Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઘરમાં કયા પ્લાન્ટ રાખવા હિતકારી છે?

ઘરમાં કયા પ્લાન્ટ રાખવા હિતકારી છે?

Published : 06 July, 2026 04:14 PM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

પહેલાંના સમયમાં ગાર્ડનની સુવિધા હતી, પણ હવે ઘર નાનાં થઈ ગયાં છે ત્યારે ઘરમાં પ્લાન્ટ રાખવા જોઈએ. અહીં દર્શાવ્યા છે એ પ્લાન્ટ તો ઘરમાં અચૂક હોવા જોઈએ

ઘરમાં કયા પ્લાન્ટ રાખવા હિતકારી છે?

ઘરમાં કયા પ્લાન્ટ રાખવા હિતકારી છે?


પહેલાંના સમયમાં તો ઘરની બહાર નાનકડું ગાર્ડન રહેતું અને એમાં લોકો ફૂલ-છોડ વાવતા, પણ હવે ઘર નાનાં થઈ ગયાં છે એવા સમયે ગાર્ડનનો તો વિચાર પણ કેમ થઈ શકે. જોકે એનો અર્થ એવો નથી કે આપણે ઘરમાં ફૂલછોડ ન વાવવાં જોઈએ. ઘરમાં કરવામાં આવતું પ્લાન્ટેશન ગ્રોથની નિશાની છે. જે ઘર કે ઑફિસમાં બહુ સરસ રીતે પ્લાન્ટ ઊગે છે એ ઑફિસ કે ઘરમાં ગ્રોથ ખૂબ સારો જોવા મળ્યાનું અનેક ઉદાહરણથી પુરવાર થયું છે. કૉર્પોરેટ ઑફિસમાં તો કંપની જ પ્લાન્ટેશન કરતી હોય છે, પણ જો શક્ય હોય તો તમે પણ કોઈ નાનો પ્લાન્ટ તમારા વર્ક-સ્ટેશન પર રાખી શકો છો અને એનો લાભ લઈ શકો છો. બાકી ઘરમાં કેટલાક પ્લાન્ટ અચૂક રાખવા જોઈએ જેથી વાસ્તુદોષ દૂર થાય.
અચૂક વાવો તુલસીનો છોડ
લીલા છોડ માત્ર હવાની શુદ્ધિ નથી કરતા પરંતુ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરીને સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ અચૂક રાખવો જોઈએ. તુલસીને શાસ્ત્રોમાં સૌથી પવિત્ર અને ઉત્તમ છોડ માનવામાં આવે છે. એ ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને 
સુખ-સમૃદ્ધિ લાવે છે. તુલસીના છોડને રોજ પાણી આપવું જોઈએ. જો છોડ નાનો હોય તો પાણીની માત્રા ઓછી કરી રાખવી, પણ તુલસીને ક્યારેય તરસી ન રાખવી જોઈએ.
તુલસીના છોડને રાખવાની નિશ્ચિંત દિશા છે. તુલસી ઘરની ઉત્તર, પૂર્વ કે પછી 
ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણમાં રાખવી હિતાવહ છે. એક વાત યાદ રાખજો કે તુલસીને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. તુલસીનાં જે પાન કરમાઈ જાય એનો નિકાલ પણ નિયમિત રીતે કરતા જવું જોઈએ. આંગણામાં રાખેલી તુલસી બહારની નેગેટિવ એનર્જીને બહાર જ રોકે છે.
જો ઑફિસમાં તમારા વર્ક-સ્ટેશનને ઇનડાયરેક્ટ સનલાઇટ મળતી હોય તો નાના ડેકોરેટિવ કૂંડામાં તુલસી ઑફિસમાં પણ રાખી શકાય છે.
રાખો મની પ્લાન્ટ
નામ પ્રમાણે જ આ છોડ આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને ધન-વૈભવને આકર્ષિત કરવા માટે જાણીતો છે. મની પ્લાન્ટને ઘરના અગ્નિ કોણ એટલે કે દક્ષિણ-પૂર્વમાં રાખવો સૌથી ઉત્તમ ગણાય છે. આ દિશામાં દેવતા ગણેશજી છે જે વિઘ્નહર્તા છે. ઘરમાં આવતા પૈસાને જો કોઈ વિઘ્ન નડતું હોય તો એ ગણેશજી દૂર કરે છે.
મની પ્લાન્ટનો એક નિયમ છે. આ એક વેલો છે. મની પ્લાન્ટનાં પાન ક્યારેય જમીનને ન અડવાં જોઈએ, એને કોઈ દોરી કે લાકડીના સહારે હંમેશાં ઉપરની તરફ ચડાવવાં જોઈએ. ઉપર ચડતો મની પ્લાન્ટ વિકાસ અને ગ્રોથની નિશાની દર્શાવે છે તો કૂંડામાં ઊભો થયેલો એનો ઘેરાવો પૈસાની બચત દર્શાવે છે.
રાખો બામ્બુ પ્લાન્ટ 
એને લકી બામ્બુ પણ કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર જ નહીં, ચાઇનીઝ ફેંગશુઈમાં પણ લકી બામ્બુનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. બામ્બુ પ્લાન્ટ ઘરમાં રાખવાથી ઘરમાં શાંતિ, ખુશી અને લાંબું આયુષ્ય લાવે છે અને તકલીફો દૂર થાય છે. બામ્બુ પ્લાન્ટને પણ વર્ક-સ્ટેશન પર રાખી શકાય છે. જો ઘરમાં બામ્બુ પ્લાન્ટ રાખવામાં આવે તો એ ડ્રૉઇંગરૂમ અથવા લિવિંગ એરિયામાં પૂર્વ કે ઉત્તર દિશામાં કાચના વાસણમાં પાણી ભરીને રાખી શકાય છે.
બામ્બુ પ્લાન્ટને પાણીની ઓછી આવશ્યકતા રહે છે. એની જાળવણીમાં પણ ઓછું ધ્યાન રાખવું પડે છે, પણ એક વાતનું ધ્યાન રાખવું કે એ જે કાચના બાઉલમાં હોય એ પાણીથી ભરેલું રહે.
સ્નેક પ્લાન્ટ પણ મહત્ત્વનો
સ્નેક પ્લાન્ટ એક ઉત્તમ ઍર-પ્યુરિફાયર પ્લાન્ટ છે. એ વાસ્તુદોષ દૂર કરવાની સાથે માનસિક તનાવ ઘટાડીને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે અને સાથોસાથ નવા સંપર્ક વધારવાનું કામ પણ કરે છે અને જે સંપર્ક છે એને વધારે મજબૂત બનાવે છે. સ્નેક પ્લાન્ટ રાખવાનું બેસ્ટ સ્થળ જો કોઈ હોય તો એ બેડરૂમ કે લિવિંગરૂમ છે. આ ઉપરાંત સ્નેક પ્લાન્ટ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય છે.
સ્નેક પ્લાન્ટને પણ માવજતની વધારે જરૂર નથી પડતી એટલે એની જાળવણી પણ સરળ છે. બે-ત્રણ દિવસ એક વાર પાણી આપવાથી પણ સ્નેક પ્લાન્ટ પોતાનું પોષણ મેળવી લે છે. સ્નેક પ્લાન્ટમાં અનેક વરાઇટી આવે છે જે પૈકી કોઈ પણ રાખી શકાય છે.

ઘર કે આ‍ૅફિસમાં પ્લાન્ટ રાખવાની આદત કેળવો તો એની સાથે આ બાબતની ચીવટ પણ રાખજો.
૧. ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ કે થોર એટલે કે કેક્ટસ રાખવા નહીં. ગુલાબનો છોડ એમાં અપવાદ છે. અલોવેરા રાખવાનું મન થાય તો એ અલોવેરા શોધવી જેને કાંટા ન હોય. કાંટાવાળા છોડ ઘરમાં રાખવાથી સંબંધોમાં ખટાશ આવે છે.
૨. જો કોઈ છોડ સુકાઈ કે કરમાઈ જાય તો એને તરત જ ઘરમાંથી હટાવી લેવો જોઈએ, કારણ કે એ નકારાત્મકતા ફેલાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 04:14 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK