Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીના ઇસીકા નામ હૈ

જીના ઇસીકા નામ હૈ

Published : 24 March, 2026 12:35 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

૯૫ વર્ષ નજીકની ઉંમર, વજન માત્ર ૩૨–૩૪ કિલો, મોંમાં એક પણ દાંત નહીં છતાં દરરોજ સવારે બસ પકડીને પોતાની વર્કશૉપમાં જઈને લાકડામાંથી કળાત્મક વસ્તુઓ બનાવતા બોરીવલીના ગણેશ વીસાવાડિયા જીવન જીવવાની અનોખી પ્રેરણા આપે છે.

કામ તેમના માટે કમાણીનું સાધન નથી, શોખ અને જીવનનો શ્વાસ છે

ઉમ્ર કી ઐસીતૈસી

કામ તેમના માટે કમાણીનું સાધન નથી, શોખ અને જીવનનો શ્વાસ છે


જો તમને એમ લાગતું હોય કે ૯૦ વર્ષ વટાવ્યા પછી માણસ પથારીવશ થઈ જાય તો તમારે બોરીવલીના ૯૫ વર્ષના ગણેશ વીસાવાડિયાને મળવું જોઈએ. આ ઉંમરે પણ તેઓ દરરોજ વર્કશૉપમાં જઈને સુથારીકામ કરે છે અને લાકડામાંથી વિવિધ કળાત્મક વસ્તુઓ બનાવે છે. આ ઉંમરે પણ સ્ફૂર્તિ એટલી કે ઝાડ પરથી કેરી તોડી આવે. ૪૦ વર્ષની ઉંમરથી દાંત નથી પણ પેઢાં એટલાં મજબૂત કે પાણીપૂરીથી લઈને સૅન્ડવિચ સુધી બધું જ સટાસટ ખાઈ જાય. ગમે એવા બીમાર ભલેને પડ્યા હોય, પણ મજબૂત મનોબળથી સાજા થઈને ફરી કામે વળગી જાય. પૈસા કમાવા માટે નહીં પણ પોતાના આત્મસંતોષ અને કળા માટે જીવતા આ દાદા પાસેથી ઘણી પ્રેરણા મેળવવા જેવી છે.

જીવનશૈલી



ગણેશભાઈના દૈનિક જીવન વિશે વાત કરતાં તેમનાં પુત્રવધૂ માલતીબહેન કહે છે, ‘આ ઉંમરે તેમની નીંદર ખૂલી ગઈ હોય તો સવારે પાંચ વાગ્યે ઊઠી જાય અને ઊંઘ આવી ગઈ હોય તો સવારે છેક ૧૦ વાગ્યે પણ ઊઠે. સવારે ઊઠીને સૌથી પહેલાં તો તેમને મોઢામાં તમાકુ મૂકવા જોઈએ. મહિનાની એક કિલો તમાકુ ખાઈ જાય. એ પછી પહેલાં બધા જ ભગવાનને પગે લાગી લે. મારાં સાસુ સમરતબહેન ૧૦ વર્ષ પહેલાં ગુજરી ગયાં છે તો તેમની છબીને પણ દરરોજ તેઓ પગે લાગે. પછી તેમને પહેલાં કડક ચા પીવા જોઈએ. ચામાં પણ તેમને ત્રણ ચમચી સાકર જોઈએ. એ પછી દરરોજ ‘મિડ-ડે’ છાપું વાંચવા જોઈએ. ચશ્માં વગર પણ તે છાપાના અક્ષરેઅક્ષર વાંચી કાઢે. દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે? બૉલીવુડના નવા જમાનાનાં હીરો-હિરોઇન કોણ છે? તેમને બધી જ ખબર હોય. છાપું વંચાઈ જાય એટલે હનુમાનચાલીસા વાંચવા બેસે. એ પછી નાસ્તો કરવા બેસે. નાસ્તામાં બે કડક રોટલી, ગાંઠિયા અને લીલાં મરચાં ફિક્સ છે. તેમને એક પણ દાંત નથી. ૪૦ વર્ષની ઉંમરથી જ દાંત નથી. મોઢાનું ચોકઠું બનાવેલું પણ તેમને એ ફાવતું નથી એટલે પેઢાંથી જ ચાવીને ખાય. તેમનાં પેઢાં એટલાં મજબૂત છે કે પાણીપૂરી, સૅન્ડવિચ, ભેળપૂરી, સમોસા, બર્ગર જે પણ આપો એ ખાઈ જાય. નાસ્તો પતે એટલે નાહીને રેડી થઈ જાય. તે નાહીને બહાર આવે એટલે તેમને તેમનું ટિફિન હાથમાં જોઈએ, કારણ કે તેમને વર્કશૉપમાં જવું હોય.’


કામકાજ

ગણેશભાઈ દરરોજ સવારે વર્કશૉપમાં જઈને સુથારીકામ કરે છે. લાકડામાંથી વિવિધ કળાત્મક વસ્તુઓ બનાવીને વેચે છે. આ વિશે વાત કરતાં ગણેશભાઈ કહે છે, ‘મારા પપ્પા સુથારીકામ કરતા. તેમની સાથે રહીને મેં પણ ૮ વર્ષની ઉંમરથી જ સુથારીકામ શરૂ કરી દીધેલું. બોરીવલીમાં જાંબલી ગલીમાં અમારી રૂમ છે જ્યાં અમે પહેલાં રહેતા. એને હવે મેં મારી વર્કશૉપ બનાવી નાખી છે. મારા ઘરથી વર્કશૉપ દોઢ કિલોમીટરના અંતરે છે એટલે હું બસમાં મુસાફકી કરીને વર્કશૉપ પહોંચી જાઉં. વર્કશૉપમાં આવવાનો મારો કોઈ ટાઇમ ફિક્સ નથી. એમ લાગે કે આજે બહુ કામ છે તો વહેલો આઠ વાગ્યે પણ પહોંચી જાઉં નહીંતર આરામથી ૧૦ વાગ્યે જાઉં. વર્કશૉપમાં હું લાડકામાંથી બેસવાની ખાટલી, ટેબલ, લાલાના ઝૂલા, ગણપતિબાપ્પા બનાવું. ગણપતિ તો મારા એટલા વેચાય છે કે અમારા આખા ગુર્જર સુથાર સમાજમાં લગભગ બધાના ઘરે અમારા ગણપતિની મૂર્તિ હશે. મને કોઈ પણ વસ્તુ સાદી બનાવવી ન ગમે. બધામાં મને કંઈ ને કંઈ કળાકારીગીરી કરવા જોઈએ. કામમાં આખો દિવસ ક્યાં પસાર થઈ જાય ખબર ન પડે. રાત્રે પછી આઠ-સાડાઆઠ વાગ્યે એટલે ઘરે આવી જાઉં.’


સ્વભાવે ભોળા

ગણેશભાઈના ભોળા સ્વભાવ વિશે વાત કરતાં તેમનાં પુત્રવધૂ માલતીબહેન કહે છે, ‘વર્કશૉપમાં તેઓ પૈસા કમાવા માટે નહીં પણ પોતાના શોખ માટે કામ કરે છે. વર્કશૉપમાં તે એકલા જ હોય તો તેમને એમ લાગે કે આ આટલામાં વેચવી જોઈએ તો એ ભાવે વેચી દે. કોઈક ભાવ કરાવે અને કહે કે દાદા ઓછા કરી આપો તો તેઓ વધારે ભાવતાલ કર્યા વગર વસ્તુ આપી દે. તેમણે ફક્ત ખાટલીનો ભાવ ૧૨૦૦ રૂપિયા અને ગણપતિની મૂર્તિનો ૩૫૦ રૂપિયા ભાવ ફિક્સ રાખ્યો છે. એ પૈસા પાછા આજે આવ્યા હોય તો આવતી કાલે તો પૂરા પણ થઈ ગયા હોય. એ પૈસા વાપરીને મજા કરે. એમાંથી વસ્તુઓ બનાવવા માટેનો જે સામાન જોઈતો હોય એ લઈ આવે. તેમને કંઈ જોઈતું હોય તો એમાંથી એ ખરીદી લે. અમારી પાસેથી એ કોઈ દિવસ પૈસા નથી માગતા. વર્કશૉપમાંથી પાછા ઘરે આવે ત્યારે દરરોજ મારી ૧૫ વર્ષની દીકરી માટે ૫૦-૧૦૦ રૂપિયાનો નાસ્તો લઈ આવે. આટલાં વર્ષોમાં મેં તેમને કોઈ દિવસ ખાલી હાથે આવતા નથી જોયા.’

સ્ફૂર્તિવાન

આ ઉંમરે પણ ગણેશભાઈનું શરીર અને દિમાગ બન્ને તેજ છે. માલતીબહેન કહે છે, ‘અત્યારે તેમનું વજન માંડ ૩૨-૩૪ કિલો હશે. એમ છતાં તેમનામાં સ્ફૂર્તિ ઘણી છે. હજી એક મહિના પહેલાંની જ વાત છે. અમારી જે વર્કશૉપ છે એ પતરાવાળી છે. વર્કશૉપની પાછળ કેરીનું વૃક્ષ છે. તો એ પતરા પર ચડીને તેમણે કેરી ઉતારી છે. પતરા પર પણ તેઓ સીડી વગર ચડે. ડ્રમ પર ટેબલ રાખે અને ટેબલ પરથી પતરા પર ચડે. તેમણે કેરી તોડવા માટે જાતે એક લાકડી બનાવી છે. એની મદદથી કેરી તોડીને ઘરે લઈને આવે. કેરી તોડીને પાછા બીજાને આપવા પણ જાય. આ ઉંમરે પણ તેઓ ટ્રેનમાં એકલા ટ્રાવેલ કરીને સગાંવહાલાંઓને મળવા જાય. તેમનાથી નાના તેમના કાકાના દીકરાઓ છે. ઉંમરના હિસાબે તેઓ બીમાર રહેતા હોય તો તેઓ તેમની ખબર કાઢવા માટે જાય. ચાલવા માટે આમ તો તેમને લાકડીની જરૂર નથી. એમ છતાં તેમણે એક યુનિક લાકડી પોતાની જાતે બનાવી છે. એ લાકડી તેઓ શોખ ખાતર લઈને નીકળે અને ટ્રાફિક-પોલીસ, બસના કન્ડક્ટર બધાને દેખાડી-દેખાડીને ચાલે.’

હિંમતવાન

ગણેશભાઈ હિંમતવાળા અને ધીરજવાળા પણ બહુ છે. માલતીબહેન કહે છે, ‘હજી ૬ મહિના પહેલાંની વાત છે. તે મશીન પર કામ કરતા હતા અને એમાં તેમની આંગળી આવી ગઈ. આંગળીમાંથી લોહી નીકળવા માંડ્યું એટલે તેમણે ત્યાં જે ટેપ પડી હતી એ લઈને મારી દીધી. મારા એક ફૅમિલી-મેમ્બર વર્કશૉપમાં ગયા હશે તો તેમણે જાણ કરી કે તેમને હાથમાં વાગ્યું છે. એટલે હું તેમને પછી અમારા ફૅમિલી-ડૉક્ટર અશોકભાઈ પાસે લઈ ગઈ જે અમારા રિલેશનમાં પણ છે. મારા સસરાને ગમે એ થાય, તેમને અશોકભાઈ પાસે જ જવું હોય. અમે અશોકભાઈને દેખાડવા ગયા તો તેમણે કહ્યું કે આંગળી બહુ કપાઈ ગઈ છે અને ટાંકા લેવા પડશે. એ પછી હું તેમને ટાંકા લેવડાવવા માટે મોટા ડૉક્ટર પાસે લઈ ગયેલી. હું તો ત્યાં બેઠી-બેઠી રડી રહી હતી, પણ તે તો ડૉક્ટર ટાંકા લગાવતા હતા એ બિન્દાસ જોતા હતા. આજથી લગભગ ૮ વર્ષ પહેલાં તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઊપડેલો. રવિવાર હતો એટલે ઘરે જ હતા. તેમને ગભરામણ થઈ રહી હતી. અમે તેમને પૂછ્યું કે શું થાય છે? તો તેમણે કહ્યું, કંઈ નહીં, ગરમીના લીધે થોડાં ચક્કર આવે છે. મેં તેમને લીંબુ શરબત આપ્યું અને કહ્યું કે ચાલો ડૉક્ટર પાસે જઈએ. તો તેમણે કહ્યું, થોડો આરામ કરી લઈશ તો સારું થઈ જશે. બીજા દિવસે સવારે હું તેમને ફૅમિલી-ડૉક્ટર પાસે લઈ ગઈ. તેમણે મને કહ્યું કે તમે તેમને હાર્ટના ડૉક્ટર પાસે લઈ જાઓ, વધારે પ્રૉબ્લેમ થઈ ગયો છે. હાર્ટના ડૉક્ટર પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે દાદાને તો ગઈ કાલે બપોરે અટૅક આવી ગયો છે. તેમણે મારા સસરાને ઇમર્જન્સીમાં ઍડ્‍મિટ થવા કહ્યું, પણ તે તો ખુરસીમાંથી ઊભા થઈને ચાલવા માંડ્યા કે મારે કંઈ ઍડ્‍મિટ નથી થવું. એ વખતે અમે તેમને ઍડ્‍મિટ કર્યા અને ડૉક્ટરે સલાહ આપેલી કે તમે આરામ જ કરો હવે. એમ છતાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યાના એક અઠવાડિયા બાદ જ તેમણે વર્કશૉપમાં જવાનું શરૂ કરી દીધેલું. તેમની ગોળીઓ ચાલુ હતી એ પણ તેમણે બે વર્ષ ચાલુ રાખી. ધીરે-ધીરે છોડી દીધી. હું તેમને ટિફિન સાથે ગોળીઓ આપતી, પણ તેઓ ગોળીઓ લેતા જ નહીં. જોકે ભગવાનની દયાથી તેમને આજની ઘડી સુધી કોઈ પ્રૉબ્લેમ થયો નથી. કોઈ પણ વસ્તુને તેઓ ગંભીરતાથી નથી લેતા. આવું તો થયા કરે એમ કહીને વસ્તુને હળવાશથી લઈ લે.’

પરિવાર

ગણેશભાઈ મૂળ મોરબીના આમરણ ગામના વતની છે. તેઓ ત્રણ ચોપડી ભણેલા છે પણ ભગવાને તેમનામાં કળા કૂટી-કૂટીને ભરી છે. કામકાજ માટે તેઓ ૧૯૬૦ની આસપાસ મુંબઈમાં આવીને વસેલા. ગણેશભાઈને સંતાનોમાં બે દીકરા રમેશભાઈ અને નરેન્દ્રભાઈ તેમ જ ત્રણ દીકરી સરોજબહેન, કંચનબહેન અને ચેતનાબહેન છે. ગણેશભાઈ અત્યારે તેમના દીકરા નરેન્દ્રભાઈ અને વહુ માલતીબહેન સાથે રહે છે. આ ઉંમરે પણ ગણેશભાઈનો જીવ તેમના કામમાં પરોવાયેલો છે. માલતીબહેન કહે છે, ‘થોડા દિવસો પહેલાં તેઓ બહુ બીમાર પડી ગયેલા. અમને થયું કે કદાચ આ વખતે તેઓ ઊભા નહીં થાય, પણ તરત સાજા થઈ ગયેલા. તેમને દર ૬ મહિને એક વાર તો તાવ આવે જ. તે બીમાર હોય ત્યારે ૧૮ કલાક સૂતા રહે. પાણી માંડ એક ચમચી પીએ. તેમને જોઈને આપણને એમ થઈ જાય કે હવે આમનું શું થશે? પણ તેઓ બીજા-ત્રીજા દિવસે તો સાજા થઈને તેમનું રૂટીન ચાલુ કરી દે. તેમને ના પાડીએ તો પણ વર્કશૉપ જવા જોઈએ. તેમનું એક જ રટણ હોય કે હું વર્કશૉપ જઈને કામ કરીશ તો સારું થઈ જશે.’

જીવનમાં ગણેશભાઈનું એક જ ધ્યેય છે : નિરંતર કામમાં મગ્ન રહેવું અને ક્યારેય આળસ ન કરવી. તેઓ માને છે કે શરીરને કામ દ્વારા વ્યાયામ આપતા રહીએ તો શરીર કાયમ નીરોગી રહે.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 12:35 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK