીને હાલ ૩૨ ચાલે છે. લિસ્ટિંગ ૮ જુલાઈએ અપેક્ષિત છે. SME સેગમેન્ટમાં નવી દિલ્હીની આઇસી ઇલેક્ટ્રિકલ કંપનીનો ૧૦ના શૅરદીઠ ૯૯ની અપરબૅન્ડ સાથે આશરે ૪૮ કરોડનો NSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં દસગણા સહિત કુલસાત ગણો ભરાયો છે. પ્રીમિયમ વધતું રહીને હાલ ૪૫ બોલાય છે.

ઉતર પ્રદેશના ગોરખપુરની ક્રેઝી સ્નૅક્સ ૧૦ના શૅરદીઠ ૪૨ની ઇશ્યુપ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ૪૪ ખૂલી ૪૬ બંધ થતાં ૧૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૬ કરોડની OFS સહિત કુલ ૩૧ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ ૧.૨ ગણો ભરાયો હતો. સોમવારે નવી મુંબઈના વાશી ખાતેની ઍડઑન ઍગ્રો કૉમોડીટીઝનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો કુલ ૪૪ કરોડનો SME ઇશ્યુ BSEમાં લિસ્ટેડ થવાનો છે. પ્રીમિયમ પહેલેથી નથી. ભરણું રીટેલમાં ૮૪ ટકા સહિત કુલ ૧.૪ ગણું માંડ ભરાયું હતું. મેઇન બોર્ડમાં સુરેન્દ્રનગરના હળવદ ખાતેની આસ્થા સ્પિન ટેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૬ના ભાવનો ૧૭૦ કરોડનો IPO પણ સોમવારે લિસ્ટિંગમાં જશે. પ્રીમિયમ ત્રણ જેવું છે.

પાંચ ટકા લિસ્ટિંગ લૉસમાં ૧૦૭ બંધ થયેલી CSM ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ૧૦૨નું નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ રહી છે. વૉટરવેઝ લીઝર ૮૦૭ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૦ ટકા ઊછળી ત્યાં બંધ હતી. એડવીટ જ્વેલ્સ ૧૬૬ની નીચી સપાટીએ જઈ ૪.૨ ટકા ઘટી ૧૬૭ રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 08:13 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK