Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૫૭ વર્ષ પહેલાં કૅન્સરને હરાવ્યા બાદ આ વડીલ નખશિખ નીરોગી છે

૫૭ વર્ષ પહેલાં કૅન્સરને હરાવ્યા બાદ આ વડીલ નખશિખ નીરોગી છે

Published : 27 March, 2026 03:19 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

બીમારીમાંથી સાજા થયા બાદ અત્યાર સુધી ખાવાપીવામાં કડક પરેજી રાખી રહેલા શાંતિભાઈ અનોવાડિયા તંદુરસ્ત જીવન જીવે છે

શાંતિભાઈ અનોવાડિયા દીકરીઓ સાથે.

શાંતિભાઈ અનોવાડિયા દીકરીઓ સાથે.


ઉંમર મોટી થાય એમ શરીર નબળું પડે અને ધીરે-ધીરે બીમારીઓ ઘર કરે આવી માન્યતાને બોરીવલીમાં રહેતા ૮૭ વર્ષના શાંતિભાઈ અનોવાડિયાએ પોતાના જીવંત ઉદાહરણથી ખોટી સાબિત કરી છે. લોખંડી મનોબળ ધરાવતા શાંતિભાઈ આજે પણ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિથી સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે.
એકલા હાથે જંગ લડ્યો
શાંતિભાઈના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ ૧૯૬૨માં આવ્યો હતો. એના વિશે જણાવતાં શાંતિભાઈ કહે છે, ‘મને અચાનક ગળામાં દુખાવો થવા લાગ્યો હતો, ડૉક્ટરને દેખાડ્યું ત્યારે ખબર પડી કે મને થ્રોટનું કૅન્સર છે. પરિવારને ચિંતા ન થાય એ આશયથી હું બને ત્યાં સુધી એકલા હાથે જ સારવાર કરાવી આવતો હતો. સાજા થયા પછી મેં ખાવા-પીવામાં બહુ ધ્યાન આપ્યું છે અને અત્યાર સુધી મને કોઈ બીમારી થઈ નથી.’ 
શાંતિભાઈના જીવન વિશે વધુ માહિતી આપતાં તેમના ભાઈનાં પુત્રવધૂ અલ્પાબહેન જણાવે છે, ‘માત્ર ૨૩ વર્ષની યુવાન વયે મારા મોટા સસરાને ગળાનું કૅન્સર હોવાનું નિદાન થયું. એ જમાનામાં કૅન્સર એટલે મૃત્યુનો પર્યાય ગણાતું. પરંતુ શાંતિભાઈની સહનશક્તિ અને પરિવાર પ્રત્યેની લાગણી અદ્ભુત હતી. જ્યારે ડૉક્ટરે ઑપરેશન માટે દાખલ થવાનું કહ્યું ત્યારે પરિવારને ચિંતા ન થાય એ માટે તેઓ કોઈને પણ કહ્યા વગર એકલા હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ ગયા. પરિવાર આખી રાત ચિંતામાં રહ્યો. છેવટે ડૉક્ટરના ફોન દ્વારા જાણ થઈ કે તેમને એક ઑપરેશન માટે હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા છે. ચાર ઑપરેશનો અને અસહ્ય પીડા છતાં તેઓ કૅન્સર સામેનો જંગ બહુ હિંમત રાખીને ૭ વર્ષ સુધી લડ્યા. તેમનું મનોબળ જેટલું એ સમયે મક્કમ હતું એટલું જ અત્યારે પણ છે. કૅન્સરને હરાવ્યા બાદ તેમણે ખાવાપીવામાં બહુ ધ્યાન રાખ્યું. સતત ૪ વર્ષ સુધી તેમણે મસાલા વગરનો અને માત્ર બાફેલો ખોરાક લીધો. દરરોજ કાચું લસણ ખાવાની તેમની આદત અને શિસ્તબદ્ધ આહારે તેમને આજે ૮૭ વર્ષની વયે પણ નખશિખ નીરોગી રાખ્યા છે. આજે જ્યારે લોકો નાની ઉંમરે વૉકર કે લાકડીના સહારે જીવે છે ત્યારે શાંતિભાઈ કોઈ પણ ટેકા વગર ચાલે છે. તેઓ આજે પણ બોરીવલીથી કલ્યાણ અને વિરાર સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે એટલા મજબૂત છે. તેમની ડાયટ પણ એકદમ સ્પષ્ટ છે. વધારે તેલમસાલાવાળું ખાતા નથી અને આથેલા ખોરાકથી અંતર જાળવે છે.’
RSS કનેક્શન
શાંતિભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના સક્રિય સભ્ય તરીકે ૭૫ વર્ષથી વધુનો સમય વિતાવી ચૂક્યા છે. એ સમયની વાતને યાદ કરતાં તેઓ કહે છે, ‘મારો જન્મ ૧૯૩૯માં રાજકોટમાં થયો હતો. એ સમયે અરવિંદ મણિયાર બાળકોને RSSમાં જોડાવા બદલ નાસ્તો અને કપડાં આપતા હતા. નાનાં બાળકોને નાસ્તો મળી જાય તો રાજીના રેડ થઈ જતાં તો અમે એ લાલચે ત્યાં કસરત કરવા અને પરેડમાં જોડાતા. મને એ ગમવા લાગ્યું અને આ જ કારણે હું અત્યાર સુધી જોડાયેલો છું. રાજકોટથી બોરીવલી આવ્યો તો પણ મેં કન્ટિન્યુ રાખ્યું. હું કાર્યક્રમનું સંચાલન પણ કરતો હતો, જોકે વધતી ઉંમરને જોતાં ૭ વર્ષ પહેલાં એ કામ મૂકી દીધું, પણ કાર્યક્રમ હોય ત્યારે એમાં સહભાગી થવાનું ચૂકતો નથી.’ 
શાંતિભાઈ ૧૦-૧૧ વર્ષના હતા ત્યારે તેમણે RSS જૉઇન કર્યું હતું અને અત્યાર સુધી તેઓ આ સંઘ સાથે કનેક્ટેડ છે. તેમની આ દીર્ઘકાલીન સેવા બદલ ગયા વર્ષે સંઘના હોદ્દેદારોએ તેમના ઘરે આવીને વિશેષ સન્માન કર્યું હતું. બોરીવલીમાં યોજાતી પથ રૅલી હોય કે કોઈ સામાજિક કાર્યક્રમ, શાંતિભાઈની હાજરી અચૂક હોય છે. વ્યવસાયે કુશળ કાર્પેન્ટર હોવા છતાં તેમણે ગુર્જર સુતાર સમાજમાં ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે સેવા આપી છે.’
ફરવાના શોખીન
કાશ્મીર સિવાય આખું ભારતભ્રમણ કરી ચૂકેલા શાંતિભાઈ તેમના શોખ વિશે કહે છે, ‘મને ફરવાનો શોખ ખરો પણ એકલો ક્યારેય નથી ફર્યો, પરિવાર હોય અથવા મારી જ્ઞાતિનું ગ્રુપ હોય. તાજેતરમાં તો હું સ્ટૅચ્યુ ઑફ યુનિટી જઈ આવ્યો. આ પહેલાં કન્યાકુમારી, વાઘા બૉર્ડર, નેપાલ, અયોધ્યા, પંજાબ બધું જ ફર્યો છું. આખું ભારત ફર્યો પણ હજી સુધી કાશ્મીર જઈ શક્યો નહીં.’ બોરીવલીની ગોપાલજી હેમરાજ સ્કૂલથી મેટ્રિક પાસ થયેલા શાંતિભાઈ ફિલ્મો અને વેબ-સિરીઝ જોઈને સમય પસાર કરે છે ત્યારે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું હૉટસ્ટાર, નેટફ્લિક્સ, ઇન્સ્ટાગ્રામ બધું જ ચલાવતાં જાણું છું. મને જૂનાં પિક્ચર્સ અને વેબ-સિરીઝ જોવાં બહુ ગમે. અત્યારે હું ‘ઉડને કી આશા’ જોઈ રહ્યો છું. તાજેતરમાં મેં ‘ધુરંધર’ ફિલ્મ જોઈ હતી. મને બહુ ગમે નવી-નવી કન્ટેન્ટ જોવી. મેં RSS પર આધારિત પિક્ચર પણ જોયું હતું.’
ફિક્સ રૂટીન
ખાવાપીવામાં પરેજી રાખવાની સાથે શાંતિભાઈ સ્વાવલંબી જીવનમાં માને છે. સવારે વહેલા ઊઠી, નિત્યક્રમ પતાવી તેઓ હવેલીમાં દર્શન કરવા જાય છે. સવારે હવેલીથી વળતી વખતે રસ્તામાં તેમની દીકરીનું ઘર આવે તો તેનો ચહેરો જોઈને જ બીજી હવેલીએ જાય. સાંજના સમયે બોરીવલીના નાના-નાની પાર્કમાં પોતાના સમવયસ્કો સાથે ગપ્પાં મારવાં અને વિચારોની આપ-લે કરવી તેમને બહુ ગમે છે. ખાસ કરીને તેમના નાના ભાઈ સાથેનો તેમનો સંબંધ બે મિત્રો જેવો છે. શાંતિભાઈને ચાર સંતાન છે. ત્રણ દીકરી રીટાબહેન, કામિનીબહેન અને દર્શનાબહેન છે અને સૌથી નાનો દીકરો રાકેશભાઈ છે. મોટી દીકરી સાંગલીમાં સાસરે છે. તે ગુજરાતી સ્કૂલનાં નિવૃત્ત શિક્ષિકા છે, કામિનીબહેન લંડનમાં સારી કંપનીમાં જૉબ કરે છે અને નાની દીકરી દર્શનાબહેન જે બોરીવલીમાં રહે છે તે હોમમેકર છે. તેમનો દીકરો રાકેશભાઈ ઇન્ટીરિયર ડિઝાઇનર છે. તેમની પૌત્રી હેલિના તાજેતરમાં ગ્રૅજ્યુએટ થઈ છે અને પૌત્ર મીત છઠ્ઠા ધોરણમાં ભણે છે. શાંતિભાઈનાં પત્ની સુશીલાબહેન સ્વભાવે બહુ પ્રેમાળ હતાં. ત્રણેય દીકરીનાં લગ્ન કરાવી લીધા બાદ ૨૦૦૨માં તેમનું હાર્ટ-અટૅક આવવાથી અવસાન થયું હતું, પણ શાંતિભાઈ RSS સાથે સક્રિય હોવાથી જીવનમાં તેમને ક્યારેય એકલવાયું લાગ્યું નથી. મોબાઇલ વાપરવાના બહુ શોખીન છે. તેઓ પોતાની જાતે જ બધું શીખે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઑપરેટ કરવાની સાથે તેઓ ઍમૅઝૉન પ્રાઇમ અને નેટફ્લિક્સ જેવાં OTT પ્લૅટફૉર્મ્સ પણ વાપરે છે અને તેમને ગમતી મૂવીઝ પણ જોઈ લે છે. તેઓ ત્રણ વાર તેમની લંડનમાં રહેતી દીકરીના ઘરે એકલા જઈ આવ્યા છે અને તેમને બેસીને સમય વિતાવવા કરતાં આ રીતે સમય વિતાવવો વધુ ગમે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 03:19 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK