Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વ્યક્તિ, વાતાવરણ અને વિચારનો ત્રિકોણ આપણને ઘડે છે

વ્યક્તિ, વાતાવરણ અને વિચારનો ત્રિકોણ આપણને ઘડે છે

Published : 03 November, 2026 03:36 PM | Modified : 03 November, 2026 03:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે રાજ્યોના છેડાને સ્પર્શતું આવું એક સ્ટ્રકચર હોય ત્યાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની ઘટના માત્ર ઘરની બહાર નીકળવા જેવી સહેલી બની જાય છે. આના કારણે એક રાજ્યમાં પ્રતિબંધિત પદાર્થો ‘બીજા રાજ્ય’માંથી તરત મળી રહે છે.

જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ

સત્સંગ

જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ


ગુજરાત-મહારાષ્ટ્રની બૉર્ડર પર આવેલું નવાપુર રેલવે-સ્ટેશન એક એવું સ્ટેશન છે જેનો એક છેડો ગુજરાતના તાપી જિલ્લામાં છે તો એનો બીજો છેડો મહારાષ્ટ્ર જિલ્લામાં છે. બીજી રીતે કહીએ તો ૫૦૦ મીટરની લંબાઈ ધરાવતા આ સ્ટેશનના ૩૦૦ મીટર મહારાષ્ટ્ર રાજ્યમાં છે અને ૨૦૦ મીટર ગુજરાત રાજ્યમાં છે.

આ સ્ટેશનની ટિકિટબારી અને પોલીસ-સ્ટેશન મહારાષ્ટ્રમાં છે તો સ્ટેશન-માસ્ટરની ઑફિસ, વેઇટિંગ રૂમ, ટૉઇલેટ ગુજરાતમાં છે. પ્લૅટફૉર્મ પર વચ્ચે એક બેન્ચ છે જે વચ્ચેથી સ્પ્લિટ કરી શકાય અને એક જ બેન્ચ પર બેઠેલા બે માણસો બે અલગ રાજ્યોમાં બેઠેલા હોય છે. એટલે તો આ સ્ટેશન પરની જાહેરાતો પણ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને મરાઠી એમ ૪ ભાષામાં થાય છે.



બે રાજ્યોના છેડાને સ્પર્શતું આવું એક સ્ટ્રકચર હોય ત્યાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની ઘટના માત્ર ઘરની બહાર નીકળવા જેવી સહેલી બની જાય છે. આના કારણે એક રાજ્યમાં પ્રતિબંધિત પદાર્થો ‘બીજા રાજ્ય’માંથી તરત મળી રહે છે. જેમ કે ગુજરાતની દારૂબંધી આ સ્ટેશનની બીજી તરફ લાગુ નથી થતી. આ જ રીતે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ગુટકા વગેરે ગુજરાતમાં રહેલા સ્ટેશનના હિસ્સામાંથી મળી રહે છે.


માણસનું જીવન આજે કંઈક અંશે આ નવાપુર સ્ટેશન જેવા મોડ પર છે. આ વિચારને દરેકે પોતાના પર્સનલાઇઝ્ડ દૃષ્ટિકોણથી સમજવો પડશે. હાથમાં મોબાઇલ હોય અને ભક્તિગીતો સાંભળતી કોઈ વ્યક્તિ અચાનક સહેજ આંગળી સ્ક્રીનને અડી જતાં સાવ જ ફાલતુ રીલ જોવા લાગે છે. પછી પૂરો કલાક એ જ ચાલે. સ્ટેશનનાં બે અલગ રાજ્યોને અડતા છેડા જાણે એક જ સાધનમાં આ રીતે જોવા મળશે. સહેજ ખસ્યા કે બીજા સ્ટેટમાં! ફેસ્ટિવલ દરમ્યાન પણ એક બાજુ આસ્થા અને બીજા છેડે ગ્લૅમર અને ભદ્દો શો-ઑફ!

સારા વાતાવરણમાં, સારા વર્તુળમાં રહેલો સ્ટુડન્ટ કંઈક જુદો જ લાગે અને કૉલેજની લાઇબ્રેરીમાં કે કૅન્ટીનમાં ઊંધી ટોપી પહેરેલો તે જ પાછો કંઈક અલગ જ લાગે. દર વર્ષે હજારો ટીનેજર્સ જૈન તીર્થ પાલિતાણામાં બે માસ રોકાઈને તીર્થની નવ્વાણું યાત્રા કરે છે. આ જ સ્ટુડન્ટ મિત્રો સાથે આઉટિંગ પર હોય ત્યારે સાવ જુદો લાગશે. જિંદગીના સ્ટેશનના બે છેડે જાણે બે અલગ જ સ્ટેટ છે અને તે રીતસર અનુભવાશે. 


પર્યુષણમાં ઘણા જૈનો સ્ટેશનના સામે છેડે પહોંચી જઈને તપસ્યા, ધર્મક્રિયા વગેરેમાં જોડાય છે અને પછી તરત જ પાછા સ્ટેશનના બીજે છેડે પહોંચી જાય છે. એક છેડે લાખોનું દાન છે, સામે છેડે કરોડો મેળવવા પાછળનો પ્રચંડ પ્રયાસ પણ હોય છે. માણસ ઘરે હોય ત્યારે અલગ હોય છે, ફરવા જાય ત્યારે અલગ હોય છે, વિદેશમાં જાય ત્યારે સાવ અલગ બની જાય છે. 

આ માણસની નબળાઈ નથી, તાસીર છે. કોઈ પણ વ્યક્તિ જેવા વર્તુળ વચ્ચે કે જેવા વાતાવરણમાં રહે એવા વિચારો તેનામાં જન્મે છે. વ્યક્તિ, વાતાવરણ કે વર્તુળ અને વિચારનું એક મજેદાર ત્રિકોણ છે જે આપણને ઘડે છે. વિચારો પર અંકુશ હોતો નથી. જે વ્યક્તિ ઇચ્છે કે ખરાબ વિચારો ન આવે તેણે ખરાબ વાતાવરણ અને વર્તુળ છોડવું જોઈએ તથા સારા વાતાવરણને, વર્તુળને, સાહિત્યને આવકારવું અને પસંદ કરવું જોઈએ. તો સારા વિચારોનો ઉદ્ભવ સહજ બને. વાતાવરણ કે વર્તુળનો ખૂણો બદલાય અને જીવનનું એ નવાપુર રેલવે-સ્ટેશન પોતાનું સ્ટેટ નક્કી કરે છે.

આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK