કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા મુખ્ય મહેમાન
મંગલ પ્રભાત લોઢા
વિશ્વશાંતિના સંદેશ અને જૈન સમાજની એકતાના પ્રતીક રૂપે રવિવારે ૧૪ સપ્ટેમ્બરે દક્ષિણ મુંબઈમાં ૨૦૦થી વધુ જૈન સંઘોની એક ઐતિહાસિક રથયાત્રા યોજાશે અને એનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર સરકારના કૅબિનેટ પ્રધાન અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢાના હસ્તે થશે. સી. પી. ટૅન્કથી સવારે ૯ વાગ્યે શરૂ થનારી આ શોભાયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈને ગોવાલિયા ટૅન્ક ખાતે સમાપ્ત થશે. આશરે એક લાખ જૈન શ્રદ્ધાળુઓને આવરી લેતી આ સામૂહિક રથયાત્રાનું આયોજન શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
શ્રી મુંબઈ જૈન સંઘના અધિકારી મુકેશ જૈને જણાવ્યું હતું કે ‘દક્ષિણ મુંબઈના ૨૦૦થી વધુ જૈન સંઘોની આ રથયાત્રામાં ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓથી શણગારેલા રથ, ભગવાન મહાવીરસ્વામીની ૨૦ ફુટ ઊંચી પ્રતિમા, ૪૦૦ સાધુ-સાધ્વીજીઓ અને હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભક્તિસંગીત માટે પંદરથી વધુ ધાર્મિક બૅન્ડ અને ૫૫ ધાર્મિક ફિલ્મો ખાસ આકર્ષણ રહેશે. આ રથયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા હાજર રહેશે.’ આયોજકોનું કહેવું છે કે આ રથયાત્રા શ્રદ્ધા, શિસ્ત અને વિશ્વ ભાઈચારાનું અનોખું પ્રતીક બનશે જેમાં હજારો શ્રાવકો-શ્રાવિકાઓ ભક્તિભાવથી ભાગ લેશે. ભક્તિનો આ ઉત્સવ રવિવારે સવારે ૯ વાગ્યે દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્કથી શરૂ થશે. ત્યાર બાદ આ યાત્રા સિક્કાનગર, ખેતવાડી, પ્રાર્થના સમાજ, ઑપેરા હાઉસ, ગાંવદેવી, ઑગસ્ટ ક્રાન્તિ મેદાન, મથુરાદાસ હૉલથી શરૂ થઈને ગોવાલિયા ટૅન્કમાં પૂર્ણ થશે એવું આશિષ શાહે જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ ઉપરાંત ભગવાન મહાવીરસ્વામીના ૨૫૫૧મા નિર્વાણ મહોત્સવની ઉજવણી માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા દરમ્યાન પુષ્પવર્ષા, ધાર્મિક સંદેશાઓ અને સ્વામી વાત્સલ્ય એટલે કે સામૂહિક ભોજનનું આયોજન પણ કરવામાં આવશે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના વીરેન્દ્ર શાહ, ઘેવરચંદ બોહરા, નીતિન વોરા, રાકેશ શાહ, જયેશભાઈ લબ્ધિ અને અન્ય કાર્યકરો યાત્રાને ઐતિહાસિક બનાવવા માટે કાર્યરત છે.

