ભય ક્યારેય ઢોલ વગાડીને નથી આવતો. એ ઘણી વાર બાળકના બદલાતા વર્તન કે આંતરિક મૂંઝવણમાં છુપાયેલો હોય છે. આપણે ઘર અને સ્કૂલમાં એવો માહોલ ઊભો કરવો પડશે જ્યાં દરેક બાળકને ખાતરી હોય કે તેની વાત સાંભળવામાં આવશે.
રિયા સંઘવી
બાળપણ એટલે મોકળું હાસ્ય, કાગળના વિમાન અને મુક્ત ગગનમાં ઊડતાં સપનાંની નાજુક અવસ્થા. દરેક બાળક આ દુનિયામાં એવા અદૃશ્ય વિશ્વાસ સાથે આવે છે કે તેની આસપાસના લોકો તેને હંમેશાં સુરક્ષિત રાખશે. બાળકોના આ જ વિશ્વાસને કાયમ રાખવા માટે ભારત સરકારે ૨૦૧૨માં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ અમલમાં મૂક્યો હતો. ૧૮ વર્ષથી નાની ઉંમરનાં તમામ બાળકોને જાતીય શોષણ અને સતામણી સામે રક્ષણ આપતો આ કાયદો લિંગભેદ વગર છોકરા-છોકરી બન્નેને સમાન સુરક્ષા આપે છે. ખાસ જોગવાઈઓ અને સ્પેશ્યલ કોર્ટની સ્થાપના પણ કરવામાં આવી છે. જોકે અહીં આપણે એક બહુ મોટો તફાવત સમજવો પડશે.
કોઈ પણ કાયદો ગમે એટલો કડક કેમ ન હોય, એ રાત્રે બાળકને વહાલથી સુવાડી શકતો નથી કે બાળકના અચાનક મૌન પાછળ છુપાયેલા ડરને આપોઆપ પારખી શકતો નથી. કાયદાનાં પુસ્તકોમાં ભાવનાત્મક સુરક્ષાની કલમો નથી હોતી. આ સંવેદનશીલતા આપણે પોતે ઘરમાં અને પરિવારમાં કેળવવી પડે છે.
ADVERTISEMENT
ભય ક્યારેય ઢોલ વગાડીને નથી આવતો. એ ઘણી વાર બાળકના બદલાતા વર્તન કે આંતરિક મૂંઝવણમાં છુપાયેલો હોય છે. આપણે ઘર અને સ્કૂલમાં એવો માહોલ ઊભો કરવો પડશે જ્યાં દરેક બાળકને ખાતરી હોય કે તેની વાત સાંભળવામાં આવશે. આપણે જ્યારે શારીરિક સુરક્ષા (બૉડી સેફ્ટી) જેવા વિષયો પર બાળકો સાથે સહજતાથી સંવાદ કરીશું ત્યારે તેમનામાં અવાજ ઉઠાવવાની હિંમત આવશે. તેમને ભરોસો બેસશે કે તેમની વાત પર કોઈ પણ જજમેન્ટ આપ્યા વગર સામેવાળી વ્યક્તિ વિશ્વાસ કરશે. સામાન્ય રીતે સગીર વયનાં બાળકોના પક્ષમાં ઊભા રહેવા માટે આપણે સોશ્યલ ઇમેજ વિશે વિચારીએ છીએ. ખાસ કરીને જ્યારે જાતીય દુર્વ્યવહારનો ભોગ બનેલી સગીર કિશોરીને પરિવાર કે સમાજ દ્વારા અવગણવામાં આવે છે ત્યારે તેનામાં સેલ્ફ-બ્લેમની ભાવના વધુ તીવ્ર બને છે અને તે એકાંતમાં રહેવાનું પસંદ કરવા લાગે છે. પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (PTSD), ક્રોનિક સ્ટ્રેસ, હતાશામાં તે પોતાને નુકસાન પહોંચાડે છે. અન્ય લોકો પર વિશ્વાસ કરવાની અથવા ભવિષ્યમાં હેલ્ધી રિલેશનશિપ બનાવવાની તેની ક્ષમતા ઓછી થઈ જાય છે. આથી જ લોકોને ખબર પડશે તો? આ સામાજિક ભયથી મુક્ત થવું પડશે. બાળકના શોષણની શંકા જાય તો એની તરત જાણ કરવી એ આપણી કાનૂની અને નૈતિક બન્ને ફરજ છે.
બાળકોની સુરક્ષા એ માત્ર અદાલતનો આદેશ નથી; પેરન્ટ્સ, ટીચર્સ અને આસપાસમાં રહેતા લોકોની સહિયારી જવાબદારી છે. ચાલો, કાયદાની કલમોની સાથે આપણા હૃદયમાં પણ સંવેદનશીલતા કેળવીએ અને એવો સમાજ બનાવીએ જ્યાં દરેક બાળક મુક્તપણે સપનાં જોઈ શકે અને ભય વિના મોટું થઈ શકે.
રિયા સંઘવી એજ્યુકેટર, સર્ટિફાઇડ POCSO ટ્રેઇનર, બાળસુરક્ષા કાર્યકર અને મેન્ટલ હેલ્થ કોચ છે. સગીર વયનાં બાળકોને ભાવનાત્મક રીતે સુરક્ષિત રાખી શકાય અને તેમનો સશક્ત વાતાવરણમાં ઉછેર થાય એ માટે પ્રયત્નશીલ છે.
