સરકારે સ્પષ્ટતા કરી કે હાલની સ્થિતિમાં અછતની સમસ્યા નથી, આગામી બે મહિનાની જરૂરિયાતની ખરીદી પણ થઈ ચૂકી છે
યુદ્ધ શરૂ થયા પછી હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે થઈને ભારતનું અપોલો ઓશન નામનું LPG ટૅન્કર ગઈ કાલે ભારતના મૅન્ગલોર પોર્ટ પર પહોંચ્યું હતું. કતરથી આવેલા આ ટૅન્કરમાં ૧૭,૬૦૦ ટન LPG ભરેલો છે.
સરકારે સ્પષ્ટતા કરી કે હાલની સ્થિતિમાં અછતની સમસ્યા નથી, આગામી બે મહિનાની જરૂરિયાતની ખરીદી પણ થઈ ચૂકી છે : LPGનું ઉત્પાદન પણ વધારી દેવાયું છે
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના પુરવઠા વિશે અફવાઓ ફેલાઈ રહી છે. કેટલાક અહેવાલોમાં કહેવાઈ રહ્યું હતું કે ભારત પાસે માત્ર ૬ દિવસનું ફ્યુઅલ બચ્યું છે. આ વાત સદંતર ખોટી છે એમ જણાવતાં સરકારે આ ત્રણેય ચીજો વિશેના પુરવઠા વિશે મોટો ખુલાસો કર્યો હતો. પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારતમાં પેટ્રોલિયમ અને LPGના સપ્લાયની સ્થિતિ સેફ અને કન્ટ્રોલમાં છે. તમામ રીટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પાસે પૂરતો સપ્લાય છે. દેશમાં ક્યાંય કોઈ આઉટલેટ પર પેટ્રોલ અને ડીઝલની કમી નથી. ભારતીય કંપનીઓ પાસે હાલમાં લગભગ ૬૦ દિવસનો ફ્યુઅલ-સ્ટૉક મોજૂદ છે અને કોઈ પ્રકારની તંગી નથી. અછત ન હોવાથી પૅનિક બાઇંગની જરૂર નથી.’
ADVERTISEMENT
મંત્રાલયે કહ્યું હતું કે ‘ભારત પાસે કુલ ૭૪ દિવસનું ફ્યુઅલ સ્ટોરેજ કરવાની ક્ષમતા છે. એમાં ક્રૂડ ઑઇલ, તૈયાર પેટ્રોલ-ડીઝલ અને સ્ટ્રૅટેજિક ક્રાઇસિસ ભંડાર સામેલ છે. હાલમાં ૬૦ દિવસનો સ્ટૉક છે અને હાલની પરિસ્થિતિમાં એ સુરક્ષિત સ્ટૉક છે. દેશની રિફાઇનરીઓ ૧૦૦ ટકાથી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે એટલે ઉત્પાદનમાં કોઈ કમી નથી. યુદ્ધના ૨૭મા દિવસે ૬૦ દિવસના સ્ટૉક ઉપરાંત ભારતે કાચા તેલની આગામી બે મહિનાની ખરીદી પણ સુરક્ષિત કરી લીધી છે.’
ભારતમાં ઘરેલુ રિફાઇનરીઓના LPG ઉત્પાદનમાં ૪૦ ટકાનો વધારો થયો છે. સરકારે કહ્યું હતું કે ‘દૈનિક LPG ઉત્પાદન પણ આપણી જરૂરિયાતના ૬૦ ટકા જેટલું થઈ ગયું છે. રોજ ૫૦ લાખથી વધુ સિલિન્ડર સફળતાપૂર્વક ડિલિવર થઈ રહ્યાં છે. ગ્રાહકો ગભરાટમાં ઑર્ડર લખાવતા હોવાથી સિલિન્ડરની ડિમાન્ડ ૮૯ લાખ સુધી પહોંચી ગઈ હતી જે હવે ઘટીને ૫૦ લાખ સિલિન્ડર પર આવી ગઈ છે.’
