Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કારણોમાં તું ન પડતો આયનો તૂટ્યા પછી

કારણોમાં તું ન પડતો આયનો તૂટ્યા પછી

Published : 28 December, 2025 05:29 PM | IST | Mumbai
Hiten Anandpara

અવગણના સહન કરવી અઘરી હોય છે. કેટલીક વાર એમ થાય કે આના કરતાં અલગ થઈ જઈએ તો સારું. કાયમ મહેણાં માણતી જીભ પર દોષારોપણ થાય છે પણ કેટલીક વાર આંખો પણ એવી ધારદાર અભિવ્યક્તિ કરે કે કાપો તો લોહી ન નીકળે.

હિતેન આનંદપરા

અર્ઝ કિયા હૈ

હિતેન આનંદપરા


જગદીશ જોષીનું આશિત દેસાઈ સ્વરાંકિત એક ગીત છેઃ એક પછી એક પછી એક પછી પછી, મોજાં વટાવતાં દીધેલા કૉલ જેમ, આગળ ને આગળ ને આગળ ને આગળ. 
એક ઘટના બને પછી બીજી બનવા તૈયાર જ હોય છે. પનોતીનો તબક્કો ચાલતો હોય ત્યારે ઘણી વાર એવું લાગે કે અજાણી દિશાએથી દુઃખ આવીને આપણને તાણી જાય. શિયાળામાં બારી જરાક ખોલી હોય ને મચ્છરોનું ઝુંડ અંદર આવી જાય એમ દુઃખ આપણું હીર ચૂસવા આવે. સંબંધોનું આકર્ષણ અકળામણ અને `અળખામણ’ બનતું લાગે. બરકત વીરાણી ‘બેફામ’ વિષાદ વ્યક્ત કરે છે... 


 

સૌથી પહેલાં તો હૃદયની તાપણી કરશું અમે
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું અમે

તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં
જિંદગીને એ રીતે અળખામણી કરશું અમે
 
અવગણના સહન કરવી અઘરી હોય છે. કેટલીક વાર એમ થાય કે આના કરતાં અલગ થઈ જઈએ તો સારું. કાયમ મહેણાં માણતી જીભ પર દોષારોપણ થાય છે પણ કેટલીક વાર આંખો પણ એવી ધારદાર અભિવ્યક્તિ કરે કે કાપો તો લોહી ન નીકળે. જે સંબંધમાં સંવેદનાની આશા રાખી હોય એમાં રૂપાળા અંચળા તળે સ્વાર્થ છુપાઈને બેઠો હોય. ઢંકાયેલું હથિયાર નાનું હોય તોપણ કરપીણ સાબિત થઈ શકે. અર્પણ ક્રિસ્ટી લખે છે...
 
લોક મોટા ભાગના મૃગજળ સમા
એટલે હું થઈ ગયો’તો રણ પછી
છે શરત, પ્હેલાં સ્વીકારો પિંજરું
આપવા તૈયાર છે એ ચણ પછી
 
અત્યારે ડિજિટલ છેતરપિંડીના જે બનાવો બની રહ્યા છે એમાં અનેક તરકીબો અજમાવવામાં આવે છે. સ્ટૉક માર્કેટમાં આકર્ષક કમાણીની કે લોન પર વાર્ષિક વીસ-પચીસ ટકા વ્યાજ છૂટે એવી લાલચો આપવામાં આવે. શરૂઆતના બેચાર મહિના કમાણી ચુકવાય જેથી રોકાણકારને વિશ્વાસ બેસે. પછી વિશ્વાસઘાતનો ખેલ શરૂ થાય. વ્યાજ તો જવા દો આખી મૂડી ઓહિયા થઈ જાય. જેમને આવો કારમો અનુભવ થયો હોય એને ઝફર ઇકબાલની વાત વિશેષ સમજાશે... 
 
ખાલી લગા મકાન તમારા ગયા પછી
ગેહરા થા આસમાન તમારા ગયા પછી
કદમોં કી ચાપ સાફ ‘ઝફર’ કો સુનાઈ દી
બજને લગા થા કાન તમારા ગયા પછી
 
ઉપરની ઉર્દૂ-ગુજરાતી મિશ્રિત પંક્તિઓની રચનારીતિ સંદર્ભે લયસ્તરોના સંપાદક વિવેક મનહર ટેલર નોંધે છેઃ ‘ઉર્દૂના સમર્થ શાયર અને આદિલ મન્સૂરીના ખાસ મિત્ર ઝફર ઇકબાલે આદિલસાહેબના આગ્રહને માન આપી ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલોનો વિશિષ્ટ પ્રયોગ કરી આવી ૧૨૧ ગઝલોનો સંગ્રહ ‘તરકીબ’ આપણને ભેટ આપ્યો છે.’ બે ભાષાનો કઠે નહીં એવો વિનિયોગ થાય ત્યારે રસભર રવાની માણવા મળે. શેખાદમ આબુવાલા પર્યાય પસંદ કરવાનું કહે છે...
 
શક્ય હો તો કોઈ યોગીના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા
મરજી હો તો ધર્મની નીરસ લડતનું લે સ્વરૂપ
કે પછી કો રસભરી સરગમ બની રેલાઈ જા
 
ધર્મની કટ્ટરતા બંગલાદેશમાં સતત વિસ્તરી રહી છે. ત્યાંની લઘુમતી અર્થાત હિન્દુ આબાદી પર અત્યાચારો બેફામ બની રહ્યા છે. બંગલાદેશમાં ૧૯૫૧માં ૨૨ ટકા હિન્દુઓ હતા જે ૨૦૨૨ની ગણતરી પ્રમાણે ૮ ટકા છે. વિભાજન સમયે પાકિસ્તાનમાં ૨૦.૫ ટકા હિન્દુ હતા જે આજે ૨.૨૩ ટકા છે. બીજી તરફ ભારતમાં મુસ્લિમ વસ્તી ૧૯૫૧માં ૯.૮ ટકા હતી જે ૨૦૨૩ના અંદાજ પ્રમાણે ૧૪.૨૫ ટકાની આસપાસ થઈ છે. ચતુર કરો વિચાર. જનાબ રાહુલ ગાંધી ઍન્ડ કંપનીએ માઇનોરિટીનાં મંજીરાં વગાડતા પહેલાં અન્ય દેશોમાં કેવાં તબલાં વાગે છે એ સાંભળવું જોઈએ. કર્મ આધારિત નિરીક્ષણની જગ્યાએ ધર્મ આધારિત ધારણા મુખર બનતી જાય છે. પ્રમોદ અહિરની પંક્તિઓના સથવારે વિખવાદની વાત મૂકીને સંવાદ તરફ આગળ વધીએ... 
 
બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી
તે પછી રસ્તો ખૂલ્યો નટવર સુધી
મીરાં પહેલાં પહોંચેલી ભીતર સુધી
 
લાસ્ટ લાઇન
 
ક્યાં કશું છૂપે સિફતથી આયનો તૂટ્યા પછી
ભેદ ચ્હેરાના ઊઘડતા આયનો તૂટ્યા પછી
શું હતાં એ બિંબ કે બરછી, કટારો ને ખડગ
રંગ રાતો જાય દડતો આયનો તૂટ્યા પછી
એમ પાછો હાથ ક્યાંથી આયનો અકબંધ મળે
ગોઠવી કરચો ન જડતો આયનો તૂટ્યા પછી
સાજ શણગારો સમીપે પોરસાતો ઓરડો
ભીંત સાથે આજ લડતો આયનો તૂટ્યા પછી
કેમ, કોણે ઘા કરેલો પથ્થરોનો, પૂછ મા
કારણોમાં તું ન પડતો આયનો તૂટ્યા પછી
 
- વીરેન મહેતા
કાવ્યસંગ્રહઃ શાહી, કલમ, કાગળ અને...
Whatsapp-channel Whatsapp-channel

28 December, 2025 05:29 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK