Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઘડિયાળનો કાંટો આમતેમ થાય, પણ આ દાદાજીનો જમવાનો સમય ન ફરે

ઘડિયાળનો કાંટો આમતેમ થાય, પણ આ દાદાજીનો જમવાનો સમય ન ફરે

Published : 03 June, 2026 11:34 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બોરીવલીના ૧૦૧ વર્ષના હીરાલાલ જોશી સમયના પાબંદ છે. બપોરે બારના ટકોરે અને સાંજે ૭ વાગ્યે જમવાનું જોઈએ એટલે જોઈએ. ગળપણ વિના જરાય ન ચાલે. ભૂખ લાગે તો જાતે શીરો બનાવી લે. રેડિયો સાંભળવાનો પણ જબરો શોખ છે. જોકે પત્નીની નાદુરસ્ત તબિયતને કારણે હવે તેમણે મુંબઈ

બોરીવલીના ૧૦૧ વર્ષના શાસ્ત્રી હીરાલાલ જોશી અને તેમનાં ૯૮ વર્ષનાં પત્ની ગોદાવરી જોશી

100 નૉટઆઉટ

બોરીવલીના ૧૦૧ વર્ષના શાસ્ત્રી હીરાલાલ જોશી અને તેમનાં ૯૮ વર્ષનાં પત્ની ગોદાવરી જોશી


બોરીવલીના ૧૦૧ વર્ષના શાસ્ત્રી હીરાલાલ જોશી અને તેમનાં ૯૮ વર્ષનાં પત્ની ગોદાવરી જોશી આજે પણ પોતાનાં કામકાજ જાતે કરી લે છે. દાદાજી સમયના પાબંદ અને શિસ્તના આગ્રહી છે. દરેક કામ નિર્ધારિત સમયે થવું જોઈએ. આ ઉંમરે ઘરે બેસીને યજમાનોને પૂજા કરાવે છે. યાદશક્તિ એટલી પ્રબળ કે મંત્રોચ્ચાર, શ્ળોક ઉપરાંત ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાનોના જન્મદિવસ અને લગ્નતિથિ મોઢે છે. ગળ્યું ખાવાનો જબરો શોખ છે. જોકે પત્નીની નાદુરસ્ત તબિયતને કારણે તેમને મુંબઈની માયા છોડવી પડી. હાલમાં તેઓ રેડિયો પર ગુજરાતી ગીતો સાંભળીને પોતાના વતનમાં લીલાલહેર કરે છે.

શિષ્ટતાના ખૂબ આગ્રહી



શાસ્ત્રીજીના પૌત્ર જિમિતભાઈ કહે છે, ‘૮૫ વર્ષની ઉંમર સુધી દાદાજી લોકલ ટ્રેનમાં એકલા મુસાફરી કરીને યજમાનોના ઘરે જતા. એ પછી તેમણે પૂજા-પાઠની સામગ્રી અને અન્ય સામાન ઊંચકવા માણસ રાખી લીધો. મોટા વેપારીઓ તેમના યજમાન છે. નવચંડી યજ્ઞ અને વાસ્તુપૂજા કરાવવાનાં હોય ત્યારે બીજા બ્રાહ્મણો સમયસર યજમાનના ઘરે ન પહોંચે તો તેમનો ઊધડો લઈ લેતા. હવે તેઓ યજમાનોને ઘરે બોલાવીને પૂજા કરાવે છે. આજે પણ શિષ્ટતાના ખૂબ આગ્રહી છે. ઘડિયાળના કાંટે ચાલે. દરેક કામ નિર્ધારિત સમયે થવું જોઈએ એવો આગ્રહ રાખે છે. બપોરે બારના ટકોરે અને સાંજે સાત વાગ્યે જમી જ લે. બપોરની ચા પણ સમયસર જોઈએ. રેડિયો પર ગુજરાતી ગીતો સાંભળવાનો અને ગળ્યું ખાવાનો જબરો શોખ છે. રોટલી સિવાયની તમામ રસોઈ બનાવતાં આવડે છે. ભૂખ લાગે તો શીરો બનાવીને ખાઈ લે. આ વર્ષે


દાદા-દાદીની ૮૨મી લગ્નતિથિ હતી.’

૧૬ વર્ષની ઉંમરે મુંબઈ


૧૯૨૫માં અમદાવાદ પાસે ઈડર નજીક આવેલા દેશોતર ગામમાં શ્રી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજમાં જન્મેલા હીરાલાલ જોશીના બાપુજીનું અકાળ અવસાન થયું હતું. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શાળાનું ભણતર છૂટી ગયું. મોટી બહેને તેમનો ઉછેર કર્યો. મા સમાન મોટી બહેને તેમને ગામની પાઠશાળામાંથી જ્યોતિષશાસ્ત્ર અ‌ને ગ્રંથોનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા. ૧૬ વર્ષની ઉંમરે પગભર થવા મુંબઈ આવી ગયા. શરૂઆતમાં ભુલેશ્વરમાં રહેતા. ગુરુ વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી સાથે યજમાનોના ઘરે કર્મકાંડની વિધિ કરાવવા જતા. ૧૯ વર્ષની ઉંમરે ગોદાવરીબા સાથે લગ્ન થયાં. એ પછી પોતાના યજમાનો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ વખતે મફતલાલ મિલ્સમાં પૂજામાં તેમને જ બોલાવવામાં આવતા. મિલમાં જવાનું થતું એમાં ઓળખાણો વધી. અન્ય વેપારીઓ પણ તેમના યજમાન બન્યા. ત્યાર બાદ મલાડમાં એક રૂમ રસોડાનો ફ્લૅટ લીધો. વર્ષો સુધી મલાડમાં જ રહ્યા. ચાર દીકરા અને બે દીકરીનો બહોળો પરિવાર. સંતાનો મોટાં થયાં અને તેમનો સંસાર શરૂ થતાં જગ્યાની સંકડાશ પડવા લાગી. ધીમે-ધીમે ચારેય દીકરાએ પોતાનું ઘર લીધું. તેમની મોટી દીકરી ઇન્દુ જોશી હિંમતનગરમાં, વીણા ઉપાધ્યાય મલાડમાં, પુત્રો ગિરીશભાઈ, બાલકૃષ્ણભાઈ અને કૌશિકભાઈ મલાડમાં તેમ જ નિયોગીભાઈ બોરીવલીમાં રહે છે.

ઘરે બેસીને કર્મકાંડ

દાદાજીના સૌથી નાના દીકરા નિયોગીભાઈ કહે છે, ‘પપ્પાએ સખત પરિશ્રમ કરીને અમને ભણાવ્યા છે. તેઓ કાયમ કહેતા કે ખૂબ ભણજો, શિક્ષણ જ હથિયાર છે. જમાના પ્રમાણે ચાલે આથી નવી પેઢીનાં સંતાનોને પણ તેમની સાથે વાતો કરવાની મજા આવે છે. વ્યાસપીઠ પરથી ૬ વખત ભાગવત સપ્તાહ કરી છે. સવારે પાંચ વાગ્યે ઊઠી જાય. ૯૫ વર્ષની ઉંમર સુધી ઘરની સાફસફાઈ પણ કરતા. શરીરમાં કોઈ મોટો રોગ નથી, પરંતુ જમણા પગની નસ દબાય છે આથી હવે ચાલવાનું ઓછું કરી નાખ્યું છે. ઘરે બેસીને કર્મકાંડની વિધિ અને પાઠ કરાવે છે. હમણાંથી આંખે ઝાંખું દેખાય છે તેથી જન્માક્ષર જોવાનું બંધ કરી દીધું છે. જોકે યાદશક્તિ સારી છે. જન્મદિવસ, લગ્નતિથિ, સગાં-સંબંધીઓનાં નામ યાદ છે. ગયા મહિને બા-બાપુજીનાં લગ્નને ૮૨ વર્ષ પૂરાં થયાં. બન્નેને એકમેકની હૂંફ છે. ધ્રૂજતા હાથે ઘરનું મૅનેજમેન્ટ કરે. મારાં બા થેપલાં બહુ સરસ બનાવે છે. તેમના જેવી તુવેરની દાળ કોઈ ન બનાવી શકે. બા-બાપુજીને રસોડામાં સાથે કામ કરતાં જોયાં છે. હવે બાની તબિયત બગડી છે. થોડા સમય અગાઉ બાને શ્વાસમાં તકલીફ શરૂ થતાં મુંબઈની મોહમાયા છોડવી પડી. ડૉક્ટરે બાને સૂકી હવામાં રહેવાની સલાહ આપી છે. આજકાલ તેઓ ગામમાં રહે છે. દવાની અસરના કારણે તેમને ઊંઘ બહુ આવે છે. વસ્તારી પરિવારમાં વારાફરતી કોઈક ને કોઈક સમય કાઢીને તેમની પાસે રહેવા જાય. ગામમાં પાડોશી શર્મિષ્ઠાબહેનનો ખૂબ સાથ છે. તેઓ બા-બાપુજીની દેખરેખમાં મદદરૂપ થાય છે. બા-બાપુજીએ નક્કી કર્યું છે કે એકમેકનો સાથ છે ત્યાં સુધી ગામમાં રહીશું. એક જણના ગયા પછી બીજાએ બાકીનું જીવન મુંબઈમાં સંતાનો સાથે જ વિતાવવું.’

રેડિયો સાંભળવા સિવાય જોશી દંપતીના વધુ શોખ નથી. ભગવાનનું સ્મરણ અને પૂજા-પાઠ જ તેમના માટે સર્વોપરી છે. ત્રીજી પેઢીના સંતાનો મુંબઈ અને અમેરિકામાં રહે છે. પાંચ પૌત્ર અને એક પૌત્રી છે. ચોથી પેઢીનાં આઠ સંતાનો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 11:34 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK