વધુ બે કંપનીઓ SME મંચ પર લિસ્ટ થઈ છે જેમાં ગુજરાતની એબ્રિલ પેપર ટેક લિમિટેડ અને દિલ્હીની સગ્સ લૉઇડ લિમિટેડનો સમાવેશ થાય છે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) પર સતત એક પછી એક કંપની લિસ્ટિંગ માટે આવતી રહી છે. ખાસ કરીને છેલ્લા અમુક મહિનાથી SME મંચ સક્રિય થતો જાય છે. તાજેતરમાં વધુ બે કંપનીઓ અહીં લિસ્ટ થઈ છે જેમાં ગુજરાતની એબ્રિલ પેપર ટેક લિમિટેડ અને દિલ્હીની સગ્સ લૉઇડ લિમિટેડનો સમાવેશ થાય છે.
એબ્રિલ પેપર
ADVERTISEMENT
સુરતમાં હેડ ઑફિસ ધરાવતી એબ્રિલ પેપર ટેક લિમિટેડ સબલિમેશન હીટ ટ્રાન્સફર પેપર અને એને સંબંધિત પ્રોડક્ટ્સના ઉત્પાદન અને માર્કેટિંગનું કામકાજ કરે છે જેનો ઉપયોગ કપડાં, કાપડ અને પ્રિન્ટિંગ ઉદ્યોગોમાં વ્યાપકપણે થાય છે. કંપની ૩૦, ૭૬, ૭૫ અને ૯૦ ગ્રામ પર સ્ક્વેર મીટર (GSM) સહિત વિવિધ GSMના સબલિમેશન હીટ ટ્રાન્સફર પેપરનું ઉત્પાદન કરવામાં અગ્રણી છે. કંપનીએ ૨૨.૦૦ લાખ નવા ઇક્વિટી શૅર ૬૧ રૂપિયાના ભાવે ઑફર કરી ૧૩.૪૨ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.
સગ્સ લૉઇડ
દિલ્હીમાં હેડ ઑફિસ ધરાવતી સગ્સ લૉઇડ લિમિટેડ રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં કાર્યરત છે જેમાં મુખ્યત્વે સૌર ઊર્જા, વિદ્યુત ટ્રાન્સમિશન અને વિતરણ તથા સિવિલ EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ ઍન્ડ કન્સ્ટ્રક્શન) પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. કંપની પાવર ટ્રાન્સમિશન અને વિતરણ માળખાના વિકાસ, પાવર સબ-સ્ટેશનનું બાંધકામ અને હાલની પાવર સિસ્ટમ્સના નવીનીકરણ, અપગ્રેડિંગ અને ફેરફાર સહિત વિવિધ સેવાઓ પૂરી પાડે છે. કંપની વિવિધ વીજળી ડિસ્કૉમ (વિતરણ કંપનીઓ)ને ફોલ્ટ પૅસેજ ઇન્ડિકેટર્સ, ઑટો રીક્લોઝર અને સેક્શનલાઇઝરનો ઉપયોગ કરીને આઉટેજ મૅનેજમેન્ટ સૉલ્યુશન્સ (OMS) માટે ઉકેલ પૂરા પાડવાનું કામકાજ પણ કરે છે. કંપનીએ ૬૯.૬૪ લાખ નવા ઇક્વિટી શૅર શૅરદીઠ ૧૨૩ રૂપિયાના ભાવે ઇશ્યુ કરી ૮૫.૬૬ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.

