યાદ છે? ટ્રેન-અકસ્માતમાં બન્ને હાથ ગુમાવનાર મુંબઈની મોનિકા મોરેનું સફળ હૅન્ડ-ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં જ થયું હતું, જેના માટે દાતાના હાથ ચેન્નઈથી ગ્રીન કૉરિડોર દ્વારા ફ્લાઇટમાં મુંબઈ લાવવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ડેડ-બૉડીના માધ્યમથી શરીરની સંરચનાનો અભ્યાસ એ કેટલું મહત્ત્વપૂર્ણ પાસું છે? મુંબઈમાં દેહદાનને લગતો અત્યારનો સિનારિયો શું છે અને આજે પણ ભારતીય સંસ્કૃતિ મુજબ શરીરને પંચમહાભૂતમાં ભેળવી દેવાની અંતિમક્રિયા વિના વ્યક્તિનું અંગદાન કરવાની બાબતો મૉરલ સ્ટ્રગલ તરીકે સમાજમાં કેટલી વ્યાપ્ત છે? આવા જ કેટલાક સવાલોના જવાબ મેળવીએ આજે
પરોપકારાય ઇદં શરીરમ્ અર્થાત્ આ શરીર પરોપકાર માટે જ છે. જોકે એ પછીયે દેહદાનની વાત આવે ત્યારે આપણો સમાજ ઉદાસીન થઈ જતો હોય છે. આજે આપણી પાસે બેસ્ટ સર્જરી કરી શકતા ડૉક્ટરો ઉપલબ્ધ છે એનું શ્રેય એ તમામ મૃત શરીરોને જાય છે જેમના પર તેઓ માનવસંરચનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શક્યા છે. ભારતમાં મૃત શરીરને અગ્નિદાહ આપીને એને પંચમહાભૂતમાં વિલીન કરી દેવો એ માનવજીવનના અંતિમ સંસ્કાર તરીકે અનિવાર્ય પ્રોસેસ મનાય છે. આ જ કારણ છે કે આપણે ત્યાં દેહદાન અને દેહના અમુક વિશિષ્ટ અવયવોનું દાન એ જરૂરિયાતની સામે નજીવા પ્રમાણમાં થાય છે. થોડાક સમય પહેલાં મેડિકલની એક વિદ્યાર્થિની સેજલ પવારે મૃત શરીર માટે કરેલી ઘૃણા ભરેલી કમેન્ટનો આક્રોશપૂર્ણ વિરોધ થયો અને ઘણા અગ્રણી ડૉક્ટરોએ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેની આ વાતની નિંદા કરી હતી, કારણ કે મૃતદેહો એ મેડિકલ સ્ટુડન્ટની ટ્રેઇનિંગમાં પ્રથમ ગુરુસમાન છે અને એનું અપમાન દેશભરના મેડિકલ નિષ્ણાતોને ખૂંચ્યું હતું. અવયવદાન વિશે તો હજીયે લોકો સતર્ક થયા છે, પરંતુ દેહદાન માટે ખૂબ ઓછા પરિવારો આગળ આવતા હોય છે. આજે આપણે દેહદાનનાં એ તમામ પાસાંઓ, કાયદાઓ, માનસિક દ્વંદ્વ અને વર્તમાન સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરીએ.
ADVERTISEMENT
પ્રથમ દરદી અને પ્રથમ ગુરુ
કોઈ પણ મેડિકલ વિદ્યાર્થી માટે પુસ્તકનું જ્ઞાન અને સાચા માનવશરીરનો અનુભવ એ બન્ને વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે. તબીબી વિજ્ઞાનમાં ઍનૅટૉમી લૅબમાં રાખવામાં આવેલો મૃતદેહ વિદ્યાર્થીઓનો પ્રથમ દરદી અને પ્રથમ ગુરુ ગણાય છે. આ સંદર્ભે મુંબઈની અગ્રણી સરકારી હૉસ્પિટલના ઍનૅટૉમી વિભાગના ડૉક્ટર કહે છે, ‘હૃદય, કિડની, લિવર કે નસોની ચોક્કસ જગ્યા અને એની નાજુકતા માત્ર 3-D સ્ક્રીન કે પુસ્તકોથી સમજી શકાતી નથી. સર્જ્યન બનવા માટે હાથમાં રહેલી છરીની ચોકસાઈ આ જ મૃતદેહો પરની પ્રૅક્ટિસથી આવે છે. શરીરની વાસ્તવિક સંરચના સમજવા માટે એ સૌથી મહત્ત્વની ટ્રેઇનિંગ હોય છે જેમાં મૃતદેહો મદદરૂપ થાય છે. કોઈ વ્યક્તિ જ્યારે પોતાના સ્વજનના અખંડ શરીરને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપે છે ત્યારે ભવિષ્યના ૧૦૦૦ દરદીઓ બચાવવામાં તેઓ નિમિત્ત બને છે. ૧૦ વિદ્યાર્થીઓ વચ્ચે એક કૅડેવર બૉડી અભ્યાસ માટે હોય છે. બૉડીને લાંબા સમય સુધી સાચવવા એમાં પાંચ લિટર જેટલું ફૉર્મલિન નામનું કેમિકલ ચડાવવામાં આવે છે. કોઈ પણ સ્ટુડન્ટને ડિસેક્શન હૉલમાં ફોન અલાઉડ નથી હોતા.’
ગુડ ન્યુઝ મુંબઈમાં જૂન ૨૦૨૬ના છેલ્લા અઠવાડિયામાં માત્ર પાંચ દિવસની અંદર પાંચ પરિવારોએ કૅડેવર ડોનેશનની મંજૂરી આપી હતી, જેનાથી ૧૭ દરદીઓને નવું જીવન મળ્યું છે. ૨૦૨૬ના શરૂઆતના ૬ મહિનામાં જ મુંબઈમાં ૩૫ દાતાઓએ અંગદાન કર્યું છે જે રેકૉર્ડ-બ્રેક સ્પીડ મનાય છે.
વિદ્યાર્થીઓની ટ્રેઇનિંગ
મેડિકલ સ્ટુડન્ટ્સ પહેલી વાર ડેડ-બૉડી જુએ ત્યારે ચક્કર ખાઈને પડી જતા અથવા તો ડિસેક્શન હૉલમાં ફૉર્મલિન નામના બૉડીને સાચવવા માટે વપરાતા કેમિકલની વાસથી વૉમિટ કરી દેતા. જોકે નવા નિયમ પ્રમાણે ભારતમાં MBBSના અભ્યાસક્રમની શરૂઆતમાં જ એક મહિનાનો ફાઉન્ડેશન કોર્સ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ કોર્સ અંતર્ગત વિદ્યાર્થીઓને સીધા જ પહેલા દિવસે ડેડ-બૉડી પાસે લઈ જવાને બદલે કાઉન્સેલિંગ સેશન્સ લેવામાં આવે છે. મેડિકલ પ્રોફેશનમાં મૃતદેહનું શું મહત્ત્વ છે અને એને એક સાઇલન્ટ શિક્ષક તરીકે કેવી રીતે જોવો એ સમજાવવામાં આવે છે. આ કોર્સમાં સાઇકિયાટ્રી વિભાગના ડૉક્ટરો દ્વારા ખાસ સેશન લેવાય છે જેમાં ઍન્ગ્ઝાયટી અને ફોબિયા પર કાબૂ મેળવવાની ટેક્નિક શીખવવામાં આવે છે. અહીં ડૉક્ટર કહે છે, ‘મુંબઈની સરકારી મેડિકલ કૉલેજોમાં ડિસેક્શન હૉલમાં પ્રવેશતાં પહેલાં તમામ વિદ્યાર્થીઓ પાસે કૅડેવરિક ઓથ લેવડાવવામાં આવે છે. આ શપથ દરમ્યાન વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે આ શરીર કોઈ વસ્તુ નથી પરંતુ એક સમયે જીવતી-જાગતી વ્યક્તિ હતી જેણે પોતાના મૃત્યુ પછી મેડિકલ સાયન્સના ભલા માટે દેહદાન કર્યું છે એટલે વિદ્યાર્થીઓમાં મૃતદેહ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના જાગે છે. બીજું, પહેલા જ દિવસે વિદ્યાર્થીઓના હાથમાં છરી આપીને કાપવાનું કહેવામાં આવતું નથી. શરૂઆતના થોડા દિવસોમાં પ્રોફેસરો વિદ્યાર્થીઓને માત્ર ટેબલની આજુબાજુ ઊભા રાખે છે. વિદ્યાર્થીઓને માત્ર એ વાતાવરણ, કેમિકલની ગંધ અને મૃતદેહને જોવાની ટેવ પાડવામાં આવે છે. જ્યારે પ્રોફેસરોને લાગે કે આખું ગ્રુપ હવે કમ્ફર્ટેબલ છે ત્યારે જ પ્રૅક્ટિકલ શરૂ કરવામાં આવે છે.’
