ડાન્સર, સિંગર, ઍક્ટર, રાઇટર, ઍન્કર, સ્ટોરીટેલર, ગાર્ડનર... આ બધાં જ વિશેષણો બોરીવલીમાં રહેતાં ૬૯ વર્ષનાં દીપ્તિ દોશીના નામ આગળ આપણે લગાવી શકીએ. સામાન્ય રીતે ઉંમર વધતાંની સાથે વ્યક્તિના શોખ ઓસરવા માંડે છે, પણ દીપ્તિબહેને તેમના શોખને જિવાડ્યા છે
દીપ્તિ દોશી પતિ સાથે
ઘણા લોકો માટે ૬૦ વર્ષ એટલે જીવનની ‘સાંજ’, પણ બોરીવલીમાં રહેતાં દીપ્તિ દોશી માટે આ જીવનનો ‘ગોલ્ડન અવર’ છે. બોરીવલી વિસ્તારમાં રહેતાં દીપ્તિબહેન આજે એકસાથે અનેક નિલભૂમિકાઓ ભજવી રહ્યાં છે. ૬૯ વર્ષનાં દીપ્તિબહેનને આ ઉંમરે પણ સુપર ઍક્ટિવ જોઈને એ વાત સાચી પડે છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. પોતાના વિશે વાત કરતાં દીપ્તિબહેન કહે છે, ‘શાળા-કૉલેજમાં ડાન્સ, ડ્રામા, વક્તૃત્વ સ્પર્ધા જેવી બધી જ પ્રવૃત્તિમાં હું ભાગ લેતી. લગ્ન પછી પણ વિવિધ મહિલામંડળો અને ક્લબ દ્વારા આયોજિત થતી પ્રવૃત્તિમાં મેં ભાગ લેવાનું છોડ્યું નહીં. ટૅલન્ટ શોમાં રંગલો-રંગલીનો પર્ફોર્મન્સ હોય કે ડાન્સ શો હોય, હું એમાં પાર્ટિસિપેટ કરું છું. હું સ્લિમ-ટ્રિમ નથી પણ મારા ચહેરાના હાવભાવ સારા હોવાથી ગ્રુપ-ડાન્સમાં મને હંમેશાં આગળ રાખવામાં આવે છે. મારાં સંતાનોનાં લગ્નમાં પણ મેં સોલો ડાન્સ પર્ફોર્મન્સ આપ્યા છે. ફાલ્ગુની પાઠકના ગરબામાં પણ હું પ્રાઇઝ જીતીને આવી છું. મને ગીતો ગાવાં ખૂબ ગમે છે, ખાસ કરીને ગુજરાતીમાં સુરેશ દલાલનાં ગીતો અને જૂની હિન્દી ફિલ્મોનાં ગીતો. મને ઉદાસ ગીતો જરાય ગમતાં નથી, હું હંમેશાં આનંદી ગીતો પસંદ કરું છું. કોઈનો જન્મદિવસ હોય ત્યારે હું તેમને ફોન પર ગીત ગાઈને જ શુભેચ્છા આપું છું અને લોકો મારા એ ફોનની રાહ જોતા હોય છે. મને વાંચનનો ઘણો શોખ છે અને ભાષા પર પ્રભુત્વ સારું હોવાથી મને વિવિધ કાર્યક્રમોમાં સંચાલન માટે ખાસ આમંત્રણ આપવામાં આવે છે. કોરોનાના સમયગાળામાં મેં મારી યુટ્યુબ ચૅનલ ‘સ્ટોરીઝ બાય દીપ્તિ નાની’ પર ગુજરાતી અને અંગ્રેજીમાં બાળકો માટે બોધવાર્તાના ૧૨૮ વિડિયો નાખ્યા હતા. એને ફક્ત મુંબઈ અને ગુજરાતમાંથી જ નહીં પણ દુબઈ, અમેરિકા, લંડન વગેરે જગ્યાએથી સારો પ્રતિસાદ મળેલો. મને ઍક્ટિંગનો પણ શોખ છે. ‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘કલશ’, ‘બહૂ બેગમ’ જેવી સિરિયલો તેમ જ ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મમાં કૅમિયો પણ કરેલો છે. મને લેખનમાં પણ રસ હોવાથી કપોળ સમાજ દર્પણ મૅગેઝિન માટે હું વાર્તાઓ લખું છું. એ સિવાય હું ઘણી જગ્યાએ ડાન્સ, ગરબા, વક્તૃત્વ, આરતી ડેકોરેશન વગેરે જેવી સ્પાર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવા આપું છું. મારું માનવું છે કે ઉંમર ભલે વધે, પણ જો તમારી કલા જીવંત હોય તો તમે હંમેશાં યુવાન જ છો.’
ગાર્ડનિંગનો શોખ
દીપ્તિબહેનને ગાર્ડનિંગનો ખૂબ શોખ છે. ઘરની ટેરેસ પર તેમણે સરસ ગાર્ડન ઊભું કર્યું છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું દૃઢપણે માનું છું કે આપણે પ્રકૃતિના લય સાથે જોડાયેલા રહેવું જોઈએ. મારી ટેરેસ પર મેં એક નાનકડું અને સુંદર નંદનવન ઊભું કર્યું છે. ત્યાં લીંબુ, અપરાજિતા અને ગુલાબથી લઈને લીલાં મરચાં, ટમેટાં, ફુદીનો, જાસૂદ અને લીલી ચા જેવા અનેક છોડ લહેરાય છે. મારા માટે આ છોડની માવજત કરવી એ ક્યારેય કામ નથી હોતું પણ એ તો મારા માટે પરમ આનંદની વાત છે. જ્યારે હું છોડને પાણી પાઉં છું ત્યારે મારું ધ્યાન માત્ર પાણી નાખવામાં નથી હોતું, પણ સાથે પ્રભુનું ભજન પણ ચાલુ હોય છે. હું છોડને ખૂબ જ પ્રેમથી પાણી પીવડાવું છું. ફૂલ પ્રત્યે પણ મને એટલી જ સંવેદના છે. હું ક્યારેય તેને ધડ દઈને તોડતી નથી. તેને સ્પર્શવામાં પણ એક આદર હોય છે. મને તાજાં ફૂલો બહુ ગમે. એમાંથી હું મારા ઠાકોરજીની માળા પણ બનાવું. જ્યારે પણ હું બહારગામથી પાછી આવું ત્યારે સૌથી પહેલાં મારા આ છોડવાઓને મળું છું. જેમ આપણે નાના બાળકને વહાલ કરીએ તેમ હું દરેક છોડ પર હાથ ફેરવીને તેમને વહાલ કરું છું. મારું માનવું છે કે જો આપણે આપણા આનંદ માટે ઝાડપાન રાખતા હોઈએ તો આપણી એ નૈતિક ફરજ બને છે કે આપણે એમનું સંતાનની જેમ ધ્યાન રાખીએ. અંતે તો આપણે પ્રકૃતિને જેટલો પ્રેમ આપીશું, પ્રકૃતિ આપણને એટલો જ આત્મિક સંતોષ આપશે.’
પર્સનલ લાઇફ
દીપ્તિબહેન તેમના ઉછેર, ભણતર અને પરિવાર વિશે વાત કરતાં કહે છે, ‘મારો જન્મ અને ઉછેર સુરતમાં થયો. ચોથા ધોરણ સુધી મેં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ અંગ્રેજી માધ્યમમાં મારું ભણતર આગળ વધ્યું. ભાષાઓ પ્રત્યે મને પહેલેથી જ લગાવ હતો, જેને કારણે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય પર મારું પ્રભુત્વ સારું રહ્યું. આ જ કારણોસર મેં BA અને ત્યાર બાદ MA in English (લિંગ્વિસ્ટિક્સ ઍન્ડ ફોનેટિક્સ)નો અભ્યાસ પસંદ કર્યો. ભણતર પૂરું થતાં જ મને સુરતની બે કૉલેજોમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કામ કરવાની તક મળી, જ્યાં મેં એક-એક વર્ષ સેવા આપી. ૨૩ વર્ષની ઉંમરે લગ્ન થયાં અને હું સાસરે આવી. એ પછી મને બે સંતાનો થયાં. મને બોરીવલીની ગોખલે કૉલેજમાંથી ઑફર મળી. મેં ત્યાં પણ આશરે દોઢ વર્ષ કામ કર્યું. એ સમયે મારી દીકરી સાત વર્ષની અને દીકરો અઢી વર્ષનો હતો. એક દિવસ મેં મારી દીકરીની ડાયરીમાં તેના હૃદયની વાત વાંચી. તેણે લખ્યું હતું, મને મારી મમ્મી વગર ગમતું નથી. આ વાંચીને મને સમજાયું કે મારાં બાળકોને અત્યારે મારી સૌથી વધુ જરૂર છે અને મેં મારી પ્રોફેસરની જૉબ છોડવાનો નિર્ણય લીધો. જોકે મેં પ્રવૃત્ત રહેવાનું ક્યારેય છોડ્યું નથી. ઘર સંભાળવાની સાથે હું સતત કોઈ ને કોઈ સામાજિક કે રચનાત્મક પ્રવૃત્તિમાં ઍક્ટિવ રહી છું અને આજે પણ છું. મેં મારા શોખને હંમેશાં જીવતા રાખ્યા છે. મને ગર્વ છે કે મારાં બન્ને સંતાનો આજે પોતપોતાના ક્ષેત્રમાં સ્થાયી છે. મારી દીકરી કોમલ ગાંધી હોમિયોપથી ડૉક્ટર હોવાની સાથે ન્યુટ્રિશનિસ્ટ પણ છે અને મારો દીકરો પ્રિયમ દોશી લાઇફસ્ટાઇલ ઍક્સેસરી ડિઝાઇનર છે. હું અત્યારે મારા દીકરા અને વહુ જાહ્નવી સાથે રહું છું જે પોતે પણ એક ગટ-ન્યુટ્રિશનિસ્ટ છે. મારા પતિ યશવંતભાઈ પ્રૅક્ટિસિંગ કૉસ્ટ અકાઉન્ટન્ટ છે. તેમનો સ્વભાવ મારાથી સાવ વિપરીત છે. તેઓ ખૂબ જ શાંત અને ઓછાબોલા છે. છતાં મારી દરેક પ્રવૃત્તિમાં તેમનો પૂરો સપોર્ટ રહે છે. તેમનું પ્રોત્સાહન જ મને હંમેશાં કંઈક નવું કરવા માટે પ્રેરિત કરતું રહે છે.’
