Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો શું ન્યુ ઇઝ પિત્તળ?

ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો શું ન્યુ ઇઝ પિત્તળ?

Published : 01 November, 2026 08:52 AM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

સુવિચારનો જીવનમાં અમલ જરૂરી છે અને એટલું જ જરૂરી એ કે સુવિચારનો અમલ સાચી રીતે થાય

સાઈરામ દવે

લાફ લાઇન

સાઈરામ દવે


બાળપણથી સુવિચારો હજી પણ આપણા માનસપટ પર જીવે છે. ગામડાની ધુળી સ્કૂલની ભીંત પર લખાયેલા કેટલાક સુવિચારો પાંચ કરોડની કૉર્પોરેટ ઑફિસની દીવાલ સુધી સાથે ને સાથે રહેતા હોય છે.

સુવિચાર વાંચવા અને વહેંચવા જેટલા સહેલા છે, જીવવા એટલા જ કઠિન. લગભગ ગુજરાતની દરેક સ્કૂલમાં સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર લખેલું જ હોય છે, ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’



આ સુવિચાર વાંચતી વખતે ચોક્કસ દરેકે એક ઉન્માદ અનુભવ્યો હશે. પરંતુ આ કઈ નિંદરમાંથી ઊઠવાનું છે, કઈ પથારીમાંથી જાગવાનું છે અને કયા ધ્યેયની પ્રાપ્તિ માટે મંડ્યા રહેવાનું છે? આ તો દરેક વ્યક્તિની પર્સનલ મૅટર છે.


ઑલિમ્પિક્સમાં ભારત વતી રમનારો ખેલાડી પણ ફાઇનલની વહેલી સવારે ઊઠ્યો હશે અને ગોલ્ડમેડલના ધ્યેય માટે મંડ્યો હશે. સેમ ટુ સેમ ૨૬/૧૧એ અજમલ કસબ પણ તાજ હોટેલ પર અટૅક કરવા વહેલો જ ઊઠ્યો હશે, રાતે જાગ્યો હશે અને પોતાના ધ્યેય માટે મંડ્યો હશે. અર્થાત્ સુવિચારો ભાવગર્ભિત હોય છે. ફુટબૉલના દડાની જેમ સુવિચાર જીવનના મેદાનની બરોબર વચ્ચે પડ્યો છે. જો તમે ગોલ કરવા કદમ નહીં ઉઠાવો તો સામેવાળો નક્કી ગોલ કરી દેશે.

આજના યુવાનને ઊઠવાનું છે સોશ્યલ મીડિયાના અતિરેકથી; વ્યસનો, વ્યક્તિઓ અને જ્ઞાતિવાદની ગુલામીમાંથી તેમ જ ધ્યેય નક્કી કરવાનો છે જીવનને સુખી અને સમૃદ્ધ કરે એવો. જોકે વાસ્તવમાં કહું તો આ સુવાક્ય ૯૦ ટકા ગોટે ચડ્યું છે. બસ બધા ‘મંડ્યા’ છે અવળી દિશામાં.


બીજો એક સહેલો અને સાવ સરકારી જેવો સુવિચાર બધાને આવડતો જ હોય છે - ‘સંપ ત્યાં જંપ’. નાનપણમાં આ સુવિચાર સાથે સૌ ‘સાઇકલ ત્યાં પંપ’ વાક્ય જોડી દેતા. જોકે ધ્યાનથી વિચારો તો સાવ સરળ શબ્દોમાં લખાયેલો આ સુવિચાર જીવવામાં કેટલો મુશ્કેલ છે.

અત્યારે એક રૅશનકાર્ડમાં નોંધાયેલા ૪ ભાઈઓ પણ સંપીને રહેતા નથી. એક જ રંગનો ખેસ પહેરેલા એક જ પાર્ટીના નેતાઓ સાથે દેખાય છે, હોતા નથી. એક બૉર્ડર પર બે દેશના મોભીઓ સંપીને રહેતા નથી. ‘જંપ’ જેવી વસ્તુ ડાયનોસૉરની પ્રજાતિની જેમ લુપ્ત તો નથી થઈ ગઈને?

‘અમે સૌ બહુ સંપીને રહીએ છીએ…’ આવો દંભી દેખાડો કરનારા પરિવારોની પુત્રવધૂઓને જો પૂછવામાં આવે તો આંસુઓથી માઇક પણ ભીંજાઈ જાય. પોતાને બહુ સંપીલી ગણાવતી કેટલીક જાતિઓ ચૂંટણી વખતે જ જરાસંધના જાંઘની જેમ ચિરાતી સૌએ જોઈ છે. જીવનભર સંપથી રહેવું જોઈએ એવાં પ્રવચનો આપનારા બાબાઓના શિષ્યો પણ બાબાની ગેરહાજરીમાં તો ગાદી માટે બાખડી જ પડે છે. સજ્જનો કરતાં આ સુવિચારોને દુર્જનોએ વધુ પચાવ્યો લાગે છે.

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ વાંચતી વખતે સુફિયાણી સલાહ જેવો લાગતો આ સુવિચાર પણ લોકજીભે અવારનવાર ચર્ચાતો રહે છે, પરંતુ મનની અડગતા તો હિમાલયમાં સાધના કરનારને પણ ઘણી વાર પ્રાપ્ત નથી થાતી એનું શું?

વળી કોઈને સવાલ એ પણ થાય કે હિમાલયને ક્યાં પગ છે તે એ વળી ચાલીને કોઈને નડવા જાય. અહીં પગવાળાની નડતર હજી પેન્ડિંગ છે. ચેતનમાં હજી પહોંચતું નથી અને આ જડ વસ્તુઓ જો નડવા લાગે તો-તો માણસજાતનું આવી બને હોં બાકી!

ઝાડની એકાદ ડાળી કાપો અને બીજી જ સેકન્ડે એ જ ઝાડની બીજી ડાળી કઠિયારાને ફડાકો ખેંચી લે તો? નદીમાં કચરો નાખો એ ભેગી જ નદી ગાંડીતૂર થઈને તમને જળસમાધિ લેવડાવી દે તો? ગિરનાર કે હિમાલય પર પ્લાસ્ટિકની બૉટલ ફેંકો એ ભેગો જ ત્યાં ખાડો પડે અને તમને એ પર્વત ઊંડી ખીણમાં ખેંચી જાય તો? સમસ્ત પ્રકૃતિ જો માણસ જેવી થઈ જાય તો-તો જીવન કેટલું અઘરું થઈ જાય? ભલું થજો ભગવાનનું કે તેમણે સર્જેલી પ્રકૃતિ માયાળુ છે. પળેપળ માણસને માફ કરે છે એટલે આપણે જીવી શકીએ છીએ.

બાકી જેનું મન અડગ થઈ જાય તે વ્યક્તિને હિમાલય તો શું જગતની કશી વસ્તુ નડતરરૂપ થાતી નથી. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જેવો કોઈ વિશ્વામિત્ર સમો તપસ્વી અડગ મનથી તપ આદરે એ ભેગી આખી મેનકાઓની ફોજ ઊતરી જ પડે છે. એક સમયે અપ્સરાઓ આકાશમાંથી અવતરતી હતી જ્યારે હવે સોશ્યલ મીડિયામાંથી ઊતરે છે. ભલભલા ખેરખાંઓના સંયમની પાળ એક વિડિયો-ક્લિપથી ભાંગીને ભુક્કો થઈ જાય છે. એવા સમયમાં અડગ મનનો સુવિચાર માત્ર સુવિચારમાં જ રાખવો સેફ લાગે છે.

આપણા જીવનવ્યવહારમાં સાહજિક રીતે અમુક સુવિચારો સ્લોગનની જેમ વણાયેલા છે. જેમ કે ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’. આ સુવિચાર આમ તો જૂની પેઢીના અથવા તો તમામ વડીલોના આધારકાર્ડ જેવો છે. જૂના જમાનાને વાગોળતી વખતે જૂનાં વ્યક્તિવિશેષો કે વાતોને બિરદાવતી વખતે ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ વટથી ફેંકવામાં આવે છે. ક્યારેક નવી પેઢીને સોયની જેમ ખૂંચાડવા માટે પણ આ સુવિચારનો ઉપયોગ થાય છે. મારી દલીલ માત્ર એટલી જ છે કે જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે એને વંદન તો શું ‘ન્યુ ઇઝ પિત્તળ?’ એક સમયે તો દરેક વસ્તુ નવી જ હોવાની કે નહીં અને એક સમય પછી કઈ વસ્તુ જૂની નથી થવાની?

જૂનાને સોના જેવું સૌ ગણે એમાં કશો વાંધો નથી, પરંતુ નવાને ક્ષુલ્લક ન ગણવા જોઈએ આટલી મારી વિનંતી છે; કારણ કે આ જગતમાં આપણને તો કોઈએ કહ્યું નહોતું કે તમે વહેલા જન્મો? સુવિચાર જ્યારે મહેણું બની જાય છે ત્યાર બાદ એને ગાળ બનતાં વાર નથી લાગતી. ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ સુવિચાર સાવ સહેલો છે, પણ એનું અર્થઘટન અને વપરાશ બહુ અઘરાં થઈ ગયાં છે.

કે. એલ. સૈગલ કે કિશોરદાનાં ગીતો કોઈ દાદાને ખૂબ ગમતાં હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ જ દાદાનો ૨૦ વર્ષનો દીકરો આજે કિશોરદાને જ સાંભળે અને પ્રેમ કરે એ હઠાગ્રહ જીવલેણ સાબિત થઈ શકે છે. એ પૌત્ર મોટો થશે ત્યારે અરિજિત સિંહ પણ તેના પૌત્ર માટે તો સૈગલ જેટલો જૂનો થઈ ગયો હશે! આ વાસ્તવિકતાને સૌ સમજે તો સુવિચારો જીવનની દીવાદાંડી થઈ શકે એમ છે. અગર ન સમજાય તો એક સુવિચાર કે કહેવત પણ ઝઘડાનું કારણ બની શકે છે. ‘ગઈઢા ગાડાં વાળે!’ આ સૂત્ર સૌને યાદ જ હશે, પણ ગાડાં તો લાઇફસ્ટાઇલમાંથી જ મિસિંગ છે અને ગઈઢાઓને લગભગ પરિવારોએ ગામડાભેગા કરી દીધા છે. હવે વાળશું શું?

કંટોળા...

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 08:52 AM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK