પતિથી છૂટા પડ્યા બાદ શોભના સમર્થ અભિનય ઉપરાંત ફિલ્મમેકિંગમાં પ્રવૃત્ત હતાં. શોભના ફિલ્મ્સના નેજા હેઠળ તેઓ ફિલ્મોનું નિર્માણ કરતાં હતાં. એ સમયગાળામાં નૂતનની જે કમાણી હતી એ કંપનીમાં જમા થતી અને એમાંથી નૂતનને ૩૦ ટકા હિસ્સો મળતો.
નૂતન
અભિનયકુશળ અભિનેત્રી નૂતનનું બીજું જમા પાસું હતું તેનો સુરીલો કંઠ. દુર્ભાગ્યવશ એની વિશેષ નોંધ લેવાઈ નથી. નાનપણમાં નૂતને પંડિત જગન્નાથ પ્રસાદ પાસેથી લાંબા સમય સુધી શાસ્ત્રીય સંગીતની વિધિસર તાલીમ લીધી હતી એટલું જ નહીં, નૂતનની ઇચ્છા મોટા થઈને પ્લેબૅક સિંગર બનવાની હતી.
નૂતને સૌપ્રથમ પોતાના જ સ્વરૂપને પ્લેબૅક આપ્યું ૧૯૫૧માં ફિલ્મ ‘હમારી બેટી’માં. ગીત હતું ‘તુઝે કૈસા દુલ્હા ભાયે રે’. ત્યાર બાદ તેના સ્વરમાં ૧૯૫૬માં ‘છબીલી’માં ‘અય મેરે હમસફર’ અને ‘લહરોં પે લહેર, ઉલ્ફત હૈ જવાં’ (હેમંતકુમાર સાથે) રેકૉર્ડ થયાં અને બેહદ લોકપ્રિય થયાં. આ ગીતોના સંગીતકાર હતા સ્નેહલ ભાટકર. ત્યાર બાદ ૧૯૮૪માં ફિલ્મ ‘મયૂરી’માં ચાર સ્વલિખિત ગીતોને નૂતને કંઠ આપ્યો હતો. સંગીતકાર હતા કનુ રૉય.
મધુબાલાથી લઈને માધુરી દીક્ષિત સહિત દરેક અભિનેત્રી ઇચ્છતી હતી કે પોતાને લતા મંગેશકરનું પ્લેબૅક મળે. લતાજીએ એક ઇન્ટરવ્યુમાં નૂતન કુશળ ગાયિકા હતી એનું પ્રમાણપત્ર આપ્યું હતું. ‘અમુક અભિનેત્રીઓ પડદા પર મારાં ગીત ગાતી હોય ત્યારે કેવળ હોઠ ફફડાવતી. એ જોઈ મને ઘણો ગુસ્સો આવતો. ગીત નીચા સ્વરમાં ગવાતું હોય કે ઊંચા, તેમના ચહેરા પરના હાવભાવ ન બદલાય. આ બાબતમાં હું નૂતનને અવ્વલ નંબર આપું. ‘મન મોહના બડે જૂઠે, હાર કે હાર નહીં માને’ (સીમા) ગાતી નૂતનને તમે પડદા પર જુઓ તો એમ જ લાગે કે હું નહીં, નૂતન ગાઈ રહી છે. તેની ગળાની નસોનું ફૂલી જવું એ સાબિત કરે છે કે તે સંગીતની જાણકાર છે. તેનો ચહેરો મારા સ્વરનું સાક્ષાત્ સ્વરૂપ છે.’
‘બંદિની’ની બેસુમાર સફળતા બાદ નૂતન પોતાની રીલ લાઇફ અને રિયલ લાઇફ વચ્ચે સંતુલન જાળવી આગળ વધતી હતી, પરંતુ કિસ્મતના ખેલ અપ્રત્યાશિત હોય છે. અચાનક એક ઘટના એવી બની કે જે પુત્રી પોતાની માતાનો આંખનો તારો હતી તે માતાની આંખમાં ખટકવા લાગી.
પતિથી છૂટા પડ્યા બાદ શોભના સમર્થ અભિનય ઉપરાંત ફિલ્મમેકિંગમાં પ્રવૃત્ત હતાં. શોભના ફિલ્મ્સના નેજા હેઠળ તેઓ ફિલ્મોનું નિર્માણ કરતાં હતાં. એ સમયગાળામાં નૂતનની જે કમાણી હતી એ કંપનીમાં જમા થતી અને એમાંથી નૂતનને ૩૦ ટકા હિસ્સો મળતો. તેનાં લગ્ન બાદ પણ આ વ્યવસ્થા ચાલતી રહી. એક દિવસ શોભના સમર્થ પર ઇન્કમ ટૅક્સની નોટિસ આવી અને બાકી રહેતી ટૅક્સની મોટી રકમ દંડ સાથે ભરવાનું કહેવામાં આવ્યું.
શોભના સમર્થે નૂતનને કહ્યું કે તું આ રકમ ભરી દે. નૂતને જવાબ આપ્યો કે કંપનીની કમાણીમાં મારો હિસ્સો કેવળ ૩૦ ટકા છે એટલે હું એટલી રકમ આપી શકું. ત્યારે માતાએ દલીલ કરી કે અત્યારે મારી હાલત સારી નથી એટલે તું જ પૂરા પૈસા ભરી દે. નૂતને ચોખ્ખી ના પાડી દીધી. વાત એટલી હદ સુધી વણસી કે મામલો કોર્ટમાં ગયો અને લાંબો સમય ચાલ્યો.
દુનિયાનો નિયમ છે કે લોકો પોતે ન્યાયાધીશ બનીને એક અથવા બીજા પક્ષને દોષી ગણીને ફેંસલો આપતા હોય છે. કોઈએ માતાને તો કોઈએ પુત્રીને ગુનેગાર ઠરાવી. કહેવત છેને કે ગામને મોઢે ગરણું ન બંધાય. સંવેદનશીલ નૂતન માટે આ સઘળું પીડાદાયક હતું છતાં તે અડગ રહી. કેસ લાંબો ચાલ્યો. લગભગ ૨૦ વર્ષ સુધી મા-બેટી વચ્ચે બોલવાનો વ્યવહાર પણ ન રહ્યો.
‘બંદિની’ બાદ નૂતનની યાદગાર ફિલ્મો હતી ‘ખાનદાન’, ‘દિલને ફિર યાદ કિયા’, ‘દુલ્હન એક રાત કી’, લાટ સાબ’, ‘મિલન’ (ફિલ્મફેર અવૉર્ડ) અને ‘સરસ્વતીચંદ્ર’. લાંબું કદ, સાંવલી સૂરત, લંબગોળ ચહેરો અને એકવડી કાયા - નૂતન માટે આ વસ્તુઓ નેગેટિવ નહીં પણ પૉઝિટિવ પૉઇન્ટ હતા. પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન નૂતને ક્યારેક છેલછબીલી તો ક્યારેક સંયમિત; ક્યારેક ભોળી તો ક્યારેક ચબરાક; ક્યારેક આકર્ષિત તો ક્યારેક ગભરુ; ક્યારેક ભાવનાપ્રધાન તો ક્યારેક સ્વપ્નશીલ બનીને પાત્રોને જીવંત કર્યાં. એમ છતાં બાજુના જ ઘરમાં રહેતી અને જેની સાથે સહજતાથી સંવાદ કરી શકાય એવી તેની ‘ઇમેજ’ને ઊની આંચ ન આવવા દીધી (આ ઇમેજ ત્યાર બાદ જયા ભાદુરીમાં જોવા મળી પરંતુ એ ‘ઇમેજ’ના શ્રીગણેશાય નૂતને કર્યા હતા).
૧૯૬૯ની ફિલ્મ ‘ગૌરી’માં નૂતન સામે હીરો તરીકે સંજીવકુમાર હતા. બન્નેની કેમિસ્ટ્રી સરસ જામી ગઈ એનું એક કારણ એ હતું કે તેઓ સહજતાથી અભિનય કરતાં. બન્નેને સ્ટારડમ મળ્યું હોવા છતાં તેઓ ‘સ્ટાર’ તરીકે નહીં, સામાન્ય કલાકારની જેમ વર્તન કરતાં. એકમેકના અભિનયની સરાહના કરતાં. સેટ પર તેમના હસીમજાકભર્યા વર્તનને કારણે અફવા ઊડી કે બન્ને વચ્ચે રોમૅન્સ છે. બન્ને એકમેકના મિત્ર હતાં એટલે આ અફવાને હસી કાઢતાં. શક્ય છે આને કારણે નૂતનના પારિવારિક જીવનમાં થોડું ટેન્શન ઊભું થયું હશે.
એક દિવસ સંજીવકુમારે નૂતનના ઉદાસ ચહેરાનું કારણ પૂછ્યું ત્યારે ખબર પડી કે ઘરમાં આ અફવાને સિરિયસ ગણીને તનાવ ઊભો થયો છે. એ રાત્રે સંજીવકુમારે કર્નલ રજનીશ બહલને ફોન કરીને કહ્યું કે તમે આ વાત પર જરાય વિશ્વાસ ન કરતા. અમે સાથી-કલાકાર છીએ અને મિત્રો છીએ. કમનસીબે વાત સુધરવાને બદલે બગડી ગઈ. બીજા દિવસે નૂતને સેટ પર આવતાંવેંત સંજીવકુમારના ગાલ પર એક તમાચો માર્યો અને સેટ છોડીને ચાલી ગઈ.
વાત એમ આવી કે નૂતને સેટ પર આવતાંવેંત જોયું કે સંજીવકુમાર એ પત્રકાર સાથે હસી-મજાક કરી રહ્યા છે જેણે બન્નેના રોમૅન્સની સ્ટોરી પબ્લિશ કરી હતી. એટલે નૂતનને લાગ્યું કે આ પૂરું કારસ્તાન સંજીવકુમારનું છે. જોકે સંજીવકુમારના એક નિકટજને આ વાતને રદિયો આપતાં કહ્યું કે હેમા માલિનીને પ્રપોઝ કર્યા બાદ સંજીવકુમાર લગ્ન કરવાના મૂડમાં નહોતા (હેમા માલિની લગ્ન બાદ ફિલ્મ છોડવા તૈયાર નહોતી, જ્યારે સંજીવકુમાર એ મતના નહોતા એટલે વાત ન બની). બીજું, તેમને પૂર્વાનુમાન હતું કે તેમનું અવસાન ૫૦ વર્ષ પહેલાં થવાનું છે એટલે કોઈની જિંદગી બગાડવી નથી. આ કારણસર તેમના અને નૂતનના રોમૅન્સની કોઈ શક્યતા જ નહોતી.
એક વાત એવી પણ આવી કે કર્નલ રજનીશ બહલે નૂતનને એમ કહ્યું કે જો તમારા બન્ને વચ્ચે કોઈ રોમૅન્સ ન હોય તો કાલે તેને તમાચો મારીને વફાદારીનો પુરાવો આપ. એને કારણે આ થપ્પડકાંડ થયો. જે હોય તે, નૂતને કાનૂની નુકસાનના ભયે કમને આ ફિલ્મ પૂરી કરી. આ ઘટનાના પડઘા લાંબા સમય સુધી પડ્યા. એક વસ્તુ સારી એ બની કે બન્નેએ આ કિસ્સા પર પત્રકારોને ક્યારેય કોઈ પણ પ્રતિક્રિયા નહોતી આપી.
અમુક વ્યથા એવી હોય છે જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં. પારિવારિક જીવનનો તનાવ હોય કે પછી સંજોગોની મજબૂરી, નૂતનની વ્યથાનું કાગળ પર આ રીતે શબ્દદેહે અવતરણ થતું...
યે કૈસી હૈ ખામોશી, અજબ યે સુનાપન
દિલ મેં હૈં તન્હાઈ સી ઔર ભરા ભરા યે મન
હિરોઇન તરીકે નૂતનની છેલ્લી નોંધપાત્ર ફિલ્મ હતી ૧૯૭૩ની ‘સૌદાગર’, જેના હીરો હતા અમિતાભ બચ્ચન. ત્યાર બાદ તેણે ધીમે-ધીમે ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૭૮માં ‘મૈં તુલસી તેરે આંગન કી’ માટે નૂતનને પાંચમો ઉત્તમ અભિનેત્રીનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. ૪૨ વર્ષની ઉંમરે કોઈ પણ અભિનેત્રીને આ અવૉર્ડ મળ્યો હોય એવો આજ સુધીનો રેકૉર્ડ છે. કૅરૅક્ટર-આર્ટિસ્ટ તરીકે તેણે ‘સાજન બિન સુહાગન’, ‘સાજન કી સહેલી’, ‘ક્રાન્તિ’, ‘મેરી જંગ’ (બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ ફિલ્મફેર અવૉર્ડ), ‘કર્મા’ અને ‘નામ’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. ૧૯૭૪માં ભારત સરકારે નૂતનને પદ્મશ્રી અવૉર્ડ આપ્યો હતો.
૧૯૯૦માં જ્યારે કૅન્સરની બીમારીનું નિદાન થયું ત્યારે નૂતને કહ્યું હતું, ‘અબ મૈં આઝાદ હો ગઈ.’ એ દિવસોમાં તે અલીબાગના બંગલામાં ધ્યાન ધરતી અને ગીતો લખતી. સાઇન કરેલી ફિલ્મોના સેટ પર તે લગભગ ચીસ પાડીને કહેતી, ‘જલદી ફિલ્મ પૂરી કરો, મેરે પાસ સમય નહીં હૈ.’ ૫૪ વર્ષની નાની વયે ૧૯૯૧ની ૨૧ ફેબ્રુઆરીએ નૂતને દેહ છોડ્યો ત્યારે માએ આક્રંદ કરતાં કહ્યું, ‘મેરી મીરાબાઈ ચલી ગઈ.’
જો નૂતનની કારકિર્દી મીનાકુમારીની સમાંતર ન ચાલતી હોત તો કદાચ તે ભારતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ગણાતી હોત. ફિલ્મ હોય કે નિજી જીવન, આજીવન પોતાના હક માટે લડત આપનારી નૂતનને યાદ કરીએ ત્યારે ‘સીમા’, ‘સોને કી ચિડિયા’, ‘સુજાતા’ અને ‘બંદિની’નો તેનો ચહેરો નજર સામે તરવરે. તે ભલે નિઃશબ્દ હોય; પણ તેના પાતળા થરથર થતા હોઠ, આંખની નાચતી કીકીઓ, ફરકતી ભ્રમરો, કાંપતું નાક એ સઘળું તમને પોકારી-પોકારીને એટલું જ કહેતાં હોય છે...
‘મૈં તુલસી તેરે આંગન કી.’


