વિમાનભાડું નક્કી કરવાની કંપનીઓને સંપૂર્ણ છૂટઃ ફ્લાઇટ-ટિકિટ મોંઘી થઈ તો દર વખતે સરકાર નહીં રોકે, માત્ર અસાધારણ સંજોગોમાં જ કરશે હસ્તક્ષેપઃ ૨૦૨૭ની પહેલી જાન્યુઆરીથી આખા દેશમાં ભારતીય વાયુયાન નિયમ ૨૦૨૬ કાયદો અમલમાં આવી જશે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ભારતીય વાયુયાન નિયમ ૨૦૨૬ (Bharatiya Vayuyan Niyam 2026) હેઠળ વિમાનભાડાં સંબંધિત નવા નિયમો નોટિફાય કર્યા છે. આ નવા નિયમો મુજબ સામાન્ય સંજોગોમાં ઍરલાઇન્સ પોતાનું હવાઈભાડું નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર રહેશે. જોકે અસાધારણ સંજોગો ઊભા થાય અને જાહેર હિતમાં જરૂરી જણાય ત્યારે જ સરકાર ઍરલાઇન્સને ભાડાં બાબતે લેખિત આદેશ આપી શકશે. આ નવા નિયમો ૨૦૨૭ની ૧ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં અમલી બનશે.
સિવિલ એવિયેશન મંત્રાલય દ્વારા ૨૦૨૬ની ૨૬ ઑક્ટોબરે આ નિયમો નોટિફાય કરવામાં આવ્યા હતા અને ૩૧ ઑક્ટોબરે ગૅઝેટમાં પ્રકાશિત કરાયા હતા.
ADVERTISEMENT
રૂલ ૧૯૨(૬) હેઠળ કેન્દ્ર સરકારને હવાઈભાડાંમાં દખલગીરી કરવાની સત્તા આપવામાં આવી છે. સરકારને જો એવું લાગે કે કોઈ અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જાહેર હિતમાં પગલાં લેવાં જરૂરી છે તો એ યોગ્ય સમયમર્યાદા માટે લેખિત નિર્દેશ જારી કરી શકશે.
સામાન્ય પરિસ્થિતિમાં વિમાન કંપનીઓ પોતાનો ઑપરેટિંગ ખર્ચ ધ્યાનમાં રાખીને જાતે જ ભાડું નક્કી કરી શકશે. સરકારે ટિકિટનાં ભાડાંની કોઈ મહત્તમ મર્યાદા (કૅપ) નક્કી કરી નથી જેથી ઍરલાઇન્સને વ્યાવસાયિક સ્વતંત્રતા મળશે.
ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) સમયાંતરે ઍરલાઇન્સ દ્વારા નક્કી કરાતાં ભાડાંની વિગતો મેળવીને એના પર સતત દેખરેખ રાખશે જેથી ભાડાંના નિર્ધારણમાં પારદર્શિતા જળવાઈ રહે.
અગાઉ ઍરક્રાફ્ટ રૂલ્સ ૧૯૩૭ના નિયમ ૧૩૫(૪) હેઠળ DGCA પાસે અતિશય ઊંચાં કે અયોગ્ય ભાડાં અને ઇજારાશાહી સામે સીધા નિર્દેશ આપવાની જોગવાઈ હતી. નવા રૂલ ૧૯૨માં હવે સરકારના હસ્તક્ષેપ માટે માત્ર અસાધારણ સ્થિતિ અને જાહેર હિતને જ આધાર બનાવવામાં આવ્યો છે.
મુસાફરો માટે શું બદલાશે?
હવે ટિકિટમાં ભાડાની કુલ રકમ જોઈ શકશે. એમાં બેઝ ફેર, સરકારને આપવામાં આવતો ટૅક્સ, અન્ય સર્વિસ સાથે સંકળાયેલી ફી અને અન્ય કોઈ પણ ચાર્જિસનું અલગ-અલગ વિવરણ ટિકિટમાં જોઈ શકશે. કૅન્સલેશન ચાર્જ કેટલો થશે એ પણ ટિકિટ પર જોવા મળશે. રીફન્ડની શરત પણ ટિકિટ પર જ જોઈ શકશે.
