Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની કૉલેજ-ગર્લના આ અદ્ભુત પેઇન્ટિંગને ભારત સરકાર તરફથી મળ્યા કૉપીરાઇટ

ગુજરાતની કૉલેજ-ગર્લના આ અદ્ભુત પેઇન્ટિંગને ભારત સરકાર તરફથી મળ્યા કૉપીરાઇટ

Published : 13 September, 2025 11:08 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

સ્નેહા વસાવાએ કૅન્વસ પર ગોબર અને લાલ માટી લીંપીને રંગને બદલે ચોખાના લોટથી બનાવી ‘જર્ની ટુ ધ મૂન, ચંદ્રયાન ૩ ઇન વારલી આર્ટ’ શીર્ષક ધરાવતી કલાકૃતિ

ચંદ્રયાન 3ના વારલી પેઇન્ટિંગ સાથે સ્નેહા વસાવા અને કૉલેજનાં પ્રિન્સિપાલ  ડૉ. અનિલા પટેલ

ચંદ્રયાન 3ના વારલી પેઇન્ટિંગ સાથે સ્નેહા વસાવા અને કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. અનિલા પટેલ


મધ્ય ગુજરાતના દેડિયાપાડામાં આવેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં વારલી આર્ટ શીખેલી સ્નેહા વસાવાએ ગોબર અને લાલ માટી તેમ જ રંગને બદલે ચોખાનો લોટ વાપરીને વારલી શૈલીમાં બનાવેલી દર્શનીય કલાકૃતિ ‘જર્ની ટુ ધ મૂન, ચંદ્રયાન 3 ઇન વારલી આર્ટ’ને ભારત સરકારની કૉપીરાઇટ ઑફિસે કૉપીરાઇટની માન્યતા આપી છે.  


કૉલેજ-ગર્લ સ્નેહા વસાવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેડિયાપાડાની કૉલેજમાં હું બૅચરલ ઇન આર્ટ્સમાં અભ્યાસ કરતી હતી ત્યારે અમારી કૉલેજ અભ્યાસની સાથોસાથ ઇતર પ્રવૃત્ત‌િ પણ કરાવતી હતી જેથી વિદ્યાર્થીઓ બેરોજગાર બેસી ન રહે. એમાં હું વારલી આર્ટ શીખી હતી. ચંદ્રયાન ૩ લૉન્ચ થયું એની મને ખબર હતી એટલે મારા મનમાં વિચાર આવ્યો કે ચંદ્રયાનની કૃતિ વારલી આર્ટમાં બનાવું, પણ મેં એ પેઇન્ટિંગ અલગ રીતે અને પરંપરાગત રીતે બનાવવાનું નક્કી કર્યું. અગાઉના સમયમાં કાચા લીંપણનાં ઘર હતાં અને ચોખાથી વારલી આર્ટ-વર્ક કરતા હતા એટલે એ પ્રમાણે પેઇન્ટિંગ બનાવવાનું નક્કી કર્યું હતું. ચંદ્રયાન 3નું પેઇન્ટિંગ વિચારીને લાલ માટી અને ગાયનું ગોબર લઈને એમાં થોડો ગુંદર ઉમેરીને કૅન્વસ પર એનું લીંપણ કર્યું અને એ પેઇન્ટિંગમાં કલરનો ઉપયોગ નથી કર્યો, પણ એને બદલે ચોખાનો લોટ લઈને એમાં થોડો ગુંદર મિક્સ કરીને સફેદ કલર બનાવ્યો. ૨૦X૨૦ ઇંચના કૅન્વસ પર પરંપરાગત વારલી આર્ટમાં ચંદ્રયાનનું પેઇન્ટિંગ બનાવ્યું. આ પેઇન્ટિંગ બનાવતાં મને એક અઠવાડિયું લાગ્યું હતું. કેમ કે માટી અને ગોબરના લીંપણને સુકાતાં વાર લાગતી હતી. બીજું એ કે પેઇન્ટિંગમાં નિખાર લાવવા માટે પાંચથી છ વાર લેપ કરવો પડ્યો હતો. કૉલેજનાં અમારાં પ્રિન્સિપાલ ડૉ. અનિલા પટેલ તેમ જ અન્ય પ્રોફેસર્સ અને પેઇન્ટિંગ શીખવનાર કાંતિલાલસાહેબે મને પ્રોત્સાહિત કરી હતી. મારા પ્રોફેસરે કૉપીરાઇટ માટે મને કહ્યું અને એ માટે મેં અરજી કરી હતી. મને જ્યારે આ પેઇન્ટિંગના કૉપીરાઇટ માટે માન્યતા મળી ત્યારે માન્યામાં નહોતું આવતું, પણ હું બહુ ખુશ થઈ હતી.’



સ્નેહા બૅચરલ ઇન આર્ટ્સમાં અભ્યાસ પૂરો કરીને હાલમાં વાલિયામાં આવેલી નવચેતન મહિલા કૉલેજમાં ઇકૉનૉમિક સબ્જેક્ટ સાથે માસ્ટર ઇન આર્ટ્સના પહેલા વર્ષમાં અભ્યાસ કરી કરી રહી છે. દેડિયાપાડાની કૉલેજમાં અભ્યાસની સાથોસાથ કરાવવામાં આવતી ઇતર પ્રવૃત્તિમાં જોડાઈને સ્નેહા વસાવાએ પરંપરાગત વારલી આર્ટમાં એવું કામ કર્યું કે તેના પેરન્ટ તેમ જ કૉલેજનો સ્ટાફ અને મિત્રોએ સરાહના કરીને તેને અભિનંદન આપ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2025 11:08 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK