૧૯૨૯ની ૪ ઑગસ્ટે મધ્ય પ્રદેશના ખંડવા શહેરમાં તેમનો જન્મ થયો. પિતા કુંજલાલ ગાંગુલી ત્યાંની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નામી વકીલ. માતાનું નામ ગૌરીદેવી. તેમણે જુહુસ્થિત બંગલાનું નામ માતા-પિતાની યાદમાં ગૌરીકુંજ રાખ્યું હતું.
કિશોર કુમાર
‘We are all born mad, some remain so.’ - Samual Beckett
જન્મજાત આપણે સૌ તરંગી હોઈએ છીએ પરંતુ અમુક વ્યક્તિઓ આજીવન એવી જ રહે છે. મોટા ભાગના આપણે સૌ દુનિયાદારીના નામે જેવા નથી એવા બનવાની નિરર્થક કોશિશ કરતા રહીએ છીએ. સફળ થવા દંભનો આંચળો ઓઢીને કેવળ દુનિયાને નહીં, જાતને પણ છેતરતા રહીએ છીએ. કદાચ એટલે જ દંભને આજની સમાજ વ્યવસ્થાનું અનિવાર્ય દૂષણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
અભિનેતા અને ગાયક કલાકાર કિશોરકુમાર ધૂની હતા, તરંગી હતા પણ દુનિયાએ જે લેબલ આપ્યું એવા પાગલ નહોતા. ‘He was a genius with lot of contradictions.’ અત્યંત પ્રતિભાશાળી અને અનોખા કિશોરકુમારમાં અનેક વિરોધાભાસી પાસાંઓનો એવો સમન્વય હતો કે દુનિયા માટે તેમની હરકતો સમજની બહાર હતી. પણ There was a method in his madness. એટલા માટે જ તે કહેતા, ‘દુનિયા કહતી મુઝકો પાગલ, મૈં સમઝું દુનિયા હૈ પાગલ.’
૧૯૨૯ની ૪ ઑગસ્ટે મધ્ય પ્રદેશના ખંડવા શહેરમાં તેમનો જન્મ થયો. પિતા કુંજલાલ ગાંગુલી ત્યાંની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નામી વકીલ. માતાનું નામ ગૌરીદેવી. તેમણે જુહુસ્થિત બંગલાનું નામ માતા-પિતાની યાદમાં ગૌરીકુંજ રાખ્યું હતું. મોટા ભાઈઓ અશોકકુમાર અને અનુપકુમાર અને બહેન સતીદેવી પછીનું ચોથું સંતાન આભાસ કુમાર, જેને લાડમાં સૌ કિશોર કહેતા અને આજીવન તેઓ આ જ નામે ઓળખાયા.
કિશોરકુમાર જ્યારે ફિલ્મોમાં આવ્યા ત્યારે ટૉપના હીરોએ પ્રેક્ષકોના ચાર ભાગ કરીને અંદર-અંદર વહેંચી લીધા હતા. અશોકકુમાર સામાજિક ફિલ્મો, દેવ આનંદ રોમૅન્ટિક ફિલ્મો, દિલીપકુમાર ઉત્કટ પ્રણયકથાની ફિલ્મો અને રાજ કપૂર હળવી પણ અર્થસભર ફિલ્મો માટે વિખ્યાત હતા. એવા સમયે કિશોરકુમારે પોતાની ધમાલ-મસ્તી સાથેની ભૂમિકા દ્વારા પ્રેક્ષકોને ઘેલા કર્યા. તે ત્યાં સુધી કે એક સમયે તેઓ દિલીપકુમાર પછીના બીજા નંબરના મોંઘા કલાકાર હતા.
તેમણે પોતાનો આગવો પ્રેક્ષકવર્ગ તૈયાર કર્યો પરંતુ એને સાચવવાના સભાન પ્રયત્ન ન કર્યા, કારણ કે તે ‘રૅટ રેસ’ના માણસ નહોતા. ‘નઇ દિલ્હી’, ‘ભાગમભાગ’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘હાફ ટિકિટ’ જેવી અનેક ફિલ્મોમાં તેમના વિદૂષકવેડા અને ઊછળકૂદ જોઈને પ્રેક્ષકો પાગલ થઈ જતાં પણ અસલી કિશોરકુમાર તો ‘દૂર ગગન કઈ છાંવ મેં’ અને ‘દૂર કા રાહી’ જેવી સંવેદનશીલ ભૂમિકા કરવા તરસતા હતા. કમનસીબે પ્રેક્ષકોએ વિદૂષકની વેદનાને હસવામાં કાઢી નાખી અને આવી ફિલ્મો નિષ્ફળ થઈ.
મીનાકુમારી, મધુબાલા, વૈજયંતીમાલા, નૂતન, માલા સિંહા, વહીદા રહમાન અને સાધના જેવી ટૉપની હિરોઇન સાથે કામ કરતાં કિશોરકુમારનો એક સમય એવો આવ્યો કે મુમતાઝ, અમિતા અને કુમકુમ જેવી બીજી હિરોઇનો સાથે કામ કરવું પડ્યું.
કિશોરકુમાર મારા મનગમતા કલાકાર. અશ્લીલ સંવાદો અને ચેનચાળા કર્યા વિના દર્શકોને હસાવવું એ અઘરું કામ છે. ડાયલૉગ ડિલિવરીના ટાઇમિંગની સિક્સ્થ સેન્સ ધરાવતા અને કેવળ ચહેરાના હાવભાવથી ખડખડાટ હસાવતા કિશોરકુમારનો જોટો ન મળે. તેમનાં સંવેદનસભર ગીતોમાંથી છલકાતી વેદના તમને ભાવવિભોર કરી મૂકે. આજની તારીખમાં પણ જૂની ફિલ્મોમાં તેમની મસ્તી અને પાગલપન જોવાની મને એટલી જ મજા આવે છે જેટલી વર્ષો પહેલાં આવતી. હું નસીબદાર છું કે જીવનમાં બે વખત તેમને મળવાનો મોકો મળ્યો છે.
૭૦ના દાયકામાં તેમણે અનેક સ્ટેજ શો કર્યા. ૧૯૬૯માં ‘આરાધના’થી ગાયક તરીકે તેમની બીજી ઇનિંગ્સ શરૂ થઈ. એ પહેલાં કલાકાર અને ગાયક તરીકે તે લગભગ ભુલાઈ ગયા હતા. મધુબાલાની માંદગી, ફિલ્મ નિર્માણમાં નુકસાન અને અન્ય તકલીફોને કારણે આર્થિક સંકડામણમાં આવેલા કિશોરકુમારે સ્ટેજ શો કેવી રીતે શરૂ કર્યા એની વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘તેમને લાઇવ પર્ફોર્મન્સનો ખૂબ ડર લાગતો. તે માનતા કે સ્ટેજ પરથી ગીતો ગાવામાં જરાપણ ભૂલ થાય તો પ્રેક્ષકો હુરિયો બોલાવશે. અમે કહ્યું, ‘શું તમારી સામે બડે ગુલામ અલી ખાન કે ભીમસેન જોશી કે પછી લતા મંગેશકર જેવાં દિગ્ગજો બેઠાં હશે? તમારી સામે તમારા ચાહકો હશે જે તમને ખૂબ પ્રેમ કરે છે. તમે તો જન્મજાત પર્ફોર્મર છો.’ આમ સમજાવીને તેમને રાજી કર્યા.’
વાત છે ૧૯૭૧ના ષણ્મુખાનંદ ઑડિટોરિયમના એક શોની. એ દિવસોમાં મારી પહેલી અને છેલ્લી નોકરીમાં મારો પગાર હતો ૩૫૦ રૂપિયા. મુંબઈના કિશોરકુમારના લગભગ દરેક શોમાં મને આગળની હરોળમાં બેસવાની આદત પડી હતી કારણ કે તેમને સાંભળવા ઉપરાંત નજીકથી ઊછળકૂદ કરતાં, પ્રેક્ષકો સાથે મજાક કરતાં જોવાનો લહાવો અલગ જ હતો. એ દિવસોમાં ટિકિટના ભાવ હતા ૧૦, ૨૦, ૩૦, ૪૦ અને ૫૦ રૂપિયા.
મોટા ભાગે સાંજના જ આવા શોનું આયોજન થતું પણ એ દિવસે સવારના ૧૦ વાગ્યે શો હતો. રાબેતા મુજબ હું આગળની હરોળમાં બેઠો હતો. એ દિવસે તેમનો મૂડ કંઈક અલગ જ હતો. એક પછી એક દર્દીલાં ગીતો જેવાં કે ‘દુખી મન મેરે, સુન મેરા કહના’ (ફન્ટુશ), ‘પંથી હૂં મૈં ઉસ પથ કા’ (દૂર કા રાહી), ‘જિન રાતોં કી ભોર નહીં હૈ’ (દૂર ગગન કી છાંવ મેં) ની રજૂઆત કરતાં કિશોરકુમારને વચ્ચે-વચ્ચે પ્રેક્ષકો ધમાલમસ્તીનાં ગીતોની ફરમાઈશ કરતા ત્યારે ‘વો બાદ મેં ગાઉંગા’ કહીને આ જ મુડને બરકરાર રાખીને સંવેદનશીલ ગીતો ગાતા રહ્યા.
તેમનું આ સ્વરૂપ મને ખૂબ ગમતું. જવલ્લે જ દેખાતું આ સ્વરૂપ મેં આજ સુધી અનુભવ્યું નહોતું. પણ અમે બન્ને એક જ વેવલેન્ગ્થ પર હતા એની મને ઇન્ટરવલમાં ખબર પડી. એ દિવસોમાં આજની જેમ કલાકારને મળવા માટે ગ્રીનરૂમમાં જવાની પડાપડી નહોતી થતી. મારા જેવા ચાર-પાંચ ચાહકો ત્યાં આંટા મારી રહ્યા હતા. નસીબજોગે મારી આંખ તેમની સાથે મળી એટલે મેં ઇશારાથી અંદર આવવાની રજા માગી. તેમણે દરવાનને કહ્યું, ‘ઇનકો અંદર આને દો.’
હું ધન્ય થતો અંદર ગયો. તેમના ચરણસ્પર્શ કર્યા અને કહ્યું, ‘સર, મૈં આપકા બહોત બડા ફૅન હૂં. આપકે બહોત શો દેખે હૈં પર આજ આપકા યે રૂપ મૈંને કભી નહીં દેખા, નહીં સુના. આપકી આવાઝ કા દર્દ ઐસા હૈ કિ મૈં આંસુઓં કો રોક નહીં સકતા. મૈં ચાહતા હૂં કિ આપ યે સિલસિલા બંદ ન કરેં ઔર ઇન્ટરવલ કે બાદ ભી ઔર ઐસે ગાને ગાઇએગા. પ્લીઝ, મેરી ખાસ રિક્વેસ્ટ હૈ.’
મારી વાત સાંભળી ગ્રીનરૂમમાં શાંતિ પ્રસરી ગઈ. થોડી ક્ષણો તેમણે મારી સામે નજર મેળવીને મને માપવાનો પ્રયત્ન કર્યો અને બોલ્યા, ‘લગતા હૈ આપકો ભી મેરી તરહ સિરિયસ ગાને ઝ્યાદા પસંદ હૈ. પર ક્યા કરેં, પબ્લિક કો તો મેરા નાચના-ગાના પસંદ હૈ.’
મેં કહ્યું, ‘દાદા, એક શો ઐસા કીજિએ જિસમેં આપ કે સિર્ફ દર્દભરે ગાને હો, શાયરી હો. વો સંગીત હો જો આપકી આવાઝ કે સાથ હમ સબકો ઘાયલ કર દે.’ આ કહેતી વખતે મને ખ્યાલ નહોતો કે એક મહાન કલાકારને આવું સૂચન કરવાની ગુસ્તાખી કરી રહ્યો છું.
પણ આ તો કિશોરકુમાર હતા. પોતાની આગવી સ્ટાઇલમાં તેમણે કહ્યું, ‘ફિર તો વો શો મેં ગાનેવાલા મૈં હોઉંગા ઔર સુનનેવાલે સિર્ફ આપ. ઑર્ગેનાઇઝરકા પૈસા ડુબાને કા પક્કા પ્લાન બનાયા હૈ આપને.’ પછી મસ્તી કરતાં કહે, ‘શોમેં ટિકિટ લે કર આતે હો યા કૉમ્પ્લીમેન્ટરી પાસ લે કર?’ મેં મારી ટિકિટ બતાવી કહ્યું, ‘દાદા, હરેક શોમેં ટિકિટ લેકર આતા હૂં.’ તેમણે ખભો થાબડીને કહ્યું, ‘અચ્છી બાત હૈ.’ અને મેં નમસ્કાર કરી વિદાય લીધી.
ઇન્ટરવલ બાદ તેમણે ધમાલમસ્તીભર્યાં ગીતોથી શરૂઆત કરી. જાણે મારી માન્યતાનું ખંડન ન કરતા હોય કે આજે હું કેવળ ગંભીર મૂડમાં નથી. થોડા સમય બાદ યાદ આવી હોય એમ મારી સામે આંગળી ચીંધીને કહે, ‘અબ ઇનકી ફરમાઇશ પર કુછ ઐસે ગાને પેશ કરતા હૂં જો મુઝે ભી પસંદ હૈ ઔર આપ કો ભી પસંદ આએંગે.’
અને ફરી પાછા કિશોરકુમાર મારા ગમતીલા સ્વરૂપમાં આવી ગયા. એ દિવસે મને અનુભૂતિ થઈ કે મારા પ્રિય કલાકાર કેવળ મારા માટે જ ગાઈ રહ્યા છે. એક ભક્ત માટે ઈશ્વરના સાક્ષાત્કાર જેવી આ ઘડી હતી. એ ક્ષણે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે જેમનાં ગીતો ગાતાં અને સાંભળતાં બાળપણની નાદાનિયતથી યુવાનીની મુગ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો હોય એવા કલાકારની મુલાકાત ફરી એક વાર થશે. એ વાત આવતા રવિવારે.
‘સંકેત’ના ઉપક્રમે ૧૫ માર્ચ, ૨૦૨૬ની રાતે ઘાટકોપરના ઝવેરબેન ઑડિટોરિયમમાં કિશોરકુમારની સ્મૃતિમાં ‘ઝિંદગી કા સફર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંગુલી પરિવારની ઉપસ્થિતિમાં કિશોરકુમારનાં અમર ગીતોની રજૂઆત થશે. સંસ્થાના સભ્યપદ અને નિમંત્રણ પત્રિકા માટે રજની મહેતાનો 9920915703 પર સંપર્ક કરવા વિનંતી છે.
