Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નરમાઈની હૅટ-ટ્રિકમાં ૧૮૩૫ પૉઇન્ટ ખરડાઈ સેન્સેક્સ ૮૧,૦૦૦ની અંદર

નરમાઈની હૅટ-ટ્રિકમાં ૧૮૩૫ પૉઇન્ટ ખરડાઈ સેન્સેક્સ ૮૧,૦૦૦ની અંદર

Published : 29 July, 2025 08:37 AM | IST | Mumbai
Anil Patel

ડિક્સન ટેક્નૉલૉજી તથા સલમાન ખાન સાથેના કનેક્શનમાં આદિત્ય ઇન્ફોટેક એક રૂપિયાના શૅરદીઠ ૬૭૫ના ભાવે આજે મૂડીબજારમાં આવશે

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ડિક્સન ટેક્નૉલૉજી તથા સલમાન ખાન સાથેના કનેક્શનમાં આદિત્ય ઇન્ફોટેક એક રૂપિયાના શૅરદીઠ ૬૭૫ના ભાવે આજે મૂડીબજારમાં આવશે : બ્રિગેડ હોટેલનો ઇશ્યુ પૂરો થતાં ગ્રે માર્કેટમાંથી પ્રીમિયમ ગાયબઃ લોઢાની મેક્રોટેકનો નફો ૪૨ ટકા વધ્યો, શૅર સતત ચોથા દિવસે બગડ્યો : કાર ટ્રેડ ૯૨ ટકા નફાવૃદ્ધિના કરન્ટમાં ૧૬૭ રૂપિયા ઊછળી ૨૦૦૦ની પાર નવી ટોચે બંધ : TCS નવા વર્સ્ટ લેવલે જવાની તૈયારીમાં, ICICI બૅન્ક નવા બેસ્ટ લેવલે : શૅરદીઠ સાત બોનસ આપનારી મુમ્બૈયા ગુજ્જુ કંપની શાઇન ફૅશન્સ નવા શિખરે 


વિશ્વબજારોમાં એકંદર હળવા સુધારાના માહોલ વચ્ચે ઘરઆંગણે માયૂસીની વણઝાર ચાલુ રહી છે. સેન્સેક્સ સોમવારે ૫૭૨ પૉઇન્ટ ખરડાઈ ૮૦,૮૯૧ તથા નિફ્ટી ૧૫૬ પૉઇન્ટ બગડી ૨૪,૬૮૧ બંધ થયો છે. બજાર આગલા બંધથી ૧૬૩ પૉઇન્ટ નીચે, ૮૧,૩૦૦ નજીક ધીમા સુધારામાં એકાદ કલાક બાદ ઉપરમાં ૮૧,૫૪૭ વટાવી ગયું હતું અને ત્યાંથી ખરાબીનું ચોઘડિયું બેસતાં બજાર મંદીમાં સરી પડીને આખો દિવસ માઇનસ દેખાયું હતું જેમાં શૅરઆંક નીચામાં ૮૦,૭૭૬ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીની ૦.૭ ટકા જેવી નબળાઈ સામે બ્રૉડર માર્કેટ અને મિડકૅપ પોણો ટકો તથા સ્મૉલકૅપ સવા ટકાથી વધુ ડૂલ થયો છે. FMCG, નિફ્ટી ફાર્મા, યુટિલિટીઝના નહીંવત્થી સામાન્ય સુધારાને બાદ કરતાં તમામ સેકટોરલ લાલ થયાં છે. રિયલ્ટી ઇન્ડેક્સ ટકો, ટેલિકૉમ દોઢ ટકાથી વધુ, કૅપિટલ ગુડ્સ દોઢ ટકો, મેટલ એક ટકો, નિફ્ટી મીડિયા પોણાત્રણ ટકા, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧.૭ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકા નજીક, આઇટી પોણો ટકો, ટેક્નૉલૉજીઝ સવા ટકો, નિફ્ટી ડિફેન્સ બે ટકા સાફ થયા હતા. માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ ચાલુ રહેતાં NSEમાં વધેલા ૮૧૧ શૅર સામે ૨૨૧૧ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૮૧ લાખ કરોડ ગગડી ૪૪૭.૮૭ લાખ કરોડ રૂપિયે આવી ગયું છે.



આઇટી ઇન્ડેક્સ માંડ પોણો ટકો ઘટ્યો છે, પરંતુ અત્રે ૫૯માંથી ૪૩ શૅર ડાઉન હતા. મેગ્લેનિક ક્લાઉડ પાંચ ટકા, ડેટામેટિક્સ ચાર ટકા અને એમ્ફાસિસ સવાત્રણ ટકા અપ હતી. સામે તાન્લા, ન્યુવેબ, રામકો સિસ્ટમ્સ, ૬૩ મૂન્સ જેવા ડઝન શૅર ત્રણથી સાડાછ ટકા તૂટ્યા છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો ઘટ્યો છે. એના ૧૨માંથી માત્ર બે શૅર પ્લસ હતા. બૅન્કિંગના ૪૧માંથી પાંચ શૅર સુધર્યા છે. જન સ્મૉલ બૅન્ક પોણાબે ટકા, ઉજજીવન બૅન્ક સવા ટકો તથા ICICI બૅન્ક પોણો ટકો અપ હતી. સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ ૪૮ કરોડની ખોટમાંથી ૧૦ કરોડના નેટ પ્રૉફિટમાં આવવાનો કરન્ટ જળવાઈ રહેતાં શૅર સવાબે ગણા કામકાજે ૧૨૮ની ટોચે જઈ સાડાઆઠ ટકા વધી ૧૨૭ નજીક બંધ થયો છે. અદાણી ગ્રીનનો નફો ૬૦ ટકા વધીને આવતાં શૅર ત્રણેક ટકાની મજબૂતીમાં ૧૦૦૪ વટાવી ગયો છે.


એશિયા ખાતે થાઇલૅન્ડ રજામાં હતું. જપાન એક ટકા નજીક તથા સિંગાપોર અડધો ટકો ઘટ્યું છે. સામે ઇન્ડોનેશિયા એક ટકો, હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયા અડધો ટકો, તાઇવાન અને ચાઇના સામાન્ય સુધર્યાં હતાં. લંડન ફુત્સી ફ્લૅટ હતો. રનિંગમાં અન્ય યુરોપિયન બજાર નહીંવત્થી સાધારણ સુધારો દર્શાવતાં હતાં. બિટકૉઇન રેન્જ બાઉન્ડ ટ્રેન્ડમાં ૧,૧૮,૭૧૫ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની બજાર ૨૫૪ પૉઇન્ટના સુધારામાં ૧,૩૯,૪૬૨ દેખાયું છે. હાઈ પ્રોફાઇલ HDB ફાઇનૅન્શ્યલ ૭૪૬ના ઑલટાઇમ તળિયે જઈ સવા ટકાના ઘટાડે ૬૫૧ નીચે રહી છે. આ શૅર બિલોપાર થવાની તૈયારીમાં છે.

કોટક બૅન્ક સેન્સેક્સને ૨૦૦ પૉઇન્ટ, રોકાણકારોને ૩૧,૬૮૫ કરોડ નડી


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૫ ઘટેલા શૅરમાં કોટક મહિન્દ્ર બૅન્ક પરિણામ પાછળ ત્રણ ગણા કામકાજે નીચામાં ૧૯૬૦ થઈ ૭.૫ ટકા કે ૧૫૯ રૂપિયાના ધબડકામાં ૧૯૬૫ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લુઝર બની સેન્સેક્સને ૨૦૦ પૉઇન્ટ નડી છે. માર્કેટકૅપની રીતે રોકાણકારોને ૩૧,૬૮૫ કરોડ રૂપિયાનો માર પડ્યો છે. બૅન્કનો ત્રિમાસિક નફો અગાઉના ૩૫૨૦ કરોડથી સાત ટકા ઘટી ૩૨૮૨ કરોડ આવ્યો છે. ઍસેટ્સ ક્વૉલિટી બગડી છે. એનપીએ તથા પ્રોવિઝનિંગ વધ્યાં છે. બ્રોકરેજ હાઉસ દ્વારા ડાઉનગ્રેડિંગ શરૂ થયું છે. ગઈ કાલે ઍક્સિસ બૅન્ક સવા ટકા તથા સ્ટેટ બૅન્ક ૧.૨ ટકા નરમ હતી. ICICI બૅન્ક ૧૪૯૪ નજીક ઑલટાઇમ હાઈ થઈ પોણો ટકો વધી ૧૪૮૯ રહી છે. HDFC બૅન્ક નહીંવત્ સુધારામાં ૨૦૦૮ હતી. ઍસેટ ક્વૉલિટીની મોંકાણમાં શુક્રવારે લથડેલી બજાજ ફાઇનૅન્સ ગઈ કાલે વધુ સાડાત્રણ ટકા ખરડાઈ ૮૮૦ હતી. ભારતી ઍરટેલનાં પરિણામ પાંચ ઑગસ્ટે આવશે. શૅર સોમવારે પાંચ ગણા કામકાજે સવાબે ટકા કપાઈ ૧૮૯૨ બંધમાં બજારને ૧૦૧ પૉઇન્ટ નડ્યો છે.

