17 years of TMKOC: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ભૂતપૂર્વ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ ફરી એકવાર મેકર્સ પર ગંભીર આરોપ મુક્યા છે, ઓરિજનલ `શ્રીમતી રોશન સોઢી`એ બે અભિનેત્રીઓ સાથે થતા જુદા-જુદા વર્તન પર પ્રકાશ પાડ્યો
જેનિફર મિસ્ત્રી બંસીવાલ, દિશા વાકાણી
ભારતીય ટેલિવિઝન (Indian Television)ની સૌથી લોકપ્રિય સિરિયલોમાંની એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ૧૭ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. ભારતીય ટેલિવિઝનના સૌથી લાંબા સમયથી ચાલતા સિટકોમમાંની એક, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં તેના પ્રારંભના ૧૭ સફળ વર્ષોની ઉજવણી કરી. આટલા વર્ષો પછી પણ, આ શો TRP ચાર્ટમાં આગળ છે, દર્શકો કાલ્પનિક `ગોકુલધામ સોસાયટી`ના હળવા-મળકાટભર્યા કિસ્સાઓનો આનંદ માણી રહ્યાં છે. જોકે, આ હાસ્ય પાછળ અનેક વિવાદો પણ છુપાયેલા છે. કારણ કે શોના ભૂતપૂર્વ કલાકારોએ કેમેરાની બહારના મુદ્દાઓ પર અનેકવાર પ્રકાશ પાડ્યો છે, જેને કારણે છેલ્લા કેટલાક સમયથી સિરિયલ ચર્ચામાં જ રહે છે. તાજેતરમાં ઓરિજનલ `શ્રીમતી રોશન સોઢી` (Mrs Sodhi) એટલે કે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal)એ, નિર્માતાઓ દ્વારા બે એક્ટ્રેસ વચ્ચે થતા ભેદભાવ અને બન્ને સાથે મેકર્સ દ્વારા થતા જુદા વર્તનો પર ભાર મુક્યો છે. સિરિયલના આઇકોનિક કૅરેક્ટર `દયાબેન` (Dayaben) એટલે કે અભિનેત્રી દિશા વાકાણી (Disha Vakani) સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું હતું અને તેની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું તે બાબત પર પ્રકાશ પાડ્યો છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે તાજેતરમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર કલાકારો સાથે થતા વર્તન વચ્ચેના સ્પષ્ટ તફાવતો વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ વર્ષ ૨૦૨૩માં કાયમ માટે શોને અલવિદા કહ્યું તે પહેલા પણ વ્યક્તિગત કારણોસર અનેકવાર એન્ટ્રી કે એક્ઝિટ લીધી છે. એક ઇન્ટવ્યુમાં વાત કરતા, જેનિફરે યાદ કર્યું કે કેવી રીતે ગર્ભાવસ્થા દરમિયાન, તેણે શોમાં તેની ભૂમિકા જાળવી રાખવા માટે નિર્માતાઓને વિનંતી કરી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહતો. જોકે જેનિફરનો દાવો છે કે, ૨૦૧૭માં દિશા વાકાણીને તેની પ્રસૂતિ રજા પછી પાછા ફરવા માટે તે જ નિર્માતાઓ તેને વિનંતી કરી હતી, એટલું જ નહીં ઘૂંટણિયે પડી ગયા હતા. જોકે, તેમની અનેક વિનંતીઓ છતાં, અભિનેત્રી ક્યારેય પાછી આવી નહીં.
ADVERTISEMENT
જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું કે, ‘હું મારા ગર્ભાવસ્થાના દિવસોમાં વિનંતી કરી રહી હતી કે, હું પાછી ફરવા માંગુ છું. લોકો દિશા સામે વિનંતી કરી રહ્યા હતા, તેઓ ઘણા સમયથી તેની સામે વિનંતી કરી રહ્યા હતા અને હાથ પગ જોડતા હતા. દિશાના ડિલિવરી પછી, બધું પછી, ખૂબ વિનંતી કરી હતી પણ તે આવી નહીં.’
શોના ટોક્સિક વાતાવરણ અને ચોક્કસ કલાકારો સાથે નિર્માતાઓના પક્ષપાતી વર્તન સામે પણ જેનિફર મિસ્ત્રી બંસીવાલે વાત કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું સેટ પરનું વાતાવરણ ટોક્સિક છે અને શું આ જ કારણ છે કે દિશા વાકાણીએ શોથી પોતાને દૂર કરી, તો જેનિફરે ખુલાસો કર્યો, ‘જ્યારે તેને સીડી ચઢવાની હતી, ત્યારે તેના માટે સ્ટ્રેચર જેવું કંઈક હતું, જેના પર તેને ઉપર લઈ જવામાં આવતી હતી. કારણ કે અમારે ઉપરના માળે એક આંતરિક ભાગમાં શૂટિંગ કરવાનું હતું અને તેને સીડી ચઢવાની મનાઈ હતી. તેને બધી સુવિધા અપાતી હતી.’
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી દિશા વાકાણી જેણે આઇકોનિક `દયાબેન`નું પાત્ર ભજવ્યું છે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સૌથી પ્રિય પાત્રોમાંની એક હતી. અભિનેત્રીએ નવેમ્બર ૨૦૧૫માં લગ્ન કર્યા અને ૨૦૧૭માં તેણીના પહેલા બાળકને જન્મ આપ્યો. ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં કામ કર્યા પછી પણ, દિશાએ સપ્ટેમ્બર ૨૦૧૭માં શો છોડી દીધો અને ક્યારેય પાછી ફરી નહીં.
માર્ચ ૨૦૨૩માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દેનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે અગાઉ નિર્માતા અસિત કુમાર મોદી (Asit Kumarr Modi) પર અયોગ્ય ટિપ્પણી કરવાનો અને વર્ષોથી જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેણીના આરોપોને કારણે મોદી સાથે કાનૂની લડાઈ શરૂ થઈ હતી, જે ફેબ્રુઆરી ૨૦૨૫માં પૂર્ણ થઈ હતી, જેમાં કોર્ટે જેનિફરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અસિત કુમાર મોદીને જેનિફરના બાકી લેણાં ચૂકવવાનો આદેશ આપ્યો છે અને જાતીય સતામણી માટે ૫ લાખ રૂપિયાનું વધારાનું વળતર પણ ચૂકવવાનું કહ્યું છે, જેનાથી કુલ ચૂકવવાપાત્ર રકમ ૨૫ લાખ રૂપિયા થઈ ગઈ છે. જોકે, જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે હજી પણ તેના બાકી લેણાંની રાહ જોઈ રહી છે.

