હવે જમીન પર બેસીને દાનની રકમ ગણવામાં આવશે, નવા ગણતરી-સ્ટાફની નિમણૂક
ફાઇલ તસવીર
અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમ ગણવા માટેની પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે તેમના માટે યુનિફૉર્મ અને પૉકેટલેસ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે હવે ડબલ ચેકિંગ, નવો ડ્રેસ-કોડ અને અન્ય ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે. આ ફેરફારોનો હેતુ વધુ સુરક્ષિત અને સ્વચ્છ ગણતરી-પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો છે. નવી સિસ્ટમ હેઠળ બધા કર્મચારીઓની હૉલમાં પ્રવેશતાં પહેલાં બે વાર તપાસ કરવામાં આવશે. એ પછી જ તેમને અંદર જવા દેવામાં આવશે. સુરક્ષાટીમ દરેક સ્ટાફની સંપૂર્ણ તપાસ કરશે જેથી ખાતરી કરી શકાય કે કોઈ છેડછાડનો અવકાશ નથી.
સ્ટાફ માટે એક નવો ડ્રેસ-કોડ પણ લાગુ કરવામાં આવ્યો છે. બધા સ્ટાફે ડાર્ક બ્લુ રંગનો યુનિફૉર્મ પહેરવાની જરૂર રહેશે. આ યુનિફૉર્મ પૉકેટલેસ રહેશે. પૉકેટનો આ અભાવ વસ્તુઓ અંદર લઈ જવાની કે બહાર લઈ જવાની શક્યતા ઘટાડશે. આ નિર્ણય સમગ્ર પ્રક્રિયાની વધુ સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ ઉપરાંત ગણતરી-હૉલની અંદર મોબાઇલ ફોન, કૅમેરા, બૅગ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિગત વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. કર્મચારીઓએ હૉલની બહાર તેમનાં જૂતાં અને ચંપલ કાઢવાં પડશે.
ગણતરી-સ્ટાફ હવે ખુરસી અને ટેબલ પર બેસીને કામ કરશે નહીં. ગણતરી કરતી વખતે દરેકને ફ્લોર પર બેસવાનું જરૂરી રહેશે. આનાથી ગણતરી-પ્રક્રિયા વખતે દરેક પ્રવૃત્તિ પર નજર રાખવાનું સરળ બનશે અને સમગ્ર પ્રક્રિયા પર વધુ નિયંત્રણ સુનિશ્ચિત થશે. સમગ્ર પરિસરમાં CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે અને એનું રેકૉર્ડિંગ ૧૮૦ દિવસ સુધી સાચવવામાં આવશે. આ રેકૉર્ડ્સને લાંબા સમય સુધી ડિજિટલી સાચવવાની યોજના ચાલી રહી છે.
