એમાં ૪૧ શ્રાવકો-શ્રાવિકાઓએ પોતે સંયમપંથે જઈ રહ્યાં હોય એ રીતે માથાના વાળના લોચ જેવી દીક્ષાની બધી જ વિધિઓની આબેહૂબ રજૂઆત કરી : ઘાટકોપરમાં ગારોડિયાનગરના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘનું આયોજન
સંયમજીવનમાં પ્રવેશતાં પહેલાંની કંકુછાંટણાં, દીક્ષાપત્રિકા વિમોચન અને અર્પણની ચાલી રહેલી વિધિ
જૈનોમાં પૌષધ તપ અને ઉપધાન તપને મિની સાધુજીવન કહેવાય છે. એમાં જૈન શ્રાવકો-શ્રાવિકાઓ એક દિવસ માટે કે ૪૭ દિવસ માટે જૈનોના ઉપાશ્રયમાં રહીને સાધુની જેમ ધાર્મિક ક્રિયાઓ કરીને જીવન જીવે છે અને ચારિયનું પાલન કરે છે. જોકે ઘાટકોપરમાં ગારોડિયાનગરના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘમાં પર્યુષણ પર્વ દરમ્યાન બે દિવસ ‘બે ઘડી સંયમનો અહેસાસ’ કાર્યક્રમ અંતર્ગત ૪૧ શ્રાવકો-શ્રાવિકાઓએ જાણે પોતે સંયમપંથે જઈ રહ્યાં હોય એવી રીતે માથાના વાળના લોચ જેવી દીક્ષાની બધી જ વિધિઓની આબેહૂબ રજૂઆત કરીને જનમેદનીને સંયમજીવનની અનુભૂતિ કરાવી હતી. આ કાર્યક્રમ ચાતુર્માસ માટે બિરાજમાન પૂજ્ય સંયમીબાઈ મહાસતીજીના નેજા અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
પર્યુષણ પર્વ દરમ્યાન આયોજિત ‘બે ઘડી સંયમનો અહેસાસ’ કાર્યક્રમમાં જાણે દીક્ષાનો પ્રસંગ ઊજવાઈ રહ્યો હોય એવી રીતે ૪૧ શ્રાવકો-શ્રાવિકાઓની સ્વસ્તિક, કંકુછાંટણાં, દીક્ષાપત્રિકા વિમોચન અને અર્પણ, વિજયતિલક તેમ જ સાધુજીવનની મહત્ત્વની માથાના વાળના લોચ અને રજોહરણ અર્પણ કરવા જેવી બધી જ વિધિઓ કરવામાં આવી હતી. માથાના વાળના લોચની વિધિમાં ખરેખર અમુક વાળનો લોચ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે આ બધાં જ શ્રાવકો-શ્રાવિકાઓ સાધુવેશમાં હાજર થયાં હતાં. તેમનાં નામ-પરિવર્તન કરીને તેમની રાશિ સાથે મૅચ થાય એવાં શુભ આત્માંશમુનિ અને શુભ જિનાંશમુનિ જેવાં સાધુનામ આપવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમણે નૂતન દીિક્ષતની દૈનિક ક્રિયાઓ પ્રદર્શિત કરીને પ્રવચન આપ્યાં હતાં. આ બે દિવસના દીક્ષા-પ્રસંગને સેંકડો લોકોએ મન ભરીને માણ્યો હતો.
ADVERTISEMENT
આ પ્રસંગની માહિતી આપતાં સંઘના ઉપપ્રમુખ અને એક દિન કા સાધુ બનેલા હરીશ શાંતિલાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આ પ્રસંગની રજૂઆત કરવા માટે મહાસતીજીએ પ્રોત્સાહિત કર્યા હતા. સંયમજીવન અને સંયમપંથ માટે જાગૃતિ લાવવાનું કામ આવા લાઇવ કાર્યક્રમોથી શક્ય બને છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં મહિલાઓ અગ્રસ્થાને રહેતી હોય છે, પણ બે દિવસના આ પ્રસંગમાં ૩૦થી ૫૦ વર્ષના ૯ પુરુષોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ સંગીતમય પ્રસંગમાં સંયમીબાઈ મહાસતીજી દ્વારા સ્વરચિત પૉપ્યુલર ધૂન પર ભાવવાહી સ્તવનોએ દરેક પ્રસંગમાં પ્રાણ પૂર્યા હતા. લગભગ ૧૧૦૦થી વધુ ભાવિકોએ આ કાર્યક્રમને બે દિવસ સુધી માણ્યો હતો. રેગ્યુલર દીક્ષાપ્રસંગની જેમ જ આ પ્રસંગમાં પણ રજોહરણ અને નામકરણ વિધિની ઉછામણી બોલાવવામાં આવી હતી જેને જબરો પ્રતિસાદ મળ્યો હતો.’