TCS દ્વારા વર્કફોર્સમાં આ વર્ષે બે ટકા કાપ મૂકવાનું નક્કી થયું છે. આના લીધે ૧૨,૨૬૦ કર્મચારીની નોકરી જશે. ભાવ દોઢા કામકાજે નીચામાં ૩૦૭૦ થઈ ૧.૮ ટકા ગગડી ૩૦૭૯ હતો. આ કાઉન્ટર ટૂંકમાં નવા નીચા બૉટમ બતાવવાનું છે. HCL ટેક્નૉ દોઢ ટકા, ટેક મહિન્દ્ર પોણો ટકા, વિપ્રો સાડાત્રણ ટકા, લાટિમ એક ટકા ડાઉન હતી. ઇન્ફી ૧૫૧૬ના લેવલે ફ્લૅટ રહી છે. લાર્સન પરિણામની પૂર્વસંધ્યાએ અડધો ટકો નરમ હતો. રિલાયન્સ નીચામાં ૧૩૮૫ થઈ સામાન્ય ઘટાડામાં ૧૩૮૭ રહી છે. જિયો ફાઇનૅન્સ સવા ટકો ઘટી ૩૦૭ હતી.

અન્યમાં ટાઇટન ૨.૨ ટકા, ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકા, મહિન્દ્ર ૧.૨ ટકા, એટર્નલ એક ટકા, તાતા સ્ટીલ એક ટકો, અદાણી પોર્ટ્સ સવા ટકા, નેસ્લે બે ટકા, અપોલો હૉસ્પિટલ દોઢ ટકા, આઇશર ૦.૯ ટકા માઇનસ હતા. શ્રીરામ ફાઇનૅન્સ ૨.૯ ટકા તથા સિપ્લા ૨.૬ ટકા વધીને નિફ્ટીમાં ઝળક્યા હતા. હીરો મોટોકૉર્પ ૧.૪ ટકા વધી છે. સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકો, એશિયન પેઇન્ટ્સ એક ટકો પ્લસ હતી. CDSLનો નફો ૨૪ ટકા ઘટીને ૧૦૨ કરોડ થતાં શૅર ૧૫૯૬ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૫૧૭ થઈ ૫.૭ ટકા તૂટી ૧૫૨૩ બંધ થયો છે. MCXનાં પરિણામ પહેલી ઑગસ્ટે છે. શૅર ગઈ કાલે નીચામાં ૭૭૦૧ બતાવી ૩.૭ ટકા કે ૨૯૮ રૂપિયા ખરડાઈ ૭૭૪૦ હતો. કેમ્સ ૩.૫ ટકા કે ૧૪૦ રૂપિયા ડૂલ થયો છે. પારસ ડિફેન્સમાં નબળાં પરિણામનો વસવસો આગળ વધતાં શૅર ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૭૦૪ બતાવી ત્યાં જ બંધ થયો છે. આ સળંગ ચોથા દિવસની ખરાબી છે. નૉર્ધર્ન આર્ક કૅપિટલ પરિણામની પૂર્વસંધ્યાએ સાત ટકા તૂટી ૨૩૫ રહી છે. કેલ્ટોન ટેક ૧૭.૪ ટકાના ગાબડામાં ૨૬ થઈ છે. ટીવી ટુડે નેટવર્ક પરિણામ પાછળ દસ ટકા ખરડાઈ ૧૫૩ હતી. ઝી એન્ટર ૪.૨ ટકા બગડી ૧૧૮ બંધ આવી છે. નેટવર્ક્સ૧૮ પોણાત્રણ ટકા ડૂલ થઈ છે.

ઇન્ડ્સઇન્ડ બૅન્ક પરિણામ પૂર્વે પોણાબે ગણા કામકાજે અઢી ટકાથી વધુના ધબડકામાં ૮૦૨ બંધ રહી છે. એક શૅરદીઠ સાત બોનસ આપનારી મુમ્બૈયા ગુજ્જુ કંપની શાઇન ફૅશન્સ સતત બીજી ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૬૩ ઉપર નવા શિખરે બંધ રહી છે.

લૌરસ લૅબનો નફો ૧૧૫૪ ટકા ઊછળતાં શૅર ઑલટાઇમ હાઈ

ED અને CBIના દરોડાના પગલે બે દિવસથી સતત નીચલી સર્કિટમાં બંધ રહેલા અનિલ અંબાણી ગ્રુપના શૅર ગઈ કાલેય ખરાબીમાં હતા. રિલાયન્સ પાવર પાંચ ટકા તૂટી ૫૪ નીચે તથા રિલાયન્સ ઇન્ફ્રા ૪.૬ ટકા ગગડી ૩૨૬ બંધ થઈ છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સને ઇન્ડિયન આર્મી તરફથી ૧૬૪૦ કરોડનો ઑર્ડર મળ્યો છે. શૅર દોઢ ટકો ઘટીને ૩૮૯ બંધ હતો. SBI કાર્ડ્સ તરફથી રાઇટ ઑફ્સ પેટેની જોગવાઈમાં ૩૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બેડ લોનમાં વધારાના લીધે કુલ ૧૨૮૦ કરોડ રાઇટ ઑફ્સ કે માંડવાળ કરવા પડ્યા છે. સરવાળે નેટ નફો સાડાછ ટકા ઘટી ૫૫૬ કરોડ થયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૮૩૪ થઈ ૬ ટકા ગગડીને ૮૩૭ બંધ હતો. IDFC ફર્સ્ટ બૅન્કનો ત્રિમાસિક નફો ૩૨ ટકા ગગડી ૪૬૩ કરોડ નીચે ગયો છે. માઇક્રો ફાઇનૅન્સ બિઝનેસની કઠણાઈને લઈ પ્રોવિઝનિંગ ૬૭ ટકા વધી ૧૬૫૯ કરોડ રહેતાં નફાક્ષમતાને હાનિ થઈ છે. શૅર નીચામાં ૬૯ થઈ ૭૧ નજીકના લેવલે યથાવત્ રહ્યો છે.

લોઢાની મેક્રોટેક ડેવલપર્સનો નફો ૪૨ ટકા વધી ૬૭૫ કરોડ નજીક પહોંચ્યો છે. શૅર છ ટકા લથડીને ૧૨૦૧ બંધ હતો. ઝેન ટેક્નૉલૉજીઝની આવકની સાથે નફો પણ ૩૮ ટકા ઘટી ૪૭૭૫ લાખ નોંધાયો છે. માર્જિન ૪૩.૭ ટકાથી ઘટી ૪૦.૯ ટકા જોવાયું છે. શૅર પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૬૮૮ થયો છે. બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝે ૪૧ ટકાની ખરાબીમાં ૨૮૮ કરોડ નેટ નફો કર્યો છે. માર્જિન ૨૪.૪ ટકાથી ગગડી ૧૮.૩ ટકા રહ્યું છે. શૅર નીચામાં ૨૫૯૬ બતાવી સાધારણ વધીને ૨૬૯૫ ઉપર થયો છે.

GTV એન્જિનિયરિંગ એક શૅરદીઠ બે બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે બે ટકા વધી ૯૫ નજીક બંધ આવ્યો છે. આઇનોક્સ વિન્ડ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવે ૭૮ શૅરદીઠ પાંચના પ્રમાણમાં રાઇટમાં મંગળવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે એક ટકાની નરમાઈમાં ૧૫૭ બંધ હતો. પુનાવાલા ફીનકૉર્પનો નફો ૬૩ ટકા ગગડ્યો છે. પરિણામ ખરાબ આવ્યાં છે, પરંતુ કંપની દ્વારા પ્રમોટર્સની તરફેણમાં શૅરદીઠ ૪૫૨ના ભાવે પ્રેફરન્શિયલ ઇક્વિટી પ્લેસમેન્ટ કરી ૧૫૦૦ કરોડ ઊભા કરવાનો નિર્ણય લેવાયો છે. એના પગલે ભાવ ઉપરમાં ૪૪૫ થઈ ૧.૮ ટકા વધી ૪૨૧ બંધ થયો છે. તાતા કેમિકલ્સનો નફો ૬૮ ટકા વધીને આવતાં શૅર ઉપરમાં ૯૫૭ થયા બાદ ૦.૯ ટકા ઘટી ૯૩૪ રહ્યો છે.