સ્વજનનું દેહદાન કરનારા પરિવારનો પ્રત્યક્ષ અનુભવ

હિંમત ગાંધીના પાર્થિવ દેહનું દાન કરનારાં પ્રફુલિતાબહેનનો પરિવાર.
હિન્દુ સંસ્કૃતિમાં એવી દૃઢ માન્યતા રહી છે કે મૃત્યુ પછી શરીરને વિધિપૂર્વક અગ્નિદાહ આપીને પંચમહાભૂતોમાં વિલીન કરી દેવું જોઈએ. માન્યતા એવી પણ છે કે જો શરીર અખંડ ન રહે તો આત્માની મુક્તિ અટકી જાય છે અથવા આગામી જન્મમાં ખોડખાંપણ આવે છે. આ આધ્યાત્મિક માનસિકતા પરિવાર માટે નૈતિક સંઘર્ષ ઊભો કરે છે. પોતાના સ્વજનને અંતિમ સંસ્કાર આપ્યા વિના વિદાય આપવી અઘરી છે, પરંતુ એની પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ હોય તો હિંમત આવી જાય છે. ગયા વર્ષે ૮૫ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનારા વડાલામાં રહેતા હિંમતભાઈ ગાંધી પત્ની પ્રફુલિતાબહેનને મૃત્યુ પહેલાં જ દેહદાન કરવા માટેની ભલામણ કરી ગયા હતા. દીકરીઓ નેહા અને નિધિ અને જમાઈ વીરેન અને અજય એમ પરિવારના બધા જ સભ્યો માતા-પિતાના નિર્ણય માટે રાજી હતા. હિંમતભાઈના જમાઈ વીરેનભાઈ કહે છે, ‘પપ્પા ગુજરી ગયા ત્યારે એક સેકન્ડ માત્રનું પણ સફરિંગ નહોતું. મમ્મીની બહુ જ સ્પષ્ટ વાત હતી કે આપણે પપ્પાનું દેહદાન કરવું છે. છેલ્લે નવકાર સાંભળતાં-સાંભળતાં તેમણે વિદાય લીધી. તેમણે આખી જિંદગી સમાજનાં કાર્યો કરવામાં વિતાવી હતી. તેમના ગયા પછી પણ તેમની સેવાની યાત્રા દેહદાન થકી અકબંધ રહી.’
મેડિકલ સ્ટુડન્ટે કૉમેડી શોમાં કરેલી કમેન્ટ માટે પોતાનો પ્રતિભાવ આપતાં વીરેનભાઈ કહે છે, ‘એ બહુ જ વાહિયાત વાત હતી, પરંતુ એના સ્ટેટમેન્ટ પછી જે વિરોધ થયો એ પણ જગજાહેર છે. તેનાં કરમ તે જાણે, પણ અમારો અનુભવ આ આખી પ્રોસેસમાં બહુ જ સારો રહ્યો. હૉસ્પિટલના સ્ટાફ તરફથી ખૂબ પ્રેમ અને આદર મળ્યા. સ્કિન અને આઇ ડોનેટ કરનારા ઘણા છે, પરંતુ ફુલ બૉડી ડોનેટ કરનારા કોઈ નથી અને એની જરૂરિયાત ખૂબ વધારે છે એવું અમને મેડિકલ કૉલેજના હેડ પાસેથી જાણવા મળ્યું હતું. આજે અનેકની જિંદગી બચાવવામાં પપ્પા નિમિત્ત બનવાના છે એનાથી વધુ સારું શું હોઈ શકે?’
મુંબઈની તમામ મોટી મેડિકલ કૉલેજોમાં વર્ષે અંદાજે ૧૫૦થી ૨૦૦ મૃતદેહો સ્વીકારવામાં આવે છે.
૮૦હવે લગભગ આટલા ટકા મૃતદેહો સ્વૈચ્છિક દેહદાન દ્વારા મળે છે. બૉમ્બે ઍનૅટૉમી ઍક્ટ હેઠળ પહેલાં મેડિકલ કૉલેજો મોટા ભાગે પોલીસ તરફથી મળતી બિનવારસી લાશ પર નિર્ભર હતી.
બૉમ્બે ઍનૅટૉમી ઍક્ટ, ૧૯૪૯ શું કહે છે?
મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં મૃતદેહો મળી રહે અને માનવશરીરનાં અંગોના ગેરકાયદે વેપારને કે દુરુપયોગને અટકાવી શકાય એ હેતુથી બનેલો બૉમ્બે ઍનૅટૉમી ઍક્ટ, ૧૯૪૯ મેડિકલ કૉલેજોને અભ્યાસ માટે કાયદેસર રીતે કૅડેવર એટલે કે મૃતદેહ મેળવવાની મંજૂરી આપતો અત્યંત મહત્ત્વનો કાયદો છે.
બિનવારસી મૃતદેહો : જો હૉસ્પિટલ, જેલ અથવા જાહેર સ્થળે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને સામાન્ય રીતે ૪૮ કલાક સુધી તેનાં કોઈ સગાં-સંબંધી એનો દાવો ન કરે તો એવા બિનવારસી મૃતદેહને પોલીસ અને સત્તાધિકારીઓની મંજૂરી બાદ મેડિકલ કૉલેજને શૈક્ષણિક હેતુ માટે સોંપવામાં આવે છે.
દેહદાન : જો કોઈ વ્યક્તિ જીવતેજીવ પોતાની મરજીથી મેડિકલ રિસર્ચ માટે દેહદાનનું વસિયતનામું કરી ગઈ હોય અથવા તેના મૃત્યુ બાદ તેના નજીકના સંબંધીઓ સંમતિ આપે તો આ કાયદા હેઠળ એ દેહ સ્વીકારવામાં આવે છે.
મેડિકલ ક્ષેત્રમાં કૅડેવરનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને ત્રણ મુખ્ય સ્તરે તાલીમ આપવામાં આવે છે. સૌથી પહેલાં પ્રથમ વર્ષના મેડિકલના વિદ્યાર્થીઓ માનવશરીરની મૂળભૂત રચના, સ્નાયુઓ, નસો, હાડકાં અને અંગોની ગોઠવણીને જાતે જ ડિસેક્ટ એટલે કે કાપો મારીને સમજે છે. બીજા નંબરે પોસ્ટ-ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ અને જુનિયર સર્જ્યન્સ માટે ઍડ્વાન્સ સર્જિકલ સ્કિલ્સ કોર્સ હોય છે જેમાં પણ વિદ્યાર્થીઓ જીવંત દરદી પર સર્જરી કરતાં પહેલાં કૅડેવર પર હાડકાંની સર્જરી, ન્યુરોસર્જરી અને હૃદયની સર્જરી જેવાં જટિલ ઑપરેશનોની પ્રૅક્ટિસ કરે છે. ત્રીજા નંબરે સર્જરીમાં સ્પેશ્યલાઇઝેશન કરતા વિદ્યાર્થીઓ અને સિનિયર ડૉક્ટરો ટાંકા વગરની કે નાના કાપાવાળી સર્જરી જેને લેપ્રો-એન્ડોસ્કોપિક સર્જરી કહેવાય છે એની ટ્રેઇનિંગ પણ કૅડેવર લૅબમાં અપાય છે.
મૃત્યુ પછી પણ કોઈકને કામ લાગીએ એથી વધુ શું જોઈએ?

રાજેન્દ્ર શાહના પાર્થિવ દેહનું દાન કરનારાં મેઘના શાહનો પરિવાર.
એપ્રિલ મહિનામાં માટુંગામાં રહેતાં મેઘના શાહના ૭૪ વર્ષના હસબન્ડ રાજેન્દ્ર શાહનું બ્રેઇન-સ્ટ્રોકને કારણે મૃત્યુ થયું અને તેમણે પતિના દેહનું દાન કર્યું. ગુરુદેવની અને પરિવારની સહમતી સાથે હૃદયને મજબૂત બનાવીને આ નિર્ણય લીધો હતો એમ જણાવીને અવાજમાં આવેલી ભીનાશ સાથે મેઘના શાહ કહે છે, ‘સન્ડે ફ્રેન્ડ્સ સાથે કામ કર્યું હતું એટલે બૉડી ડોનેશનની જરૂરિયાત કેટલી છે એ હું જાણતી હતી. જ્યારે ઘરમાં આવું બન્યું ત્યારે દેહદાન માટે એક મિનિટ સંકોચ થયો હતો, પણ પછી જેવું મનમાં એ વાત ચાલી કે ભવિષ્યમાં સારા ડૉક્ટરો બનાવવા માટે અને સમાજના હિત માટે દેહદાન જરૂરી છે એટલે મન મક્કમ થઈ ગયું. જોકે મેં મારા ગુરુદેવ પરમ પૂજ્ય જિતેન્દ્રમુનિજીને આખી વાત કરી અને તેમણે આશીર્વાદ સાથે અનુમતિ આપી પછી કોઈ બીજો વિચાર નહોતો આવ્યો. અમારા ફૅમિલી ડૉક્ટર અતુલ દોશીએ પણ આ નિર્ણયને ફુલ સપોર્ટ આપ્યો. શરૂઆતમાં સાયન હૉસ્પિટલવાળાએ કહ્યું કે તેઓ આંખોનો ઉપયોગ કદાચ નહીં કરી શકે. અમે KEM હૉસ્પિટલના મેડિકલના વિદ્યાર્થીઓ માટે બૉડી ડોનેટ કરી હતી. જેવા ત્યાં તેમને લઈને પ્રવેશ્યા ત્યાં જ કોઈક બે દરદી હતા જેમને આંખો પણ કામ લાગી ગઈ. અમને એ જાણીને સંતોષ થયો હતો. આમ પણ શરીર રાખમાં મળી જાય એના કરતાં અહીં એ કોઈકનો જીવ બચાવવામાં ઉપયોગી તો થશે. જીવતેજીવ અને ગયા પછી પણ આપણે કોઈકને કામ લાગીએ એથી વધુ શું જોઈએ.’
ઑર્ગન ડોનેશનની દુનિયા પર પણ એક નજર

એસ. કે. માથુર, ZTCCના પ્રેસિડન્ટ
એક તરફ જ્યાં દેહદાનની વિગતવાર ચર્ચા કરી છે ત્યાં બ્રેઇન-ડેડ અવસ્થામાં અને મૃત્યુ પછી પણ શરીરના કેટલાક અવયવોનું દાન મહત્ત્વનું છે અને ધીમે-ધીમે એના વિશે લોકોમાં જાગૃતિ પણ આવી રહી છે, પરંતુ જરૂરિયાતની તુલનાએ એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો-ઑર્ડિનેશન સેન્ટર (ZTCC) અને નૅશનલ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (NOTTO)ના સત્તાવાર ડેટા અનુસાર ભારતમાં અંગદાનનો દર અત્યંત ચિંતાજનક છે. ભારતમાં દર ૧૦ લાખની વસ્તીએ માત્ર ૦.૫૨થી ૦.૬૫ લોકો જ અંગદાન કરે છે. દેશમાં ૨૦૨૫ દરમ્યાન કુલ ૨૦,૦૧૯ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ નોંધાઈ હતી, જેમાં લિવિંગ અને કૅડેવર બન્ને સામેલ છે, પરંતુ હજી પણ દેશમાં અંદાજે ૮૯,૦૦૦થી વધુ દરદીઓ મેજર ઑર્ગન મેળવવા માટે સત્તાવાર વેઇટિંગ લિસ્ટમાં છે. ZTCCના પ્રેસિડન્ટ ડૉ. એસ. કે. માથુર કહે છે, ‘અંગદાન અત્યંત ટાઇમ-સેન્સિટિવ મેડિકલ પ્રોસેસ છે. અહીં એક-એક મિનિટ કીમતી મનાય છે. જ્યારે દરદીનું મગજ કાયમ માટે કામ કરતું બંધ થઈ જાય પરંતુ વેન્ટિલેટર સપોર્ટના કારણે હૃદય ધબકતું હોય ત્યારે કાયદા મુજબ ૪ નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા ૬ કલાકના અંતરે બે વાર ટેસ્ટ કરીને તેને સત્તાવાર બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવે છે. એક વાર ઑફિશ્યલ બ્રેઇન-ડેડ જાહેર થાય એ પછી સૌથી સંવેદનશીલ તબક્કો શરૂ થાય છે, જેમાં હૉસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કો-ઑર્ડિનેટર અને ગ્રીફ કાઉન્સેલર્સ આઘાતમાં ડૂબેલા પરિવાર સાથે વાત કરીને અંગદાન માટે તેમની કાયદાકીય અને લેખિત સંમતિ મેળવે છે. દાતાના બ્લડ-ગ્રુપ, ટિશ્યુ ટાઇપ અને બૉડી સાઇઝના આધારે સેન્ટ્રલ વેઇટિંગ લિસ્ટમાં રહેલા સૌથી ઇમર્જન્સીવાળા દરદીની પસંદગી કરવામાં આવે છે, જેમાં અમારા અને નૅશનલ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશનના અધિકારીઓની હાજરી હોય છે. સ્પેશ્યલ સર્જ્યન્સની ટીમ ઑપરેશન કરીને અંગો બહાર કાઢે છે. મુંબઈની ટ્રાફિક-પોલીસની મદદથી ગ્રીન કૉરિડોર બનાવીને ૪ કલાકની અંદર હૃદય, ૧૨ કલાકની અંદર લિવર અને ૨૪ કલાકની અંદર કિડનીને રિસીવર સુધી પહોંચાડવામાં આવે છે. ઘણા લોકોના મનમાં હજી પણ એ ડર હોય છે કે તેમના સ્વજનોના અંગનો દુરુપયોગ થશે તો? જોકે એવું હવે જરાય શક્ય નથી. ટ્રાન્સપ્લાન્ટ ઍક્ટ હેઠળ આખી પ્રોસેસ ઑનલાઇન અને કડક સરકારી દેખરેખ હેઠળ થાય છે, જેમાં કોઈ ગેરરીતિ શક્ય નથી. જોકે બીજો એક પડકાર એ પણ છે કે મુંબઈમાં કૅડેવર ઑર્ગન ડોનેશન મોટા ભાગે ખાનગી હૉસ્પિટલોમાં વધુ થાય છે. સરકારી હૉસ્પિટલોમાં બ્રેઇન-ડેડ દરદીઓના પરિવારોને કાઉન્સિલિંગ કરીને અંગદાન માટે તૈયાર કરવાનું પ્રમાણ હજી પણ ઘણું ઓછું છે જેને કારણે સરકારી સ્તરે આ આંકડો વધારવા માટે પ્રયાસો ચાલુ છે.’
ક્યારે શક્ય છે દેહદાન?
મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ માટે જરૂરી મૃત શરીર માટે પણ કેટલીક પૂર્વશરતો હોય છે. ડૉક્ટર કહે છે, ‘શરીર અખંડ હોવું જરૂરી છે. ઍક્સિડન્ટના દરદીઓ અથવા પહેલાં ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂકેલા દરદીઓ, સુસાઇડથી મૃત પામેલી વ્યક્તિઓ, પોસ્ટમૉર્ટમ થયેલા મૃત શરીર માટે મેડિકલ ટ્રેઇનિંગ માટે બૉમ્બે ઍનૅટૉમી ઍક્ટ, ૧૯૪૯ના કેટલાક નિયમો છે. એ સિવાય જો વ્યક્તિને કોઈ ઇન્ફેક્શન હોય, જેમ કે HIV ઇન્ફેક્શન, હેપેટાઇટિસ B અથવા આખા શરીરમાં સેપ્ટિક થયું હોય તો આવા મૃતદેહો પણ દેહદાનમાં સ્વીકારવામાં આવતા નથી.’
અહીં ઉલ્લેખનીય છે કે નૅશનલ મેડિકલ કમિશનના નિયમ પ્રમાણે દર ૧૦થી ૧૫ વિદ્યાર્થીઓ વચ્ચે એક કૅડેવર હોવું જરૂરી છે. મુંબઈની સરકારી મેડિકલ કૉલેજોમાં દર વર્ષે MBBSની ૨૫૦ બેઠકો હોય છે. દરેક કૉલેજને વર્ષે વીસથી પચીસ કૅડેવરની જરૂર પડે છે.
દુનિયામાં અંગદાનનાં મુખ્યત્વે બે મૉડલ છે
ઑપ્ટ-ઇન મૉડલ : ભારત, અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં આ સિસ્ટમ છે. અહીં વ્યક્તિએ પોતે જીવતેજીવ અંગદાનનું કાર્ડ - ફૉર્મ ભરવું પડે છે અથવા તેના મૃત્યુ પછી તેના પરિવારની લેખિત મંજૂરી અનિવાર્ય છે. જો પરિવાર ના પાડે તો ડૉક્ટરો અંગો લઈ શકતા નથી. ઑપ્ટ-આઉટ મૉડલ : સ્પેન, ક્રોએશિયા અને ઑસ્ટ્રિયા જેવા દેશોમાં એવું માનવામાં આવે છે કે દરેક નાગરિક બાય-ડિફૉલ્ટ અંગદાતા છે જ. જો કોઈને અંગદાન ન કરવું હોય તો તેણે જીવતેજીવ રજિસ્ટર કરાવીને ના પાડવી પડે છે. આ જ કારણ છે કે સ્પેન વિશ્વમાં અંગદાનના દરમાં મોખરે છે.
પડકારો કયા?
ટેક્નૉલૉજી અને મેડિકલ સાયન્સના ઍડ્વાન્સમેન્ટને કારણે પહેલાં મેડિકલ કૉલેજોને અનક્લેમ્ડ બૉડી જે માત્રામાં મળતી હતી એ હવે નથી મળતી. સરકારી હૉસ્પિટલના ડૉક્ટર કહે છે, ‘આ સહેજ પેચીદી લાગે એવી વાત છે, પણ પહેલાં ટેક્નૉલૉજી નહોતી એટલે અનક્લેમ્ડ બૉડીનું જલદીથી ટ્રેસિંગ નહોતું થતું. એ સમયે મોબાઇલ ફોન નહોતા એટલે કમ્યુનિકેશન ફાસ્ટ નહોતું. આજે ઇન્ટર-સ્ટેટ પોલીસ કમ્યુનિકેશન ફાસ્ટ થયું છે એટલે તરત જ કોઈ અનક્લેમ્ડ શબ મળે તો વિવિધ રાજ્યોની પોલીસ વચ્ચે રહેલા નેટવર્કને કારણે તરત જ એના સંબંધીઓ મળી જાય છે. બીજી બાજુ પહેલાં TBને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ વધારે હતું અને ગામડામાં પરિવાર રહેતો હોય અને મુંબઈમાં કામ કરતો હોય ત્યારે ધારો કે તેને કંઈ થઈ જાય તો અહીં કોઈ બૉડી ક્લેમ કરવા નહોતું આવતું અને બૉમ્બે ઍનૅટૉમી ઍક્ટ અંતર્ગત અમુક સમયમર્યાદા વીતી ગયા પછી એને મેડિકલ હૉસ્પિટલમાં સ્વીકારી લેવાતું. જોકે આજે આ રીતે અનક્લેમ્ડ બૉડી આવવાનું પ્રમાણ ઑલમોસ્ટ સમાપ્ત થઈ ગયું છે. હવે અભ્યાસ માટેના મૃત શરીરની જરૂરિયાત સંપૂર્ણપણે ડોનરો પર આધારિત છે ત્યારે લોકોમાં દેહદાનની જાગૃતિ આવે એ ખૂબ જરૂરી બનતું જાય છે.’