‘બે ઘડી સંયમનો અહેસાસ’ કાર્યક્રમનાં રચયિતા અને ડિરેક્ટર સંયમી મહાસતીજી
આ કાર્યક્રમનાં રચયિતા, અર્પિતા, ડિરેક્ટર, સિંગર, ઍન્કર સંયમી મહાસતીજી હતાં. સંયમી મહાસતીજીએ કાર્યક્રમની સફળતાનું શ્રેય ઝંખનાજીસ્વામી અને સ્વસ્તિકસ્વામીને આપતાં કહ્યું હતું કે ‘તે બન્ને મારા પ્રેરણાદાતા છે. તેમના આશીર્વાદ અને સહકારને કારણે જ હું આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવામાં સફળ રહી છું.’
‘બે ઘડી સંયમનો અહેસાસ’નો ૧૧મો પ્રયોગ
‘બે ઘડી સંયમનો અહેસાસ’ કાર્યક્રમને સૌથી પહેલાં ૨૦૧૮માં બોરીવલીના વર્ધમાન જૈન સંઘના ઉપાશ્રયમાં સંયમી મહાસતીજીના અથાગ પુરુષાર્થ અને કલ્પનાશક્તિથી તૈયાર કરવામાં આવ્યો હતો. એને પૂજ્ય ઝંખનાશ્રી મહાસતીજી અને સ્વસ્તિકુમારી મહાસતીજીએ સંયમી મહાસતીજીના નામ પર જ ‘બે ઘડી સંયમનો અહેસાસ’ નામ આપ્યું. સંયમી મહાસતીજીનો ઘાટકોપરના ગારોડિયાનગર સંઘમાં આ ૧૧મો સફળ પ્રયોગ રહ્યો છે. આ કાર્યક્રમ એટલો બધો પ્રચલિત થયો છે કે ઘણાં સંતો-મહાસતીઓ શ્રાવિકા બહેનોને બોલાવીને આ કાર્યક્રમ કરાવે છે અને એના માધ્યમથી જિનશાસનની પ્રભાવના કરી રહ્યાં છે. સંયમી મહાસતીજી અને તેમની સાથે ગારોડિયાનગરમાં ચાતુર્માસ માટે બિરાજમાન પૂજ્ય ઝંખનાજી મહાસતીજી કહે છે, ‘જે રીતે આ કાર્યક્રમને પ્રસિદ્ધિ મળી રહી છે એનાથી અમને અત્યંત આનંદ થઈ રહ્યો છે. અમને લાગે છે કે સંયમીશ્રી મહાસતીજીની મહેનત લેખે લાગી છે. તેમનો આ કાર્યક્રમ રજૂ કરવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે જેમ લોકોને લગ્નની વિધિની સમજ હોય છે એવી જ રીતે સૌને સંયમની વિધિની પણ સમજણ હોવી જરૂરી છે. આ વિધિ કરતાં-કરાવતાં અને એની અનુમોદના કરતાં બધાના મનના ભાવ ઊંચા થાય. આ સમયે જો કોઈનું આયુષ્ય બંધન થાય તો તે ચોક્કસ શુભગતિમાં જ થાય. હમણાંના આ કળિયુગના ફાસ્ટ જીવન અને જમાનામાં ભૌતિક સાધનો દ્વારા શુભ ભાવ લાવવા ખૂબ જ અઘરા છે. જોકે આવા કાર્યક્રમની રજૂઆતથી અને આ માધ્યમથી જીવનમાં પરિવર્તન લાવવું ખૂબ જ સરળ બની જાય છે. આવા કાર્યક્રમમાં ભાગ લઈને કે જોતાં-જોતાં સંયમ પ્રત્યેનો અહોભાવ જાગે, સંયમ મારે એક વાર લેવો જ છે એવા સંસ્કારનું સિંચન થાય અને આજનો માનવી ધર્મને સન્મુખ થાય એવા શુભ ભાવોથી જ આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.’