લૌરસ લેબનો નફો ૧૧૫૪ ટકાના ઉછાળામાં ૧૬૩ કરોડ નોંધાયો છે. વધુમાં કંપનીને ફાર્મા ઝોન માટે આંધ્ર પ્રદેશ સરકારે ૫૩૨ એકર જમીન ફાળવી હોવાના અહેવાલ છે. શૅર ૯૦૧ની વિક્રમી સપાટી બનાવી છ ટકાની તેજીમાં ૮૮૯ બંધ થયો છે. કામકાજ ૧૦ ગણું હતું. AGI ઇન્ફ્રામાં નુવામા તરફથી ૧૪૪૮ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ અપાયો છે. કંપનીમાં શૅર વિભાજન માટે ચોથી ઑગસ્ટે બોર્ડ મીટિંગ છે. હાલ ફેસવૅલ્યુ પાંચની છે. શૅર ગઈ કાલે ૧૦૮૫ની નવી ટૉપ બતાવી અડધો ટકો વધી ૧૦૭૩ બંધ થયો હતો. કાર ટ્રેડ ટેકનો નફો ૯૨ ટકા વધતાં શૅર ૨૧ ગણા વૉલ્યુમે ૨૧૪૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૮.૮ ટકા કે ૧૬૭ રૂપિયાના જમ્પમાં ૨૦૬૫ બંધ આપ્યો છે.

લક્ષ્મી ઇન્ડિયાના આઇપીઓમાં લક્ષ્મી આવવા કરતાં જવાના ચાન્સ વધુ

સોમવારે SME સેગમેન્ટમાં ગુજરાતની સાવી ઇન્ફ્રા ૧૦ના શૅરદીઠ ૧૨૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૬ના પ્રીમિયમ સામે ૧૩૬ ખૂલી ૧૪૩ બંધ થતાં ૧૯.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કલકત્તાની સ્વસ્તિકા કાસ્ટલ ૬૫ના ભાવ સામે ઝીરો પ્રીમિયમની તુલનાએ ૬૭ ખૂલી ૬૮ બંધ થતાં ૪.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળે છે. આજે, મંગળવારે પુણેની મોનાર્ક સર્વેયર ૧૦ના શૅરદીઠ ૨૫૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૨૧૦ના તગડા પ્રીમિયમ સામે કેટલો લિસ્ટિંગ ગેઇન આપે છે એ જોવું રહ્યું.

મેઇન બોર્ડમાં બ્રિગેડ હોટેલનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૭૬૦ કરોડ નજીકનો આઇપીઓ ગઈ કાલે કુલ ૪.૮ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં ૧૭થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડતું રહી બે રૂપિયે આવી ગયા પછી હાલમાં ગાયબ થઈ ગયું છે. શાંતિ ગોલ્ડનો ૧૦ના શૅરદીઠ ૧૯૯ના ભાવનો ૩૬૦ કરોડનો ઇશ્યુ મંગળવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં ૪.૮ ગણું છલકાયું છે. ગ્રે માર્કેટમાં ૩૭ પ્રીમિયમ છે. મંગળવારે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ પાંચના શૅરદીઠ ૧૫૮ની અપર બૅન્ડમાં ૨૫૪ કરોડનો ઇશ્યુ કરવાની છે. કંપનીએ ગત વર્ષે ૨૪૮ કરોડની આવક ઉપર ૩૬ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. અગાઉના વર્ષે આવક ૧૭૫ કરોડ અને નફો બાવીસ કરોડ પ્લસનો હતો. કંપનીનું દેવું આ ગાળામાં ૭૬૭ કરોડથી વધી ૧૧૩૭ કરોડ વટાવી ગયું છે. કંપની સ્મૉલ ફાઇનૅન્સ અને MSME ફાઇનૅન્સ બિઝનેસમાં છે. આ સેગમેન્ટની હાલત દિવસે-દિવસે બગડતી જાય છે. ઇશ્યુમાં રોકાણ કરનાર માટે લક્ષ્મી આવવાના બદલે જવાના ચાન્સ વધુ દેખાય છે. ગ્રે માર્કેટમાં ૧૮થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી હાલ ૧૦ છે. નવી દિલ્હી ખાતેની આદિત્ય ઇન્ફોટેક એક રૂપિયાના શૅરદીઠ ૬૭૫ની અપર બૅન્ડ સાથે ૧૩૦૦ કરોડનો ઇશ્યુ આજે કરશે. એમાંથી ઑફર ફૉર સેલ પેટે ૫૦૦ કરોડ પ્રમોટર્સ એમકા પરિવારના ઘરમાં જશે. કંપનીના નામમાં ઇન્ફોટેક છે, પણ એને આઇટી સાથે નિસબત નથી. એનો ધંધો વિડિયો સિક્યૉરિટી અને સર્વિલિયન્સ પ્રોડક્ટ્સ બનાવવાનો છે. સાદી ભાષામાં કહીએ તો CCTV બનાવીને વેચે છે. કંપનીએ ગત વર્ષે અગાઉના ૨૭૯૬ કરોડની સામે ૩૧૨૩ કરોડ આવક મેળવી ૧૧૫ કરોડના મુકાબલે ૨૦૫ ટકા વધુ, ૩૫૧ કરોડ નેટ પ્રૉફિટ બતાવી દીધો છે. દેવું ૪૧૩ કરોડનું છે. કંપનીના નફામાં ગત વર્ષે જે ૨૦૫ ટકા વૃદ્ધિ થઈ છે એ હકીકતમાં આભાસી છે. ફાયર ઇન્શ્યૉરન્સ ક્લેમ પેટે મળેલી ૨૪૯ કરોડની વન-ટાઇમ અસાધારણ આવક બાદ કરો તો ગત વર્ષનો નફો ખરેખર ૧૦૨ કરોડ બેસે છે. ડિક્સન ટેક્નૉલૉજીઝ તેના બ્રૅન્ડ નેઇમથી જે CCTV અને સિક્યૉરિટી સિસ્ટમ્સ બનાવે છે એ ડિક્સન ટેક્નૉલૉજીઝ પ્રાઇવેટ લિમિટેડ એ ડિક્સન અને આદિત્ય ઇન્ફોટેકનું સંયુક્ત સાહસ છે એટલે ડિક્સન સાથેના સહયોગને વટાવી આવી કંપની અતિ ઊંચા ભાવે આઇપીઓ લાવી રહી હોય એમ લાગે છે, પરંતુ આ સંયુક્ત સાહસનો ૫૦ ટકા હિસ્સો વેચી ડિક્સન ટેક્નૉલૉજીઝ એમાંથી એક્ઝિટ કરી રહી છે. બદલામાં આદિત્ય ઇન્ફોટેકમાં સાડાછ ટકા હિસ્સો લેવાની છે જે તે ગમે ત્યારે વેચી શકે છે. ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા અને રીટેલ પોર્શન ૧૦ ટકા છે. બાય ધ વે, આદિત્ય ઇન્ફોટેક તેની પ્રોડક્ટ્સ સીપી પ્લસ બ્રૅન્ડથી વેચે છે. તેનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર સલમાન ખાન છે. વન ટાઇમ ગેઇન બાદ કરતાં ગત વર્ષના કમાણીના આધારે કંપનીના શૅરની ઇશ્યુ પ્રાઇસ આશરે ૯૭નો પીઈ સૂચવે છે. CCTVનો ધંધો કરતી કંપનીને આટલો ભાવ ન અપાય. ગ્રે માર્કેટમાં ૨૨૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૨૨૦ જેવું બોલાય છે.

SME સેગમેન્ટના ચાલુ ત્રણ ભરણાં બીજા દિવસના અંતે કેટલાં ભરાયાં એ જોઈએ તો શ્રી રેફ્રિજરેશન અત્યાર સુધીમાં કુલ ૧૯.૮ ગણો, પટેલ કેમ સ્પેશ્યલિટી ૧૮.૭ ગણો અને સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ ૪.૧ ગણો ભરાઈ ગયો છે. હાલ શ્રી રેફ્રિજરેશન્સમાં ૯૦, સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૮ તથા પટેલ કેમમાં ૪૦ પ્રીમિયમ ચાલે છે. સોમવારે ખૂલેલી ઉમિયા મોબાઇલનો શૅરદીઠ ૬૬ના ભાવનો ૨૪૮૮ લાખનો ઇશ્યુ કુલ ૧૫ ટકા તથા રિપોનો લિમિટેડનો શૅરદીઠ ૯૬ના ભાવનો ૨૬૬૮ લાખનો ઇશ્યુ ૪ ગણો ભરાયો છે. હાલ રિપોનોમાં ૨૧ તથા ઉમિયામાં ઝીરો પ્રીમિયમ છે. મંગળવારે કીટેક્સ ફૅબ્રિક્સ ૧૦ના શૅરદીઠ ૧૮૦ની અપર બૅન્ડમાં ૬૯૮૧ લાખનો SME ઇશ્યુ કરવાની છે. અત્યારે પચીસ પ્રીમિયમ સંભળાય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2025 08:37 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK